દેખો દેખો હમ આ ગયે !
મુખપત્ર આપના હાથમાં, મોબાઈલમાં કે ઈનબોક્સમાં પડશે ત્યાં સુધીમાં
બાળકો માટે શૈક્ષણિક જીવનમાં પ્રથમ ડગ માંડવાનો તહેવાર - પ્રવેશોત્સવ ઉજવાઇ ચૂક્યો
હશે ! દરેક
પેઢીઓ માટે આ પળ ખૂબ જ ઐતિહાસિક પળ તરીકે આલેખાતી હોય છે. દરેક પરિવાર
પ્રવેશોત્સવને એ દ્રષ્ટિએ જોવે છે કે જાણે “જીવને જીવન આપવાનો ઉત્સવ ન હોય !” અને
એ પણ સાચું જ છે કે ખરેખર આ પ્રવેશ એ પ્રક્રિયાનું પહેલું પગથિયું જ છે !
સમાજમાં રહેતો દરેક જીવ પોતાનાં બાળકોને કેળવવા
માટે સજાગ અને આશાસ્પદ હોય છે. માનવ સિવાયની સજીવ સૃષ્ટિ તરફ પણ નજર કરીશું તો
આપણને સમજાશે કે પ્રાણીઓ હોય કે પક્ષીઓ - તેઓ ખોરાક મેળવવા અને પોતાનું રક્ષણ કરી
શકે તેવા સક્ષમ ન થઈ જાય ત્યાં સુધી તેઓનું પ્રશિક્ષણ ચાલતું હોય છે. ફરક માત્ર
એટલો જ હોય છે કે તેમાં તેને જન્મ આપનાર જ તેમના પ્રશિક્ષક તરીકે કાર્યરત હોય છે. જ્યારે
માનવ સમાજમાં તે પ્રક્રિયા તેના આખા પરિવાર ધ્વારા થતી હોય છે. બાળક વરસ બે વરસનો
થાય ત્યાં સુધીમાં તો પરિવાર અને આસપાસના પર્યાવરણે સતત અને સર્વગ્રાહી ઔપચારિક
પ્રયત્નો વડે તેને બોલતાં અને ચાલતાં કરી દીધો હોય છે. સાથે જ તેનામાં જાણે કે
ભાષા ઈન્સ્ટોલેશનનું કામ ચાલતું હોય તેમ તેની સાથે અઢળક વાતો થતી હોય છે. બાળકની
શરૂઆતની બોલીને કુદરતે એવી કાલીઘેલી બનાવી છે કે બાળકને જોઈએ ને વાત કરવાનું મન
થાય ! કુટુંબ-સમાજના ત્રણેક વર્ષના અનૌપચારિક પ્રયત્નો સાથેના ઉછેરને અંતે બાળક
પરિવાર બહાર તેના મિત્રો સાથે ફરે - રમે અને તેઓની વાત સમજી અને પોતાની વાત સમજાવી
શકે તેટલું સક્ષમ બની ગયું હોય છે, ત્યારબાદ તેના ઉછેરને 360 ડિગ્રીમાં
પરિપક્વ બનાવવા આંગણવાડી સાથે જોડાય છે. આમ તો આંગણવાડી સાથે જોડાય છે તેમ કહેવું
તેના કરતાં - “ત્રણ
વર્ષની ઉંમર પછી બાળકનો પરિવાર પોતાના બાળકના ઉછેર માટે આંગણવાડીને ઍક્સેસ આપે છે.” તેવું
કહેવું વધારે યોગ્ય લાગશે. તેમાં બાળક તેના જેવડાં બાળકો સાથે સમૂહ જીવન શરૂ કરે છે.
બાળકમાં ઇન્સ્ટોલ થયેલ ભાષા અને તેને મળેલા અનુભવોના ઉપયોગની સાથે સાથે વાર્તા -
ગીત - રમતો વડે બાળકનો મનોશારીરિક વિકાસની પ્રક્રિયાઆ વધતી હોય છે.
પાંચ વર્ષના અંતે અને છઠ્ઠા વર્ષની શરૂઆત એટલે
બાળકનો શાળા પ્રવેશ ! આ બાળકનો પરિવાર પોતાના બાળકના જીવનમાં શાળાને પ્રવેશવા
માટેના ઍક્સેસ આપે છે. આપણે સૌ તેને પ્રવેશોત્સવ તરીકે ઉજવીએ છીએ. બાળકનો પરિવાર
શાળામાં પ્રવેશ્યાનો ઉત્સવ , તો બીજા છેડે બાળકના જીવનમાં શાળાને પ્રવેશ
મળ્યાનો ઉત્સવ ! આ એક જ ઘટનાની બંને બાજુઓ એટલી આહલાદક હોય છે કે જેનો આંનદ
શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તે તો તમે શાળામાં પ્રવેશ મેળવતા વાલીની આંખોમાં
જ વાંચી શકો છો. બીજી બાજુ શાળાને એક નવું અનુભવ્ય જીવન - એટલે કે શિક્ષકોને નવા
અનુભવો આપનાર બાળકના રૂપમાં મળ્યાનો આનંદ હોય છે. અને આ બધા આનંદ સાથે શાળામાં ઉજવાયેલ
ઉત્સવને તો તમે આ બધા વિડીયો વડે માણી શકશો જ પણ સાથે સાથે આપણે આવતા મહિનાની આ
તારીખે આપણે આ મુખપત્ર વડે મળીએ ત્યાં સુધીના સમયમાં આપણાં આ બાળકો સાથે શું શું
કરી શકાય ? આટલું
કરી જોઈએ…..
·
બાળકને બાળક (એટલિસ્ટ માણસ) બની મળીશું ! રોજ
તેની ખબર અંતર પૂછીશું - તેને ગમતી રીતે આવકારીશું !
·
ઔપચારિક વાતો ખૂબ કરીશું ! [ એકપણ દિવસ તેની
સાથે સંવાદ વિનાનો નહીં હોય ]
·
તેની વાત - ફરિયાદને ધ્યાન પૂર્વક સાંભળીશુ !
- તેને પોતાને અહીં મહત્વનો હોવાનો અહેસાસ થવો મહત્વનો છે !
·
તેને પૂરો વ્યક્ત થવા દેવા માટેનું વાતાવરણ
પૂરું પાડીશું. તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો ખાસ જરૂરી છે.
આ
સિવાય શું કરી શકીએ…. સૂચનો આપજો…આવતા અંકમાં તે સૌ સાથે વહેંચીશું !
ત્યાં સુધી, આ ઉત્સવ વડે શાળામાં પ્રવેશ લેતાં બાળકોએ પોતે
જ શાળા
સામે કાર્યક્રમ રજૂ કરી અમને બતાવી દીધું “બચીને રહેજો, અમે હવે શાળામાં પ્રવેશ લઈ લીધો છે ! માણો એમનાં ટશનને
!
No comments:
Post a Comment