February 28, 2018

અમારા રોકસ્ટાર !


અમારા રોકસ્ટાર

સ્ટેજ ફીઅર –  જયારે જાહેરમાં કોઈ બાબત રજુ કરવાની થાય છે ત્યારે આપણે ટાળતા હોઈએ છીએ. જો બેઠા બેઠા કહો તો આખો દિવસ બોલું પણ ઉભા થઈને સ્ટેજ ઉપર બોલવું તે આપણું કામ નહિ. આ શાળાઓના ૫૦ % થી વધુ સ્ટાફને લાગુ પડતી સમસ્યાની વાત છે. [આપણું કાર્ય ક્ષેત્ર શાળા કેમ્પસ હોવાથી શિક્ષકોની વાત કરીએ.. બાકી અત્ર.. તત્ર અને સર્વત્ર આ સમસ્યાથી પીડિત વ્યક્તિઓનું પ્રમાણ અમે જણાવ્યું તેના કરતાં વધારે હશે.] આ સમસ્યા શિક્ષકોમાં હોય તો નવાઈ એટલા માટે લાગે છે કે રોજ જે બાળકો સમક્ષ વર્ગખંડોમાં રજુ થતાં હોઈએ પરંતુ જો શાળાના જાહેર કાર્યક્રમ દરમ્યાન રજુ થવાનું આવે ત્યારે ડીપ્રેશન અનુભવતાં હોય છે. જો આ સમસ્યાના મૂળમાં જઈ વિચારવામાં આવે ત્યારે પાછો રેલો ફરતો ફરતો શાળામાં જ આવીને ઉભો રહે છે આજ જાહેરમાં રજુ થતાં ડીપ્રેશન અનુભવતી વ્યક્તિઓના પ્રાથમિક શિક્ષણમાં એવું કોઈ પ્લેટફોર્મ નહિ હોય  અથવા જો એવું કોઈ પ્લેટફોર્મ હશે તો દરેક બાળકને રજૂઆત કરવામાં રસ પડે તેવી કોઈ વ્યવસ્થા નહિ હોય.
પ્રાથમિક શિક્ષણ એ વ્યક્તિત્વના ઘડતરનો પાયો છે, માટે જ વ્યક્તિત્વ વિકાસના વિધાનો પ્રત્યે વધારે અપેક્ષાઓ સેવાય છે. ભવિષ્યમાં કોઈ જાહેર સમારંભમાં વક્તુત્વ આપવાનું હોય કે વર્ગખંડોમાં ઉભા થઈને પ્રશ્નોના જવાબ આપવાના હોય – તેના માટે પ્રાથમિક કક્ષાએથી જ બાળકના તે ગુણના વિકાસ માટેની યુક્તિ પ્રયુક્તિઓ વડે બાળકો માટેના પ્લેટફોર્મ આપણે જ ઉભા કરવા પડશે. તો જ બાળક ભવિષ્યમાં વર્ગખંડોમાં શિક્ષક સાથેના સંવાદોનો ભાગીદાર અને સ્ટેજ ઉપર સમાજ સામે પોતાને શ્રેષ્ઠ રીતે રજુ કરી શાળા પરિવારનું નામ રોશન કરનારો બનશે.
         આવા જ એક આશય સાથે શાળાના પ્રાર્થના સમારંભના ગૃપે શરુ કરી એક એવી પ્રવૃત્તિ – જેનું નામ રાખ્યું “આજના રોક સ્ટાર” – જેમાં કોઇપણ બાળક પોતાને રજુ કરી શકે છે – એ વાર્તા સ્વરૂપમાં હોય કે ગીત સ્વરૂપમાં – જોડકણા હોય કે કાવ્યગાન – નવીન જાણકારી હોય કે તાજી ઘટના પર પોતાનું મંતવ્ય – રજૂઆત માટેનો નિયમ કોઈ જ નહિ. પણ રજુ થવા માટેનો નિયમ એટલો જ કે  જે તે વિષયમાં શું બોલવાનું છે તે ગૃપ લીડરને આગલા દિવસે નોધાવી દે.     
           વર્ગશિક્ષકોનો મહત્વનો ફાળો એ હોય છે કે એકમમાં આવતા મુદ્દાઓ કે કાવ્યો - માહિતી રજુ કરવા માટે દરેક બાળકને રોકસ્ટાર પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે અને જરૂરિયાત વાળા બાળકોને રજુ થવા માટેની માહિતી પૂરી પાડવા સુધીની મદદ કરે. પછી તો અમારો અનુભવ તમને ૧૦૦% સફળતાની ગેરંટી આપે છે કે વર્ગખંડમાં શરમાતું બાળક પણ એવી રીતે રજુ થશે કે તમે પણ મોમાં આંગળા નાખી જશો !  કેટલાંક ઉદાહરણો તમે અમારી ફેસબુક live માં જોઈ શકો છો. આ રહી તેની લીંક >> નવાનદીસર શાળા / Today’s Rockstar    





આ સિવાય પણ અમારા રોકસ્ટારને રોજેરોજ માણવા માટે અમારી યુટ્યુબ ચેનલ નવાનદીસરને સબસ્ક્રાઈબ કરો  અને અમારી ફેસબુક સાથે જોડાયેલા રહો ! 
આભાર 

સફળ વર્ગકાર્ય !



બાળકો પરની શ્રદ્ધા+પોતાનો આત્મવિશ્વાસ= સફળ વર્ગકાર્ય !


પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો આપણો સમાજ. જેમાં આધ્યાત્મિકતા એક ખુબ જ બહોળો વિષય છે. વિવિધ સમાજ એમ વિવિધ આસ્થાઓને સ્થાન અપાયું છે. દરેક વ્યક્તિ માટે આવી શ્રધ્ધાનું સ્થાન અગલ અલગ હોઈ શકે છે પરંતુ બધાનું લક્ષ્ય સરખું હોય છે. “સુખના વધામણાં હોય કે દુઃખના ટકોરાથી બચાવ પ્રયુક્તિ.” શ્રદ્ધાનું સ્થાન જાણે કે તેમનું આશ્રયસ્થાન બને છે. ત્યાંના સ્મરણથી માંડી ઉપસ્થિતિ જાણે કે શ્રદ્ધાળુમાં આત્મવિશ્વાસ પેદા કરવાનું કામ કરે છે. માટે જ કહી શકાય કે શ્રધ્ધા અને આત્મવિશ્વાસ એ જાણે કે એકબીજાના પુરક છે. હવે આવીએ આધ્યાત્મિકતાની દુનિયામાંથી સીધા જ આપણી વર્ગખંડોની દુનિયામાં કે જ્યાં સમાજને પોતાના ભવિષ્યના ઘડતર માટેનું શ્રધ્ધાસ્થાન છે.
આપણા વર્ગખંડોમાં આપણો અનુભવ રહ્યો છે કે રજીસ્ટર સંખ્યા પૈકીના ૧૦% બાળકો એવાં બીજ હોય છે કે જેઓ માટે ન તો આપણે હળ ચલાવવું પડે છે, કે ન તો પાવડા, તગારું, કોદાળી લઇ પરસેવો પાડવો પડે છે, ન તો તેના પ્રત્યે કોઈ વ્યક્તિગત તકેદારી રાખવી પડતી હોય છે. આવાં બાળકો રૂપી બીજ પાછળ ફક્ત પુંખવા જેટલી જ મહેનતમાં પણ મબલખ પાક જેટલું વળતર મળતું હોય છે. અને તેના કારણે જ આપણો સ્વભાવ બની જતો હોય છે કે આવાં બાળકોને શીખવવામાં આપણે ઉત્સાહિત હોઈએ છીએ. આવાં બાળકો ઉપર આપણી પરિણામ રૂપી શ્રદ્ધા વધારે હોય છે અને શ્રદ્ધાના કારણે આપણે તેની સાથે આત્મવિશ્વાસ સાથે વર્ગકાર્ય કરતાં હોઈએ છીએ. જયારે વાત આવે બાકીના બાળકોની ત્યારે ? ત્યારે એવું નથી હોતું કે તેમના પાછળ આપણે ઓછી મહેનત કરતાં હોઈએ છીએ ! તેમનાં પાછળ કરેલી મહેનત ખેતરમાં જાતે હળ ખેંચવાથી માંડી પાવડા – તગારા – અને કોદાળી વડે કરેલ શ્રમ કરતાં પણ વધારે માનસિક શ્રમ વાળી હોય છે છતાં પણ ખૂટતી હોય છે તો એક જ વાત – અને તે એ કે આ બાળકો પણ પેલાં બાળકો જેટલું કરી શકશે તેવી તેમના પરની આપણી અ-શ્રધ્ધા ! આટલાં બાળકોને તો આ પ્રકરણ નહિ જ સમજાય ! તેવાં ખૂટતા વિશ્વાસ સાથે કરેલું કામ પણ જાણે કે વળતર એવું જ આપે છે ! વિચારો કે આ છોડ ઉગવાનો જ નથી તેવા ભરોસા સાથે રોપણી કરતા ખેડૂત ને તમે શું કહેશો ? આ બીમારી દુર થશે જ નહિ તેવી સંકલ્પના સાથે સારવાર કરતા ડોક્ટર માટે તમારી શું સલાહ છે? ગ્રાહક તો આ ખરીદવાનો જ નથી તેવા પૂર્વાગ્રહ સાથે ગલીએ ગલીએ ભમતા સેલ્સમેનને તમે કેવો આંકશો? માટે જ ગમે તેવી જમીન હોય, ગમે તેવો ગ્રાહક હોય તેના પર શ્રદ્ધા રાખી તેની સાથે જયારે ડીલ કરવામાં આવે ત્યારે જ તે ખેડૂત કે વેપારીના સફળતાના ચાન્સ વધી જાય છે અને તેનું કારણ માત્ર એ જ છે કે શ્રધ્ધા સાથેની થયેલ પ્રક્રિયા તેમનામાં આત્મવિશ્વાસ ભરે છે. માટે જ વર્ગખંડમાં આત્મવિશ્વાસથી ભરપુર શિક્ષક તરીકે બાળકો સમક્ષ જવા માટે પણ આપણે તે બાળકો પ્રત્યેની શ્રધાને જગાડવી પડશે તો જ પ્રયત્નો પરિણામમાં પરિણમશે !!


શાળાના વાતવરણ પર વિજ્ઞાનનું આવરણ – કેવીરીતે ચઢાવ્યું બાળકોએ ?



"રાષ્ટ્રીય વિજ્ઞાનદિન"
શાળાના વાતવરણ પર વિજ્ઞાનનું આવરણ – કેવીરીતે ચઢાવ્યું બાળકોએ ?
આમ તો રોજ વિજ્ઞાનનો તાસ આવે છે અને વિજ્ઞાનને જાણીએ છીએ. નવા પ્રયોગો અનુભવીએ છીએ. તો જયારે બાળકોએ કહ્યું કે સાહેબ રાષ્ટ્રીય વિજ્ઞાનદિન આવે છે શું કરીશું ? – ખરેખર કહીએ તો વિજ્ઞાનના શિક્ષક તરીકે રોજ થાય તેટલું નહિ પણ બાળકોને જેટલું જરૂરી હોય તેવું વિજ્ઞાન આપતાં જ રહ્યા છીએ તો નવું શું કરીએ ! 
– વિચારોમાં ને વિચારોમાં સાચું કહીએ તો આગલા દિવસ બપોર સુધી કંઇજ નક્કી ન કરી  પણ બાળકોની ઉજવવાની લાલસા એ કંઈક તો કરીએ જ એવો ચટકો ભર્યો ! અને નક્કી કર્યું કે પાઠ્યપુસ્તક માં ન હોય તેવા ૧૬ થી ૧૭ વૈજ્ઞાનિકો વિશેની એક ફાઈલની પ્રિન્ટ આપી એક બાળક એક વૈજ્ઞાનિકનો કાલે શાળામાં પરિચય કરાવશે. સાથે સાથે શાળાના પર્યાવરણ પર વિજ્ઞાનનું આવરણ ચઢી જાય તે માટે આખે આખી વિજ્ઞાનની તિજોરી શાળા કેમ્પસમાં વિખેરવી અને તેની પ્રદર્શનીમાં દરેક સાધનોના નામના બોર્ડ લગાવી બાળકોને તેની ઓળખાણ કરાવવી – અભ્યાસક્રમ અંતર્ગત આવતા અને થઈ ગયેલ તમામ પ્રયોગોની શાળા કેમ્પસમાં નિદર્શની [ પ્રદર્શની ની જેમ ] ગોઠવણી કરી બાળકોને સ્વાનુભવ કરાવવો. આ બધું આયોજન આગળના દિવસે જ બાળકોને આપ્યું હતું છતાં  અમારા બાળકોએ ઓછા સમયમાં પણ એવી તૈયારીઓ કરી કે – વિજ્ઞાનને જાણ્યું પણ ખરું અને  મજા સાથે માણ્યું પણ ખરું ! તમે કેમેરાની આંખે જોઈ શકો છો કે કેવું શાળાનું વાતાવરણ પર વિજ્ઞાનનું આવરણ અમારા બાળકોએ ચઢાવ્યું છે – ચાલો જોઈએ     






  






  


February 21, 2018

એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી



એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી


આ માતૃભાષા દિવસે વર્ગમાં આગળ દિવસે ચર્ચા કરી તો એમણે સૂચવ્યું, “તો એમ કરો કાલે આખો દહાડો – ગુજરાતી !” (પ્રજ્ઞા વર્ગમાં અડધો દિવસ ગુજરાતી અને અડધો દિવસ હિન્દી/અંગ્રેજી એમ તાસ લઈએ છીએ) શિક્ષક વળી પોતાનો સ્વાર્થ સાધે ! આખા વર્ગને ફરી યાદ કરી જોયો. અને જણાયું કે બધાના અક્ષર માટે કૈક કરવું જોઈએ. રોજ રોજ તેમને અક્ષર કરતાં અર્થ પર ધ્યાન આપવાનું કહીએ પણ આ એક મોકો છે કે જ્યાં એમને સારા અક્ષર માટે સમજાવી શકાય. વાત માતૃભાષાની હોય એટલે વાર્તા ખજાનો તો લૂંટવાનો જ હતો ! થોડી ટેકનોલોજીને ય જોડીશું એવું નક્કી થયું....
        ૨૨ મી એ મળ્યા. પહેલા શરૂ કરી એવા એક માણસની વાત કે જેના અક્ષર સાતમાં ધોરણ સુધી એટલા ગરબડીયા...એટલા ગરબડીયા... એટલે વિશાલે બૂમ પાડી, “મૌલા જેટલા !” મૌલિકે તરત જ વાંધો ઉઠાવ્યો, “જા...ને કટોરા (વિશાલનું વર્ગ નામ ) તારા ય ક્યાં હારા આવે છે ?” શિક્ષકે ઉમેર્યું...તમારા બંને કરતાં ય વધુ ગરબડીયા..! પણ એ છોકરાને કોઈકે કહ્યું કે જે પોતાની વાત વંચાય એમ ના લખે એ ના લખ્યા બરાબર ગણી હાઈસ્કૂલમાં તો નાપાસ જ કરે ! અને તેણે પોતાના અક્ષર સુધારવાનું નક્કી કર્યું... તેના અક્ષર બહુ મરોડદાર ના થયા...આપણી પ્રિયા જેવા તો ના જ થયા પણ ઠીક ઠીક બધા વાંચી શકે એવા થઇ ગયા અને એ છોકરાનો ગુજરાતી વિષયમાં માસ્ટર ડીગ્રી મેળવી એટલું ભણ્યો. ને આખા ગુજરાતમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા અને છ ગોલ્ડ મેડલ ! બોલો, સાત વર્ષ ગરબડીયા અક્ષર કાઢનાર જો એક મહિનામાં વંચાય એવા કરી દે તો આપણે એવા અક્ષર કરવા જોઈએ કે નહિ ? આજે માતૃભાષા દિવસે આપણે એક નિયમ લઈએ કે આપણી માં સમાન ભાષા કદરૂપી દેખાય એવું નહિ લખીએ !
        થોડા સ્ટેપ્સ બતાવ્યા કે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ? કેટલાક ડેમો આપ્યા કે આપણે લખતી વખતે ક્યાં ક્યાં ઊંઘી જઈને અકસ્માતો કરીએ છીએ ! બધા મૂળાક્ષરો જાણે કે આજે જ શીખતા હોય એમ નવેસરથી લખ્યા ! ( ઓ સાહેબ પહેલામાં ભણતા હોય એમ લાગે છે !)  બપોર પછી તરુણ બધા માટે પુસ્તકાલયમાંથી વાર્તાની ચોપડીઓ લાવ્યો – શિક્ષક એક એક ચોપડી ઉઠાવે અને એમાં શું વાર્તા છે – એ કહે...સિંહાસન બત્રીસી જેવી વાર્તા પાછળની વાર્તા કહી તો મિયા ફૂસકી અને તભા ભટ્ટ ની વાત કરી તો કહે – “ઓગી એન્ડ કોકરોચ” જેવા લાગે છે ! દરેક પુસ્તક વિષે કહ્યા પછી : પુસ્તક એમનું, જગ્યા એમની,વાંચવાની રીત એમની ! ગ્રીન હોલ, ઝાડ, પાટલીઓ, નાની ખુરશીઓ, એક તો વળી સ્ટોર રૂમમાં બેઠયો ! કોઈક બેઠા બેઠા, કોઈક ટેકો લઇ, કોઈક સુતા સુતા પણ બધા વાંચે ! હિમાલી તો જાણે મોટો જોક થયો હોય એમ દોડતી આવી – “સાહેબ, આ ચેવી વારતા...?” “કઈ?” “ગધેડાની બુદ્ધિ !” “તો ?” એમાં ગધેડો બુદ્ધિ વાપરતો હશે ! “ના, બુદ્ધિ તો મિયા ફૂસકી વાપરે !” “તો નામ આપવામાં ભૂલ થઇ ગઈ હશે !” “ચેકી ન લખી નાખું ?” “ના, રહેવા દે...આપણને મજા આઈ એમ બીજા કોઈકને હસવાનું થશે !”
આ દરમિયાન શિક્ષકે youtube પર મહાભારતમાં કૃષ્ણની બાળ લીલાઓ ગુજરાતીમાં શોધી જ રાખી હતી ! એટલે બધા એમાં જોડાયા.. એક ગુજરાતી ભજન સંભળાવવાનું નક્કી કર્યું હતું પણ જેવું ભજન સર્ચ કરું ત્યાં જ તરુણની ફરમાઈશ આવી, “એ બધું છોડો... એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી લખો” લખ્યું... ને પછી વર્ગ બેઠેલો રહે ? ગીતના તાલે નાચવાનું શરૂ થયું. છોકરીઓ વળી ગરબાનો તાલ કરે... ગુજરાતીની એન્ટ્રી પછી લેરી લાલા સાથે સૌ છુટા પડ્યા... ગણગણતા ગણગણતા જ સ્તો !  


February 01, 2018

શાળા પર્યાવરણ અને ગ્રામજનો !!


😮 શાળા પર્યાવરણ અને ગ્રામજનો !!
   આવું શાળા પર્યાવરણ અમારે ત્યાં તો શક્ય નથી ? તમે જુઓ તો પાણીના નળ ના રહેવા દે તો આવો સરસ બગીચો રહેવા દે ખરા ?  અથવા તો ગામ લોકોનો શરૂઆતથી જ સહકાર મળે તો જ આવું બની શકે !! -  કપાળમાં પડેલી કરચલી અને ખેંચાયેલી ભ્રમરો સાથે જ્યારે મુલાકાતી શિક્ષકમિત્રો ના મુખે આવી વાત સાંભળતા હોઈએ ત્યારે અમને અમારી જૂની શાળા, તેનું ઉજ્જડ મેદાન અને ફક્ત કેટલાક વૃક્ષો યાદ આવે છે, કે જો તેની નીચે વહેલા તે પહેલા ના ધોરણે કોઈ બાળકો લઈને બેસી જાય તો બાકીના વર્ગો ગરમી વેઠે ! શાળાકીય પર્યાવરણને બનાવવા માટે દરેક વ્યક્તિઓને જેવી મુશ્કેલીઓ અત્યારે [ગણાવે] આવે છે તેવી જ મુશ્કેલીઓ શરૂઆતના વર્ષોમાં આ શાળા પરિવારે પણ અનુભવી છે – માટે જ અમારી લાગણીઓ તેમની સાથે  જ છે - પરંતુ તે સમયમાં પણ અમારો નિર્ધાર એવો જ હતો કે “એટલી મહેનત કરીએ કે મેદાનમાં અથવા તો શાળા પર્યાવરણમાં એવી મહેનત દેખાય કે નુકશાન કરવાવાળાને પણ એકવાર સંકોચ થાય અથવા તો નુકસાન કરી રહેલા વ્યક્તિને ત્રાહિત વ્યક્તિએ પણ રોકવાનું મન થાય !! આવા વિચારથી જ શરૂ થઇ શાળાના પર્યાવરણને બનાવવા માટેની મહેનત ! રોજ મહેનત અને  રોજ નિરાશા ! કમ્પાઉન્ડ વોલ વિનાના કમ્પાઉન્ડમાં સવારે સરસ રીતે રોપાયેલી બારમાસીને સાંજે વળતું થયેલું ગાયોનું ધણ અદ્રશ્ય કરી દેતું !! પણ પછી તો ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે મેદાનમાંથી એકસાથે ગાયોનું ધણ જે રોજેરોજ અમારી મહેનત પર પાણી ફેરવતું હતું તેના ગોવાળને ગાંડા બાવળોની કાપેલી ડાળીઓ વચ્ચે છુપાઈ ને રોપાયેલ  છોડવાઓમાં શાળા પરિવારની મહેનત દેખાઈ અને ચાર બારમાસી તથા  બે – બે ગુલમહોર અને કાશદને સાચવવા પણ તે ગાયોના ધણની પહેલાં “કહેવાતા” આ ૪ બાય ૮ ના  બગીચાના બચાવમાં આવીને ઊભો રહી જતો ! આ દ્રશ્ય શાળા પરિવારની મહેનતમાં ગ્લુકોઝના બોટલથી કમ નહોતું !  કંપાઉન્ડવોલ વગરની શાળામાં બગીચો બનાવવો એ જે જાણે કે સ્વપ્ન હતું એ સાકાર થવાનો આશાવાદ બંધાયો ! શાળા પરિવારની મહેનત ધીમે ધીમે વિસ્તરતી ગઈ !  પરિણામે ધીમે ધીમે પેલા વૃક્ષોને સાથી મળતાં ગયા. ફક્ત મહેનત જ નહિ, તેને સાચવનારા ગોવાળથી શરૂ થયેલી બાગ પ્રત્યેની સંવેદના ગ્રામજનો સુધી વિસ્તરાવતા ગયા ! નુકશાન કરવા વાળા તો અદ્રશ્ય થઈ ગયા પણ અજાણતાં પણ નુકશાન થતું હતું તેઓનું વર્તન પણ ધીમે-ધીમે શાળા પર્યાવરણ સાચવવા માટે “અમે પણ તમારી સાથે છીએ” વાળો વ્યવહાર શરૂ થયો.  “શાળા પર્યાવરણને નુકશાન કરવું” - એ સ્વભાવ તો ક્યાંય વર્ષો પહેલાંથી છૂટી ગયો, પરંતુ શાળામાં બહાર પડેલી વસ્તુઓ ની સાચવણી કરવી તે જાણે કે ત્યાંથી પસાર થતા દરેક ગ્રામજનોના વ્યવહારમાં આવી ગયુ. આવો બદલાવ આવવા પાછળનું કારણ ફકતને ફક્ત શાળા પરિવારનો એ નિર્ધાર જ હતો કે – “શાળા એ ગામનું ઘરેણું છે” - એ પોતાની મહેનત વડે સાબિત કરવું. અને તે માટે મુશ્કેલીઓ વચ્ચે પણ એકાદ બે ટકા નુકશાનકર્તા વ્યક્તિઓને ઇગ્નોર કરી બાકીના ૯૮% કે ૯૯% આપણા હિતેચ્છુ ગ્રામજનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા કેટલાય પ્રયત્નોના અંતે શાળા પરિવાર શાળાનું એવું પર્યાવરણ બનાવવામાં સફળ થયો છે જેવું પર્યાવરણ એ  દરેક શિક્ષકનું પોતાની શાળા માટેનું સ્વપ્ન છે !  પ્રસંગોપાત જયારે પણ શાળા પર્યાવરણની વાત નીકળે ત્યારે તેના નિર્માણમાં જોડાનાર ગોવાળથી માંડી ગ્રામજનો સુધીનો આભાર માનવાનું આજે પણ શાળા નથી ચૂકતી ! લાગે છે કે અમારો આ સ્વભાવ જ ગ્રામજનોને અહેસાસ કરાવે છે કે “શાળા એ ફક્ત શિક્ષકોની નહિ, આપણા સૌની છે !”