બાળકો શું કામ હોમવર્ક કરે ?
શિક્ષણએ બાળકો માટે અગત્યની પ્રક્રિયા છે. શિક્ષણ બાળકના
જીવનની વર્તણૂકો અને પ્રક્રિયાઓને આકાર આપતું હોય છે. તેના વડે જ બાળકમાં સામૂહિક
અને વ્યક્તિગત જીવન શૈલી બનતી હોય છે.
“બાળક શાળાએ ન આવે તો તેનું શિક્ષણ થતું નથી.” આવું માનવું ભૂલ ભરેલું છે. શિક્ષણની પ્રક્રિયા દરેકમાં સદંતર ચાલતી
રહેતી હોય છે. નવાઈ ન કરતાં પણ શિક્ષણની પ્રક્રિયા સદંતર દરેક પ્રાણીઓ – પક્ષીઓ
સહિત આપણા સૌમાં ચાલતી રહેતી જ હોય છે, હા, શાળાના વર્ગખંડો ધ્વારા તેને
વ્યવસ્થીકરણ કરવાની એ અલગથી પ્રક્રિયા થતી હોય છે. (એ સારી
ગણવી કે નહીં એ પછી વિચારીશું.) જે પ્રાણીઓમાં કદાચ નથી હોતી. આમ આપણે જ શિખવીએ
છીએ, આપણા વડે જ શીખે છે એ માનવું ભૂલ ભરેલું છે. સાચું એ જ છે કે બાળકનું શીખેલું
જાણી તેના અનુસંધાનમાં નવી જાણકારીઓ આપીએ છીએ. તેના અનુભવોનો ઉપયોગ કરી બિનઅનુભવી
જરૂરી ક્ષમતાઓના અનુભવોની પ્રતીતિ કરાવીએ છીએ. આ સૌને આપણે નામ આપ્યું છે અધ્યયન
અધ્યાપનની પ્રક્રિયા. સાદી ભાષામાં કહેવાતી આ વર્ગખંડોની પ્રક્રિયાઓ સદીઓ પહેલાં
આશ્રમ શાળાઓ ધ્વારા નાની મોટી પ્રવૃત્તિઓ – રોજીંદી જીવનશૈલીમાં કરવાના થતાં કર્યો
ધ્વારા શરૂ કરવામાં આવી. આમાં બાળકો બાળકો સાથે રમતાં—ભમતાં – કૂદતા - જીવતાં જતાં
અને આ બધી પ્રક્રિયાઓ દરમ્યાન તેનામાં ગુરુજી એક એક ક્ષમતાનો મણકો પરોવતાં જતાં.
જરૂર જણાય ત્યાં ઉપચાર રૂપે એવાં જ બીજાં કામ સોંપીને ઉપચાર અને મૂલ્યાંકન પણ
થતું. આ બધામાં મજાની વાત એ હતી કે બાળકને કોઈ કહેતું જ નહીં કે તું ભણ,તું લખ,તું
વાંચ,તું હોમવર્ક કર. આ બધુ થતું પણ પૂર્ણ સાહજીકતાથી થતું.
સમયાંતરે બાળકોને શીખવી દેવાની – ફટાફટ સમજાવી
દેવાની લાલચમાં અધ્યનની પ્રક્રિયામાં સરળીકરણના નામે શોર્ટ કટ શરૂ થયા. તેની અસર સીધી એ થઈ કે પ્રક્રિયામાંથી પ્રવૃત્તિઓનો ભોગ
લેવાઈ ગયો. તેના કારણે જ શીખવાની પ્રક્રિયા બાળકો માટે વધુ કંટાળાજનક બની. પ્રવૃત્તિ
કરવાની મજા અને તેના ધ્વારા અનુભવ મેળવી જે સમજણ બનતી તેને બદલે શ્રવણ ધ્વારા
માહિતી મળવા લાગી. અને આપણે સૌ અનુભવી છીએ જ કે એક હદ પછીનું શ્રવણ માહિતી નથી
પીરસતું પરંતુ મગજ પર હથોડા મારતું હોય છે. આવી અધ્યયન પ્રક્રિયા રૂપેબાળકોને
જ્યારથી ભણાવવાના નામે બાળકોને લખાવવા, માહિતીઓ ગોખવવા, અનુભવવાને બદલે સીધું
સમજાવવા પર વધુ ભાર દેવાનો શરૂ થયો
ત્યારથી જ બાળકોને ભણવું એ જાણે સજા લાગવાની શરૂ થઈ છે.
આવડી મોટી કથા એટલા માટે છે કે મોટાભાગની શાળાઓના
વર્ગખંડોમાં સર્વ સામાન્ય એક પીડા ભરેલી હોય છે કે બાળકો ઘરે કશું જ કરતાં નથી.
વાંચતાં નથી, લખતાં નથી કે આપેલું તૈયાર પણ કરતાં નથી, શાળેથી ઘરે જઈ દફતર ખૂણામાં
નાખી બીજા દિવસે શાળાએ આવે ત્યારે દફતર હાથમાં લે. – આ પીડા સાંભળી એક વાત તો
શિક્ષક તરીકે સમજાઈ ગઈ હશે કે બાળકો ઘરે કઈ જ નથી કરતાં. તે વર્ગખંડોમાં થોડું
ઘણું કરે છે તે આપણી શરમને કારણે. બાકી તેમાં પણ જો ઓપ્શન મળે તો..?
આપણું જ ઉદાહરણ લઈએ કે - શાળા સંચાલન ધ્વારા આપણને સોંપાયેલું કોઈ કાર્ય શાળા
સમયમાં પૂરું ન થાય તો તેને આપણે હોમવર્ક તરીકે લઈએ છીએ કે બીજા દિવસે શાળા
સમયમાં જ હાથ પર લઈએ છીએ ?
આમાં ફરીથી વિચાર કરવાની
જરૂરૂ છે કે બાળકો ઘરે જઈને પણ વર્ગખંડનું કાર્ય પૂર્ણ કરે તે માટે આપણે શું કરવું
જોઈએ? પહેલો ઉપાય છે કે તેને રસિક બનાવવું જોઈએ. એટલે કે તેને ગમતા ફોર્મેટમાં
હોમવર્ક સોંપવું જોઈએ. જેમ કે..
1. ઘરેથી કાવ્ય મોંઢે કરવું – તમારા મમ્મી પપ્પાને આ ગીત મોંઢે ગાઈ સંભળાવો.
2. ઘરેથી સ્વાધ્યાયના દાખલા ગણવા – આ દાખલા ગણી ઘરમાં કોને કોને આવા દાખલા આવડે છે ચેક કરો. તેમને તમે
ગણેલા આ દાખલા બતાવો.
3. ઘરેથી પાઠ વાંચવો – ઘરમાં
મોટેથી બધાંને વાંચી સંભળાવો અને બે ત્રણ પ્રશ્નો પૂછો કે તે બધાં શું સમજ્યા.
4. ઘરેથી પાઠનું સ્વાધ્યાય કાર્ય લખતાં આવજો. – લખ્યા પછી ઘરમાં કોઈને કહો કે ભૂલ કાઢી બતાવે,
બાળકોને
હોમવર્ક વર્ક નહીં પણ ચેલેન્જ રૂપે – લેશન કરી બતાવવાના સ્વરૂપે મળતું થાય તો જ
ધીમેધીમે વધુમાં વધુ બાળકો જોડાતા જશે. બાળકો ઘરે જઈ કઈંજ નથી કરતા વાળી પીડા પણ
ઓછી થતી જશે - અને હા,તમારા ધ્યાનમાં ન આવેલ એક મોટો પ્લસ પોઈન્ટ એ કે - બાળક એકલો
જ નહીં, તેનું આખું ઘર અભ્યાસમાં જોડાતું થશે.