બાળકો ની ઑનરશીપ - શાળા સંચાલનમાં સફળતા
શાળા
સંચાલન એક કૌશલ્ય છે – ઘરે કોઈ નાનો પ્રસંગ હોય અને જેટલી ધમાલ /દોડાદોડી હોય
તેટલી જ દોડાદોડી અને ધમાલ શાળા સંચાલનમાં
જોવા મળે છે . પરિણામે, ઘણીવાર શાળા
વહીવટકર્તાઓને લાગતું હોય છે કે જાણે કેટકેટલું કરીએ ; કામ ઓછાં થતાં જ નથી. આવી જ
રોજીંદી ધમાલ વહીવટકર્તાને ચીડિયો અથવા તો હતાશ બનાવી દે છે, પરિણામે સદાય કામનો
બોજો માથા પર પડેલો હોય તેવો અહેસાસ થયા કરે છે. આવા સંજોગોમાં તેઓ જ સફળ બની શકે
છે જેઓ કાર્યભારને ટીમમાં વહેંચી શકે છે. પરંતુ કેટલીકવાર આપણને લીડરો દ્વારા એવું પણ સાંભળવા મળે છે કે ટીમના સભ્યો જવાબદારી
નિભાવવા તૈયાર જ નથી ને ! ત્યારે પ્રશ્ન થાય કે જયારે શાળામાં એક ટીમ બનીને કામ
કરવાનું હોય અને સૌને મુખે “મારી શાળા” એવું સાંભળવા પણ મળતું હોય તો એવો કયો અભાવ
છે કે ટીમવર્કમાં અવરોધરૂપ બની રહ્યો છે ? સફળ સંચાલન માટેની પહેલી શરત એ છે કે
સંસ્થામાં આવતી તમામ વ્યક્તિઓમાં તે સંસ્થા પ્રત્યેની ઑનરશીપ ઉભી થાય! હવે
માલિકીપણાનો ભાવ પેદા કરવા માટે દરેકને અલગ અલગ કાર્યોમાં જોડવા, તેમનાં મંતવ્યો
લેવાં, દરેકને સ્પેસ આપવી. તેમની રસરૂચિ
અને જે તે વિષયની તેમની માસ્ટરીનો સંસ્થામાં ઉપયોગ કરાવવો. શાળામાં ફક્ત સંચાલક
તરીકે આચાર્ય કે શાળા સ્ટાફ જ સુંદર શાળા ઉભી કરી શકે છે તે ફક્ત માન્યતા છે. તમને
ખ્યાલ હશે કે બાળકોની મોટા પ્રમાણમાં સહભાગીદારીથી જ શાળા સ્વચ્છ રહે છે, બાળકોની
મોટા પ્રમાણમાં ભાગીદારીથી જ વર્ગખંડોનું સંચાલન કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું
સંચાલન શક્ય છે. તો પછી શાળામાં જે બહુમતિવાળો વર્ગ એટલે કે બાળકો છે તેઓની
ભાગીદારી, પરંપરાગત બની, અમુક ક્ષેત્રો પુરતો સીમિત કરી રાખી આપણે શું શાળાને સફળ
સંસ્થા બનાવી શકીએ ખરા ? વિચારીએ કે ૩૦૦ બાળકોની સામે ૧૦ શિક્ષક “મારી શાળા”
એવા માલિકીપણાના ભાવથી મહેનત કરે તો તે
શાળાના રંગરૂપમાં બદલાવ લાવી શકાતો હોય તો ૩૦૦ બાળકોમાં ઑનરશીપ ઉભી કરવા થોડો
પ્રયત્ન કરવામાં આવે અને તે શાળા માટે ૧૦ + ૩૦૦ "મારી શાળા" ના અહોભાવથી
શાળા પટાંગણને જોતાં થઇ જાય તો ? – શાળા તો રળિયામણી બની જ જાય ! – કહેવત છે ને “
ઝાઝા હાથ રળિયામણા” બાળકોમાં ઉભી થયેલી
"મારી શાળા" ની ભાવનાને લીધે જ બાળકની શાળાની વસ્તુ ઘરે લઇ જવાની વૃત્તિ
છૂટી ઘરે લાવેલ કોઈ નવીન વસ્તુઓ શાળાના ઉપયોગ માટે લાવતો થાય છે, મિત્રો આટલાં
વર્ષો પછી પણ અમે બધાં જ બાળકોમાં સંપૂર્ણપણે આ ભાવ નથી પેદા કરી શક્યા અમે પણ હજુ
અડધે જ છીએ, કારણ આ પ્રક્રિયા ખુબ લાંબી છે, આજે ને આજે બે ચાર બોધ કથાઓ કે
સુવિચારો કહેવાથી વાત નહિ બને... પરંતુ જેટલું કરી શક્યા તેનો શાળાને ખુબ જ ફાયદો
થયો છે ,એટલે જ તો ઘરે શાકભાજી કરવા લાવેલ વાલોળપાપડીના બીજ ની થેલીમાંથી બે
ચાર બીજ અમારો રોહિત તેના પપ્પા પાસેથી માંગીને શાળાના “કિચનગાર્ડન” માટે લેતો આવે
છે.