બાળ-અભયારણ્ય
શાળા એટલે શું ? - ભણવાનું સ્થળ માત્ર કે પછી તેનાથી વધારે કંઈક ખરું ? આપણને જયારે કોઈ પૂછે કે તમને કેવું કાર્ય ક્ષેત્ર ગમે ? ત્યારે આપણે કાર્યક્ષેત્ર વિશેની આપણી શરતોનો ઢગલો ખડકી દેતાં હોઈએ છીએ. જેમકે –હું મુક્ત પણે અને મુક્ત મને કાર્ય કરી શકાતો હોઉં. આજે કયું કામ પહેલું અને કયું કામ બીજું કરું તે હું પોતે જ નિર્ણય કરી શકતો હોઉં ! મારા બધા જ સહકર્મીઓનો મને પુરેપુરો સાથ સહકાર આપતાં હોય અને જરૂર જણાય ત્યાં પૂર્ણ માર્ગદર્શન મળી રહેતું હોય અને તે પણ અવાજના ઉંચા-નીચા આરોહ અવરોહ વિના ! ટૂંકમાં મને મારું કામ મારી ગતિએ અને મારા સ્વભાવે કરવા મળતું હોય અને તે પણ કોઇ પ્રકારના ડર વિના ! તેવું પર્યાવરણ ધરાવતું કાર્યક્ષેત્ર – તે આપણો જવાબ હોય છે.
મિત્રો, ભૌગોલિક શાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો “મુક્ત મને હરીફરી શકે તે માટેની કોઈ પ્રાણી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોય તો તેને જે તે પ્રાણીનું “અભયારણ્ય” કહેવામાં આવે છે.” આપણે પણ આપણું કામ સારી રીતે કરી શકીએ તે માટેનું ઉપર મુજબના પર્યાવરણ
ધરાવતા સ્થળનું જે વર્ણન કર્યું તેને જો એક શબ્દમાં કહેવું હોય તો “મારું અભ્યારણ્ય” એમ કહી શકાય. સંધિ છોડીએ તો અભય + અરણ્ય = અભ્યારણ્ય. આ તો બધી આપણે આપણી વાત કરી, હવે આપણે આપણા બાળકો તરફ વધીએ... જો પ્રાણીઓ માટે આપણે આટલો વિચાર કરતાં હોઈએ તો શું બાળકો માટે આપણે આવું કંઇક ન કરી શકીએ. જેમકે ગામમાં શાળાનું નામ બદલી શાળાને “બાળ-અભયારણ્ય” તરીકે ન સંબોધી શકીએ? ફક્ત નામ જ નહિ શાળાના પર્યાવરણને કે પછી વર્ગખંડોમાંના વાતાવરણને પણ સાચા અર્થમાં “અભય’ ન બનાવી શકીએ? એવું વાતાવરણ કે જ્યાં...
> જ્યાં બાળકને “અશિસ્તના નામે પોતાનો શિકાર થશે” તેવો તેનામાં ભય ન હોય.....
> વિષયોના વાડાઓમાં કે એકમોની ઝાડીઓમાં ફસાઈ જવાની” તેને બીક ન હોય........
> અહીં મને જે ગમશે તે જ થશે......
> મારામાં ન કોઈની કનડગત હશે કે ન તો મારા માટે કોઈ પગદંડીઓ નિશ્ચિત હશે.....
> મારા વર્તન પ્રત્યેની ચાલવાની, દોડવાની,
કુદવાની , ઉડવાની વગેરે
તમામ બારીઓ મારા માટે ખુલ્લી હશે !-
તેવો તેને શાળાના પર્યાવરણ પર વિશ્વાસ હોય...
બાળકને આવા વાતાવરણ/પર્યાવરણ સાથેના અરણ્યના અહેસાસથી જ શાળાઓ પોતાને સાચા અર્થમાં “બાળ-અભયારણ્ય” તરીકે સાબિત કરી શકશે.
No comments:
Post a Comment