August 15, 2021

મેઘધનુષના ત્રણ રંગો !

મેઘધનુષના ત્રણ રંગો !

શાળામાં રંગોના મિશ્રણ ઉમેરાતા જાય છે.

હજુ વર્ષો પહેલાં હતી તેવી સ્થિતિ ધરાવતા કુટુંબના બાળકો; કે જેઓના ઘરમાં એ પહેલી પેઢી છે જેમણે પેન / પેન્સિલ હાથમાં પકડી છે અથવા તેઓ પહેલા છે કે જેઓ માત્ર સરકારી કાગળમાં કંઈક લખાવા કે વોટ નાખવા જ નેહારમાં નથી આયા, તેઓ પહેલા છે જેઓના ઘરમાં હવે બોલવામાં આવે છે કેરાજલો તો નેહાર જયો અથવા નેહાડી નેહાર જી સ.”

આવા કુટુંબના બાળકોના સહાધ્યાયીઓમાં જેમનાં માતા અને પિતા બંને ભણેલાં હોય તેવાં બાળકો છે. ઘરમાં ખાસ વાંચવાનું લખવાનું થતું નથી પરંતુ ભણેલાં છે. મા અને બાપ અથવા મા રોજ પૂછે છે કે, "બેટા! શું લખવા કહ્યું સાહેબે કે બેને? આજે શું હતું ઓનલાઇનક્લાસમાં? રાજેશ્વરી, તારે ઓનલાઈનક્લાસનો ટાઇમ થઈ ગયો." આવાં વાક્યો હવે કેટલાક ઘરનો હિસ્સો બનવા માંડ્યાં છે. આવી સંખ્યા પહેલાં ખૂબઓછી હતી હવે ગણતરીમાં લઈ શકાય તેવી થઈ ગઈ છે.

આ બધાની સાથે શેરી શિક્ષણ માટે / હોમવર્ક ચેક કરાવવા માટે બાળકોને કારમાં મૂકવા અને લેવા આવનાર વાલીઓ ઉમેરણ છે. જેઓનાં દાદા-દાદી પણ ભણેલાં છે. જેઓએ ઘરમાં રોજ સવારે દાદા અને દાદીને કોઈક ચોપડીમાં જોઈને શ્લોક વગેરે કંઈક મોટેથી વાંચતાં હોય તે સાંભળ્યું છે. જેઓ સવારે જાગે છે ત્યારે તેના સહાધ્યાયીઓ કે જેઓ કંઈક જુદું સાંભળે છે તેના બદલે તેઓ સંસ્કૃત જેવી ભાષા સાંભળે છે. પપ્પા છાપું વાંચતાં હોય, મમ્મી છાપામાં જોઈ જાહેરાતો વિશે પપ્પા સાથે વાતો કરતી હોય, બંને કંઈક ખરીદવાનું હોય ત્યારે જુદાજુદા આંકડાવાંચે ગણતરીઓ કરે, જુદાજુદા ગુજરાતી અને અંગ્રેજી શબ્દો બોલે, વાતો કરેનેપ છી "આ લઈશું" તેમ નક્કી કરે. બાળકને પણ બતાવે કે, “જો બેટા, આટી.વી. આપણે લઈશું ફલાણી કંપનીનું.” બાળકની નજરે ટી.વી. જ નહીં, તેની કંપનીનું નામ પણ પડે ભલે વાંચતાં ન આવડે પણ જુએ તો ખરું જ. આમ, એક જ વર્ગમાં...

1. જેણે ઘરમાં છાપેલી કે લખેલી ભાષા બિલકુલ જોઈ જ નથી. જેના ઘરમાં કામ પૂરતી વાત થાયને પછી ચૂપ થઈ જતા માણસો છે

2. જેણે ઘરમાં એવી ભાષા જોઈ છે પણ ખાસ વાપરતાં નથી. વાંચવા-લખવા વિશે વાતો થાય છે પણ બાળકના જ લખવા અને વાંચવા વિશે થાય છે.

3. જેના ઘરમાં આવી ભાષા ઠેરઠેર છે. જ્યાં વિચાર ઉપર પણ વિચાર કરાય છે અને દરેક મુદ્દા માટે પુષ્કળ વાતો થાય છે. જ્યાં ઘરના બધા પોતે શું વાંચે છે અને એમાં શું આવે છે એના વિશે વાતો કરે છે.

આવા ત્રણેય પ્રકારનાં બાળકો શાળામાં એકસાથે શીખવાની કોશિશ કરે. ત્રણેય માટે જીવન ઘડતરની ઉત્તમ તક છે. શાળા તરીકે અમારું કામ સૌ વાલીઓનું ધ્યાન આ તરફ ખેચવાનું હતું કે તમે આપણાં બાળકોને બાળકો જ રહેવા દેજો. બાકીનું અમે સંભાળી લઈશું.

દરેક વર્ગશિક્ષકે દરેક વાલીને વ્યક્તિગત ફોન કર્યા, મેસેજ કર્યા. સૌ આવ્યા પણ ખરા.

સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે પ્રાથમિક વિગતો આપ્યા બાદ અમે શાળામાં (શાળાની ઇમારતમાં નહીં. ) શું કરાવીએ છીએ તેની વિગતે વાત કરી. કેમ કરાવીએ છીએ ? – તેની વાત તેમની સામે ફોટા સહિત મૂકી. તેમણે તેમનાં બાળપણની વાતો યાદ કરી. ( વિરમે તો કહ્યુંય ખરું કે, "સાહેબ, આજે આટલા વર્ષે બે કલાક ફરી એક જ જગ્યાએ બેઠો.")

વર્ગોની મુલાકાત લેવાઈ. બીજી કોઈ ઔપચારિક બાબતો ફૂલથી સ્વાગત અને ફલાણાંભાઈ કે બહેન - એવું શાળામાં પ્રયોજાતું જ નથી. બધાં વિખેરાયા પછીય છૂટકછૂટક વાલીઓ સાથે બે કલાક જેવો સંવાદ થયો ને એ જ અમારા માટે જીવંત સ્કૂલ ડેવલમેન્ટ પ્લાન છે.













No comments: