January 31, 2021

“એક જૉબર નહીં પણ જીવતર”

“એક જૉબર નહીં પણ જીવતર”

શિક્ષણ એ બાળકોને કેળવવાની પ્રક્રિયા છે. માનવ પેઢી નિરંતર વિકાસ કરતી રહે છે - તેનું એક માત્ર કારણ શિક્ષણ/શીખવું જ છે. બાળકોને કેળવવા એ શાળાનો મુખ્ય ધ્યેય છે. સમૂહ જીવન વડે બાળકો સંપીને જીવવાના પાઠ શીખે અને તેમનામાં સામાજીકતા આવે તે શાળાનું મુખ્ય કામ છે. ત્યારબાદનો ધ્યેય – બાળકોમાં રહેલી સ્કિલને ડેવલોપ કરી તેના હાથ, પગ (મગજ પણ ખરું) વડે જીવનનિર્વાહ કરે અને સમાજના જિકસો પઝલને પૂરું કરે.

શાળાની શરૂઆત કેવી રીતે થઇ હશે ? ગામમાં બાળકોને એક જગ્યાએ મજાથી વિવિધ પ્રવૃત્તિઓ વડે માનસિક કસરત કરાવી તેને કેળવવાની જગ્યા બનાવવાના વિચારથી શાળા નામનું સ્થળ અસ્તિત્વમાં આવ્યું હશે. આજે વિચારવામાં આ વાત જેટલી આહલાદક લાગે છે તેટલું જ તે સમયે શાળા નામનું સ્થળ પણ આહલાદક લાગતું હશે !? પરંતુ ધીરે ધીરે સમાજમાં શૈક્ષણિક પ્રક્રિયાઓની જગ્યાએ માહિતીલક્ષી અભ્યાસક્રમ હાવી થતો ગયો. પાઠ્યપુસ્તકો એક માર્ગદર્શક તરીકે શિક્ષકોના હાથમાં મૂક્યા, પછી તો જાણે ‘અધ્યયન’ તો ગૌણ બની અને અધ્યાપન હાવી થઈ ગયું. પાઠયક્રમ જ કેળવણીનો મુખ્ય પથ બની ગયો હોય એવું લાગવા માંડયું. 

બાળકો માટે આવી બધી ભણવા ભણાવવાની પ્રક્રિયા કંટાળો પેદા કરતી થઈ. ગમે ત્યાં બેસી ગમે ત્યાં લખીને શીખતાં બાળકોને સ્લેટમાં બાંધતા ધીમે ધીમે મૂળાક્ષરો “રેતીયા ને બદલે સ્લેટિયા” બનતાં ગયા. એ જ રીતે શૈક્ષણિક પ્રક્રિયાઓ પણ વર્ગખંડોમાં સિમિત બની ગઈ. ધીમેધીમે કે બાળકને કેળવવું એટલે શિક્ષકે બોલવું અને બાળકે સાંભળવું, શિક્ષકે બોર્ડમાં લખવું અને બાળકે વાંચવું – શિક્ષકે ગણાવવું અને બાળકોએ ફક્ત તેટલું જ ગણવું બની ગયું. આવી વર્ગખંડની રસમોથી જાણે કે બાળકોને મજા આવે એવું કઇંક આ પ્રક્રિયાઓમાંથી ગુમ થયું હોય એવું લાગે છે ! એની જો યાદી બનાવીએ તો જેમ કે શિક્ષકનું પૂછવું અને બાળકોનું શોધવા મથવું – મજાથી અને મોટેથી ગીતનું ગાવું – ઘરનું ગણિત ગણવું > વગેરે વગેરે..વર્ગખંડોમાં ઓછી થતી આ પ્રક્રિયાઓ કરવી એટલા માટે અનિવાર્ય છે કે આવી બધી પ્રક્રિયાઓ બાળકો માટે નવી પ્રવૃત્તિઓ ઊભી કરે છે. પ્રવૃત્તિ વડે અપાતું શિક્ષણ બાળકોને આનંદ આપનાર એક માત્ર સ્ત્રોત છે. જેનો કોઈ વિકલ્પ હજુ સુધી શોધાયો જ નથી. બાળકોને મન પ્રવૃત્તિ કરવાની હોય એટલે તો જાણે કે કોઈ ઉત્સવ ઉજવવાનો હોય તેવો ઉમળકો હોય છે. આપણો અનુભવ છે જ કે જ્યારે જે કામ કરવામાં ઉમળકો હોય તે કામમાં થાક નહીં પણ “આનંદ જ આનંદ” આવતો હોય છે ! બાળકોને રોજેરોજ શાળામાં ઉત્સાહથી આવતાં કરવા માટે શાળામાં રોજેરોજ નવી નવી શૈક્ષણિક અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન વડે ઉત્સવ ઉજવવાનો હોય તેવું વાતાવરણ બનાવવું જરૂરી છે. [આપણે હાલની કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જ્યારે શૈક્ષણિક પ્રક્રિયા ઓનલાઇન ક્લાસમાં થઈ રહી છે ત્યાં પણ  આ બાબત લાગુ પડે છે. આપણા સૌના અનુભવો છે કે રોજેરોજ સ્ક્રીન સામે બેસીને ભણવાની વાતોની જગ્યાએ સ્પર્ધાઓ કે પ્રવૃત્તિઓની વાત આવે તે દિવસે ફોન વધારે કનેક્ટ થતા હોય છે.] બાળકોમાં શૈક્ષણિક પ્રક્રિયામાં આવો જ રસ રોજેરોજ જળવાઈ રહે તેના માટે વર્ગખંડોની પ્રક્રિયાઓમાં રોજેરોજ બાળકોના કેળવણી માટેની પ્રવૃત્તિઓ રચવી જરૂરી છે – આવી અઢળક પ્રવૃત્તિઓ વિચારવા – આયોજવા માટે આપણે સૌએ આપણા શાળામાંના શિક્ષક તરીકેના કિરદારને વિસ્તરાવવું પડશે. આપણે સૌએ પોતાના શિક્ષકપણાને એક “જોબર” તરીકે નહીં પણ “જીવતર” તરીકે જોવાનું શરૂ કરવું પડશે. 

પરીક્ષા સમયે ઘણીવાર આપણે બાળકોને ઉપદેશાત્મક ભાષામાં કહેતા હોઈએ છીએ કે, “તમે તમારા ૧૦૦% પરીક્ષાની તૈયારીઓ પાછળ આપશો તો જ તમે તમારા ૧૦૦% પરિણામની અપેક્ષાના હકદાર છો ! આ જ વિધાન આપણા સૌ પર પૂરેપૂરું લાગુ પડે છે કે આપણે આપણું શાળાકીય જીવન ૧૦૦% બાળકો માટે ઉપયોગ કરતાં થઈએ ત્યારે જ  બાળકોનું શાળાકીય જીવન  “ઉત્સવ” જેવુ બનાવી શકીશું ! ફરીથી યાદ કરાવી દઉં કે  ઘરમાં ઉત્સવ હોય ત્યારે દોડાદોડી વધતી હોય છે, પરંતુ તેનો થાક ક્યારેય અનુભવાતો નથી > શિક્ષક તરીકે શાળાકીય જીવન પણ આજ અનુભવ કરાવશે તેની ગેરંટી અમારી !

બાકી તો શૈક્ષણિક પ્રક્રિયા માટે આપણને આ જોક ઘણું બધુ સમજાવી જાય છે >> પિતા સાથે આંગળી પકડી શાળા એ જતાં બાળકે પૂછ્યું....   

     😱 બાળક : પપ્પા આ ભાઈ બકરીના બચ્ચા ને કયા લઈને જાય છે? 

     😐 પપ્પા : [ દુ:ખી થતાં કહ્યું ]  તે ભાઈ બચ્ચાને કસાઈવાડે લઈ જાય છે ! 

     😧 બાળક : [ હાશકારા સાથે ] હાશ ! મને એમ કે શાળામાં લઈ જતા હશે !



January 24, 2021

ઓનલાઈન હો યા ઓફલાઇન : હાથ લગે વોહી જ્ઞાન.

ઓનલાઈન હો યા  ઓફલાઇન : હાથ લગે વોહી જ્ઞાન.

આપણે એક પછી એક પડકારોને ઝીલતા ગયા. ક્યાંક પડકારોએ આપણને થોડીવાર માટે હતાશ કર્યા તો ક્યારેક આપણને એ પડકારો સાવ સહેલા લાગ્યા.

બધી બાજુએ જ્યારે બચી જવાની હવા ફેલાયેલી હતી ત્યારથી આપણેએ બચ્ચાઓને બચાવી લેવાના મોડમાં છીએ. જેને જે સૂઝયું એણે એના તરફથી એ આ યજ્ઞમાં હોમ્યું. શિખવાના નવા માધ્યમો ઊભા થયા. ટેકનિક બદલાઈ પણ એક વાત હજુ ત્યાંની ત્યાં જ છે કેબચ્ચે તો કર કે દેખે તબ હી શીખે.શાળામાં જ્યારે તમારું શિક્ષણ કાર્ય મોટાભાગે પ્રાયોગિક કાર્ય આધારિત હોય: જેમાં તેમણે પ્રવૃતિઓ કરી જોવાની હોય, તેના વિષે જૂથમાં બેસી ચર્ચા કરવાની હોય, કોઈને પૂછવાનું હોય, પુસ્તકમાં લખ્યું હોય એ અને શિક્ષકે કહ્યું હોય એ બધામાં નવા નવા સવાલ ઊભા કરવાના હોય. એ સવાલોના જવાબ માંથી ફરીથી બીજા સવાલો  કરવાના હોયપુસ્તકમાં જેમ લખ્યું હોય તે પ્રમાણે વસ્તુ બનાવી જોવાની હોય અને એ બનાવતા બનાવતા પુસ્તકમાં કઈ ખામી છે અથવા તો આપણે બનાવવામાં શું ભૂલ કરી તેના વિશે આમને સામને બાખડવાનું  હોય.  

આવા જૂથમાં બેસીને કરવાના કામ માટે  મોબાઈલનો સ્ક્રીન હોય એવા વખતમાં શીખવાનું શક્ય કેવી રીતે બનાવવું ? સમય જેમ જેમ અમને ઘડતો ગયો તેમ સમજાયું કેયેસ, આ તો એક નવી જ ટેકનિક મળી રહી છે.”  

જે પ્રવૃત્તિઓ  શિક્ષક તરીકે અમારે તેમને સમજાવવાની હતી અને આટલા વર્ષોમાં એ લગભગ પરંપરા જેવુ થઈ ગયું હતું કે જૂથ કાર્ય શરૂ કરતા પહેલા શિક્ષક તેના માટેની સૂચનાઓનો સેટ આપે.  કોરોના પછી આ બાબતમાં કંઈ થઈ શકે તેમ નહોતું એટલે પુસ્તક માં જે લખ્યું છે તેનું અર્થગ્રહણ કરાવવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું. ઓનલાઈન ક્લાસ હોય કે વોટ્સેપ વડે મોકલાતું  ગૃહકાર્ય.  બંનેમાં શું છે ? તેનો અર્થ શું થાય ? અને એ વાંચીને તમે શું કરશો આ બાબતોની શક્ય તેટલી વધુ સ્પષ્ટતાઓ તેમના મનમાં થાય તેવા પ્રયત્નો કરવા પડયા. અને તેનાથી એક નવો રસ્તો મળ્યો કે જો તેમને આ પાઠ્યપુસ્તક છે અને આ ભણવાની પ્રવૃત્તિ છે તેવું લાગવા દેવું ન હોય તો પાના પરની પ્રવૃત્તિ બીજા કોઈકે કેવી રીતે કરી છે તેના વિશે કહી - 

ü  શું તેઓ તેમ કરી શકશે ?

ü  કેવી રીતે કરશો ?

ü  શું મુશ્કેલી પડશે

üક્યાંથી મદદ મળશે ?

ü  જેવા પ્રશ્નો સાથે છોડી દેવા અને પ્રવૃત્તિ પૂરી કરે પછી... 

ü  તેમણે તે કેવી રીતે કર્યું ?

ü  શું મુશ્કેલી પડી ?  

ü  કોના દ્વારા મદદ મળી ?

....જેવા પ્રશ્નો સાથે રિફલેશન  કરાવવું આવી એક વધુ અસરકારક ટેકનીક અમલમાં આવી ( જાણતા અને સમજતાં હોવા છતાં પણ આ સ્થિતિના કારણે જ આ નું અમલીકરણ મોટાપાયે થઇ  શક્યું.) 

વિજ્ઞાનના નાના મોટા રમકડા હોય કે સામાજિક વિજ્ઞાનમાં આપણા ક્રાંતિકારીઓ પાસેથી કંઈક શીખવા ની વાત હોય, ગણિતમાં એક ચતુર કાળમાં સમાયેલા બે ત્રિકોણ હોય કે અંગ્રેજીમાં અજાણ્યા માણસ સાથે વાતચીત કરવાની હોય, લીસી સપાટી અને ખરબચડી સપાટી પર ગતિને માપવાની હોય કે વાહનો સ્પીડોમીટર કેવી રીતે કામ કરે છે તે જાણવાનું હોય, ગતિ  અચળ રાખવા માટે શું કરવું પડે તે જોવાનું હોય, આલેખ દોરવા નો હોય કે દોરેલા આલેખને સમજવાનો હોય; પવનનો વેગ માપવાનો હોય કે પવનની દિશા જાણવી હોય. આ બધા માટેની પ્રવૃતિઓ પુસ્તકમાં તો હોય જ છે. તેઓ જ્યારે શાળામાં આવતા હતા ત્યારે આપણી સૂચનાઓ પછી તેઓ તે કરી પણ જોતા હતા  અત્યારે કે તેઓ આ બધું જ કરી જુએ છે પણ હવે તેમના માથા પરથી આપણી એ સુચનાઓનો ભાર પણ નીકળી ગયો છે અને એટલું મગજ વધારે ખુલ્લી રહ્યું છે કે આખા કાર્યને પાર પાડવા માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે સંસાધનો એમના પોતાના છે કઈ વસ્તુ ક્યાંથી કેવી રીતે મળી શકે એમ છે એ બધી જ વસ્તુઓનો ઉકાળો તેઓ હવે જાતે મેળવે છે હવે તેઓ આ પ્રવૃત્તિ કરતી વખતે ભાંગફોડ થાય ત્યારે પહેલા શાળામાં મળતી તેવી શાબાશી અથવા કંઈ વાંધો નહીં એવા શબ્દો ના બદલે એ ફિકર કરતા થયા છે કે હમણાં નાચો મમ્મી-પપ્પા જોશે તો શું કહેશે આમ આપોઆપ વધુ કાળજી રાખવાનો ગુણ પણ વિકસી રહ્યો છે.. 

અહીંયાં કેટલાક ફોટોગ્રાફ્સમાં એવા ઉદાહરણો જોઈ શકશો. આપણે સમજી શકીશું કે ઓનલાઈન હોય કે ઓફલાઈન મહત્વની વાત હાથ વડે કંઈક કામ કરવું એ છે.









January 17, 2021

ઉત્તરાયણનો ઉત્સાહ અને શાળા !

 
ઉત્તરાયણનો ઉત્સાહ અને શાળા !

શાળામાં બાળકો હોય તે સૌથી આનંદ આપનારું વાતાવરણ છે. ઘરે એકાદ બાળક તહેવારના દિવસે બહાર ગામ ગયેલો હોય ત્યારે જેમ ઘરમાં ઉજવણીનો ઉત્સાહ ઠરી જતો હોય છે , તેમ શાળાઓ પણ અત્યારે ઠરી ગયેલી છે. બાળકો વિના શાળામાં તહેવારોની ઉજવણી પણ જાણે વરસાદ વિનાના ચોમાસા જેવો અનુભવ કરાવે છે. બાળકો વિના બધું જ નકામું ઘરમાં બોલતું આ વાક્ય શાળાઓને પણ લાગુ પડે છે.

શાળાઓને હાલની કોરોના સ્થિતિમાં બાળકો સાથે જોડાઈ રહેવા માટે અત્યારે સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ રહી હોય તો તે ટેકનોલોજી છે. બાળકો સાથેનો બે મિનિટનો સંવાદ કામ કર્યાનો થાક દૂર કરી નવું કામ કરવાનો ઉત્સાહ ભરી દે છે. બાળકો શાળામાં નથી ત્યારે ખબર પડે છે કે વર્ગખંડોમાં  બાળકો આપણા ‘થાક-શોષક’ તરીકેનું પણ કામ કરતા હતા. એવું નથી કે શિક્ષક તરીકે આપણે એકલા જ સૂના પડી ગયા છીએ. સામે પક્ષે બાળકોની પણ સ્થિતિ આપણા જેવી જ હોવાનું દેખાઈ આવે છે. ગામમાં બાળકોના ફળિયામાં જવાના સમયે શિક્ષક ન પહોંચે કે તરત જ બાળકોનો ફોન આવે. જેમાં એક ડાયલોગ તો હોય જ કે, ”એવું હોય તો અમે શાળામાં આવી લેસન બતાવી જઈએ એમાં બાળકોનો ટોન સમજાવી જાય છે કે અમેય શાળા વિના થાક્યા. આવી સ્થિતિમાં ઘરે ને ઘરે જ હોય બાળકો માટે તહેવારની ઉજવણીનો એ ચાર્મ હવે રહ્યો નથી જે શાળામાં રજા પાડવાથી મળતો. રોજ રવિવાર હોય તો પછી જેમ રવિવારની રજા નો આનંદ ઓગળી જાય એમ બાળકોની સ્થિતિ પણ આવી જ બની હોવાની ચાડી પેલો ડાયલોગ કરી જાય છે. સાહેબ, લેસન બતાવવા આવી જાઉં ?

ઉત્તરાયણ નો તહેવાર બાળકો માટે પ્રિય તહેવારમાં  પ્રથમ ક્રમાંકે રહ્યો છે. આપણે યાદ કરીએ ત્યારે ખ્યાલ આવે કે તે સમયે ઉત્તરાયણની આગલી રાત આપણા સૌ માટે જાગરણની રાત કહેવાતી. તે સમયે ભણવામાં ભલે 22 મી ડિસેમબર એટલે રાત્રિ લાંબી એવું શિખતાં, પણ અનુભવ તો 13 મી જાન્યુઆરીએ થતો. ગતવર્ષની ઉત્તરાયણ અંગેની વાત કરીએ તો ઉજવણીના થનગનાટમાં શાળાના આગલા દિવસે તો શાળા બપોરે છોડી દેવી કે ના  છોડી દેવી  તે બાળ સંસદમાં ચર્ચાનો વિષય હતો. 

બાળકોને રોજેરોજ મળવાનું શાળાના બદલે હવે ફળિયામાં થઈ રહ્યું છે. ત્યારે દોરી અને ફિરકીની વાતો ફીકી લાગી રહી હતી. કારણ કે રોજ રવિવાર વાળું ત્યાં લાગુ પડયું. એટલે બાળકો સાથે ઉત્તરાયણ અંગેની ચર્ચા અને તેમને ઉજવણીનો આનંદ વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ઓનલાઈન ક્લાસમાં ઈ - પતંગોત્સવનું આયોજન કરવાનું નક્કી થયું. આ વખતનો પતંગોત્સવ પહેલાંના પતંગોત્સવ કરતાં ઘણો આલગ હતો. બાળકોને ઉત્તરાયણ વિષે અવનવું જણાવવું અને તહેવાર વિશેનું જ લેસન આપવું એ તો માત્ર અમારું બહાનું જ હતું. મુખ્ય ઉદેશ્ય તો પોતાની ઉત્તરાયણ વિશે કહેવા તત્પર બાળકોને એક પ્લેટફોર્મ આપવા માટેનો પ્રયત્ન જ હતો. પતંગ બનાવીએ - એવી પ્રવૃત્તિ  ધ્વારા બાળકોને પ્રવૃત્તિ કરવા માટેનું કારણ પણ આપ્યું. બાળકો એ કેવું કર્યું એ પ્રશ્નને કોઈ સ્થાન જ નથી. કારણ કે બાળકો જે કરે તે શ્રેષ્ઠ - એવું અમારું માનવું છે. હા, બાળકો એ શું કર્યું એ તેમણે જ મોકલેલા ફોટોગ્રાફ વડે જોઈએ