કલાઓનો ષટકોણ અને જીવન કૌશલ્યોનો પંચકોણ
પરીક્ષા પછીની શાળામાં ખાલીપો લાગે તો સમજવું
કે આપણું વર્ષ દરમિયાનનું કાર્ય પરીક્ષાકેન્દ્રી જ હતું. આપણે સૌએ ભેગાં મળી શીખવા
વિષે ખાસ વિચાર કર્યો નથી. સતત શીખવાની કોઈ સીમા નથી હોતી એ બોલવા અને સાંભળવામાં
જેટલું સારું લાગે છે, એ અનુભવવા માટે આયોજન જોઈએ.
સામાન્ય વર્ષોમાં પરીક્ષા પૂરી થાય એટલે ગામનો
ઉત્સવ એટલે કે “ગ્રામોત્સવ” રાહ
જોતો ઉભો હોય છે. એ ઉત્સવની તૈયારીમાં શાળા આખું વર્ષ સક્રિય હોય એના કરતાં પણ વધુ
સક્રિયતા અનુભવે. તેની તૈયારીઓ માટે શાળાના સમયમાં વધારો થઈ જાય. આ વર્ષે ચૂંટણીની
આચારસંહિતાના કારણે ગ્રામોત્સવને ચૂંટણી પછી ઉજવીશું. એવું નક્કી થતાં જ પરીક્ષા
પછી શાળાના કેમ્પસમાં શું કરવું ? એના વિચારરૂપે જે પહેલો પ્રયોગ આયોજિત કર્યો તે
હતો “કલાઓનો
ષટકોણ”. જેમાં
બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના બધા બાળકોને જુદા જુદા છ દિવસ સુધી જુદી જુદી
કલાઓ ઉપર હાથ અજમાવવાનો મોકો મળે.
કલાઓ પરિચિત હતી. પરંતુ
તે માટે જરાક જુદી પ્રક્રિયા નિશ્ચિત કરી કે જેથી તે બાબતમાં નવા વળાંકો આવી શકે
જેમ કે…
- નાચો ગાઓ રચો.. > એ માટે
જુદા જુદા અભિનય ગીત શિક્ષકો દ્વારા કરાવવામાં આવે ત્યારબાદ તેઓ જૂથમાં બેસે
અને એવા અભિનય ગીતો બનાવવાનો પ્રયત્ન કરે ફરી પાછા બધા એકત્ર થાય અને પોત
પોતાના પ્રયત્નો એકબીજા સાથે વહેંચે. શિક્ષકો માટે શરત એટલી હતી કે તેઓએ જ
અભિનય ગીત કરાવવાના છે તે અત્યાર સુધી તેમણે આ શાળામાં કરાવ્યા ન હોવા જોઈએ
એટલે વર્ષ દરમિયાનમાં જે ગીત ક્યારેય જે શિક્ષક પાસેથી ન સાંભળ્યું હોય તેવું
ગીત બધા બાળકોને સાંભળવા અને અભિનય કરવા માટે પ્રાપ્ત થયું.
- વાર્તા રે વાર્તા માં પણ
અવનવી વાર્તાઓ સાંભળવી - રચવી - કહેવી અને નાદ ગજવીએ માં જુદા
જુદા વાદ્યો પર હાથમાં અજમાવવા.
- માટી સાથેની મજાની પણ આ જ શરત હતી કે આપણે વર્ષ
દરમિયાન જુદા જુદા પ્રસંગોએ માટીમાંથી રમકડા વગેરે બનાવીએ છીએ પરંતુ તમારે આ
વખતે માટીમાંથી એવી કૃતિ બનાવવાની છે કે જે તમે અત્યાર સુધી ક્યારેય બનાવવાનો
પ્રયત્ન ન કર્યો હોય અને સાચે જ એ ‘માટી સાથેની મજામાં’ મજાથી
બનેલી આ કૃતિઓથી અમને તો ઘણી મજા પડી ગઈ.
- માટી સાથે કરેલી આ મજામાં ની જેમ જ કાગજ કે
ફૂલમાં ઓરીગામી માટે એવી જ શરત હતી કે પહેલા ઇન્ટરનેટ ઉપરથી કાગળ માંથી કેવી
કેવી વસ્તુઓ બની શકે તે જુઓ અને ત્યારબાદ તેમાંથી જનરેટ કરેલા વિચારો મુજબ
કાગળની કૃતિઓ બનાવવી.
- જો કે સૌથી વધુ મજા બધાને “રમે તેની
રમત”
માં આવી જેમાં સૌ પોતે ઘરે કઈ કઈ રમતો રમે છે શેના વડે
રમે છે કેવી રીતે રમે છે કોની સાથે રમે છે તેવા પ્રકારની વાતો તો કરી જ સાથે
સાથે જે રમતો અત્યારે ઓછી રમાય છે તેવી ભમરડો ફેરવવો,ગીલી ડંડા
રમવા,વ્યાપાર-ચોપાટ, લખોટી જેવી
રમતો રમ્યા પણ ખરા.
જ્યારે ધોરણ છ થી આઠ માં પણ પરીક્ષાઓ પૂરી થઈ
એટલે ફરીથી એવો વિચાર કર્યો કે હવે બીજું શું કરી શકાય? એક
પ્રસ્તાવ તો તેમણે મનમાં બનાવી જ લીધો હતો કે રમત તો રીપીટ કરવી જ પડશે! બીજા ચાર
વિષયો પર તેમની સાથે ચર્ચા કરી તે પૈકી, દર વર્ષે જે રીતે તેઓ જૂથમાં બેસી વ્યક્તિત્વ
વિકાસ માટેના ગુણ નક્કી કરે છે તે માટેનો દિવસ
નિશ્ચિત થયો. જેમાં સૌપ્રથમ જે તે વિદ્યાર્થીને જ પૂછવામાં આવે છે કે તેને કેટલા
ગુણ આપવામાં આવે ? દાખલા તરીકે “સહાધ્યાયીને મદદ કરે છે.” - એ
વિધાન માટે. તો સૌ પ્રથમ જેના ગુણ મુકાતા હોય તેને જ પુછાય છે કે “તને
શું લાગે છે?” તે
જે આંકડો કહે તેની ઉપર ગ્રુપમાં ચર્ચા થાય છે અને સર્વાનુમતે તેના ગુણ મૂકવામાં
આવે છે. આ આખી પ્રક્રિયામાં “ગુણ” એટલે કે “માર્કસ” ને બદલે “ગુણ” એટલે કે “ક્વોલિટી” વધુ મહત્વની બની જતી હોય છે.
બીજા દિવસે જુદી જુદી સર્જન ક્રિયાઓનો ઉપક્રમ
રાખ્યો. જેમાં તેમને ગમે તેવા ચિત્રો,વાર્તાઓ, કવિતાઓ કે નિબંધો લખવા. અહીંયા પણ ધોરણ ત્રણ થી
પાંચમાં કર્યું હતું તે મુજબ અત્યાર સુધીમાં ન દોર્યા હોય તેવા ચિત્રો,ગીતો
કે કવિતાઓ વિશે વિચારો તેની ઉપર ભાર મૂક્યો હતો. દોરતાં પહેલાં વિશ્વના પ્રખ્યાત
ચિત્રો તેઓને બતાવવામાં આવ્યા જેમાં મોનાલીસા થી માડીને પાબ્લો પિકાસો સુધી ગયાં .
આના કારણે આ ઉંમરે તેઓ માત્ર જે પ્રકારના ચિત્રોથી બંધાઈ ગયા હોય તે ચોકઠું થોડુંક
હળવું થાય અને કેટલાકના ચિત્રોમાં તે હળવાશ દેખાઈ પણ ખરી. એ જ રીતે એક દિવસ
અક્ષરની સિક્સર મારી ! જ્યાં અક્ષરોને પણ ઉકેલી શકાય તેવા ચિત્રોમાં બદલવાનો
પ્રયાસ કર્યો.
આ “પંચકોણ” ઉત્સવમાં જે દિવસની મજા સૌથી વધુ રહી તે છે “વિચાર
વિશે વિચાર કરીએ” ! ત્યાં અમે સૌ સાથે મળી એક કોંગલોમ રૂપે આપણે
કોઈપણ પરિસ્થિતિમાં જે વિચાર કરીએ છીએ, ત્યારે તે માટેના કયા પગથિયાં આપણા મગજમાં રચાય
છે? - તેના
વિશે ચર્ચા કરી. આના જ એક્સટેન્શન રૂપે બંધારણ રચવું હોય તો આપણે કેવા પ્રકારે
વિચારણા કરવી જોઈએ તેનો વિચાર કર્યો. આમ સતત રોજેરોજ જે પ્રકારની પ્રક્રિયાઓમાં
શૈક્ષણિક સામગ્રી આડ ખીલી રૂપ બનતી હતી, એની ગેરહાજરીમાં તેમને અનુકૂળ પડે તેમ વાતો
કરતાં કરતાં - ચર્ચા કરતાં કરતાં કેટલુંક તારવતાં - નોંધાતાં જઈને શીખવાની મજા
પડી.
. આ બધા ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં આ દસે દિવસોનો આનંદ તમે પણ માની શકશો.
No comments:
Post a Comment