પ્લાસ્ટિક કી છુટ્ટી !
૮ ડીસેમ્બર,૨૦૧૬
ઘણા સમયથી અમારા ધ્યાનમાં આવતું કે
વર્ગખંડોની કચરાપેટીઓમાં પેન્સિલના છોલ ના બદલે પ્લાસ્ટીકની થેલીઓ વધુ મળી આવતી !
રેડીમેડ ફૂડ પેકેટનું ફૂડ (?) પેટમાં અને તેના ખાલી પેકેટ શાળાના કચરામાં ઉમેરતા
જતા ! બંને સ્થિતિઓ ચિંતાજનક હતી. એક બાજુ વાલીઓ પાસે આવક મર્યાદિત એમાં બાળકોને
આવા પેકેટ માટેના ખર્ચ ! સ્થિતિને ગામ સાથે જોડીને સમજાયું કે વાલીઓ પાસે તેમના
બાળકો માટે સમય નથી – એટલે એ ખિસ્સામાંથી
કાઢીને પાંચ રૂપિયા પકડાવી દે છે ! આવું, સતત ચાલવાથી બાળકોને હવે લત પડી ગઈ અને
બ્લેકમેલીંગ ચાલુ થઇ ગયું કે “પૈસા આપો તો શાળાએ જાઉં !” અને એ પૈસાના પેકેટ
ખરીદાય-ખવાય-અને શાળામાં પ્લાસ્ટિક ઉમેરાય !
સંધ્યા
સભામાં તેમની સામે પ્લાસ્ટીકના ખતરા વિષે ટૂંકમાં તેમની ભાષામાં સમજાવ્યું ! અને
આંખોનો કેમેરો ફેરવતા ડેટા પ્રાપ્ત થયો કે તેઓ તૈયાર છે ! છતાં, અમને એ સમજાય છે
કે જો પેકેટ ખાવા જ નહિ તેવું ફરમાન કરીશું તો તેઓ ખાશે – પણ અમારાથી સંતાડીને
ખાશે અને શાળામાં જુઠું બોલવાનો રોગ ફેલાશે ! એમની પર જ છોડ્યું કે આપણી શાળામાંથી
પ્લાસ્ટીકના પેકેટ હટાવવા હોય તો શું કરવું જોઈએ ? તે કાલની સવારની સભામાં જણાવજો –
વિચારજો !
બીજે
દિવસ પૂછ્યું તો મોટાભાગના વિદ્યાર્થીઓ તો એ વિષે વિચારવાનું જ ભૂલી ગયા હતા ! બે
સુચન મેહુલે આપ્યા કે શાળા કેમ્પસમાં પેકેટ નહિ ખાવાના – ચોકલેટ પણ કેમ્પસમાં નહિ
! અને પછી શરૂ થઇ પેટા નિયમોની છણાવટ – એમ તો કેમ ચાલે ? જન્મદિનની ચોકલેટ તો ખાવી
પડે ! વૈભવે ઉકેલ આપ્યો કે ચોકલેટ સવારને બદલે સાંજની સભામાં આપવી ! એટલે
કેમ્પસમાં તો પ્લાસ્ટિક દેખાય જ નહિ.
બીજા
જ દિવસે અમારા ટીફીન પર વિટળાયેલી કોથળી હાથે ચડી – કોઈક મસ્તીથી પેકેટ ખાતું
ખાતું આવે અને કોઈક એનને ટોકે – એ ઉલટા પગે બહાર ! મેહુલ ટહુકો કરી ગયો કે,
“પેકેટને બદલે ચણા લાવ્યો !”
પ્લાસ્ટિક હટાવો – બે દિવસ થયા છે ! જોઈએ
અમે ક્યાં સુધી જાગતા રહીએ છીએ ! – અને કેટલા સફળ થઈએ છીએ !
૩૧ ડીસેમ્બર,૨૦૧૬
માસના
અંત સુધીમાં સમજાઈ ગયું છે કે જો બાળકોને એમની સ્થિતિએ જઈ સમજાવવામાં આવે તો એ
કોઈપણ જાદૂ કરવા માટે સક્ષમ છે ! અને એમની એ શક્તિથી જ આખા માસમાં શાળામાં
પ્લાસ્ટિક નહીંવત – એકાદ ચોકલેટનું રેપર સિવાય કઈ જોવા મળ્યું નથી ! અને એવું કૈક
દેખાય એટલે બોમ્બ ડીફ્યુઝ કરવાની ટીમ જેમ કામે લાગે એટલી ઝડપથી પ્લાસ્ટિક દૂર કરી
દેવાય છે !
તમારી પાસે આ મુહીમને જાળવી રાખવાના કોઈક
પ્રેકટીકલ સૂચનો હોય તો આપજો !