બાળપણની વાતો એટલે જ બાળવાર્તાઓ !
બાળપણની કઈ કઈ વાતો આપણને યાદ છે? એવું કોઈ પૂછે તો તરત એ બધું યાદ આવે જેમાં આપણને ખૂબ મજા આવી હતી. નાનપણમાં સાંભળેલ વાર્તાઓ અને તેનાં પાત્રો આપણને આજે પણ એવાં ને એવાં યાદ છે. કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે તેને બાળપણમાં સાંભળેલી વાર્તાઓ યાદ ન હોય. નવાઈની વાત એ છે કે બાળપણ ગયા પછીનાં વર્ષોમાં અનેકો પુસ્તકો વાંચ્યાં,
અનેક ફિલ્મી ગીતો કે લોકગીતો સાંભળ્યા પછી પણ બાળપણનું ગીત એવા જ સૂરમાં યાદ રહી જાય છે. જીવનમાં બનેલી ઘટનાઓ સ્મૃતિમાં હોય કે ન હોય, જો યાદ હોય તો તેની તવારીખ યાદ ન હોય, પરંતુ બાળપણમાં સાંભળેલી એ વાર્તા એવી ને એવી યાદ હોય છે. અરે ! માત્ર વાર્તા કે વર્ગખંડ નહીં
, તે સમયનું દૃશ્ય પણ સ્મૃતિમાં ઉપસી આવતું હોય છે. આ બધી વાતો પરથી સમજાય છે કે જીવનભર અસર છોડનારી આ બાળપણની ઘટનાઓનું જીવનમાં કેટલું મહત્ત્વ છે !
બાળપણ એ જીવનનો પાયો છે. એટલે જ તો શૈક્ષણિક ભાષામાં તેને ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવામાં આવે છે. આ સ્ટેજ એવું છે કે જેમાં આપણે સૌ આપણાં બાળકોની કલ્પનાશક્તિને વિકસાવી શકીએ છીએ. બાળપણનો આ જ સમય છે કે જેમાં બાળકમાં જેટલી કલ્પના ક્ષમતા વિકસાવવી હોય તેટલી આપણે વિકસાવી શકીએ છીએ. બાકી તો મોટી ઉંમરે તો જો કોઈ આપણને કહે કે સસલું અને કાચબો વાતો કરે, હંસ લાકડી વડે કાચબાને લઈ જાય – તો તરત જ આપણે આવી કલ્પનાઓ કરવાની જગ્યાએ
– 'બેસો, હવે ગપ્પાં ન મારો' વાળો ડાયલોગ બોલતાં થઈ જઈએ. બાળઉંમરમાં વાર્તાઓ વડે બનેલ આ કલ્પનાશક્તિ વડે બનેલ સેન્સ જ તેને દરેક કોયડા ઉકેલવા માટેની શક્યતાઓની ધારણા કરવા માટે સક્ષમ બનાવે છે.
વધુ વાર્તાઓ સાંભળેલ બાળક જલ્દીથી મુશ્કેલીમાં ઉકેલ માટેની શક્યતાઓને ત્વરિત વિચારી શકતું હોય છે.
આવા ફાયદાઓને કારણે જ વાર્તાઓ આજે પણ અભ્યાસક્રમના એક ભાગ તરીકે ટકી રહી છે. આટલા બધા ફાયદા સિવાય પણ જો તમે ભાષાના શિક્ષક હો તો કોઈ પણ ઉંમરનાં બાળકો તમારી સાથે હોય તેમને વાતોની જેમ વાર્તાઓ જરૂર કહો – કારણ કે ભાષાને સમૃદ્ધ કરવાનું કામ પણ તે બખૂબી કરી જાણે છે.
ડર લાગે તેવી મૂંછોવાળા વ્યક્તિથી ડરવાને બદલે ગળે વળગી બાળકોના લાડનો લાભ મેળવવાનો શ્રેય પણ બાળવાર્તાઓને જ જાય છે. હા, હું આપણા ગિજુદાદાની જ વાત કરું છું ! ચાલો, તેમની જન્મ જયંતીએ તેઓને યાદ કરવા શાળામાં ઉજવાયેલ બાળવાર્તા સ્પર્ધાને માણીએ !
>>>> બાળવાર્તા સ્પર્ધા
No comments:
Post a Comment