February 21, 2018

એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી



એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી


આ માતૃભાષા દિવસે વર્ગમાં આગળ દિવસે ચર્ચા કરી તો એમણે સૂચવ્યું, “તો એમ કરો કાલે આખો દહાડો – ગુજરાતી !” (પ્રજ્ઞા વર્ગમાં અડધો દિવસ ગુજરાતી અને અડધો દિવસ હિન્દી/અંગ્રેજી એમ તાસ લઈએ છીએ) શિક્ષક વળી પોતાનો સ્વાર્થ સાધે ! આખા વર્ગને ફરી યાદ કરી જોયો. અને જણાયું કે બધાના અક્ષર માટે કૈક કરવું જોઈએ. રોજ રોજ તેમને અક્ષર કરતાં અર્થ પર ધ્યાન આપવાનું કહીએ પણ આ એક મોકો છે કે જ્યાં એમને સારા અક્ષર માટે સમજાવી શકાય. વાત માતૃભાષાની હોય એટલે વાર્તા ખજાનો તો લૂંટવાનો જ હતો ! થોડી ટેકનોલોજીને ય જોડીશું એવું નક્કી થયું....
        ૨૨ મી એ મળ્યા. પહેલા શરૂ કરી એવા એક માણસની વાત કે જેના અક્ષર સાતમાં ધોરણ સુધી એટલા ગરબડીયા...એટલા ગરબડીયા... એટલે વિશાલે બૂમ પાડી, “મૌલા જેટલા !” મૌલિકે તરત જ વાંધો ઉઠાવ્યો, “જા...ને કટોરા (વિશાલનું વર્ગ નામ ) તારા ય ક્યાં હારા આવે છે ?” શિક્ષકે ઉમેર્યું...તમારા બંને કરતાં ય વધુ ગરબડીયા..! પણ એ છોકરાને કોઈકે કહ્યું કે જે પોતાની વાત વંચાય એમ ના લખે એ ના લખ્યા બરાબર ગણી હાઈસ્કૂલમાં તો નાપાસ જ કરે ! અને તેણે પોતાના અક્ષર સુધારવાનું નક્કી કર્યું... તેના અક્ષર બહુ મરોડદાર ના થયા...આપણી પ્રિયા જેવા તો ના જ થયા પણ ઠીક ઠીક બધા વાંચી શકે એવા થઇ ગયા અને એ છોકરાનો ગુજરાતી વિષયમાં માસ્ટર ડીગ્રી મેળવી એટલું ભણ્યો. ને આખા ગુજરાતમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા અને છ ગોલ્ડ મેડલ ! બોલો, સાત વર્ષ ગરબડીયા અક્ષર કાઢનાર જો એક મહિનામાં વંચાય એવા કરી દે તો આપણે એવા અક્ષર કરવા જોઈએ કે નહિ ? આજે માતૃભાષા દિવસે આપણે એક નિયમ લઈએ કે આપણી માં સમાન ભાષા કદરૂપી દેખાય એવું નહિ લખીએ !
        થોડા સ્ટેપ્સ બતાવ્યા કે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ? કેટલાક ડેમો આપ્યા કે આપણે લખતી વખતે ક્યાં ક્યાં ઊંઘી જઈને અકસ્માતો કરીએ છીએ ! બધા મૂળાક્ષરો જાણે કે આજે જ શીખતા હોય એમ નવેસરથી લખ્યા ! ( ઓ સાહેબ પહેલામાં ભણતા હોય એમ લાગે છે !)  બપોર પછી તરુણ બધા માટે પુસ્તકાલયમાંથી વાર્તાની ચોપડીઓ લાવ્યો – શિક્ષક એક એક ચોપડી ઉઠાવે અને એમાં શું વાર્તા છે – એ કહે...સિંહાસન બત્રીસી જેવી વાર્તા પાછળની વાર્તા કહી તો મિયા ફૂસકી અને તભા ભટ્ટ ની વાત કરી તો કહે – “ઓગી એન્ડ કોકરોચ” જેવા લાગે છે ! દરેક પુસ્તક વિષે કહ્યા પછી : પુસ્તક એમનું, જગ્યા એમની,વાંચવાની રીત એમની ! ગ્રીન હોલ, ઝાડ, પાટલીઓ, નાની ખુરશીઓ, એક તો વળી સ્ટોર રૂમમાં બેઠયો ! કોઈક બેઠા બેઠા, કોઈક ટેકો લઇ, કોઈક સુતા સુતા પણ બધા વાંચે ! હિમાલી તો જાણે મોટો જોક થયો હોય એમ દોડતી આવી – “સાહેબ, આ ચેવી વારતા...?” “કઈ?” “ગધેડાની બુદ્ધિ !” “તો ?” એમાં ગધેડો બુદ્ધિ વાપરતો હશે ! “ના, બુદ્ધિ તો મિયા ફૂસકી વાપરે !” “તો નામ આપવામાં ભૂલ થઇ ગઈ હશે !” “ચેકી ન લખી નાખું ?” “ના, રહેવા દે...આપણને મજા આઈ એમ બીજા કોઈકને હસવાનું થશે !”
આ દરમિયાન શિક્ષકે youtube પર મહાભારતમાં કૃષ્ણની બાળ લીલાઓ ગુજરાતીમાં શોધી જ રાખી હતી ! એટલે બધા એમાં જોડાયા.. એક ગુજરાતી ભજન સંભળાવવાનું નક્કી કર્યું હતું પણ જેવું ભજન સર્ચ કરું ત્યાં જ તરુણની ફરમાઈશ આવી, “એ બધું છોડો... એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી મારે એન્ટ્રી લખો” લખ્યું... ને પછી વર્ગ બેઠેલો રહે ? ગીતના તાલે નાચવાનું શરૂ થયું. છોકરીઓ વળી ગરબાનો તાલ કરે... ગુજરાતીની એન્ટ્રી પછી લેરી લાલા સાથે સૌ છુટા પડ્યા... ગણગણતા ગણગણતા જ સ્તો !  


No comments: