September 30, 2020

ટેકનોલોજીના આશીર્વાદ -: પ્રીતિના જન્મદિવસની ઉજવણીએ ઉછળ્યો લાગણીઓનો દરિયો

ટેકનોલોજીના આશીર્વાદ -: 

પ્રીતિના જન્મદિવસની ઉજવણીએ ઉછળ્યો લાગણીઓનો દરિયો 

શિક્ષક- બાળકો - શાળા – ત્રણેય ને અલગ અલગ રાખવા તો શું ? - એવું વિચારવું પણ શક્ય નહોતું. બાળકો વિનાની શાળાઓ ચાલશે કે શાળા વિના બાળકો ફળિયામાં જ મહાલશે – એ ક્યારેય કોઈનેય સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો. પરંતુ તે હકીકત બની.  શાળાઓના નસીબમાં આડ બનીને ઉતારી દીધી એક અણધાર્યા રાક્ષસે. જયારે જયારે માસના અંતે આ અંકમાં લખવાની શરૂઆત થઇ આવે છે – બાળકો વિનાની શાળામાં શૂન્યતા ગળામાં ડૂમો લાવી દે છે. હાય રે ! કોરોના શાળાઓમાં કાળ બની આવ્યો ! આ વાક્ય દિલમાંથી સરી પડે છે.

શાળામાં રમતાં,કૂદતાં કિકિયારીઓ કરતાં હોય,મેદાનના ખૂણે ખૂણે ભમતાં હોય અને વાતવાતમાં લડાઈ કરી પાછાં થોડી વારમાં એકબીજા સાથે રમત ગમતમાં જોડાઈ જતાં હોય, એક દિવસ ન આવે કે આપણાથી ન અવાય તો પૂછાપૂછ કરી મૂકતાં હોય - એક અંગ જેવા અને પોતાના મન સરીખા ઉમંગ જેવા બાળકો વિનાના કેમ્પસમાંથી ઈ-લર્નિંગ ચાલી રહ્યું છે. બાળકોની ઘર મૂલાકાત એ હજુ પણ શાળા સાથેના બાળકની લાગણીઓના તાંતણે બંધાયોલો હોવાની સાબિતી પૂરી પાડે છે. ફરક એ પડ્યો છે કે પહેલાં શાળામાં ઘરની વાતો થાતી હવે બાળકોના ઘરે જઈએ ત્યારે શાળાની ચર્ચાઓ થઈ રહી છે. રોજેરોજ બાળકોના જન્મદિવસ તહેવારોની જેમ ઉજવાતા અને ચોકલેટો મીઠાઈની જેમ ખવાતી. અત્યારે મળવાની આ પ્રક્રિયા ઈ-મીટીંગ બની ગઈ છે. પરંતુ લાગણીઓ એટલી જ ઈ–લાગણીઓ બની જળવાઈ રહી છે. ટેકનોલોજી એ માટે આશીર્વાદ બની રહી છે. તેને કારણે જ તો આજે પણ હસી ખુશીના એ પ્રસંગો બાળકો સાથે ચાલી રહ્યાં છે. બાળકો પણ એટલા જ શાળા સાથે જોડાયેલાં છે – અને પોતાના જન્મદિને હસતાં હસતાં રડેલ પ્રીતિ - એ જ પુરાવો છે કે દીકરીઓ હજુ પણ અમને પરિવારથી કંઈ ઓછાં ગણતી નથી.

એક કહેવત છે – “સુખમાં કે દુઃખમાં” – જેની સામે કોઇપણ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવામાં તમને સંકોચ ન થાય એ સૌ આપણાં !!!

હવે મને ખબર છે કે તમે પૂછશો જ – કે એ દિવસે ઓનલાઈન ક્લાસમાં શું બન્યું હતું ? ચાલો જોઈએ  >  ટેકનોલોજીના આશીર્વાદ

September 29, 2020

Selfe with DD - Twist is Sweet !

Selfe with  DD  -  Twist is Sweet !

સતત એક પ્રકારનું કામ જીવનમાં રૂઢતા લાવી દે છે. દરેક માનવી સમયાંતરે પોતાના રૂટીનમાં કાંતો બદલાવ ઈચ્છે છે અથવા તો બ્રેક ઈચ્છતો હોય છે. આપણા રૂટીનમાં જીવાતા જીવન દરમ્યાન પણ જો વચ્ચે ફેરફાર ન આવે તો જીવનમાં પણ નીરસતા આવી જવાની સંભાવના રહેલી છે. અને એટલે જ તો, આવા બદલાવ અથવા તો બ્રેક માટે તહેવારોની ઉજવણી શરુ થઇ હશે. આવા ફેરફારો જીવનમાં નવો ઉત્સાહનો સંચાર કરી દેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ જ કે જે કાર્યમાં ઉત્સાહ ઉમેરાય તેના પરિણામોમાં ૧૦૦% સફળતાની આશા દેખાઈ આવે છે. દેખાઈ શું આવે ૧૦૦% પરિણામ મળી જ રહે છે. એનાથી જ સમજી શકાય છે કે કોઇપણ કાર્ય સતત એક રૂટીનમાં થવું એ તેની ખરાબ રીતે થઇ રહ્યાની અને અસફળતા મળવાની પણ નિશાની છે.!!

કાર્યનો ઉત્સાહ જળવાઈ રહે તે માટેનો બીજો નિયમ એ છે કે તેના માટે નિરીક્ષકો હોવા મહત્વના છે. તમને વાત કરું તો ક્રિકેટ આટલી ફેમસ કેમ બની અને ગલીએ ગલીએ રમાતી કબ્બડ્ડી અને કુસ્તી કેમ પાછળ રહી ગઈ એવું અમને જયારે કોઈ બીજો પૂછે ત્યારે અમારો જવાબ એ જ હોય કે પ્રેક્ષકો વિના ! જયારે કોઈ જોનાર નથી, ત્યારે કોઈ રમનાર પણ નથી ! કારણ કે કોઈ જોતું નથી એટલે ખેલાડીઓમાં  રમવાનો ઉત્સાહ પણ નથી બનતો ! અને તેની સામે ક્રિકેટે તે સમયે સમય સુચકતા વાપરી રમતમાં ટેકનોલોજીનો સંપૂર્ણપણે  ઉપયોગ કરી શેરી મહોલ્લા અને ગલીએ ગલીએના તમામ પ્રેક્ષકોને પહેલાં રેડિયા સામે ભેગાં કરી દીધાં. પછી તો ધીમેધીમે ઘરમાં ટીવી આગળ બેસીને રૂબરૂ મેદાન જ જાણે ઉભું કરી દીધું. કુસ્તી કહો કે કબડ્ડી તમામ મેદાનો પ્રેક્ષકો વિનાના બનવા લાગ્યા અને અહીં પેલો જ નિયમ લાગુ પડ્યો – જોનાર નથી તો – રમવાનો ઉત્સાહ નથી ! અને ઉત્સાહ નથી તો પછી તે ક્યાં સુધી ચાલે એ પણ આપણે જાણીએ છીએ જ.

આવી જ બાબતોનું પુનરાવર્તન થવાની શરૂઆત શાળામાં થઇ એવું લાગ્યું. જુન માસથી શૈક્ષણિક સત્ર શરુ થયું પરંતુ કોરોનાને કારણે આ વખતે શિક્ષણ શાળાઓમાં નહિ બાળકોના આંગણામાં અને ટીવી મોબાઈલની સ્ક્રીન પર શરુ થયું. શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોના શિક્ષણ કાર્યને ઘર સુંધી પહોંચાડી શકાય તેવા હેતુથી સમય પત્રક સાથે દુરદર્શન ની ગિરનાર ચેનલ પર  હોમલર્નિંગ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. બાળકો આનો પુરેપુરો લાભ મેળવે તેના માટે શાળા પરિવાર ધ્વારા પણ બાળકોના ઘરનું સર્વે કરી આયોજન કરવામાં આવ્યું. જેમાં...

  • જે બાળકોના ઘરે ટીવી નથી તો ? – સાથે રમતાં મિત્રના ઘરે જોવે તેમની સૂચનાઓ સાથેની બાળકોની ટીમ બનાવી.
  • દુરદર્શન પર જોયા પછી ન સમજાય તે બાબતો બીજા દિવસે ઓનલાઈન ક્લાસમાં અથવા તો પોતાના શિક્ષકને ફોન કરી પૂછે તેવી વાલીઓને પણ જાણ કરી.
  • રોજેરોજ બાળકો સાથેની ટેલીફોનીક મુલાકાતમાં પણ દુરદર્શન જોયું ? અને હોમવર્ક કર્યું ? = આ બે પ્રશ્નોને ખાસ પુછવામાં તેવું નક્કી કરાયું.

આવા આયોજન સાથે રૂટીન કાર્ય શરુ થયું. વાલીઓ પણ જોડાયા. તેઓ પણ બાળકોની પ્રવૃત્તિઓ જોતાં – બાળકોને પૂછતાં – વાતો કરતાં – શિક્ષક સાથે તે અંગેની ચર્ચા કરતા ! બાળકો ધ્વારા પણ જોવે – વાંચે –લખે – સમજે – પૂછે – બધું જ થવા લાગ્યું –ધીમેધીમે આ રૂટીન બન્યું. – જેથી હવે તમે પણ સમજી ગયાં હશો કે રૂટીન બનવું એટલે કે કામ થવું પણ તેમાંનો ઉત્સાહ ઉડી જવો. સમયાંતરે બાળકોને શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે નવો ઉત્સાહ ભરવાનો સમય આવી ગયો હોવાનો અહેસાસ તેમની સાથેની ટેલીફોનીક અને રૂબરૂ મુલાકાત સમયે થવા લાગ્યો. વાલીઓ પણ પોતાના જીવનનિર્વાહ માટેના વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલે આમાં સતત ધ્યાન ન આપી શકે. તે માનવું જ રહ્યું. પરંતુ આપણે સૌએ તો ‘બાળકોની કેળવણી’ ને જ વ્યવસાય તરીકે સ્વિકાર કર્યો છે, ત્યારે આપણે બાળકોના દરેક કાર્યમાં ઉત્સાહ વધારવા શું કરી શકાય તેનું મંથન શરુ થયું. વિચારતાં વિચારતાં જ વિચાર આવ્યો - ‘સેલ્ફી વિથ DD’ [એટલે કે દુરદર્શન]. જેમાં નીચે મુજબની વાતો અજમાવાઇ.

·         શિક્ષકો રોજેરોજ બાળકોને હોમ લર્નિંગને રોમાંચિત બનાવી રિમાઈન્ડ કરે. અને તે જોઈ રહ્યાં હોય તેનો ફોટો મંગાવે.

·         ફોટો આવે એટલે વળતો પ્રોત્સાહિત રિસ્પોન્સ કરવો.

·         સુર્યપાલનો આવેલો ફોટો સંદીપને બતાવાય અને જાનકીનો આવેલો ફોટો જીનલને મોકલાવાય.

·         વાલીઓના ગ્રુપમાં પણ શેર કરવાનું આયોજન કર્યું.

અઘોષિત રીતે એવો માહોલ ઉભો કર્યો કે જાણે “બાળકો ફોટોગ્રાફ્સ વડે એકબીજાને પૂછતાં ન હોય કે મેં તો DD જોયું, તમે જોયું?” “જો, અનીતાએ તો જોયું, પ્રિન્સ તેં જોયું ? અમારો પુરક ઉદેશ્ય પણ એ જ હતો કે બાળકોને પણ લાગે કે “અમે આ જોઈએ છીએ,તે પણ કોઈક જોવે છે. હવે બાળકોને પોતે હોમલર્નિંગ જોવા માટેનું ફક્ત ભણવું એ જ એક માત્ર કારણ ની જગ્યાએ મિત્રોને જોતાં બતાવવા માટેનું બીજું કારણ પણ મળ્યું છે.

અને ઉપરની શરૂઆતની વાત ફરીથી કહું કે દરેક રમતમાં ખેલાડીના ઉત્સાહનો આધાર જોનાર પ્રેક્ષકો પર છે. તે વાત આમાં બાળકો પર પણ લાગુ પડે છે – અને તેમાંય પ્રેક્ષકો તરીકે  મિત્રો અને પોતાના શિક્ષકો જ હોય તો પછી પુછવાનું જ શું ?

હજુ મંજિલ દૂર છે ત્યારે આપણા સૌનો ઉત્સાહ ટકી રહે તે માટે બીજું શું કરી શકાય તે માટેના સૂચનો અમને મળશે તો એઝ યુઝવલ અમને ખૂબ ગમશે. 











September 28, 2020

શીખવા માટેની જગ્યાઓ નહીં, પ્રક્રિયાઓ હોય છે.

શીખવા માટેની જગ્યાઓ નહીં, પ્રક્રિયાઓ હોય છે.

અત્યારના આ સમયમાં આપણાં મનમાં એક સામાન્ય લાગણી જે ઊછળી રહી છે અને એ છે કે આ થેંકલેસ જોબ છે

વર્ગખંડ હતો, તેમાં વાતો હતી, લડાઇઓ હતી, સમજ હતી તો ગેરસમજ હતી, હાસ્ય હતા અને રુદન પણ. ગળે મળી જવાની ઘટનાઓ હતી તો સામે રિસાઈ જવાની પણ. કિટ્ટા અને બુચ્ચા સાથે સાથે વહેતા હતા. વર્ગમાં એ દ્રશ્યો સામે રહેતા. કોઈ કહે ના કહે, કોઈ પીઠ થાબડે કે ના થાબડે.. આપણી એ મોજનો દરિયો ઉછળતો રહેતો. અચાનક સંકજામાં એવા ફસાયા છીએ કે આપણને આપણાથી જ સંતોષ નથી. પહેલા કરતાં વધુ સમય આપ્યા પછી ય કોઈક પૂછે કે કેમ છે ? તો તરત જ મુશ્કેલીઓનું મેનૂ હોઠવગું થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસના અમારા અનુભવો પણ આવા મિશ્રિત રહ્યા છે. આજે જુદા જુદા પ્રયત્નોને ફરી જોઈએ તો સમજાય છે કે આ રીતે ધીમે ધીમે આપણામાં ન્યુ નોર્મલ ગોઠવાઈ જશે. ઓનલાઈન (આ સંદર્ભે અગાઉનો આ ( ઓન હોય કે ઓફ હોય ) લેખ જોઈ જશો તો આ વાત જલદી સમજાશે.) શિક્ષણ એટલે ટેકનોલોજી નહીં પણ જુદી રીતે ઉપયોગ થઈ રહેલી પેડાગોજી. વર્ગમાં શું કરતાં હતા - જે હવે આપણે વર્ચ્યુઅલી કરવાનો પ્રયાસ કરીએ છીએ.  

સમજીએ એક્ચ્યુઅલ vs વર્ચ્યુઅલ

એક્ચ્યુઅલ ક્લાસ  (વર્ગખંડ)

વર્ચ્યુઅલ ક્લાસ  (વાલીખંડ)

 

 

è સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે પ્રશ્નો, જૂથ ચર્ચા અથવા શિક્ષક વડે નિદર્શન

è દરરોજ ચોક્કસ સમયે વિદ્યાર્થીઓ સુધી વોટ્સેપના માધ્યમથી પ્રશ્નો/ટાસ્ક મોકલવા.

è એ પ્રશ્નો/ટાસ્ક માટે તેઓ પુસ્તક વાંચે, વાલીઓને પૂછે અથવા જાતે વિચારી શકે.

è તે પ્રશ્નો/ટાસ્ક બાળકો સુધી પહોંચતા પહેલા શિક્ષકોના ગ્રૂપમાં મુકાય તેમાં ક્વોલિટી સૂચનો મળે, એડિટિંગ થાય. વિડિયો લિન્ક અને ફોટો ઉમેરાય.

è ૧. આમાં દરરોજ સવારે માઈક્રોસોફ્ટ ટીમ વડે જોડાતા બાળકોને બોર્ડ વર્ક અને સીધી વાતચીતનો મોકો મળે.

è ૨.દૂરદર્શન જોતાં બાળકોને ટૉપિક સમજવા માટેની પ્રાથમિક માહિતી મળી જાય. 

è શિક્ષક વડે શરૂ કરાયેલા મુદ્દા પર પોતાની સમજ કહે, લખે અથવા કોઈ ક્રિયા કરે.

è મોકલાયેલાં પ્રશ્નો/ક્રિયાઓની સૂચનાઓનો અમલ કરે અને તે પોતાના વર્ગશિક્ષકને મોકલી આપે.

 

 

 

è  વિદ્યાર્થીઓના પ્રતિભાવો વિષે સમૂહમાં ચર્ચા થાય.

è વર્ગશિક્ષકને મળેલા બાળકોના પ્રતિભાવો ફરી ગ્રૂપમાં ભેગા થાય. તે જોઈ વિષય શિક્ષક વોઇસ મેસેજ/ લખાણ વડે નિષ્કર્ષ આપે. તે પાછું તે બાળકને મોકલી અપાય.

è એમાં મોટાભાગના વિધ્યાર્થીઓને ના સમજાયું હોય તે બાબતોને ધોરણવાર ગ્રૂપમાં ફરી વોઇસ મેસેજ કે લખાણ વડે ફરી કહેવાય.

è મહાવરો કરવા અને જાતે કરી જોવાની પ્રવૃતિઓ અપાય.

è જે તે ટૉપિકની સંકલ્પના પછી તેમને જાતે કરી શકાય તેવા કામ સોંપાય. જેમાં સ્વાધ્યાય લખવાથી માંડી ઘરમાં પૂછપરછ કરી તૈયાર થાય તેવા પ્રોજેક્ટ અપાય.

è વિદ્યાર્થીઓએ કરેલા કાર્યને વર્ગમાં કે શાળામાં ડિસ્પ્લે કરવામાં આવે.

è તેમના કાર્યને ધોરણવાર ગ્રૂપમાં, ફેસબુક, અમારા સ્ટેટસમાં ડિસ્પ્લે કરાય.

è મૂલ્યાંકન થાય. એકમ કસોટી ઉપરાંત આપણી રીતે – જેમાં રોજ રોજ તેના વાણી, વર્તન અને ઉત્સાહમાં થતાં ફેરફારો પણ સતત નોંધ થતી હોય તેના વડે.

è એકમ કસોટી ઉપરાંત – માઈક્રોસોફ્ટ ફોર્મમાં બનાવેલી ક્વિજ વડે જેમાં તેઓ સબમિટ કરે એટલે તેમના ખોટા પડેલા જવાબોની સામે સાચો જવાબ શું આવે તે જોવા મળે.

હવે આ આખી પ્રોસેસમાં શિક્ષક વડે રોજે રોજ થતી નાની નાની નોંધ ખૂબ અગત્યની બની જાય છે. જેમ કે દરેક વર્ગશિક્ષકના ફોનમાં બાળકોના ફોન નંબર તેમના હાજરી પત્રકના ક્રમ સાથે સેવ કરેલા છે. એટલે જ્યારે તેને ફોન કરે ત્યારે તેની નોંધ દૈનિક નોંધપોથીમાં તે ક્રમ સાથે કરે – તેની સાથે થયેલી વાતચીતને કોડ લેંગ્વેજ (અમે અમારી રીતે વિકસાવી લીધી છે. જેમ અકુપારમાં ડોરોથી અને ધાનું વચ્ચે “પ્રોબ્લેમ અને નો પ્રોબ્લેમ” થી કામ ચાલી જતું એમ અમારે “ઓકે અને નોટ ઓકે” થી ચાલી જાય છે.) એ લખાણને અઠવાડિયે જોઈએ તો સમજાય કે કોણ હજુ છૂટી જાય છે ? સાથે જ રૂબરૂ સંપર્ક કોનો કરવો પડશે તેનો ખ્યાલ પણ મળી જાય.

     ટૂંકમાં માત્ર ઓનલાઇન એટલે વિડીયો વડે તેમના ઘરમાં જતાં રહેવાને બદલે પ્રયત્ન છે કે – તેઓ જ્યાં છે, જેવા પણ સંસાધનો સાથે છે (અથવા સંસાધનો વિહીન છે.) તેમને શીખવા માટેના અનુભવો આપતા રહેવા. હજુ શોધ ચાલુ છે કે બધી પ્રક્રિયાઓ પછી પણ જે આનંદ હતો એ ક્યાંથી લાવીશું ?