બાળકોની રસરુચિ મૂજબ વર્ગકાર્ય – બાળકોનો સંતોષ એ જ
આપણો પગાર !
બજાર નીતિનો પહેલો નિયમ છે તમારા ગ્રાહકને જાણો જે આપણે આ અગાઉના અંકમાં સમજ્યા હતા. તેનાથી આગળ હવે બીજા નિયમ તરફ – ગ્રાહક સાથે અનુકૂલન સાધો.
ગ્રાહક રાજા છે. ગ્રાહક ભગવાન છે. – એવું આપણા વ્યાવહારિક બજારોમાં સાંભળવા અને કેટલીક જગ્યાએ દીવાલો પર વાંચવા પણ મળતું હોય છે. વાત રાજાની હોય ત્યારે રાજાએ પોતાના સ્વભાવગત નક્કી કરેલ રીતિનીતિ મુજબની આપણે વર્તણુંક કરવી પડતી હોય છે. રાજાશાહીમાં વેપાર વાણિજ્યને વિકસાવવા કંપનીઓએ પોતાના નિયમ જે તે સ્ટેટના રાજાને અનુકૂળ રાખવા પડતા.
તો જ તે રાજ્યમાં જે તે વેપારીનો વેપાર વિકસતો.
એવી જ રીતે ગ્રાહકને ભગવાન ગણવામાં આવે ત્યારે તેનો અર્થ પણ ગ્રાહકની અનુકૂળતા રાખવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારના બજારોમાં ગ્રાહક એ જ રાજા છે. અને જેના માટે ગ્રાહક રાજા છે તે તમામ વેપારી કંપનીઓ પોતાનું અસ્તિત્વ વધારી શકી છે. જ્યારે પોતાના ગ્રાહકોની જરૂરિયાત ધ્યાને ન લેનાર વિશ્વવ્યાપી કંપનીઓ પણ સમેટાઇ ગયાના દાખલા આપણા સૌની સામે બનેલા છે. મોટી મોટી કંપનીઓની વાત ક્યાં કરવી આપણી પોતાની ગલી મહોલ્લામાં પણ જેમણે ગ્રાહકને અનુકૂળ બની વેપાર કર્યો તેમના જ લારી – ગલ્લા – દુકાનો પર ભીડ જોવા મળતી આપણે સૌ જોઈ શકીએ છીએ.
શાળાના વર્ગખંડમાંની પહેલી શરત છે, આપણા રાજા કે ભગવાન ગણીએ છીએ તેવા બાળરાજા કે બાળદેવોની રસરુચિને ધ્યાને રાખવી જોઈએ.
બાળકો શીખવા તૈયાર થાય ત્યારે શિક્ષક તરીકે એટલો આનંદ થવો જોઈએ જેટલો આનંદ વેપારીને ગ્રાહકને પોતાની દુકાન તરફ આવતો જોઈને થતો હોય. બાળકોને આપણે જે શીખવવાનું કે સમજાવવાનું છે તે બાળકોને કયા ફોર્મેટમાં સમજવું ગમશે તેનો ખ્યાલ આપણે રાખવો એ આપણી પ્રથમ ફરજ બને છે. તેમાં આપણી અનુકૂળતા હોવી જોઈએ
– એવો વિચાર કરવો એ ગ્રાહક ખોવા જેટલું જ જોખમકારક બની શકે છે. જો શૈક્ષણિક ભાષામાં કહું તો વર્ગખંડમાં આપણી સૌથી મોટી મુશ્કેલી આ જ હોય છે કે બાળકોને શીખવું નથી. ત્યારે જો આ મુશ્કેલીને બાળકોતરફી દૃષ્ટિથી વિચારીએ તો બાળકો કહેતાં હોય છે કે અમે ક્યાં શીખવાની
– સમજવાની – ભણવાની ના પાડીએ છીએ ? – અમે તો ફક્ત એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે અમને ગમે એવી રીતે શીખવો,
અમને મજા આવે તેવી રીતે કરવા દો, અમને સરળ પડે તેવી રીતે સમજાવો
!
આવું જ ધોરણ 4નાં અમારાં બાળકો અમને કહેવાનાં હતાં તેવું કદાચ ચંદુભાઈને લાગ્યું હશે એટલે જ તો રાજુનું ખેતર પોતાના વર્ગખંડમાં વાતોથી સમજાવવાને બદલે દશરથભાઈના ખેતરમાં જઈને ચર્ચા માટે વાતે વળગ્યા.
આવી જ અગમચેતી કદાચ અમારા સ્વપ્નિલને થઈ હશે એટલે જ તો ધોરણ 7 નાં બાળકોને અંગ્રેજીમાં લેમન જ્યુસનું વર્ગખંડમાં જ રટણ કરાવવાને બદલે જૂથમાં જ્યુસ બનાવવા કહ્યું અને જ્યુસ બનાવવાના અંગ્રેજીમાં લખાવેલ ઇન્સ્ટ્રક્શન સમજતાં – સમજાવતાં ગયાં.