July 31, 2025

તૂટી જતો સૈયારા કે અચળ ધ્રુવ !

તૂટી જતો સૈયારા કે અચળ ધ્રુવ !

જ્યારે આપણે આનંદ વગર જીવન જીવતા હોઈએ, ત્યારે આસપાસની તમામ વસ્તુઓ – સુવિધાઓ, સગવડો અને સ્નેહીજનો – પણ જાણે કે બોજરૂપ લાગતા હોય છે. મજા ન આવે તેવું કામ કરવામાં પણ જાણે શરીર આખો દિવસ થાક અનુભવતું હોય છે, અને એના લીધે જ તો થાક વર્તાતો હોય. એટલે જ તો આપણા પૂર્વજો કહી ગયા હતા કે, સંપત્તિ થોડી ઓછી હોય તો ચાલે, પરંતુ આનંદ ભરપૂર હોવો જોઈએ. અને આવા આનંદ સાથે જીવન જીવવું એ જ જીવન જીવવાનો સાચો આનંદ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. (કયા શાસ્ત્રોમાં એ અમને પૂછવું નહીં, હોં! 😅)

જન્મથી મૃત્યુ સુધી, અથવા તો કોઈપણ ઉંમરે વ્યક્તિ કંઈ પણ કામ કરે, પરંતુ તે દરેકમાં પોતે આનંદ શોધતો હોય છે. એટલે જ તો વ્યવસાય શોખ ન હોય ત્યારે શોખ પૂરા કરવા પણ તેના માટે સમય કાઢતો હોય છે, કારણ કે તેમાંથી તેને આનંદ આવતો હોય છે. અને એ જ આનંદ એનર્જી તરીકે તેને વધુ કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. સરવાળે જોઈએ તો, આનંદ એ જ જીવન સંચાલનની ચાવી છે, એવું સાબિત થાય છે.

અગાઉના અંકોમાં આ વાત ઉપર આપણે ચર્ચા કરી છે કે, શીખવાની આટલી સરસ પ્રક્રિયા ક્યારે ભણવાની બોરિંગ પ્રક્રિયા બની ગઈ અને તેના જવાબો શોધવા માટે પણ ઘણા પ્રયત્નો થયા છે. છતાં પણ આજ દિન સુધી ‘શીખવું’ એ 'ભણવું' થી અલગ જ બની રહ્યું છે. અને 'ભણવું' એવો શબ્દ જ્યારે વાપરીએ છીએ, ત્યારે તરત જ બાળકોના કપાળે કંટાળા રૂપી કરચલીઓ પડતી હોય છે. ત્યારે એવું સમજાય છે કે વર્ગખંડોમાંથી જ્યારે આનંદ ઉડી જાય છે, ત્યારે વર્ગખંડમાં થતી તમામ પ્રક્રિયાઓ બાળક માટે કંટાળાજનક એટલે કે બોજારૂપ બનતી હોય છે. અને એના લીધે જ એને એવું લાગવા માંડે છે કે વર્ગખંડ એટલે ભણવા માટેના છે, શીખવા માટેના નથી.

તમને થશે કે ભણવું અને શીખવું આ બંને અલગ અલગ કેવી રીતે છે? ત્યારે શીખવું એટલે બાળકે જાતે કરવું, સાંભળવું, સમજવું, પોતે વર્તવું - આ બધી પ્રક્રિયાઓ આવતી હોય છે. અને ભણવું શબ્દનો અર્થ એવો બની ગયો છે કે શિક્ષક બોલે, શિક્ષક કહે, શિક્ષક કરે - તેવું જ કરવું અને સાંભળવું. આવી એકાંકી પ્રક્રિયા બાળકના મનમાં ભણવાના નામે શીખવા માટેનો રસ ઉડાડી મૂકે છે, એટલે જ તો ભણવાના નામથી બાળકો દૂર ભાગી રહ્યા છે.

જ્યારે આવા વાતાવરણમાં બાળકોનું પોતાનું મન એટલે કે મગજ શીખવા તૈયાર નથી, ત્યારે તે બાળકને આપણે જે કહીએ છીએ, બોલીએ છીએ, લખાવીએ છીએ, વંચાવીએ છીએ - આ બધી પ્રક્રિયાઓ નિરર્થક સાબિત થતી હોય છે. એટલે કે, એક પ્રકારની મજૂરી આપણે કરતા હોઈએ તેવું લાગે છે, અને તેમાં જોઈએ તેટલું વળતર આપણને મળતું નથી. અને તેનું એક કારણ છે કે આ બધી પ્રક્રિયાઓમાંથી એક જ વસ્તુ બહાર નીકળી ગઈ છે, અને તે છે તેના અંદરનો આનંદ અને બાળકના ચહેરા પરની સ્માઈલ! જો આ એક વસ્તુ ઉમેરાઈ જાય, તો વર્ગખંડોને આપણે જે વર્ગખંડો કહીએ છીએ તે ખરેખર કેવા બની જતા હોય છે! કારણ કે બાળકને આનંદ આવવો એ આપણા માટે શીખવવાની પહેલી ફરજ છે, અને બાળક તરફથી જોઈએ તો શીખવા માટેનું પહેલું પગથિયું પણ છે.

જરા વિચારો, આપણને મજા ન આવતી હોય તેવી મૂવીઝ આપણને ફ્રીમાં જોવા મળે તો પણ નથી જોતા હોતા, અથવા તો આપણને મજા ન આવે તેવું કામ પણ આપણને વળતર મળતું હોવા છતાં પણ નથી કરતા હોતા, અથવા તો તેમાં એટલો ઉત્સાહ નથી બતાવતા હોતા. તેવામાં કોઈપણ જાતનું વળતર ન મળતું હોય અને બોરિંગ પ્રક્રિયા હોય, તેમાં તો બાળકો કેવી રીતે ભાગીદાર બને? તે તો હવે વિચારવું જ રહ્યું!

માટે જ ફરી કહીએ છીએ કે, શિક્ષણ બાળક માટે છે, પરંતુ તેના ચહેરા પરના આનંદના ભોગે તો નહીં! કારણ કે આપણે તેને વિવિધ વિષમ સ્થિતિમાં સ્થિર રહે તેવો ધ્રુવનો તારો બનાવવાનો છે,

નહીં કે તૂટી જતો 'સૈયારા’!







July 27, 2025

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

જવાબદારી લઈશ તો શક્તિ મળશે !

સેજલ અને રાહુલથી શરૂ થયેલી આ પ્રમુખ અને ઉપપ્રમુખની પરંપરા – દર વર્ષે નવા આયામો સર કરે છે. શાળાની મુખ્ય પ્રવૃત્તિ 'નાગરિક ઘડતર'ને નવું નામ 'નાગરિક ઉઘડતર' જ નથી થયું, પરંતુ તેઓ હવે ધીમે ધીમે જાતે શાળા વિશે સભાન બન્યા છે, શીખવા વિશે સભાન બન્યા છે. તેઓને સમજાય છે કે જ્યારે આપણે જવાબદારી લઈએ છીએ, ત્યારે આપણામાં નવા ગુણો, કૌશલ્યો અને શક્તિઓ મળે છે. 'મારાથી થઈ શકે એમ હોય ત્યારે કરું' એમ નથી હોતું, પણ 'જો હું કરવા માંડું તો મારાથી થઈ શકે' – તે વાત તેમને સમજાય છે. એમનું ઊઘડતર થઇ રહ્યું છે. 

આ વખતના જૂથ બનાવવા માટે વધુ મુશ્કેલી ન પડી, કારણ કે ગત વર્ષે જે રીતે ધનુષ અને તેની ટીમે નું કાર્ય કર્યું હતું અને તે હજુ શાળામાં જ આઠમા ધોરણમાં જ આવ્યો, એટલે તેણે ગત વર્ષની આખી ટીમને લઈને દરેક ધોરણના ચાર જૂથ બનાવ્યા. શાળામાં વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખી એવો નિર્ણય પણ લેવાયો કે દરેક જૂથની અંદર પણ '' અને '' એમ બે ભાગ હશે, જેથી કરીને જ્યારે શૈક્ષણિક કાર્ય હેઠળના જૂથ વર્ગમાં બનાવવાના થાય, ત્યારે માત્ર ચાર જૂથમાં નહીં પરંતુ આઠ જૂથમાં જૂથ કાર્ય કરવાનું થાય. તેમણે એ જ વખતે આઠે આઠ જૂથની અંદર હોમવર્ક માટેની જગ્યા અને બેઠક વ્યવસ્થા કેવી રીતે થશે, તેની પણ ડિઝાઇનિંગ કરી દીધું. નવા બનેલા જૂથની અંદર નાનકડી જૂથ સભા કરી અને તેના લીડર અને ઉપલીડરની ચૂંટણી પણ થઈ ગઈ.

હવે કાજલ અને ધનુષ લાગી પડ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે. ઉમેદવારોની સંખ્યા શરૂઆતમાં તો ત્રણથી વધી જ નહીં, પરંતુ ધીમે ધીમે તેમની સાથે ચર્ચા કરતા કરતા તેઓની એ પણ સમજાયું કે જ્યારે આપણે આવી કોઈ ચૂંટણીમાં ઊભા રહીએ છીએ, ત્યારે આપણે બે બાબતો શીખી શકીએ છીએ: એક, જવાબદારી લેવા માટેની તૈયારી અને બીજું, પોતાની અંદરનો અહંકાર ઓગાળી બીજા સાથે કામ કરવા માટેની તૈયારી. છેલ્લા દિવસે તો ચપોચપ ફોર્મ ઉપડી ગયા અને ફાઇનલ દસ ઉમેદવારો વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રચાર માટેના પરંપરાગત ભાષણ ઉપરાંત ડિજિટલ વિડીયોઝ પણ થયા. નવી અને જૂની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને ઘરે ઘરે જઈને ઉમેદવારોએ પોતાનું વિઝન તેમની સામે મૂક્યું કે તેઓ શાળા માટે શું કરવા માંગે છે અને અત્યાર સુધીમાં કઈ કઈ બાબતો નથી થઈ શકી જે તેઓ કરી બતાવશે. કેટલાકે વર્ગખંડે ફરી ફરીને પોતાની વાત મૂકી. પ્રાર્થના સંમેલનમાં દરરોજ ચાર-પાંચ ઉમેદવારોએ પોતાની પ્રચાર સભાઓ કરી. કેટલાકે ખૂબ ઇનોવેટિવ રીતે કે 'મને મત આપવાની જરૂર નથી, પરંતુ મત કેવી રીતે અપાય એ હું તમને સમજાવીશ' એમ કરીને ખાસ બેઠક બોલાવી અને તેમાં જે રીતે બધા બાળકોને સમજાવવામાં આવ્યું કે જો તમારે આને મત આપવો હોય તો અહીંયા તમારે ખરું કરવાનું છે. કહેવાની જરૂર છે ખરી કે તેને એ ડેમો બતાવવા ક્યાં ચિહ્નનો ઉપયોગ કર્યો હશે ! 

શિક્ષક તરીકે અમને લાગતું હતું કે ચૂંટણીના દિવસે તેઓ ચૂંટણી અધિકારી જેવો પોશાક વગેરે પહેરે, પરંતુ તેમનું ધ્યાન હવે એવા પોશાકોમાંથી ઉપર ઊઠીને શાળા માટેના પ્રમુખને ચૂંટવાનું છે, એ તેમણે અમારા મોં પર જ સીધું ચોપડાવી દીધું કે 'પોલીસનું કાર્ય કરવાનું છે, પોલીસનો ડ્રેસ પહેરવો જરૂરી લાગતો નથી.' એટલે એ શનિવાર અમારી ચૂંટણી શરૂ થઈ. એક તરફ શાળામાં સમૂહ કવાયત ચાલતી હતી, ગામમાંથી બધા વોટિંગ માટે આવી રહ્યા હતા. સમૂહ કવાયતમાંથી પણ ધીમે ધીમે એક એક જૂથના બાળકો પણ વોટિંગ કરી રહ્યા હતા. કલા મહાકુંભની પ્રેક્ટિસ માટેની રમઝટ બોલાતી હતી, તેમાંથી પણ ધીમે ધીમે બધા વોટિંગ કરવા માટે જઈ રહ્યા હતા. આમ, ગામના લોકો, શાળાના બાળકો, શિક્ષકો, મધ્યાહન ભોજનમાં કામ કરનારી ટીમ – સૌના મત મતપેટીમાં મુકાઈ ગયા.

અને સોમવારે તેની ગણતરી શરૂ થઈ. ગણતરી વખતેની ઉત્તેજના અને સસ્પેન્સ બંને આ વખતે સૌથી વધુ હતા, કારણ કે કોઈ એક જીતી જ જશે તેમ છેક છેલ્લા ૩૦ વોટ ન ગણાય ત્યાં સુધી કહી શકાય એમ નહોતું. અંતે શાળાને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા. સૌએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી અને જાણે કે આ ચૂંટણી નામની ઘટના શાળામાં બની જ ન હોય તેમ તેઓ ફરી એ જ મસ્તીમાં કામે લાગી ગયા. અમારા માટે નવાઈ એ હતી કે આ છેલ્લા દસ દિવસમાં તેમણે પ્રચાર કરવામાં જે આક્રમકતા બતાવી હતી, એનો એક નાનકડો અંશ પણ ચૂંટણી પૂરી થતાંની સાથે જ હવે જોવા મળતો નથી. તેઓ એકબીજા સાથે મળીને, તેમના શીખવા માટેના અને શાળાને વધુ સુંદર, સુઘડ અને વ્યવસ્થિત બનાવવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે.

ચાલો નીચે ક્લિક કરો અને માણો આપણા આ વિડીયોને !!















July 20, 2025

જલસા @ ખેતર !

જલસા @ ખેતર !

ખેતરની મુલાકાત માટે ગઈકાલે જયદીપ ભાઈને રસ્તા વિશે પૂછ્યું હતું કે ચોમાસાને કારણે રસ્તો બગડી તો નથી ગયો ને? તો તેમણે હસતા હસતા કહ્યું કે 'અરે, ગઈ વખતે ગયા હતા તે જ રસ્તે તમે બાળકોને લઈને આવજો, કોઈ વાંધો નથી.' પછી અમે શાળામાં પ્રાર્થના અને નાસ્તો પતાવી, ખેતરની મુલાકાતે જવા માટે અમારી નાની ફોજ (બાલવાટિકા - પહેલુંઅને બીજું) નીકળી પડી. શાળાથી ખેતર કંઈ બહુ દૂર નહોતું, એટલે રસ્તામાં છોડ, ઝાડ, ભેંસ, ગાયને જોતા જોતા, તેમની સાથે વાતો કરતા કરતા ખેતરે પહોંચી ગયા.

અમને જોતાં જ ખેતરમાં રહેતા બે ભાઈઓએ બાળકોને બેસવા માટે જગ્યા વાળીને સાફ કરી દીધી હતી, જાણે અમારી જ રાહ જોતા હોય! અમને આવતા જોઈને જ તેઓ દોડીને બેસવા માટે પાથરણાં પાથરવા લાગ્યા. એટલામાં જયદીપભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે 'અરે, તમે નીકળ્યા તો અમને કેમ ફોન ના કર્યો!' થોડી જ વારમાં તેઓ બાળકો માટે પેંડા અને ચેવડો લઈને આવ્યા. 'અરે, આ બાળકો અમારા ખેતરમાં ક્યાંથી!' – તેમના ચહેરા પરનો આનંદ અને આશ્ચર્ય ખરેખર જોવા જેવું હતું, જાણે કોઈ અણધાર્યો ઉત્સવ આવી ચડ્યો હોય!

 કેટલાક બાળકોએ પહેલીવાર જ ખેતર જોયું હતું, એટલે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ નવી દુનિયા ખૂલી ગઈ હોય! તેઓ ખેતરમાં રહેલો ચાડિયો જોઈને પૂછવા લાગ્યા કે 'પેલું ભૂત છે?' તો અમારા કહેતા પહેલાં, જે બાળકોને ચાડિયા વિશે ખબર હતી, તેઓબોલી પડ્યા  'ખેતરમાં કોઈ ઢોર, ભૂંડ કે પક્ષીઓ આવીને વાવેલું બગાડી ન નાખે, તેના માટે ચાડિયો ઊભો રાખવામાં આવે છે. તે માણસ ખેતર સાચવે તેમ આપણું ખેતર સાચવે છે.' તો જેને પહેલીવાર ચાડિયો જોયો હતો, તે તો નવાઈ જ પામી ગયા! જાણે તેમની બાળસહજ દુનિયામાં એક નવું પાત્ર ઉમેરાયું - ચાડિયો !

ખેતરમાં વાવેલા ગુલાબને તેઓ ટગર ટગર જોઈ રહ્યા. પણ કોઈએ એ ફૂલને તોડ્યું નહીં. (હમમ સમજદારી તો સાચી !) ખેતરમાં પાળ બાંધીને થોડું પાણી ભરાયું હતું, તો બાળકોને પૂછ્યું કે 'આ ખેતરમાં શું વાવવાનું હશે?' તો તરત જ તેમનામાંથી જવાબ મળ્યો કે 'ડાંગર વાવવાની હશે.' પછી તો પૂછવું જ શું? ડાંગરમાંથી શું શું બને તેના તો કેટલાય નામ આવી ગયા. અને કેટલીય નવી વાનગીઓ સાંભળવા મળી! અમને પણ એમની પાસેથી નવું જાણવા મળ્યું. જો આપણે બાળકોને ખેતરની મુલાકાતે ન લઈ ગયા હોત, તો ડાંગર કેવી રીતે પાકે અને તેમાંથી શું બને તે આપણે તેમને વર્ગમાં ક્યારેય આટલી સચોટ રીતે સમજાવી શક્યા ન હોત. આ જ તો સહજ શિક્ષણનો જાદુ છે! પછી તો ખેતરમાં રાયણ, આંબલી, લીમડો, મોર, બગલા અને બીજું ઘણું બધું જોયું... અને 'વડલા ડાળે વાંદરા ટોળી કરતી હૂપાહૂપ' ગીત ગાવાની પણ ખૂબ મજા પડી ગઈ. જાણે આખું ખેતર જ અમારી પાઠશાળા બની ગયું હોય!

ગીત ગાઈ, નાસ્તો કરી અને વાતો કરતાં કરતાં અમારી ટીમ શાળામાં પરત જવા માટે નીકળી પડી. આજની આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક રહી! અમને અને બાળકોને ખૂબ જ મજા આવી! આ નાનકડી મુલાકાત જાણે જીવનના એવા પાઠ શીખવી ગઈ, જે કોઈ પુસ્તકમાં ન મળે, પણ સીધા હૃદયમાં ઉતરી જાય.