🎅🎅 અમારી ઈવ ઓફ ક્રિસમસ ! 🎅🎅
તહેવારો ઉજવાઈ જતા હોય છે. શાળા
ધ્યાન રાખે છે કે એમની સાથે જિંદગીની ચર્ચા કરવાનો એક પણ મોકો ચુકાઈ ના જાય ! જેમાં
વિવિધ ધર્મ વિષે જાણવું અને દરેકમાંથી તર્કબદ્ધ રીતે શું ગ્રાહ્ય છે અને શું
ત્યાજ્ય છે તેની સમજ તેમનામાં આવે તે માટેના પ્રયત્ન કરવા.
આ વખત નાતાલના આગળના દિવસે જ તેના
વિષે ચર્ચાસભા અને સાથે જ તેમને ગમતી રમતો રમાડવાનું નક્કી થયું. સવારની બેઠકમાં
બપોર સુધીમાં દરેક ધોરણને કઈ રમતો રમવી છે તેની યાદી બનાવવાનું કહી દેવાયું. બપોર
પછી “શાંતિ અને ક્ષમા” વિષય પર વાત કરી. ઈશુએ પોતાને ક્રોસ પર ચઢાવી દેનારાઓ માટે
પણ કહ્યું તેમને માફ કરજે કારણકે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ! “શું
સમજ્યા ?” “જે સમજે એ સાચવે અને સહન કરે !” ટૂંકું હતું પણ અસરકર્તા હતું.
રમતોમાં ત્રીપગી દોડથી શરૂ થયું
અને બધાની ધારણાથી વિપરીત ક્યારેય સાથે ના જોડાયેલી રહેતી હોય તેવી બે છોકરીઓ
સભાનતાપૂર્વક સાથે ચાલી વિજયી બની. માટલા ફોડમાં આ વખત સાઉન્ડનો ઈશારો ઉમેરાયો.
તેમાં લક્ષ્મણ જે ત્વરાથી ધડામ કરી આવ્યો એ જોઈ પ્રેક્ષકોએ તેની પર ચીટીંગનો અને
અમારી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો ! જો કે એ જોઈ શકતો હતો એ વાતની હવે અમને પણ
શંકા છે. સીટી બોમ્બમાં સાગમટે આઉટ થવાની મજા અને લંગડી દોડ પછી સૌથી મજેદાર રમત !
- ત્રણ દોરડા, પહેલાની નીચેથી, બીજા દોરડા ઉપરથી અને ત્રીજા દોરડાની નીચેથી પસાર
થવાનું. પહેલા ખુલ્લી આંખે તેઓ જોઈ લે અને પછી આંખે પાટા બાંધી ત્રણેય દોરડે અડ્યા
વગર ક્રોસ થવામાં ઘણા દિશા ભટકીને જાય સાવ વિપરીત પ્રેક્ષક ગણ તરફ..
કોઈક દોરડા
પહેલાં કુદકો મારી તે દોરડા પર જઈને પડે. ને છેલ્લા દોરડે નીચે નમવાના બદલે ગબડતા
ગબડતા પસાર થાય. સૌ હસી હસીને લોટપોટ થઇ ગયા જયારે આંખે પાટા બાંધ્યા બાદ ત્રણેય
દોરડા હટાવી લીધા અને પછી તેઓ સૌ દોરડા છે જ એમ માની ને આગળ વધતા હતા.
સંધ્યા સભામાં સમજાવ્યું કે આપણું
પણ એવું જ કૈક નથી હોતું ? જે દોરડા છે જ નહિ તેનાથી બંધાઈને જીવીએ છીએ! ખાલી એ
કોઈને દેખાતું નથી અને કોઈ આપણી પર હસતું નથી ! મારાથી આ જ થઇ શકે, મને આમ હોય તો
જ ફાવે, હું આ ના કરી શકું, મને આની
સાથે જ દોસ્તી કરવાની ફાવે, પેલા સાથે
મારે સહેજે ય ના બને ! ના જાણે આપણે આવા કેટલા બધા દોરડા, જે છે નહિ, એ છે એમ
માનીને જીવીએ છીએ !
ચાલો એવા દોરડા ફગાવીએ અને ઉજવીએ
નાતાલ-આપણા પોતીકા તાલે !
૨૬ મી એ તેમને અહેવાલ લાવવાનું
કહ્યું હતું ! અમારી એક ટીમ અહેવાલ સાથે સોજીના લોટ અને ચોકલેટ્સ ઓગાળી એમાંથી કેક
બનાવી લાવી ! સૌએ ફરી ગાયું ... 🎅“મેરી ક્રિસમસ”