June 30, 2024

અંકિતનો - અમારો એક માઈલ સ્ટોન અંકિત !

અંકિતનો - અમારો એક માઈલ સ્ટોન અંકિત !

કૌટુંબિક વ્યવસ્થામાં એક કહેવત છે કેમૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય !” - એટલે કે દીકરા - દીકરી કરતાંય દીકરા-દીકરીનાં દીકરાં દાદા-દાદી - નાના-નાનીને વધારે વહાલાં હોય છે ! શૈક્ષણિક સંસ્થાઓમાં આ કહેવત થોડીક અલગ રીતે લાગુ પડે છે -શૈક્ષણિક સંસ્થાને મૂડી [ તેમનાં વિદ્યાર્થી ] કરતાં વ્યાજ [ વિધાર્થીનું વ્યાવસાયિક કૌશલ્ય ] વધારે વ્હાલું હોય છે ! બાળકો પોતાના અભ્યાસકાળ દરમ્યાન શાળામાં ખૂબ જ ધગશ પૂર્વક શિખતાં અને સમજતાં હોય છે. શાળા સર્વાંગી વિકાસ માટે વોકેશનલ ટ્રેનિંગના નામે બાળકને રસ પડે તેવા અથવા તો બાળક કૌશલ્ય ધરાવતો હોય તેવા વ્યવસાયમાં તે શીખી આગળ વધી શકે તે માટે સતત મથામણ કરતી હોય છે. ચિત્ર હોય કે સંગીત , કૃષિ હોય કે મેનેજમેન્ટ વગેરેમાં બાળકોનું કૌશલ્ય વિકસે અને ભવિષ્યના જીવનમાં પોતાના પરિવારમાં પગભર થવા માટે કે પછી સમાજની સેવા માટે તેનો ઉપયોગ કરતો થાય તે આનંદની વાત હોય છે. 

આવી જ એક વાત અમારા અંકિતની છે. શાળામાં ભણતો ત્યારથી જ તેનું ચિત્ર કૌશલ્ય ખૂબ ખીલેલું હતું. ચિત્ર -દ્રશ્ય -રંગ -પીંછી વગેરેની વાત તેનામાં આનંદ પેદા કરી દેતી. જૂના શાળા ભવનને નવું રંગરોગાન થતું ત્યારે દોરાતાં ચિત્રો સામે ઊભા રહી જવું એની ટેવ ! એનો આવો રસને કારણે શાળા સમિતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન સોંપી દેતી.  આ રીતે વિકસેલો તેનો શોખ ધીમે ધીમે કૌશલ્યમાં પરિણમ્યો.

આજે તે વ્યવસાયિક રીતે ચિત્ર દોરી રહ્યો છે. કોલેજમાં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની હારોહાર એ પોતાના કુટુંબને પોતાના જ શોખ વડે પોષી રહ્યો છે. અને એટલે એ અંકિત જે નીચે ઉભો રહી શાળા ભવન પર દોરાતાં સરસ્વતી માતાને જોઈ રહેતો એ જ ચિત્ર આજે તે દોરી રહ્યો છે.

આવી પ્રક્રિયાઓ અને એમની ભાગીદારી જ શાળાને જુદા જુદા ક્ષેત્રમાં સફળતાઓ આપે છે… હમણાં પ્રવેશોત્સવ વખતે જ સન્માન માટેનો કાર્યક્રમ એટલે તો સૌથી લાંબો ચાલ્યો.

૧૨ વિદ્યાર્થી જ્ઞાન સેતુ મેરીટમાં, ૧૦ વિદ્યાર્થી જ્ઞાન સાધના મેરીટમાં, ત્રણ નેશનલ મેરીટ કમ સ્કોલરશીપમાં, ૧૨ પ્રાથમિક શિષ્યવૃત્તિમાં, ૪૦ ચિત્રકલામાં, ખેલમહાકુંભમાં ૧૬ ઇવેન્ટમાં જિલ્લા સ્તરે, બે ઇવેન્ટમાં રાજ્યસ્તરે આ સિવાય યુ. એન. ના નાણામંત્રી અને વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા સાથે ચર્ચા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારી સૌએ ઉજવી. 

સમજીએ કે શાળામાં તેમની સક્રિયતા એ જ એમના માટે શીખવાની ચાવી છે.


No comments: