વિજ્ઞાનને જાણવા નીકળેલી આંખો ! 👀
બાળક એ આંખો અને કાન કરતાં હાથ-પગ દ્વારા વધારે અને જલ્દીથી શીખે છે. આ વાક્ય શૈક્ષણિક કાર્યમાં પ્રવાસ પદ્ધતિનું કેટલું મહત્વ છે તે બતાવે છે. બાળકોને ફરવું અને જોવું ગમતું હોય છે તેમના આ ગમતાપણાનો ઉપયોગ શૈક્ષણિક કાર્યમાં જો કરવામાં આવે તો તે ઉત્તમ પરિણામ લાવી શકે તે હકીકત છે. શાળાઓ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પદ્ધતિઓમાં ખૂબ જ અસરકારક એ પ્રવાસ પદ્ધતિ પણ છે. કોઈપણ વિષય વસ્તુની સમજ માટે બાળકોને તેનું એક્સપોઝર કરાવીએ તો તે બાળક તેને વધુ સારી રીતે સમજી શકે છે..
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળકોને સાયન્સ સીટીની મુલાકાત કરાવવા માટેનું જ્યારે ટેલિફોનિક જાણ કરવામાં આવી ત્યારે શાળાની સૌથી વધુ આનંદ એ વાતનો હતો કે શાળાના બાળકો વિજ્ઞાન સાથે રૂબરૂ થશે. ક્યારે અને શેમાં જવાનું છે – તે લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્વારા જણાવ્યા બાદ આગળના આયોજનનો દોરી સંચાર નાગરિક ઘડતર ગ્રુપનો હતો. મર્યાદિત 51 બાળકો મુલાકાતમાં સામેલ કરાશે તેવા ટૂંકા મેસેજથી થયેલ જાણે અમારા માટે આફત જેવી હતી. બાળ સંસદે ઉકેલ કાઢ્યો કે 51 બાળકો સાયન્સ સિટી જોઈ-જાણી અને અનુભવી લાવે – અને તેઓ ત્યાં જે જે જુએ – જાણે –અનુભવે તેનો હૂબહૂ રજૂઆત વડે બાળકો સામે સાયન્સ સિટી ઊભી કરે. હવે સાયન્સ સિટીનો પ્રવાસ એ ફક્ત ફરવાનો આંટો મારવાનો નહોતો. હવે તો વિજ્ઞાનને -
જોઈ – જાણી – અને સમજવું અને તેને શાળામાં જઈને રજૂ કરવાનો પ્રોજેક્ટ હતો. માટે જ બાળકોની પસંદગી માટે પણ લીડર ધ્વારા કેટલાંક નિયમો ઘડવામાં આવ્યા. જેમ કે વિજ્ઞાનમાં વધુ સારો દેખાવ કરી શક્યા હોય, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હોય, ઇન્સ્પાયર એવોર્ડમાં પોતાનો આઇડિયા આપ્યો હોય ! એટલે કે વિજ્ઞાનને વધુ નજીકથી જાણતા -સમજતાં અને રજૂ કરી શકતાં બાળકોને જુથ લીડર ધ્વારા અગ્રિમતા આપવામાં આવી. જમવા માટેનો ખર્ચ શાળાએ કરવાનો હોય, તેનું આયોજન પણ બાળકોના ગ્રુપ ધ્વારા કરવામાં આવ્યું.
આવી તૈયારીઓ સાથે બસમાં નીકળેલ પ્રવાસની શરૂઆત થી અંત સુધીનો આનંદ તો આપ ફોટોગ્રાફ/ વિડીયો ધ્વારા જોઈ શકશો. પરંતુ બાળકોમાં એકબીજાને સમજવાની અને ખભેખભા મિલાવી મોટા થવાની – સૌ સાથે મળી આનંદ કરવાના ભાવદર્શન ત્યારે થયાં જ્યારે ખૂબ કકડીને લાગેલી ભૂખમાં પણ સૌએ એકબીજા સાથે નાસ્તા શેરિંગ કર્યું. નાસ્તો ન લાવી શકનાર કોઈ ભૂખ્યું તો નથી ને ? – તેવું શોધતી તે આંખોમાં અમને વિજ્ઞાનની સાથે સાથે જાણે કે જગતભરનું જ્ઞાન પણ દ્રશ્યમાન થતું હતું – ચાલો, માણીએ આવા જ્ઞાન સાથે વિજ્ઞાનને જાણવા નીકળેલી એ આંખો ને !
No comments:
Post a Comment