નિખરવું એટલે કે..
તમને કોણ ગમે? મિત્ર કે બૉસ? - અગાઉ આ વિષય પર આપણી શાળાના
મુખપત્ર બાયોસ્કોપમાં ચર્ચા થઈ ગઈ છે. એને જરા ફરી યાદ કરી લઈએ તો - આજે પણ આપણા
સૌનો જવાબ ‘મિત્ર’ હશે! તેનાં કારણો
અંગેની ચર્ચા પણ થઈ હતી કે જેની સાથે નિઃસંકોચપણે વર્તી શકીએ, જે વ્યક્તિ આપણું
જજમેન્ટલ બનવાને બદલે સેટ-મેન્ટલ બને તેની સાથે સમય પસાર કરવો એ માનવ સ્વભાવ છે. આ
ફક્ત માનવ સ્વભાવ ન કહેતાં તેને સજીવ સ્વભાવ કહીએ તો પણ કંઈ ખોટું નથી! કારણ કે
માનવ જ નહીં, વૃક્ષ, પશુ, પક્ષી સહિતની તમામ
પ્રકૃતિનો આ સ્વભાવ રહ્યો છે. ફ્રેન્ડલી ઇકો હોય ત્યાં ઉછરવું અથવા તો ઇકો
ફ્રેન્ડલી હોય ત્યાં નિખરવું!
અહીં ‘નિખરવું’ શબ્દ તમને બોલ્ડ થયેલો
દેખાતો હશે તેનું કારણ છે બાળકની વિકસવાની પ્રક્રિયામાં આ શબ્દ ખૂબ જ અસરકારક છે.
શાળાકીય પર્યાવરણમાં ‘નિખરવું’ શબ્દનો અર્થ ખૂબ વ્યાપ
ધરાવતો છે. વૃદ્ધિ અને વિકાસ એ શબ્દોનો જ્યારે ઉપયોગ થાય છે ત્યારે આપણા સૌના
મનમાં જે તે વસ્તુ કે વ્યક્તિના કદ પૂરતો અર્થ મર્યાદિત બની જતો હોય છે. પરંતુ
જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ સોળે કળાએ [આ ‘સોળ કળાઓ’ની યાદી શોધવી રહી!]
ખીલે છે ત્યારે આપણે સૌ તેના માટે તેનું વ્યક્તિત્વ નિખર્યું એવું લેબલ લગાવતાં
હોઈએ છીએ. આવા નિખાર માટે જેમ ફૂલ કે પ્રકૃતિને અનુકૂળતાઓની જરૂર છે એટલી જ જરૂર
બાળકને વર્ગખંડમાં નિખરવા માટે છે. આ પ્રક્રિયામાં સૌથી વધુ કોઈ શબ્દ આડે આવતો હોય
તો તે શબ્દ છે આપણા દ્વારા વ્યાખ્યાયિત થયેલ ‘શિસ્ત’!
ચાલો, એક વાર યાદી તો બનાવીએ કે વર્ગખંડમાં શિસ્તના નામે આપણે કેવી કેવી અપેક્ષાઓ
રાખીએ છીએ:
💣 હું બોલું
ત્યારે નજર મારી સામે જ હોય!
💣 મારું
લેક્ચર પૂરું ન થાય ત્યાં સુધી તમારા પ્રશ્નોને દબાવી રાખો!
💣 જવાબ આપવો
હોય તો આંગળી ઊંચી કરો.
💣 જ્યાં સુધી ‘પીઅર
લર્નિંગ, સ્ટાર્ટ’ એવું હું ન
કહું ત્યાં સુધી અંદર-અંદર વાતો ન કરો!
💣 મારી
મંજૂરીથી વર્ગખંડની બહાર જાઓ અને મંજૂરી મેળવીને જ વર્ગખંડમાં પ્રવેશો!
જો ઉપરોક્ત વર્તનને
શિસ્ત કહેવાતું હોય તો રોજિંદા જીવનમાં, ઘર-પરિવારમાં અથવા તો
મિત્રો સાથેના પ્રવાસમાં કેટલું શિસ્ત આપણાથી જળવાતું હશે? પોતાના વિચારો, પોતાની મૂંઝવણો
માર્ગદર્શક સમક્ષ રજૂ કરવા, અન્યને ખલેલ ન થાય ત્યાં સુધી પોતે સ્વતંત્ર વર્તવું, શીખવાની પ્રક્રિયામાં
પોતાની અનુકૂળતાઓ ઊભી કરવી - આ બધી બાબતો અશિસ્ત નથી. શિસ્તના નામે તરસ્યો
વિદ્યાર્થી તમારી સામે બેસી રહીને તમારી વાતોમાં કેટલું ધ્યાન આપી શકશે? વર્ગખંડ છોડવા એને આપણી
મંજૂરી માંગવાની પ્રક્રિયા પણ એની સ્વતંત્રતાને તો હણે જ છે, પરંતુ સાથે સાથે આપણા
સહિત આખા વર્ગખંડને ખલેલ પાડવાની અશિસ્ત ઊભી કરતી પ્રક્રિયા બની રહે છે. તેવામાં
બાળક આપણને સાંભળશે, વાતને સમજશે કે પછી તેમાંથી નવું શીખશે - તે ફક્ત ભ્રમ બની
રહે છે.
વર્ગખંડ એ બાળકની
શીખવાની પ્રક્રિયા માટેનું એક સ્થળ માત્ર છે. હા, પણ આ એકમાત્ર સ્થળ નથી
- તે વાત આપણે સૌ જાણીએ છીએ. બાળક સમાજમાંથી, પ્રવાસ-પર્યટનમાંથી, પોતાનાં મિત્રોના
ગ્રૂપમાંથી સતત શીખતો રહે છે - એટલે કે તેનામાં શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહેતી
જ હોય છે. તે દરમિયાન વર્ગખંડમાં ઊભા કરેલા એકેય નિયમો આ પ્રક્રિયામાં લાગુ નથી
હોતા - છતાં પણ આપણા સૌનો અનુભવ છે કે બાળક ખૂબ સારી રીતે શીખે છે. એવામાં ‘શીખે છે’ એવો શબ્દ પણ નાનો
પડશે! સાચા અર્થમાં કહીએ તો ‘નિખરે’ છે! એ જ સમય હોય છે કે
કેટલાંક બાળકોનો અવાજ આટલો મોટો છે! અથવા તો અરે, આ બાળક પાસે તો ખૂબ
સરસ ઘણા જ તર્ક છે! એવું વર્ગખંડ બહારના પર્યાવરણની પ્રક્રિયા દરમિયાન જાણવા મળે
છે. ત્યારે ચિંતા સહિતનું ચિંતન એ જ વાતનું થાય કે વર્ગખંડમાં આ બાળકને નિખરવામાં
આપણા કયા કયા નિયમો બાધારૂપ બની રહ્યા છે? ચાઇલ્ડ ફ્રેન્ડલી
ક્લાસરૂમ નિર્માણની સંકલ્પનાની શરૂઆત કદાચ આવા ચિંતનથી જ થશે એવું અમારું આનુભાવિક
માનવું છે.
ચાલો, વર્ગખંડ પ્રક્રિયાની શરૂઆત પહેલાંની આપણી મુખ્ય શરતને ફરી યાદ કરી લઈએ - બાળક માટે વિષય-વર્ગખંડ બન્યા છે, બાળક ફક્ત વિષય કે વર્ગખંડ માટે નથી બન્યું!