October 28, 2022

સ્વતંત્રતા, પ્રેમ અને પરિવર્તન !!


સ્વતંત્રતા, પ્રેમ અને પરિવર્તન !!

જીદ્દુ કૃષ્ણમૂર્તિ વારંવાર કહેતા કે શિક્ષણનો હેતુ સ્વતંત્રતા, પ્રેમ અને સમાજનું સંપૂર્ણ પરિવર્તન લાવવાનો છે. તેમનાં લખાણો અને પ્રવચનોનો વિષય સ્વતંત્રતાનો હતો અને કૃષ્ણમૂર્તિ માટે સ્વતંત્રતા રાજકીય કરતાં ચારિત્ર્યની વધુ હતી. તેમના મતે વ્યક્તિની માનસિક  અને ભાવનાની ઊંડી સ્વતંત્રતા, આંતરિક મુક્તિ તે શિક્ષણના માધ્યમ અને અંત બંને છે. કૃષ્ણમૂર્તિને લાગતું કે માત્ર વ્યક્તિના સ્વભાવ અને ઊંડા પાસાઓને ઉજાગર કરવા માટેના આ પ્રયત્નો  નથી, પરંતુ દરેક વ્યક્તિ પાસે એક અનન્ય વ્યવસાય પણ છે, જેને શોધવાની જરૂર છેતેઓ ખરેખર જે કરવાનું પસંદ કરે છે તે શોધવું અને  તે મુજબ કરવાનો મોકો મળવો જોઈએ. એ સિવાય બીજું કંઈપણ કરવું એ સૌથી ખરાબ પ્રકારની વંચિતતા છે. ખાસ કરીને જો આવી વંચિતતા નાણાકીય અથવા વ્યાવસાયિક સફળતા અથવા આવી અન્ય સામાજિક-સાંસ્કૃતિક આકાંક્ષાઓને અનુસરવા માટે હોય.

                કૃષ્ણમૂર્તિ વિશે વાંચવાનું તો પછી થયું, પરંતુ શાળામાં જેમ સમસ્યાઓ આવતી ગઈ તેમ તેના ઉકેલ રૂપે જે પણ કરતા ગયા તે આ અથવા આવું કંઈક છે એવું 'હવે' અમને લાગે છે. જેમકે 2007માં શરૂ કરેલી અને  શાળાની કડીરૂપ પ્રવૃત્તિ એટલે નાગરિક ઘડતરજેને હવે રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદ તરીકે અમલમાં મૂકવાની છે. નાગરિક ઘડતર વિશે તેની બાહ્ય બાબતો સાવ સામાન્ય છે. જેમ કે  :

👉 ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ પોતાનાં જૂથ બનાવે.

👉 દરેક જૂથને પંદર દિવસ માટે શાળાની જુદી જુદી  જવાબદારીઓ ઉપાડવાની થાય.

👉 15 દિવસ પછી સંસદમાં દરેક જૂથ પોતાની કામગીરી વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકો સમક્ષ રજૂઆત કરે. તેમાં જે તે જૂથ ક્ષતિઓની સાથે સાથે એ પંદર દિવસમાં શાળામાં થયેલી સારી-નરસી બાબતોની ચર્ચા થાય

👉 દરેક જૂથ મતદાન કરીને ગત 15 દિવસ માટેનું શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂથ પસંદ કરે.

  બાહ્ય બાબતો આટલી જ છે. જેના વિશે આ વિડિયો તેમજ આ જૂની બ્લોગની પોસ્ટ વડે પણ સમજી શકાશે.  આ સમગ્ર પ્રવૃત્તિથી અમને પણ ન સમજાય એ રીતે - જેમ કળીમાંથી ફૂલ બને એવી રીતે શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ કરતા થઈ ગયા છે. તેઓ જાતે પોતાના વિશે, પોતાના જૂથ વિશે અને શાળા વિશે નિર્ણયો લેતા થઈ ગયા છે. હવે માત્ર મને ગમે છે અથવા તો અત્યારે મને અનુકૂળ લાગે છે એટલે આ કામ કરવું, એના કરતાં - .

😍 શાળાના હિતમાં શું છે?

😍 મારા સાથીદારના હિતમાં શું છે?

😍 અમારા જૂથને મારી શું જરૂર છે?

😍 આ કામ કરવા માટે શું આયોજન કરવું પડશે?

😍 મારે કોની કોની મદદ લેવી પડશે?

 😍 કઈ કઈ વસ્તુની જરૂર પડશે?

આવી ઘણી બાબતો વિશે વિચાર કરી કરી નિર્ણયોનું વલોણું વલોવી વલોવી ઘડાઈ રહ્યા છેઅલબત્ત એ પણ સ્વીકારવું જોઈએ કે શિક્ષકો તરીકે અમારું પણ ઘડતર થઈ રહ્યું છે. તેમને જુદાં જુદાં કામ કરતા જોઈ અમે અમારામાં રહેલા ક્રિએટિવ પાર્ટને સજીવન રાખી શક્યા છીએ. તેઓ આવાં કાર્યો એવી સહજતાથી કરે છે કે લાગે અમારે તેમની પાસેથી વધુ શીખવાનું છે. જેવાં કે

👍 શાળામાં આવતા પરિપત્રો વાંચી તેનો અમલ કરવા માટેનું આયોજન લખવું

👍 દરેક જૂથમાં લીડર અને ઉપલીડર સાથે તેની ચર્ચા કરવી.

👍 સમૂહ સભામાં તેની જાહેરાત કરવી. શિક્ષકને શક્તિઓને અનુરૂપ જુદા જુદા પ્રકારની કામગીરી સોંપવી.

👍 શિક્ષક વડે લખાયેલી દૈનિક નોંધપોથીમાં આજે તેઓ શું શીખવવાના છેકેવી રીતે શીખવાના છેકઈ અધ્યયન નિષ્પત્તિઓ છેકેટલું ગૃહકાર્ય આપવાના છેકેટલી મિનિટનું ગૃહકાર્ય આપવાના છે?

- એવી વિગતો ચકાસવી. શાળામાં સમયસર પ્રાર્થના સંમેલન કરાવો મધ્યાહ્ન ભોજન કરાવવું. શાળાના દરેકે દરેક વિદ્યાર્થીને ઉભરવાનો મોકો મળે તે માટે સતત બદલાવ કરતા રહેવું. સત્રના અંતે વ્યક્તિત્વ વિકાસના જુદાં જુદાં વિધાનોનું (પ્રાર્થનામાં નિયમિત આવે છે, સાથી મિત્રોને મદદ કરે છે.. )  પોતાના જૂથમાં બેસી મૂલ્યાંકન કરવુંતે વખતે સતત ચર્ચા કરીને સૌને એ અનુભવ કરાવવો કે તેને મળેલા ગુણ એ યોગ્ય જ છે.

આ બધું જ તેઓ જાતે કરતા થયા છે. સૌથી વધુ આનંદ તો ત્યારે આવે કે જ્યારે શાળાએ આવેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી , બીજી શાળાના  શિક્ષકોની ટીમ કે પછી અન્ય શાળામાંથી મુલાકાતે આવેલાં બાળકો હોય, તેઓ શાળા વિશે અમારા કરતાં પણ વધુ સારી રીતે તેમની સમક્ષ શાળા સંચાલનની વાત મૂકી શકે છે.  બાળકો પોતે શીખવા વિશે પણ હવે સજાગ બન્યાં છેતેમની વચ્ચે ..

💁 શું શીખવાનું છે?

💁 કોની પાસેથી શીખવાનું છે?

💁 કેવી રીતે શીખવાનું છે?

એવી બાબતોની ચર્ચા પણ થતી રહે છે. પંખામાં આવી ગયેલી ચકલી માટે ખાડો ખોદી તેને  દફન કર્યા પછી તેની ઉપર ફૂલ ચઢાવીએ કે નહીં તેના વિશે પણ તેઓ ચર્ચા કરે છે. કારણ કે જો ફૂલ તોડીએ તો નિયમનો ભંગ થાય છે અને ગ્રૂપના પોઈન્ટ માઇનસ થાય છે, તો સામે પક્ષે આપણા જ પંખામાં આવીને ચકલીનો જીવ જાય તેને માટે આપણે શાળા બાગમાંથી ફૂલ પણ અર્પણ નથી કરી શકતા? આવી તેમની વચ્ચે થતી ચર્ચા અમારા સૌની આંખોમાં જીવન ભરી દેતી હોય છે.

નાગરિક ઘડતરમાં સૌથી વધુ જો ધ્યાન રખાયું હોય તો જે કૃષ્ણમૂર્તિ કહ્યું છે તેમ બાળકોની સ્વતંત્રતાનું છે! એમને એમનું પોતાનું મૂલ્યાંકન કરવા માટેનું પ્લેટફોર્મ પણ આ પ્રવૃત્તિ દ્વારા  મળતું થયું છે. આખું સત્ર શાળામાં  – બાળકબાળક સાથે જીવે છે, મિત્રના રોલમાં મિત્ર સાથે રમે છે. સાથીના રોલમાં સાથી સાથે મળી જૂથમાં સોંપાયેલ કામ કરે છે. વિદ્યાર્થીના  રોલમાં પોતે શીખે છે અને ગ્રૂપમાં સૌને શીખવામાં મદદ કરે છે. ત્યારે આપણા કરતાં પણ વધુ તેઓ એકબીજાને ઓળખતાં હોય તે સ્વાભાવિક છે. આવામાં એક- બીજાનું મૂલ્યાંકન પણ તેઓ વધુ સારી રીતે કરતાં અને મૂલ્યાંકનનું મહત્ત્વ સમજતાં થયાં છે.

આ બધું વાંચ્યા પછી, અરે ! આ શાળાએ બાળકોને કેટલી બધી સ્વતંત્રતા આપી છે ! એવો અમારા પ્રત્યેનો અહોભાવ જો પેદા થયો હોય તો તે હમણાં જ કાઢી નાખજો. કારણ કે અમારું માનવું છે કેસ્વતંત્ર દેશમાં આપણા સૌની જેમ બાળકો પણ સ્વતંત્ર જ છે.

આવોશાળામાં આવે તે સૌને પુસ્તક વચ્ચેનાં  કેટલાંક પાનાંઓના જ્ઞાનની સાથે સાથે ઉદ્દાત જીવનના પ્રયોગો કરવાની અને તેમાંથી શીખવાની તક મળતી રહે તેવી શાળાઓ બનાવીએ

વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં પોતાના ગ્રૂપના બાળકોનું મૂલ્યાંકન કરતાં લીડર 












ગ્રૂપના લીડરનું મૂલ્યાંકન કરતાં શાળા પ્રમુખ અને ઉપપ્રમુખ 

  

No comments: