યોગ – રોજ દરરોજ !!!
21 મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. – એવું ત્યારે સમજાય છે જ્યારે બીમારીઓ દસ્તક દેવાની ઉંમરે હોઈએ. વિચારો કે જે વસ્તુનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ છતાં પણ તેમાં નિયમિતતા નથી લાવી શકતાં તેનું કારણ શું હશે?
તમે કોઈ શારીરિક તકલીફની વાત કરો એટલે ઉપચારની સલાહમાં ચારમાંથી ત્રણ તો યૌગિક ક્રિયાઓ કરવાની સલાહ મળે. એ પરથી સાબિત થાય છે કે સમાજમાં યોગ વડે ઉપચાર પરનો વિશ્વાસ હજુ અકબંધ છે. પરંતુ કઠે તેવી વાત એ પણ છે કે તો યોગ જેટલો દરેકના જીવનમાં વણાઈ જવો જોઈએ એટલો વણાયો નથી. તેનું એક મુખ્ય કારણ છે કે આપણે યોગને પ્રિવેન્શન તરીકે નહીં પણ દવા - પોસ્ટ ડીસીઝ મેડિસિન તરીકે ઉપયોગ કરીએ છીએ. શરીરને બીમારીઓથી દૂર રાખવા યોગ કરવાને બદલે બીમારી થયા પછી દર્દ ભગાડવા માટે યોગ કરતાં હોઈએ છીએ. એટલે જ તેને દિનચર્યામાં સમાવી શક્યાં નથી. આપણે એવું કરી રહ્યાં છીએ જેવું આપણી પૂર્વ પેઢીએ કર્યું, તેના કારણે આપણી ઉત્તર પેઢી પણ આપણને જોઈ જોઈ શીખશે તો એ પણ એમના જીવનની દિનચર્યામાં યોગને સ્થાન આપશે કે નહીં તે પ્રશ્ન છે.
બીજી એક માન્યતા એ પણ છે કે ઢળતી ઉંમરે કરવાની કસરત એટલે યોગ! આ માન્યતાને પણ લોકમાનસમાંથી દૂર કરવી પડશે. “રોજેરોજ યોગ” તો જ દૂર રહેશે રોગ ! આ સૂત્ર લોકમાનસમાં પ્રસ્થાપિત કરવું પડશે. એ માટે હવે જો કોઈ કરી શકવા સક્ષમ હોય તો તે છે શાળાઓ. આવનારી પેઢી શાળાઓમાં ઉછરી રહી છે. તેથી ભલેને ગઈ પેઢીની ટેવ આ પેઢીમાં અસર કરી ગઈ પરંતુ આવનારી પેઢીને આવી અસરથી દૂર રાખી તેમને યોગ સાથે જોડવાનું કામ શાળા જ કરી શકે છે. યોગ – રોજેરોજ એ સૂત્ર સાથે શાળાએ તો પ્રાર્થના સમારંભના સમય પત્રકમાં જ યોગને શામેલ કરી દીધો છે.
પરંતુ 21 જૂન એ વિશ્વ યોગ દિવસ છે એટલે શાળાકીય જીવનમાંથી આગળ વધી ગયેલાં એવા નાગરિકોમાં પણ યોગ અંગે જાણવાની અને તેને જીવન સાથે જોડવાની ઈચ્છા પેદા થાય તેવા હેતુસર શાળાએ નહેરુ યુવા કેન્દ્ર, ગોધરા અને નાબોર્ડ સાથે મળી શાળા પટાંગણમાં યોગ દિવસ સામૂહિક રીતે ઉજવ્યો. તે દિવસે યોગ કરવાથી અમારાં તન અને મન તો પ્રફુલ્લિત બન્યાં હશે તે તો તમે આ ફોટોગ્રાફમાં તે દિવસના યોગમય પટાંગણને જોઈને જ સમજી જશો. સાથે જ શાળાને પરેશભાઈ, રાજેશભાઈ અને વિઠ્ઠલભાઈ જેવા નવા "Friends
of NavaNadisar" મળવાનો યોગ પણ થયો.
ચાલો બાળકોના આ ફોટો તમે પણ જુઓ અને જાણે યોગ કર્યા હોય તેટલા તમે પણ પ્રફુલ્લિત બનો તેવી યોગ દિનની શુભેચ્છા..
No comments:
Post a Comment