December 08, 2024

ખુશીઓનો ખજાનો…

— 😍 ખુશીઓનો ખજાનો…😍

શીખવાની પ્રક્રિયા સીધી રેખામાં ચાલતી નથી, પરંતુ ચક્રાકાર હોય છે. ભાષા શીખવી જેટલી સહજ છે, તેટલી જ તેમાં ગૂંચવણો પણ છે. જો આપણે કોઈ ભાષાને બળજબરીથી શીખવાનો પ્રયાસ કરીએ, તો આપણે તેમાં કૃત્રિમ રીતે વાંચી, લખી, સાંભળી કે બોલી શકીએ, પરંતુ તે ભાષા આપણામાં ઊંડે સુધી ઊતરતી નથી. આપણો સંબંધ તે ભાષા સાથે ઉપરછલ્લો જ રહે છે.

આવું જ કંઈક ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અને મોટેરાંઓ સાથે અંગ્રેજી ભાષાના કિસ્સામાં થઈ રહ્યું છે. ઘણા લોકો અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતા હોવા છતાં, સામાન્ય વાતચીતમાં પણ અસહજતા અનુભવે છે. સામાન્ય સૂચનાઓ વાંચવામાં કે ફોર્મ ભરવામાં પણ તેમને મુશ્કેલી પડે છે. આનું મુખ્ય કારણ તેમની ભાષા શીખવાની કૃત્રિમ પદ્ધતિ છે.

આપણી શાળાનો મુખ્ય ગુણધર્મ સહજતા રહ્યો છે. અહીં કશું જ સંપૂર્ણ આયોજિત હોતું નથી. દર વર્ષે પાઠ્યપુસ્તકના ભાગરૂપે 'ટ્રેઝર હન્ટ' રમાય છે. આ વખતે અંગ્રેજીના વર્ગો વધુ અનૌપચારિક રહ્યા. પ્રથમ યુનિટમાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ નેતૃત્વ લઈ લીધું તો શિક્ષકે ટ્રેઝર હન્ટ જરા વધુ સમય આપી રમાડવાનું નક્કી કર્યું. શિક્ષકે અત્યાર સુધીના પ્રયોગોની નોંધ કરી અને ટ્રેઝર હન્ટ માટેની પ્રક્રિયા નક્કી કરી:

😍 ખજાનો છુપાવવાની મુખ્ય જગ્યા નક્કી કરવી.

😍 તે જગ્યા સુધી પહોંચવાના માર્ગમાં આવતાં સ્થળો નક્કી કરવા

😍 શાળા કેમ્પસ બહારના આખા ગામને સાંકળી શકે તેવા સ્થળોની યાદી કરી જેથી વિદ્યાર્થીઓને શાળાની બહાર ફરવાનો મોકો મળે.

😍 તે સ્થળો માટે અંગ્રેજીમાં કોયડા બનાવવા.

😍 રમતના સામાન્ય નિયમો નક્કી કરવા.

😍 ગામમાં અલગ-અલગ જગ્યાએ ચિઠ્ઠીઓ છુપાવવા માટે મદદ લેવી.

અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે સૌ ખજાનાની શોધમાં નીકળવાના હતા. 'રેડી, વન, ટુ, થ્રી, ગો' સાથે વિદ્યાર્થીઓ જૂથોમાં વહેંચાઈને કોયડા ઉકેલવા લાગ્યા. એક ચિઠ્ઠીમાં જાણીજોઈને સ્થળને બદલે વ્યક્તિની માહિતી હતી, જેનાથી તેઓ મૂંઝાયા, પરંતુ તેમની વચ્ચેની વાતચીતથી અમને સંતોષ થયો.

અંગ્રેજીમાં કોયડો ઉકેલ્યા પછી તેમનાથી ગામના દુકાનદારોને પણ અંગ્રેજીમાં પૂછાઈ જતું.. સામે દુકાનદારનુંહે.. એ.. એ..આવતું ત્યારે સમજાતું કે આમને ગુજરાતીમાં પૂછવું પડશે.

કેટલીક ઘટનાઓ રમૂજી હતી. જેમ કે, એક ટેમ્પામાં શાક વેચવા આવનારને છોકરાંએ રોક્યો કારણ કે એક ચિઠ્ઠીની હિંટ શાકભાજી તરફ ઇશારો કરતી હતી. તેમણે ટેમ્પાવાળાને પૂછ્યું, “ચિઠ્ઠી છે?” પેલા ભાઈને એમ કે કદાચ આ ગામમાં શાકભાજી વેચવા કોઈ ચિઠ્ઠી જોઈતી હશે. તેણે હાથ જોડીને કહ્યું કે તેની પાસે કોઈ ચિઠ્ઠી નથી. જે સજા કરવી હોય એ કરો.  બીજી દુકાને એમણે દુકાનદારનાં પત્નીને ચિઠ્ઠી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમની પાસે કોઈ ચિઠ્ઠી છે નહીં પણ તમારે ભણવામાં કામ લાગતી હોય તો તેઓ ચિઠ્ઠી લખી આપશે.

આ ધમાચકડી સવારે ૧૦:૩૦ થી ૧:૩૦ સુધી ચાલી. ગામમાં પણ ચર્ચા થઈ રહી હતી કે બાળકો કંઈક શોધી રહ્યાં છે. આ રીતે તેઓ એક ટીમ બનીને પોતાની સામે આવેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મથતાં રહ્યા કોઈ સાયકલ લઈને પડ્યું પણ ખરું. કોઈને કાંટા વાગ્યા પણ ખરા પણ આ બધામાં તેઓ જે ટીમવર્ક શીખ્યા અને સ્વાભાવિક રીતે અંગ્રેજીનો ઉપયોગ કરતા થયા. હવે પછી તેઓ અંગ્રેજીનો સામનો કરશે ત્યારે તેમને મૂંઝવણ નહીં થાય તેની અમને ખાતરી છે અને એ જ અમારો ખુશીઓનો ખજાનો છે. >>>  Video link




No comments: