શિક્ષક – એક ઉદ્દીપક તરીકે !!!
મિત્રો, દ્વિતીય સત્રની
શરૂઆત થઇ ગઈ છે, પ્રથમ સત્રાંત કસોટીનું પરિણામ બાળકોને જણાવ્યું પણ હશે ! આમ તો, જો
ખરેખર કહીએ તો તે પરિણામ બાળકોનું નહિ પણ પ્રથમ સત્રમાં બાળકો માટે આપણે કરેલી
મહેનતનું હોય છે !!! આપણે બાળકોને સમજવામાં અને અભ્યાસક્રમમાંની માહિતી બાળકોને
સમજાવવામાં કેટલાં સફળ થયા તેની પારાશીશી હોય છે. ત્યારે તેમાંના કેટલાંક બાળકોનું
પરિણામ આપણને આંચકો આપનાર આવ્યું હોય ત્યારે આપણામાં હતાશાનો ઉભરો સ્વાભાવિક છે, પણ એ ઉભરાની દિશા કોના તરફ કરવી તે સમજવા એક
બાળક સાથે ઘટેલ ઘટનાને જાણીએ.
એક બાળકે પ્રાથમિક શિક્ષણ માટે
પ્રવેશ મેળવ્યો. ત્યાર પછીના થોડા દિવસોમાં શાળાએથી છૂટી ઘરે આવી તેણે તેની માતાને
કહ્યું મારા શિક્ષકે આ ચિઠ્ઠી આપી છે, એમ પણ કહ્યું છે કે તારી મમ્મી ને જ આપજે.
ચિઠ્ઠી વાંચતા જ માતાની આંખમાંથી પાણી ટપકવા લાગ્યું ! બાળકે પૂછ્યું કે મારા
શિક્ષકે શું લખ્યું છે? – ત્યારે માતાએ કહ્યું કે એમાં લખ્યું છે કે “તમારો બાળક
બહુ હોંશિયાર છે, અને તેને ભણાવી શકવા અમે અસમર્થ છીએ, માટે તેને કોઈ સારી શાળામાં
ભણવા મોકલો જ્યાં અમારાથી વધુ હોંશિયાર શિક્ષકો હોય !” – વર્ષો પછી આ બાળક મોટો
વૈજ્ઞાનિક બન્યો. નામ હતું થોમસ આલ્વા એડીસન. તેની માતાના અવસાન પછી તેની માતાની
સંગ્રહાયેલ જૂની વસ્તુઓ ફેંદતા ફેંદતા તેને વર્ષો પહેલાંની તેના શિક્ષકે લખેલી
ચિઠ્ઠી મળી આવી ! ચિઠ્ઠી વાંચતા જ તેને મોટો આંચકો અનુભવ્યો – તેમાં લખ્યું હતું –
તમારો બાળક ભણવામાં બહુ જ નબળો છે, તેને કોઇપણ વિષય સમજવામાં બહુ જ વાર લાગે છે,
જેનાથી અમારા બીજા હોંશિયાર બાળકો પણ તકલીફ અનુભવે છે, તેનો બુદ્ધિઆંક જોતાં તે ભણી
શકશે નહિ, માટે તેને કાલથી શાળાએ મોકલશો
નહિ.”
મિત્રો, આ વાતને આપણી જ શાળા કે
વર્ગખંડોના પર્યાવરણ સાથે જો સરખાવવામાં આવે તો દરેક બાળકની ગતિ માટે આપણો પ્રયત્ન
થોમસની માતા જેવો હોવો જોઈએ, બની શકે છે કે દરેક કૌશલ્યો બાળકમાં નથી હોતાં તેમ
આપણામાં પણ ન હોય, તો પણ થોમસના પૂર્વ શિક્ષક જેવું વલણ તો ન જ હોવું જોઈએ.
ઉદ્દીપક બની બાળકમાં દરેક પ્રકારની સ્કીલ્સ નો વિકાસ કરવાનું કામ જો આપણું હોય તો
પછી આપણા પોતાનામાં ખૂટતી સ્કીલને વિકસાવવા માટે અન્ય કોની પાસે આશા સેવાય ??
અગાઉના અંકોમાં પણ અમે કહ્યું છે તેમ અહીં ફરીથી
કહીએ છીએ કે – મારા વર્ગનો આ બાળક તો મારી વાતને/ મારી શિક્ષણ પદ્ધતિને સમજતો જ નથી !!! - એવું માની લીધા પછી
શિક્ષણકાર્યના આગળના બધા જ રસ્તાઓ બંધ થઇ જાય છે – જયારે “હું તેને આ વાત સમજાવી શકતો નથી“
– વૈચારિક આ પાસું “બાલાનુકુલ શિક્ષણ પદ્ધતિઓ”
અથવા કહીએ તો “બાલાનુકુલ વર્ગખંડો” માટેના
અઢળક રસ્તાઓ ખોલી દે છે !!!!!
1 comment:
Nice..
Post a Comment