December 31, 2015

“ઘૂટતું” બાળક અને ‘ઘૂંટાતું” માનસ !!

                                                 
 એકડ એકો...બગડ બેયો.. “ઘૂટતું” બાળક અને ‘ઘૂંટાતું” માનસ !!
   બાળકોને કેવું પર્યાવરણ ગમે છે !! તે માટેની વ્યાખ્યા કરવાની થાય તો તેના પર UN-અંત લખાણ લખી શકાય !! કેટલુંય બોલી શકાય - પરંતુ જો શાળાનું પર્યાવરણ કેવું હોવું જોઈએ તે વિષે જો પૂછવામાં આવે તો તે માટેનો સીધી લીટીનો એક જ જવાબ અમારી પાસે છે અને તે છે શાળાકીય પર્યાવરણ બાળકોને ગમે તેવું હોવું જોઈએ !! કેટલીકવાર બાળકોને ગમે તેવું પર્યાવરણનો અર્થ કેટલાંક મિત્રો એવો કરી દેતા હોય છે કે બાળકોને તો ફકતને ફક્ત રમવું જ ગમે !! તો પછી ભણવાનું ક્યારે ?? સૌથી વધુ ભ્રમિત કરતું વાક્ય આ જ છે કે જે ભણવું અને રમવું આ બંનેને અલગ કરી નાખે છે અથવા તો એમ કહીએ કે શાળા ધ્વારા એવું શૈક્ષણિક આયોજન કરવામાં આવે છે કે જેમાં બાળકને આનંદ આપનારું કાંઈ જ હોતું નથી. ત્યાંથી જ બાળકના મનમાં પાકું થઇ જાય છે કે આ મારે ‘રમવાનું’ છે અને આ તો મારે ‘ભણવાનું’ છે ! પરિણામે બાળમાનસમાં ‘રમવું’ અને ‘ભણવું’ એ વિરોધી ક્રિયાઓ તરીકે સ્થાપિત થઈ જાય છે. – આ ધારણા ન બંધાઈ જાય એ માટે શાળાકીય આયોજન વખતે અથવા તો આપણું વર્ગ કે વિષય કે એકમ મુજબના આયોજનમાં પણ રમતો [ ખાસ કરીને મેદાનોને ] વધુમાં વધુ કેવી રીતે જોડી શકાય તે માટેનો પ્રયાસ હોવો જોઈએ ! કોઈ બાળકને માત્ર વર્ગમાં બેસાડી ‘ન મ ગ જ’ ઘુટાવીએ છીએ ત્યારે ખરેખર તો સ્લેટમાં ‘ન મ ગ જ’ નહિ પણ વર્ગખંડમાં તે બાળક ઘૂંટાતું હોય છે !!   અને તે જ બાળકને જો મેદાનમાં એવી રીતે રેલગાડી ચલાવવાનું કહેવામાં આવે “મ” ઉપસતો જાય ! પછી તે  સ્લેટમાં “મ” લખે અને તે મુજબ “મ” ની રેલગાડી દોડે – દર વખતે ડ્રાયવર બદલાતો જાય ! સ્લેટમાં કાચો તે મેદાનમાં ડ્રાયવર બનતો જાય !! – આ તો માત્ર એક ઉદાહરણ છે – દિવસ ઉગતાં જ બાળકોનો મકસદ આજે શું નવું રમીશું- એ  હોય છે અને આપણો ઉદેશ્ય શું શીખવીશું- એ હોય છે. બસ આ બેનો સમન્વય થઇ જશે તે જ સચોટ અને સફળ પરિણામ આપનારું આયોજન બનશે ! 

December 26, 2015

“નાગરિક ઘડતર” નું ઘડતર

   
 “નાગરિક ઘડતર” નું ઘડતર
                        શાળામાં દરરોજ કશું એક જેવું નથી હોતું, કારણ એ જીવન છે ! જીંદગીમાં પણ હર એક દિવસ – હર એક ક્ષણ પહેલા હતી એનાથી જુદી હોય છે. ડાયનામિક હોવું એ જ એની જીવંતતાનો પરિચય છે. શાળાનું ધ્યેય શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ નાગરિક – શ્રેષ્ઠ નાગરિકથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણનો છે ત્યારે તેના માટેની ચાવી એ આપણી “નાગરિક ઘડતર” નામની પ્રવૃત્તિ છે. આ રહી લીંક :
                    શાળાનું સંચાલન વિદ્યાર્થીઓના હાથમાં લઇ જનાર અને વિદ્યાર્થીઓને પોતાના હકો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રાખી ખોખારો કરી બોલવાની કેળવણી આપતી આ પ્રવૃતિમાં પણ વર્ષો વર્ષ જુદા જુદા ફેરફારો આવ્યા જ કર્યા ! તેનો મૂળ હેતુ એ જ રહ્યો પણ એની અસરકારતા વધારવા રૂપે ફેરફાર થયા કરે છે. ગત સત્રમાં જૂથ બનવાની પ્રક્રિયા સમયે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ સાથે સાંકળવામાં મુશ્કેલી પડી. આખા સત્ર દરમિયાન રોજે રોજ ખાટીમીઠી થયા કરતી કે કોણ કયા જુથમાં ઉમેરાયું !
ઉકેલ સ્વરૂપે આ વખત નીચેના પગથીયા અનુસાર જૂથ નિર્માણ થયું.
ü  ૧. દરેક શિક્ષકના નામની ચીઠ્ઠી બની. જેથી ધોરણ ત્રણ થી સાતના તમામ વિદ્યાર્થીઓને સરખા ભાગે સાત જુથમાં વહેચી શકાય.
ü  ૨. વારાફરતી એક એક ધોરણના વિદ્યાર્થીઓએ ચીટ ખેંચી એટલે  તે દિવસ હાજર બધા વિદ્યાર્થીઓ જુથમાં વહેચાઈ ગયા. તેમના નામ જૂથ મુજબ નોધાઇ પણ ગયા. વિદ્યાર્થીઓના હાજરી પત્રકમાં પણ તેમના નામ સામે કોડીંગ થઇ ગયું . હવે, બીજે દિવસ સાંજની સભા મળે ત્યારે જે વિદ્યાર્થી કોઈ જુથમાં ના હોય એને ચીટ ખેંચવાની અને તે મુજબ જૂથ પસંદ થાય.
ü  ૩. જુથમાં તમામે પોતાના જૂથના નેતા અને ઉપનેતા ચુંટ્યા. તે માટેના નિયમો પૂર્વવત જ રહ્યા.
ü  ૪. નામ પસંદ થયા – આ વખત નામોનું વૈવિધ્ય પણ મજેદાર રહ્યું- કારણ પહેલા નામનો પ્રસ્તાવ રાખવાનો હક ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓને અપાયો.
                                            છોટા ભીમ, સરદાર, બાલવીર, વિશ્વાસ, અકબર, સ્ટાર અને ઓનેસ્ટ એમ સાત જૂથ ધરાવતી અમારી આ શાળા સંસદ પોતાના કામે લાગી ગઈ છે.  પંદર દિવસ પછી તેમની કામગીરીની સમીક્ષા સંસદમાં થશે. દરેક જૂથ પોતે કરેલી કામગીરી સૌ સમક્ષ મુકશે. અપીલ કરશે કે તેમના જૂથને જ શ્રેષ્ઠ જૂથ તરીકે મત મળે. પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ પસંદ થશે. અને તેમની કામગીરી આગામી પખવાડિયા માટે બદલાશે. બધા બાળકોને બધા કન્વીનર સાથે કામ કરવાનો મોકો મળે એટલે જૂથના કન્વીનર શિક્ષકની કામગીરી નહિ બદલાય-આખા સત્ર સુધી !આ માળખાથી શાળાના કાર્યો સુગમ બને જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સમજતા થાય અને હક મેળવતા થાય એ મુખ્ય ઉદેશ્ય છે.
પ્રવૃતિમાં જીવન હજુય ધબકે છે – આપના પ્રતિભાવ મળશે તો પ્રાણવાયુનું કાર્ય કરશે.

December 01, 2015

આપણા બાળકો IIM., અમદાવાદમાં !


આપણા બાળકો IIM., અમદાવાદમાં !
                 આપણા રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગુજરાતના પ્રવાસે આવ્યા, તેમાં એકમ દિવસ આઈ.આઈ.એમ. અમદાવાદમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તથા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડઝ ભારતભરમાંથી આવેલા વિધાર્થીઓને અપાયા. આ નવા સંસોધન કરનારા ચાલીસ અને બીજા ભારતની જુદી જુદી શાળાઓમાંથી આવેલા ૨૬ વિદ્યાર્થીઓનો ક્રિએટીવીટી વર્કશોપ બે દિવસ સુધી યોજાયો. જેમાં ગુજરાતમાંથી જે છ ક્રિએટીવ બાળકોને આમંત્રિત કરાયા તે પૈકી બે વિદ્યાર્થીઓ આપણી મસ્તી કી પાઠશાલાના હતા. – અલદીપ અને જયપાલ ! બંને ને ત્યાં જુદા જુદા જુથમાં કામ કરવા મળ્યું... તેઓએ જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઇ ત્યાંની સમસ્યાઓને ઓળખી – તેની નોધ કરી. આઈ.આઈ.એમ.માં પાછા આવી તેના ઉપાયો અંગે જૂથ ચર્ચા કરી.
     તે આધારિત ચિત્રો અને ડ્રાફ્ટ બનાવ્યા. તે સમસ્યાના ઉપાયો અંગે કમ્પ્યુટર પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા. જૂથ કાર્ય બાદ તેનું પ્રેઝન્ટેશન કર્યું. તે અંગેની કોમેન્ટ્સ મેળવી સુધારા વધારા કર્યા. સમગ્ર જુથકાર્ય માં તેમના માટેની સૌથી મજેદાર વાત હતી કે તેઓ જુદા જુદા રાજ્યમાંથી હતા. તેમનામાં ભાષા-રહેણીકરણીમાં વૈવિધ્ય હતું પણ જરૂરીયાતમંદ માણસોની સમસ્યાઓને ઉકેલવા માટેની તત્પરતા અને નવા આઈડિયાઝ વિચારવા માટેની ધૂન એક જ હતી.
       બંને મહામહિમ પ્રણવદાના અંગ્રેજી વક્તવ્યમાંથી શું સમજ્યા અને શું ના સમજ્યા એની માથાકૂટ હજુ ય કરે છે ! 










  

બંને આજે શાળામાં આવ્યા – બંને વિદ્યાર્થીઓને નવાનદીસરથી અમદાવાદ લઇ જવા અને પાછા મુકવામાં આઈ.આઈ.એમ. એ જે ઉત્સાહ અને કાળજી રાખી તે અવિસ્મરણીય જ છે.  શાળામાં ચેતનભાઈ બંનેને મુકવા આવ્યા ત્યારે સિક્કીમના મહેમાન સાથે હતા – તેમાય બે ત્યાંના વિદ્યાર્થીઓ ! હવે તો પૂછવું જ શું ? સિક્કો કયા હાથમાં છે થી માંડી શાળાની ભૂલભુલામણી સુધીની રમતો રમાઈ ગઈ ! ઉંચાઈ મપાઈ – ને વાતો થઇ કે તેમની શાળા કેવી છે !









      .....આવેલ મહેમાનની વિદાય પછી ય જયપાલ અને અલદીપના અનુભવોમાં આઈ.આઈ.એમ., અમદાવાદના કેરીંગ વ્યક્તિઓની ચર્ચા હજુ ચાલ્યા કરે છે. હજુ ચેતન સર અને મેઘાબેન  અને જેમની સાથે તે રોકાયા તે જલ્પાબેન સૌની વાતો ખૂટતી નથી. તેનું બિલ્ડીંગ અને એમાય “ઓહો, સાહેબ વિક્રમ સારાભાઇ લાઈબ્રેરી તો – જોરદાર – ફુલ્લ ચોપડીઓ ! અને જો સહેજ ધ્યાન ના રાખીએ તો ખોવાઈ જઈએ – જેવી વાતોમાં શાળાના બીજા મિત્રો હજુ ખોવાયેલા છે. 
                                બન્ને બાળદોસ્તો માટેની આ સ્વપ્નવત ઘટનાને વાસ્તવમાં ફેરવવામાં વહીવટી સુગમતા કરવા બદલ અમારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પંચમહાલ અને ગોધરા B.R.C.Co.શ્રીઓનો વહીવટી સહકાર તથા વાલીઓના નૈતિક સહકારની પણ સરાહના કરવી ઘટે તેમ છે !!!
શાળા માટેની આ ગૌરવવંતી ઘટનામાં અમને થયેલા ગૌરવને વહેચીએ – અમે જ કહ્યું છે, ગમતાનો કરીએ ગુલાલ ! બાળકોના IIM માંના વર્કશોપ દરમ્યાનના ફોટોગ્રાફ્સ માટે ક્લિક કરો > other photographs

November 30, 2015

બાળકોનું “શૈક્ષણિક પાચનતંત્ર” !!!


બાળકોનું શૈક્ષણિક પાચનતંત્ર” !!!
            શિક્ષણ એક સદાય ચાલતી પ્રક્રિયા છે, બાળક હંમેશા તેની આસપાસના પર્યાવરણમાંથી શીખતો રહેતો હોય છે ! તેમાંય શાળાઓ એ બાળકની આ બધી જ પ્રક્રિયાઓને વ્યવસ્થિતપણે ગોઠવવાની કામગીરી કરતી હોય છે. બાળકોમાં રહેલી આ પ્રક્રિયા એટલે  જ બાળકોનું શૈક્ષણિક પાચનતંત્ર ક્ષમતા વર્કશોપ !!! શાળાનું કામ શું આપણે શાળામાં બાળકોને જ્યારે વિજ્ઞાન ટેકનોલોજી વિષય અંતર્ગત આપણા શરીર વિષે સમજ આપતાં હોઈએ છીએ, જે દરમ્યાન આપણે બાળકોને આપણા શરીરમાં સમાવિષ્ટ શ્વસનતંત્ર પાચનતંત્ર રુધીરાભીષણ તંત્ર વગેરે વિગતે સમજાવતાં હોઈએ છીએ. આ બધા તંત્રોનું આપણા શરીરમાં કેટલું મહત્વનું છે તે પણ આપણે બાળકોને સમજાવતાં હોઈએ છીએ. આપણે ખુદ જો આ તંત્રોને બરાબર સમજી લઇ, તેને શૈક્ષણિક પ્રક્રિયાઓ સાથે સરખાવીએ તો આપણને પણ શિક્ષક -- શિક્ષણ વિદની જેમ સમજાતું થશે કે ખરેખર આપણે બાળકોની શૈક્ષણિક પ્રક્રિયાને સરળ સચોટ બનાવવા માટે પ્રારંભ ક્યાંથી કરવો પડશે? જો આપણે ખોરાકને શૈક્ષણિક મટીરીયલ્સ અને તેના ધ્વારા મળતી સમજ/જ્ઞાનને પોષકતત્વો સાથે સરખાવીએ તો આ પ્રક્રિયામાં  મહત્વનું કાર્ય અને આધાર તે માટેના પાચનતંત્ર/પાચનશક્તિ પર રહેલો  છે ! વર્ગખંડોમાં આપણે કેટલું આપીએ તે કરતાંય બાળકોને કેટલું પચે છે તેનું મહત્વ વધારે છે ! કેટલીકવાર બાળકોની પાચન ક્ષમતા કરતાંય વધુ પીરસનાર એઠવાડ વધારે છે કે પછી અપચો અથવા તો ક્યારેક આખેઆખું પાચનતંત્ર નબળું પડી જાય તેવી મુશ્કેલીઓ સર્જે છે! જયારે આપણે આપણા શરીરના પાચનતંત્ર આધારિત સમજમાં બાળકોને સમજાવતાં વારંવાર ઉચ્ચારતાં હોઈએ છીએ કે જેટલી આપણી પાચનશક્તિ હોય તે મુજબ જ ખોરાક લેવો જેથી ન તો એંઠવાડ વધે , ન તો અપચો થાય ! તે સમયે પણ આપણે બાળકોને સશક્ત તન અને મન માટે પોષકતત્વો જરુરી છે, અને આ પોષકતત્વો મેળવવા માટે ખોરાક કરતાંય વધુ પાચનશક્તિ વધારવા માટેની વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ કહી તેના પર ધ્યાન આપવાનું સમજાવતાં હોઈએ છીએ ! તેવી જ રીતે આપણો પણ વર્ગખંડોમાંનો પ્રથમ આગ્રહ બાળકોની ક્ષમતા આધારિત કાર્ય પદ્ધત્તિ માટેનો હોવો જોઈએ. તે પછીનો દ્વિતીય અને તુરંતનો પ્રયત્ન બાળકોની શૈક્ષણિક પાચનતંત્રની કાર્યશક્તિમાં વધારો કરવા માટેનો જ હોવો જોઈએ જ્યાં સુધી બાળકોની સમજ શક્તિ રૂપી પાચન ક્ષમતાઓ પ્રત્યે આંખ આડા કાન કરી ફક્ત ઠાંસી દેવાની પ્રવૃત્તિને જ આપણી ફરજ નિભાવ્યાનું સમજતાં રહીશું તો પરિણામો અનપેક્ષિત અને આપણને ન પચે તેવાં જ મળશે તે શિક્ષણવિદોની કહેલી અને અમે અનુભવેલ બાબત છે !!! માટે જ ચાલો, બાળકોને શૈક્ષણિક મટીરીયલ ભૂખ હોય તેટલું જ નહિ પણ તેના કરતાંય વધારે જરૂર હોય તે બધું પણ પીરસીએ, સાથે સાથે તે પીરસેલું તમામ  જ્ઞાનરૂપી પોષકતત્વોમાં પરિણમે તેવી બાળકોની પાચન શક્તિ બને તે માટે પણ તેટલાં જ પ્રયત્નશીલ બનીએ !!!

JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL

November 29, 2015

ચાલો,સત્રના શુભારંભે જ કૂવો ખોદી તૈયાર થઇ જઈએ !!!!


U ચાલો,સત્રના શુભારંભે જ કૂવો ખોદી તૈયાર થઇ જઈએ !!!!

                             કોઇપણ કાર્યની સફળતા માટે સૌથી મહત્વનું પરિબળ છે કાર્ય માટેનું આગોતરું આયોજન !! કોઇપણ પ્રકારના આયોજન વિનાના કાર્યની સફળતા માટેની અપેક્ષાઓ ગેરવ્યાજબી હોય છે, જાણે – અજાણે આયોજનવિહીન કાર્યને નસીબ આધારિત છોડી દેવામાં આવતું હોય છે. ક્યારેક કાર્ય સફળ થાય તો પણ વસવસો એ વાતનો રહી જ જાય કે જો આયોજન કર્યું તો આના કરતાં પણ વધુ સારું પરિણામ મેળવી શકાયું હોત ! આવા પસ્તાવા પછીનો આપણો પહેલો બરફ જેવી દ્રઢ સ્થિતિસ્થાપકતા વાળો પહેલો સંકલ્પ એ હોય છે કે હવે પછી તો ચોક્કસપણે આયોજન બદ્ધ કામ કરીશ !! ધોરણ દસ કે બાર જેવા અતિ મહત્વના ધોરણો સમયે બાળકોને આપણે આગામી આયોજન બદ્ધ તૈયારી કરવાની સલાહ આપતાં રહી છીએ અને આવી સલાહની શરૂઆતમાં કે સલાહનો અંત કરતાં આગ લાગે ત્યારે કુવો ખોદવા ના બેસાયવાળી કહેવતથી જ કરતાં હોઈએ છીએ. આવી સુફિયાણી સલાહ આપતાં આપણે ખુદ જ્યારે શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવતા સમયે શું સત્રની શરૂઆતમાં જ કે શૈક્ષણિક પ્રોજેક્ટરૂપી આગ ( J ) લાગવાની જ છે તેની ખબર હોવા છતાં કુવો ખોદી એડવાન્સ બનીએ છીએ ખરા?  - ચાલો, ગત સત્રમાં આપણા ધ્વારા થયેલ વર્ગખંડોમાંની શૈક્ષણિક પ્રક્રિયા કે પ્રોજેક્ટોને એકવાર આપણી આંખો સામેથી પસાર કરી લઈએ અને આગોતરા આયોજનની તોલે તોલી જોઈએ, તમને પણ ખ્યાલ આવશે કે આપણા ધ્વારા થયેલ કેટલાક પ્રોજેક્ટો કે જે આપણી આગોતરી કુવો ખોદવાની આળસેઅમલમાં મૂકી દીધો હશે તો તેમાં આપણે ધાર્યા મુજબનું સારું નહિ કરી શક્યા હોઈએ અથવા તો તે આખાને આખા પ્રોજેક્ટના હાર્દ એવા અનુભવથી વંચિત રહી ગયા હશે ! આયોજન વિના બનાવેલા લાડવા કરતાંય આયોજન પૂર્વક બનાવેલી ખીચડી વધુ સ્વાદિષ્ટ હોય છેમાટે ચાલો, બરફ જેવી સ્થિતિ સ્થાપકતા વાળા સંકલ્પો નહિ- પણ, દરેક કાર્યમાં જરૂરીયાત મુજબનું આગોતરું આયોજન કરવું” - તેને જીવનશૈલી બનાવીએ !!  અને પછી ફરી જે તે સત્રનું સરવૈયું કાઢીએ!! અનુભવાશે કે - કાર્ય સરળ અને પરિશ્રમ ઓછો બનશે - પરિણામ વધુ સારું અને આનંદદાયી હશે - તેની અમારા તરફથી 100% ગેરંટી  !!!!  માટે જ , લાગી જાઓ આ નવીન શૈક્ષણિક સત્રમાં લાગનારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રૂપી આગ હોલવવા માટે આયોજન રૂપી કુવાને ખોદવાના કામમાં- આજથી જ નહિ અત્યારથી જ !! નહિ તો જો કાલ ઉપર ઢોળીશું તો એક ઓર સત્ર ગત સત્રની જેમ જ આંખો આગળથી વહી જશે !! અને આપણે ફરીથી પૂરો ન્યાય ન આપી શકાયાના જીવ બાળતાં જ રહી જઈશું !!!
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL

November 19, 2015

“તીર નિશાના પર છે કે નહિ ?”


“તીર નિશાના પર છે કે નહિ ?”
                       જયારે તમે શાળામાં ફરતા ફરતા તમારા ચંપલ ક્યાંક ભૂલી જાઓ અને તમારા સાતમા-આઠમા ધોરણમાં ભણતા કોઈક વિદ્યાર્થીના ચંપલ પગમાં ફીટ થઇ જાય તો – સમજી લેવાનું કે એની સાથે નજીકના દોસ્ત બનવાનો સમય આવી ગયો છે ! એને હવે તમારી સૂફીયાણી સલાહ માત્ર અસર નહિ કરે એ તમારામાં એનો દોસ્ત શોધે છે – એને ગમે છે કે કોઈ એની સાથે “બચ્ચો જૈસા !” વ્યવહાર ના કરે. કોઈ એને એમ ના કહે કે “તું જા અહીંથી આ અમારી મોટાઓની વાત છે !”
          અમારે શાળામાં ‘આવા’ ઘણા વિદ્યાર્થીઓ દોસ્ત છે. જેમની સાથે અમારી વાતોના વિષય –મધ્યાહન ભોજન થી મધ્ય રાત્રીના સ્વપ્નો સુધી હોય છે ! અમારી વચ્ચે મજાક મસ્તી પણ એવી જ – એને થાય કે “હા, યાર- આ બંદો આપણા જેવો છે !” એથી જ કોઈકવાર જુનું સેનિટેશન ફુલ્લ હોય તો શિક્ષકની બહારથી કોમેન્ટ આવે કે “બસ લ્યા પાનાઈમાં. (નજીકમાં આવેલા કોતરમાં) પુર આવી ગયું !” અંદરથી થોડાક ખડખડાટ હસવાના અવાજ પછી કોમેન્ટનો જવાબ મળે કે” શું યાર, તમે અહી તો હસાવ્યા વગર રહેવા દો !”
                  આવા “સખ્ય-સંબંધો” મદદરૂપ બન્યા નવા બોયઝ સેનિટેશનના પેઈન્ટીંગ. વખત !  શું ક્યાં દોરેલું હોય તો અસરકાર બને ? એની ચર્ચા થતી અને એ મુજબ કોણ ક્યાં હોય ત્યારે એની નજર ક્યાં હોય ? ચર્ચાને અંતે કેટલાક નવા પ્રયોગો ‘સેનિટેશન સિમ્બોલ્સ’ માં કર્યા. આખરે તો અમે એમને જાણીએ છીએ કે એમને કઈ વાતમાં મજા પડે છે – એમની સહજ વૃતિ શું હોય ! અને એ જ વૃતિનો ઉપયોગ કર્યો તેમના માટેની આ પ્રવૃતિમાં !
 અમે તાકેલું “તીર” એ “નિશાન” પર લાગ્યું કે કેમ ! એ તો હવે જયારે એનો ઉપયોગ થવા માંડશે ત્યારે ખબર પડે !
ફોટોગ્રાફ્સ જોઇને તમે તો કહો કે “તીર નિશાના પર છે કે નહિ ?” 
Boys Toilet 
Toilet for children with special need  [C.W.S.N.].

How to Use?
 Door symbol

General
wash basin

we must wash our hands !!
How to use  urinal?







મિત્રો, આપના કાર્યક્ષેત્ર હેઠળના તમામ શૌચાલય સ્વચ્છ અને કાર્યરત હોય તેવી આજના "World Toilet Day" નિમિત્તે શુભેચ્છાઓ !!!