“પરીક્ષા” > માર્ગદર્શક માટે
આત્મમંથનનો માઈલ સ્ટોન!!
પ્રથમ સત્ર પૂર્ણતાને આરે છે અને માહોલ છે સત્રાંત કસોટી નો ! હંમેશાં બનતું આવ્યું છે કે વર્ગખંડોમાં પરીક્ષાનો માહોલ રૂટીન દિવસો જેવો “હળવો" રહેતો જ નથી. જાણે અજાણે માહોલ થોડો ભારેખમ થઈ જ જાય છે. બાળકો રોજીંદા સમય પત્રક કરતાં થોડી વધારે મહેનત કરે તે માટે આપણે સૌ પરીક્ષાનો માહોલ બનાવવા લાગી જઈએ છીએ ! અને બાળકો આપણા થોડી વધુ મહેનતના ઉદ્દેશ્ય તરફ ઢળવા ને બદલે "પરીક્ષાના હાઉ" તરફ નમી જાય છે. અધૂરામાં પૂરું કરે છે કેટલાંક વાલીઓ; જેઓ બાળકો માટે ઘરના વાતાવરણને પણ પરીક્ષાખંડના વાતાવરણ જેવું બનાવી દે છે. આમ ઘર થી વર્ગ સુધી માહોલ પર પરીક્ષાવરણ [પર્યાવરણ ની જેમ ] લાગી જાય છે. આપણને સૌને ખબર છે કે દબાણવાળા વાતાવરણમાં પરફોમન્સ ઘટતું જ હોય છે. જે ખરેખર તો ચિંતા ઉપજાવે તેવી વાત છે. માટે હવે વિચારવું જ રહ્યું કે આ "ભારાંશ" ને હળવાશમાં કેવીરીતે રૂપાંતરિત કરી શકાય ! જો એકવાર શિક્ષક અને સમાજ ભેગા મળી પરીક્ષાના પરિણામને ફક્ત બાળક સાથે જોડવાનું છોડી તેના માર્ગદર્શક સાથે જોડી દે તો જ પરીક્ષામાં હળવાશ દેખાઈ આવે. પરિણામનું વિશ્લેષણ બાળકનું જ નહિ માર્ગદર્શક તરીકે આપણું એ રીતે કરતાં થઇ કે – “મારા વિષયમાં સારું પરફોર્મન્સ કરનાર બાળકો માટે મારી શીખવવાની પદ્ધતિ અનુકુળ છે અને જે બાળકો હજુ સારું પરફોર્મ નથી કરી શકતાં તે માટે મારે મારા શિક્ષણ કાર્યમાં બદલાવ કરવો પડશે અને તેમના માટે તે શીખી શકે તેવી બીજી પદ્ધતિઓ અપનાવવી પડશે.” વાળ ના પ્રકાર મુજબ હેર કટીંગ સલુન પણ જો અલગ અલગ કાતર રાખતા હોય તો, આ તો આપણા બાળકોના ઘડતરનો સવાલ છે ! વિચારો કે આમાં સમાજ અને આપણે સાથે મળી આ દૃષ્ટિકોણ માટે શું કરી શકીએ ? જોઈએ કેટલીક પરીક્ષાખંડની કેટલીક ક્લિક...
LIVE > પરીક્ષાખંડ