એક એવી પેઢી ઉછેરીએ !!
આવતી કાલની દુનિયા
કેવી હશે ? તે આજે શાળામાં
જીવી રહેલ પેઢી એટલે કે બાળકો પર નિર્ભર છે. એટલે જ કહેવત બની છે કે
દેશ/સમાજ/દુનિયા નું ભવિષ્ય તેની શાળાઓની ચાર દિવાલો વચ્ચે ઘડાઈ રહ્યું છે. હવે તો
જોકે શાળા એ ચાર દિવાલો વચ્ચેની જગ્યાએ ચારેય દિશાઓ વાળું બન્યું છે. અત્યારે
ઈન્ટરનેટ એ જ જાણે કે મોટી યુનિવર્સિટી છે. માટે હવે સમાજ જ્ઞાન/માહિતી મેળવવા
માટે ફક્ત શાળા ઉપર નિર્ભર નથી. એવામાં શાળામાં શિક્ષકો ધ્વારા બાળકોને
માહિતી/જ્ઞાન પીરસવું એ મુખ્ય કામ હતું તે હવે રહ્યું નથી. તો પછી શાળાનું કામ શું
?
શાળા એ સામૂહિક
જીવન જીવવા માટે બાળકોને કેળવતી મુખ્ય વ્યવસ્થા છે. ફક્ત મુખ્ય નહીં પરંતુ એકમાત્ર
સંસ્થા કહીએ તો પણ ખોટું નથી. કારણ કે જ્ઞાન તો ગૂગલ પણ પીરસી દે છે, પરંતુ તે પીરસાયેલા જ્ઞાનને ઉપયોગિતા
માટેની સમજ આપે છે તે શાળા છે. આમ શાળા એ બાળકનો સ્વભાવ બનાવતી સંસ્થા છે….સ્વભાવ
બને છે ક્રમિક વર્તનને આધારે ! વર્તન એ અનુભવોનું પ્રતિબિંબ હોય છે એટલે કે એમ કહી
શકાય કે અનુભવને આધારે થયેલ ક્રમિક વર્તન સમયાંતરે આપણો સ્વભાવ બનતો હોય છે. હવે
આમાં શાળા શું કરે છે ?
આપણે સૌ ઇચ્છીએ
છીએ કે આપણા દેશમાં દરેક નાગરિક પ્રામાણિક હોય - દરેક વ્યક્તિ કાયદાને માન આપી
નિયમાવલી મુજબ જીવતાં હોય - સૌ નીડર હોય - એકબીજા પ્રત્યે માનની નજરે જોતાં હોય - આવાં રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે દરેક
નાગરિકનું વર્તન મિલનસાર સ્વભાવવાળું હોવું આવશ્યક છે. વ્યક્તિમાં આવું વર્તન ત્યારે જ શક્ય છે, જ્યારે તે સ્વભાવ તરીકે દરેક નાગરિકમાં
વણાઈ જાય. આવાં નાગરિક દેશને ત્યારે જ મળે જ્યારે તેઓનું બાળપણ એવાં અનુભવોમાંથી
પસાર થાય. શાળાકીય જીવન દરમ્યાન સુખદ અનુભવોમાંથી પસાર થયેલ બાળક જ સુખદ સમાજનું
નિર્માણ કરી શકે છે. એક મિનિટ માટે વિચારો કે એક બાળકે ક્યારેય તેના ઉછેર દરમ્યાન કોઈનો ગુસ્સો જોયો કે અનુભવ્યો નથી - તે
બાળકના વર્તન કે સ્વભાવમાં ગુસ્સો આવવો એ અશક્ય વાત છે. વિચારો કે સતત માન અને
હૂંફ મળતા પર્યાવરણ વચ્ચે જ્યારે કોઈ પેઢી ઉછરે છે, ત્યારે ભવિષ્યનો સમાજ એકબીજા પ્રત્યે માન - એકબીજા પ્રત્યે સહાનુભતી ધરાવતો
સમાજ મળી રહે તો નવાઈ નહીં ! આવા સમાજના નિર્માણ માટેનું પ્રથમ પગથિયું આપણે સૌ
એટલે કે શાળા-શિક્ષકો છીએ. જેમાં અને જેની સાથે બાળક પૂરા દિવસના પાંચ થી છ કલાક
વિતાવે છે. એવામાં..
·
ભૂલ કરવાથી લડશે એવો ડર દૂર કરીએ..
·
બાળકોને એકબીજા સાથે સંવાદ કરવાની અને અરસપરસ મદદ ની આવશ્યકતા ઊભી થાય તેવી
યુક્તિ -પ્રયુક્તિઓ ઊભી કરીએ.
·
બાળકના કોઈપણ પ્રકારના વર્તન માટે ક્યારેય ગુસ્સો ન કરીએ એ પ્રત્યે તેનું
ધ્યાન ખેંચવા અન્ય વિકલ્પો વિચારીએ.
·
નકારત્મકતા પેદા કરતા સંવાદો કરવાનું ટાળીએ.
બાળકોને એવા શાળાકીય વાતાવરણમાં ઉછેરી - સતત પ્રેમ અને હુંફ સાથેના વર્તન વડે તેને ભવિષ્યના એવાં સ્વભાવ સાથેના નાગરિકો બનાવવા મચી પડીએ !
No comments:
Post a Comment