February 01, 2018

શાળા પર્યાવરણ અને ગ્રામજનો !!


😮 શાળા પર્યાવરણ અને ગ્રામજનો !!
   આવું શાળા પર્યાવરણ અમારે ત્યાં તો શક્ય નથી ? તમે જુઓ તો પાણીના નળ ના રહેવા દે તો આવો સરસ બગીચો રહેવા દે ખરા ?  અથવા તો ગામ લોકોનો શરૂઆતથી જ સહકાર મળે તો જ આવું બની શકે !! -  કપાળમાં પડેલી કરચલી અને ખેંચાયેલી ભ્રમરો સાથે જ્યારે મુલાકાતી શિક્ષકમિત્રો ના મુખે આવી વાત સાંભળતા હોઈએ ત્યારે અમને અમારી જૂની શાળા, તેનું ઉજ્જડ મેદાન અને ફક્ત કેટલાક વૃક્ષો યાદ આવે છે, કે જો તેની નીચે વહેલા તે પહેલા ના ધોરણે કોઈ બાળકો લઈને બેસી જાય તો બાકીના વર્ગો ગરમી વેઠે ! શાળાકીય પર્યાવરણને બનાવવા માટે દરેક વ્યક્તિઓને જેવી મુશ્કેલીઓ અત્યારે [ગણાવે] આવે છે તેવી જ મુશ્કેલીઓ શરૂઆતના વર્ષોમાં આ શાળા પરિવારે પણ અનુભવી છે – માટે જ અમારી લાગણીઓ તેમની સાથે  જ છે - પરંતુ તે સમયમાં પણ અમારો નિર્ધાર એવો જ હતો કે “એટલી મહેનત કરીએ કે મેદાનમાં અથવા તો શાળા પર્યાવરણમાં એવી મહેનત દેખાય કે નુકશાન કરવાવાળાને પણ એકવાર સંકોચ થાય અથવા તો નુકસાન કરી રહેલા વ્યક્તિને ત્રાહિત વ્યક્તિએ પણ રોકવાનું મન થાય !! આવા વિચારથી જ શરૂ થઇ શાળાના પર્યાવરણને બનાવવા માટેની મહેનત ! રોજ મહેનત અને  રોજ નિરાશા ! કમ્પાઉન્ડ વોલ વિનાના કમ્પાઉન્ડમાં સવારે સરસ રીતે રોપાયેલી બારમાસીને સાંજે વળતું થયેલું ગાયોનું ધણ અદ્રશ્ય કરી દેતું !! પણ પછી તો ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે મેદાનમાંથી એકસાથે ગાયોનું ધણ જે રોજેરોજ અમારી મહેનત પર પાણી ફેરવતું હતું તેના ગોવાળને ગાંડા બાવળોની કાપેલી ડાળીઓ વચ્ચે છુપાઈ ને રોપાયેલ  છોડવાઓમાં શાળા પરિવારની મહેનત દેખાઈ અને ચાર બારમાસી તથા  બે – બે ગુલમહોર અને કાશદને સાચવવા પણ તે ગાયોના ધણની પહેલાં “કહેવાતા” આ ૪ બાય ૮ ના  બગીચાના બચાવમાં આવીને ઊભો રહી જતો ! આ દ્રશ્ય શાળા પરિવારની મહેનતમાં ગ્લુકોઝના બોટલથી કમ નહોતું !  કંપાઉન્ડવોલ વગરની શાળામાં બગીચો બનાવવો એ જે જાણે કે સ્વપ્ન હતું એ સાકાર થવાનો આશાવાદ બંધાયો ! શાળા પરિવારની મહેનત ધીમે ધીમે વિસ્તરતી ગઈ !  પરિણામે ધીમે ધીમે પેલા વૃક્ષોને સાથી મળતાં ગયા. ફક્ત મહેનત જ નહિ, તેને સાચવનારા ગોવાળથી શરૂ થયેલી બાગ પ્રત્યેની સંવેદના ગ્રામજનો સુધી વિસ્તરાવતા ગયા ! નુકશાન કરવા વાળા તો અદ્રશ્ય થઈ ગયા પણ અજાણતાં પણ નુકશાન થતું હતું તેઓનું વર્તન પણ ધીમે-ધીમે શાળા પર્યાવરણ સાચવવા માટે “અમે પણ તમારી સાથે છીએ” વાળો વ્યવહાર શરૂ થયો.  “શાળા પર્યાવરણને નુકશાન કરવું” - એ સ્વભાવ તો ક્યાંય વર્ષો પહેલાંથી છૂટી ગયો, પરંતુ શાળામાં બહાર પડેલી વસ્તુઓ ની સાચવણી કરવી તે જાણે કે ત્યાંથી પસાર થતા દરેક ગ્રામજનોના વ્યવહારમાં આવી ગયુ. આવો બદલાવ આવવા પાછળનું કારણ ફકતને ફક્ત શાળા પરિવારનો એ નિર્ધાર જ હતો કે – “શાળા એ ગામનું ઘરેણું છે” - એ પોતાની મહેનત વડે સાબિત કરવું. અને તે માટે મુશ્કેલીઓ વચ્ચે પણ એકાદ બે ટકા નુકશાનકર્તા વ્યક્તિઓને ઇગ્નોર કરી બાકીના ૯૮% કે ૯૯% આપણા હિતેચ્છુ ગ્રામજનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. આવા કેટલાય પ્રયત્નોના અંતે શાળા પરિવાર શાળાનું એવું પર્યાવરણ બનાવવામાં સફળ થયો છે જેવું પર્યાવરણ એ  દરેક શિક્ષકનું પોતાની શાળા માટેનું સ્વપ્ન છે !  પ્રસંગોપાત જયારે પણ શાળા પર્યાવરણની વાત નીકળે ત્યારે તેના નિર્માણમાં જોડાનાર ગોવાળથી માંડી ગ્રામજનો સુધીનો આભાર માનવાનું આજે પણ શાળા નથી ચૂકતી ! લાગે છે કે અમારો આ સ્વભાવ જ ગ્રામજનોને અહેસાસ કરાવે છે કે “શાળા એ ફક્ત શિક્ષકોની નહિ, આપણા સૌની છે !” 

6 comments:

Rkpatel said...

Super... inspired.

મારી કલ્પનાની શાળા said...

ટીમ નવા નંદીસર...
ખૂબ મહેનત અને સમય માંગી લે એવું કામ છે..
શાળા પરિવારને અભિનંદન...

Laxmanpura Primary School said...

Sir
Amne tamara mathi
Ganu shikhwa male chhe
Thanks

Unknown said...

Nice work

PRAKASH said...

આપની શાળાની મુલાકાત લીધી અદભુત અનુભવ રહ્યો.

nnn said...

મને ગર્વ છે.નવા નદીસર પ્રાથમિક શાળા ના સૌ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રી પર અને નવા નદીસર ના સૌ ગ્રામ જનો પર કે જેમને એક આદર્શ શાળા નું નિર્માણ કર્યું અને શાળામાં આવતા સૌ બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે સર્વશ્રેષ્ઠ ‌કાર્ય કર્યું