February 28, 2018

સફળ વર્ગકાર્ય !



બાળકો પરની શ્રદ્ધા+પોતાનો આત્મવિશ્વાસ= સફળ વર્ગકાર્ય !


પૌરાણિક સંસ્કૃતિ ધરાવતો આપણો સમાજ. જેમાં આધ્યાત્મિકતા એક ખુબ જ બહોળો વિષય છે. વિવિધ સમાજ એમ વિવિધ આસ્થાઓને સ્થાન અપાયું છે. દરેક વ્યક્તિ માટે આવી શ્રધ્ધાનું સ્થાન અગલ અલગ હોઈ શકે છે પરંતુ બધાનું લક્ષ્ય સરખું હોય છે. “સુખના વધામણાં હોય કે દુઃખના ટકોરાથી બચાવ પ્રયુક્તિ.” શ્રદ્ધાનું સ્થાન જાણે કે તેમનું આશ્રયસ્થાન બને છે. ત્યાંના સ્મરણથી માંડી ઉપસ્થિતિ જાણે કે શ્રદ્ધાળુમાં આત્મવિશ્વાસ પેદા કરવાનું કામ કરે છે. માટે જ કહી શકાય કે શ્રધ્ધા અને આત્મવિશ્વાસ એ જાણે કે એકબીજાના પુરક છે. હવે આવીએ આધ્યાત્મિકતાની દુનિયામાંથી સીધા જ આપણી વર્ગખંડોની દુનિયામાં કે જ્યાં સમાજને પોતાના ભવિષ્યના ઘડતર માટેનું શ્રધ્ધાસ્થાન છે.
આપણા વર્ગખંડોમાં આપણો અનુભવ રહ્યો છે કે રજીસ્ટર સંખ્યા પૈકીના ૧૦% બાળકો એવાં બીજ હોય છે કે જેઓ માટે ન તો આપણે હળ ચલાવવું પડે છે, કે ન તો પાવડા, તગારું, કોદાળી લઇ પરસેવો પાડવો પડે છે, ન તો તેના પ્રત્યે કોઈ વ્યક્તિગત તકેદારી રાખવી પડતી હોય છે. આવાં બાળકો રૂપી બીજ પાછળ ફક્ત પુંખવા જેટલી જ મહેનતમાં પણ મબલખ પાક જેટલું વળતર મળતું હોય છે. અને તેના કારણે જ આપણો સ્વભાવ બની જતો હોય છે કે આવાં બાળકોને શીખવવામાં આપણે ઉત્સાહિત હોઈએ છીએ. આવાં બાળકો ઉપર આપણી પરિણામ રૂપી શ્રદ્ધા વધારે હોય છે અને શ્રદ્ધાના કારણે આપણે તેની સાથે આત્મવિશ્વાસ સાથે વર્ગકાર્ય કરતાં હોઈએ છીએ. જયારે વાત આવે બાકીના બાળકોની ત્યારે ? ત્યારે એવું નથી હોતું કે તેમના પાછળ આપણે ઓછી મહેનત કરતાં હોઈએ છીએ ! તેમનાં પાછળ કરેલી મહેનત ખેતરમાં જાતે હળ ખેંચવાથી માંડી પાવડા – તગારા – અને કોદાળી વડે કરેલ શ્રમ કરતાં પણ વધારે માનસિક શ્રમ વાળી હોય છે છતાં પણ ખૂટતી હોય છે તો એક જ વાત – અને તે એ કે આ બાળકો પણ પેલાં બાળકો જેટલું કરી શકશે તેવી તેમના પરની આપણી અ-શ્રધ્ધા ! આટલાં બાળકોને તો આ પ્રકરણ નહિ જ સમજાય ! તેવાં ખૂટતા વિશ્વાસ સાથે કરેલું કામ પણ જાણે કે વળતર એવું જ આપે છે ! વિચારો કે આ છોડ ઉગવાનો જ નથી તેવા ભરોસા સાથે રોપણી કરતા ખેડૂત ને તમે શું કહેશો ? આ બીમારી દુર થશે જ નહિ તેવી સંકલ્પના સાથે સારવાર કરતા ડોક્ટર માટે તમારી શું સલાહ છે? ગ્રાહક તો આ ખરીદવાનો જ નથી તેવા પૂર્વાગ્રહ સાથે ગલીએ ગલીએ ભમતા સેલ્સમેનને તમે કેવો આંકશો? માટે જ ગમે તેવી જમીન હોય, ગમે તેવો ગ્રાહક હોય તેના પર શ્રદ્ધા રાખી તેની સાથે જયારે ડીલ કરવામાં આવે ત્યારે જ તે ખેડૂત કે વેપારીના સફળતાના ચાન્સ વધી જાય છે અને તેનું કારણ માત્ર એ જ છે કે શ્રધ્ધા સાથેની થયેલ પ્રક્રિયા તેમનામાં આત્મવિશ્વાસ ભરે છે. માટે જ વર્ગખંડમાં આત્મવિશ્વાસથી ભરપુર શિક્ષક તરીકે બાળકો સમક્ષ જવા માટે પણ આપણે તે બાળકો પ્રત્યેની શ્રધાને જગાડવી પડશે તો જ પ્રયત્નો પરિણામમાં પરિણમશે !!


3 comments: