ઉજાણી - :
બાળકોએ આનંદથી જાણી !!!
શીખવું સહેલું નથી ! – આપણે ભણતાં હતાં ત્યારે આ અનુભાવતું. સમય બદલાતો ગયો, અને ભણવાની જગ્યાએ ભણાવવા લાગ્યા ત્યારથી આપણો ડાયલોગ બદલાઈ ગયો. – હવે બોલીએ છીએ કે “અલ્યા આટલું નથી આવડતું?
કેટલું સહેલું છે !” શીખવું સહેલું કે અઘરું હોતું નથી ! તેને શીખનાર કેવી દૃષ્ટિએ જુએ છે અને કેવા મૂડ સાથે શરૂ કરે છે તેના પર બધો સહેલા
– અઘરાનો આધાર છે. એટલા માટે જ કહ્યું છે કે ગમતું કાર્ય કરો અથવા તો જે કરી રહ્યા છો તેને ગમતું બનાવો. પરંતુ શિક્ષક તરીકે વર્ગખંડમાં બાળકો માટે આ વાત લાગુ કરવી ખૂબ મુશ્કેલ બાબત છે. તેનું કારણ એ છે કે ભણવાની પ્રક્રિયા એ મગજની કસરત છે. મગજ કસવાની પ્રક્રિયા સામે આવે ત્યારે આપણું મગજ પહેલો આદેશ તે કરવાનું ટાળવાનો કરતું હોય છે. એટલે જ તો જો, તે કામમાં દબાણપૂર્વક જોડાઈએ તો મગજ બીજા આદેશરૂપે કંટાળો પેદા કરતું હોય છે. માટે જ પુસ્તકમાં કોયડાને વાંચીએ કે તરત મથામણ કરવાને બદલે સીધો જવાબ ક્યાં લખેલો છે? તે જોવા લાગી જઈએ છીએ. આવી સ્થિતિમાં બાળકોને ભણવું ગમે એવું હોય નહીં
! - એવું બનાવવું પડે એ વર્ગખંડની પહેલી શરત છે.
વર્ગખંડની પ્રક્રિયા રસિક બને તે માટે પદ્ધતિ એ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માટે જ જો આપણે વર્ગખંડોમાં બાળકોને ગમતી પદ્ધતિથી શીખવવા માટે મથામણ શરૂ કરીએ તો બાળકો આપોઆપ જ એમાં જોડાતાં જશે. બારીકાઈથી જોઈએ તો તેમાં જોડાવા માટે બાળકોનું મગજ તેમને પુશઅપ કરતું જોવા મળશે.
બાળકોના સ્વભાવથી અવગત એવા આપણે સૌ જાણીએ છીએ કે ઉજાણી શબ્દ સાંભળતા જ બાળકોના આનંદનો પાર ન રહે ! કારણ કે ઉજાણી એટલે કેટલી મજા ! – એ બાળકનું મગજ જાણે છે. હવે શાળામાં ઉજાણી માણવાની જગ્યાએ ભણવાનું આવે અને તેમાંય આપણે કથાકીય પદ્ધતિ વડે ઉજાણીનું વર્ણન વાળી સ્ક્રિપ્ટ શરૂ કરીએ ત્યારે તો..
? જો કે બાળકોના આવા સ્વભાવને અમે જાણીએ છીએ માટે જ “ઉજાણી” ને જાણવાની પ્રક્રિયાને બદલે માણવાની પ્રક્રિયા કરી. ઉજાણીમાં સૌનો ઉત્સાહ રોક્યો રોકાય તેમ નહોતો.
રોજ તે રસ્તે જનારાં બાળકોના પગમાં અનેરો ઉત્સાહ અને વાતોમાં અનેરો આનંદ હતો. અમારું કામ તેમના આ ઉત્સાહ અને આનંદનો ઉપયોગ કરી ઉજાણી શા માંટે કરીએ છીએ – તે સમજાવવાનો હતો ! ચાલો, આ વિડિયોમાં જોઈએ એમના આનંદને અને અમારા પ્રયત્નને
!
No comments:
Post a Comment