April 30, 2024

પગ મને ધોવા દ્યો ને રઘુરાય ! અભ્યર્થના ૨૦૨૪

પગ મને ધોવા દ્યો ને રઘુરાય ! અભ્યર્થના 

રામ, લક્ષ્મણ અને જાનકીને નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી કેવટ પોતાની નૌકામાં બેસાડીને લઈ જાય. એ દરમિયાન મુસાફરીમાં તે ત્રણેય સાથે સમય વિતાવવાનો આનંદ માણે.  એ આનંદને પોતાના હૈયામાં સમાવવાનો પ્રયત્ન કરે. પરંતુ જેવો કિનારો આવી જાય એટલે તે રામ,લક્ષ્મણ અને જાનકીને પોતાની મુસાફરી કરવા માટે  આગળ વધવા દે. તેઓનો રસ્તો રોકી શકે નહીં.

એક શાળાને જો નૌકારૂપી ગણી લઈએ તો આપણે સૌ કેવટ અને શાળારૂપી નૌકામાં મુસાફરી કરવા આવતા બાળકો ! તેઓને તેમના બચપણથી  કિશોર અવસ્થા સુધી પહોંચાડી યુવાનીમાં પગ માંડવા આપણાથી મુક્ત કરવા પડે.  અને આપણે પણ એ કેવટની જેમ એ મુસાફરીનો આનંદ મમળાવ્યા કરીએ. 

જેમ જેમ આ  કિનારો નજીક આવતો જાય તેમ તેમ મુસાફરીના સ્મરણો વધુ તેજ બનતા જાય.અમને પણ આ મુસાફરીના દ્રશ્યો અત્યારે ઝબકઝબક થયા કરે છે. 

 “ઉ (હું) શું કહું શું સાયેબ?” જેનો તકિયા કલામ બની ગયેલો, જેના નામે ઓનલાઈન ક્લાસમાં સૌથી વધુ પ્રશ્નો પૂછવાનો રેકોર્ડ છે એવી અનીતા ! (શાળની પ્રમુખ પણ ખરી) એની કોઠાસૂઝ વડે શાળાની પ્રવૃતિઓમાં ઉમેરેલી નવીનતા સદાય રહેવાની છે. એ તો પહેલા દિવસથી જ લીડરની જેમ જ વર્તી છે. એનાથી વિપરીત અંગ્રેજી માધ્યમથી શિફ્ટ થઈ શાળામાં આવેલા હર્ષિલને બોલતો સાંભળવા માટે કાન સતેજ કરવા પડતા.. એ સ્થિતિથી લઈને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર શાળાનું નેતૃત્વ કરતો જોઈને શાળા તરીકે જે પ્રક્રિયાઓ થઈ રહી છે તેની ઉપર શ્રદ્ધા બેસે છે . એને જે રીતે દિવ્યસિંહ, પ્રિન્સ, સાગર, રુદ્ર એ આખી ટીમને પ્રેરિત કરી છે તે જ તેના નેતૃત્વના કૌશલ્યનો નમૂનો છે. બચપણમાં કબૂતરને રહેવાની જગ્યા ને સાફ કરવા માટે પક્ષીઘરમાં ખોવાઈ ગયેલો પ્રિન્સ અમને સૌને આઠમા ધોરણમાં  ચીવટ પૂર્વક અભ્યાસ કરતાં પ્રિન્સ તરીકે પાછો મળી ગયો. હર્ષિલ ની જેમ જ અંગ્રેજી માધ્યમમાંથી આવીને ગુજરાતી અર્થગ્રહણને આત્મસાત કરનાર રુદ્ર હોય કે  પોતાના સ્વભાવની અંદર ફેરફાર કરી ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખી કાર્ય કરતો સાગર. સામાન્ય રીતે ચૂપ રહેતો પરંતુ ગુસ્સો આવી જાય ત્યારે સૌને વેરવિખેર કરી દેતો યુવરાજ…વર્ગ સિવાય બધે સ્વર્ગ લાગે : મોકો મળે એટલે લટાર મારી લેવાની ફિરાકમાં હોય એવો અમારો ગોલુમોલુ કીર્તિમાન ! ખાનગી શાળામાંથી તૂટેલા આત્મવિશ્વાસ ને એક એક કરીને સાંધા મેળ કરતા વીરેન્દ્ર અને વનરાજ ! જુદી જુદી સ્થિતિઓમાં સંઘર્ષ કરતા રહેતા કલ્પેશ, રાજેન્દ્ર, જયેશ, જીતેન્દ્ર  ! તમે સૌ એ અર્થમાં હીરો છો કે જેઓએ મુશ્કેલીઓની અંદર પણ શીખવા માટેની યાત્રા અટકાવી નથી. .

સુકલકડી શરીર અને મોટું બ્રહ્માંડ દેખાય તેવું હાસ્ય ધરાવતી દિશા -  અમારું પઢાકું વિમાન ! જેના વડે પ્રચલિત થયેલી ગણિતની રીતિ એકદમ વર્ષો સુધી સૌને યાદ રહેશે અને વપરાતી રહેશે… અને તે રીતિ એટલે રાકલા ના દાખલા ! વાત વાતમાં રિસાઈને જેને રીસાવામાં પણ બરાબર મહારત હાથ ધરી લીધી તેવી જાનકી - કે જેણે વર્ષ દરમિયાન ગ્રુપના લીડર તરીકે જ નહિ પણ પ્રવાસસચિવ તરીકે પ્રવાસ દરમિયાન વધુમાં વધુ શીખી શકાય,જાણી શકાય, માણી શકાય અને ઓછામાં ઓછી મુશ્કેલીઓ કેવી રીતે પડી શકે તેવું આયોજન કરીને બતાવ્યું. ત્યારે અમને (અને તેને પણ) સમજાયું  કે જો તે પોતાને કેવું લાગે છે તેની તરફ ધ્યાન આપવાને બદલે પોતે શું કરવું જોઈએ તેની તરફ ધ્યાન આપીએ તો જ શક્તિશાળી બની શકીએ.  તેનાથી તદ્દન વિપરીત સ્વભાવથી તેની સાથે જ જોડાઈને શાળામાં એકપછી એક નવીનતા ઉમેરતી જતી દિવ્યા. ધીમું અને ઓછું બોલે પરંતુ જ્યારે પણ કહે ત્યારે પોતાના વાતમાં અને અવાજમાં મક્કમતા ને બરાબર રજૂ કરી શકતી રાજેશ્વરી. કેટલાક ધીમે દળવાનું શરૂ કરે પરંતુ એટલું સરસ ઝીણું દળે  કે જેના કારણે શિક્ષકો તરીકે આપણને આપણી ઉપર જ નવાઈ લાગે આવું ઝીણું દળનારી ભૂમિ, શાળામાં અને વર્ગમાં જે સૌથી ઓછું બોલી હશે તેવી ભાવિકા પરંતુ તેની વૈચારિક સ્પષ્ટતા એટ્લી કે છોકરીને જન્મ આપે એટલે સ્ત્રીનો વાંક નથી એ વિજ્ઞાન દિવસે સૌને સમજાવી શકે. સાથે જ ઓરિગામી થી લઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તેનું કૌશલ્ય શાળામાં ફેલાયેલું જ રહેવાનું છે.  

હમણાં સુધી કોટે વળગી જતી જાદુ ઉર્ફે રોશની  અને ગાવાનું હોય, વગાડવાનું હોય, યોગાસન હોય કે નૃત્ય - બધામાં સહજતાથી છવાઈ જતિ જીનલ (ઉર્ફે 😀)  “મૈ મેરી ઝાંસી નહી દુંગી, ઝાંસી હમ હિન્દુસ્તાનીઓ કી હૈ એમ બોલતી વખતે તે પોતે કોણ છે તે ભૂલીને ઝાંસીની રાણી બની ગઈ હતી તેવી શ્રેયા !સર, આ મે બરાબર કર્યું ? હજુ આમ કરી જોઉં ? વગેરે પ્રશ્નોથી તૃપ્ત થતી તૃપ્તિ ! 'પ્રિયવચનમંદસ્મિતવતી'   વિશેષણ જેને સીધું લાગુ કરી શકાય તેવી આસ્થા ! બોલે તો બે ખાય જેવા નિયમથી કામ સિવાય બોલે જ નહિ એવી ક્રિષ્ના અને યેશા ! એકવાર જે બાબતમાં સ્પષ્ટ થાય એટલે એના વર્તનમાં એ સ્પષ્ટતા દેખાય જ એવી રીપલ ! દૂરથી ચાલીને આવવાનું થાય પણ જે શાળામાં આવવાનું ચૂકી નથી તેવી વિદ્યા, જયશ્રી, ધર્મિષ્ઠા! અને પોતાના એક મિનિટના રુદનના અભિનયથી બધાને હચમચાવી ગયેલી નિશા ! પોતાની શારીરિક ક્ષમતાઓને હસમુખા સ્વભાવથી વિસ્તારતી રહેતી હિના અને કુટુંબનું પાંજરું પહોળું કરવા મથતાં રસિલા, પિંકી, ઉષા અને હંસા. 

        ગણિત માટેની જેમની ઝડપ હવે ક્યારે કોઈ મેચ કરી શકશે કે કેમ ? એવી ત્રિપુટી - કુંજ, પૃથ્વીરાજ અને જયરાજ !

આપણા સૌની મુસાફરીની અગણિત સ્મૃતિઓ છે. એનું અજવાળું એટલું ફેલાયેલું છે કે આપણા શારીરિક અંતરો થઇ જવાથી આપણી ભીતરમાં કોઈ દૂરતા આવવાની નથી.

સૌ પોતપોતાની આનંદયાત્રામાં આગળ વધો ! 🙏🙏


No comments: