ગમતું
મળે તો અલ્યા, ગુજે ન ભરીએ ને... !!!
શાળા પરિવારની આપણે વ્યાખ્યા કરતાં હોઈએ ત્યારે બાળકો એની
પહેલી શરત છે. બાળકો વિના કોઈ પરિવાર પૂર્ણ ગણાતો નથી તે વ્યાખ્યામાં શાળા પરિવાર
પણ આવી જ જાય !! ખુશીની કોઈ બાબત એવી ન હોય કે પરિવારના વડીલો જ આનંદ માણતા હોય
અને તેમાંથી બાળકો બાકાત હોય ! બાળકોમાં નિર્દોષ આનંદ હોય છે. જો તમારે જાણવું હોય
કે બાળકોની તમારા પ્રત્યે કેટલી લાગણી છે તો એકાદ દિવસ તમારા નાના ટાબરિયાને
શાળામાં લઇ જજો !! જેવી રિશેષ પડશે કે તરત જ તેને તેડીને આનંદ કરાવવા માટે
બાળકોનું ટોળું થઇ જશે !! કદાચ એક મિનિટ માટે પણ તેને નીચે નહિ ઉતારે – બીજા દિવસે
કેટલાય બાળકો - " આજે તેને શાળાએ કેમ ન લાવ્યા ? - અને કાલે લેતાં જ આવજો " - જેવા સંવાદો
કરતાં જોવા મળશે. એવા નિર્દોષ બાળકોના આનંદ સાથે આનંદ હોય તેને જ શાળા પરિવાર
ગણાવી શકાય. શાળામાં એક શિક્ષકમિત્રનો પૂરો પગાર થયાના આનંદના સમાચારની બાળકોએ
પ્રાર્થના સમાચાર/સમારંભમાં પણ નોધ કરી. અને સાથે આનંદની કિલકીલીયારીઓ તો ખરી જ !!
હવે તમે જ કહો ઉજવણીમાં બાળકોને સામેલ ન કરીએ તો ??? બાળકો વિનાની ઉજવણી અમે
વિચારી પણ ન શકીએ !! મતમતાંતર હતાં ઉજવણી શેનાથી કરવી ? કોઈ કહે ચોકલેટ તો કોઈ
બિસ્કીટના પેકેટ !! આખરે દશેરાને ધ્યાને લઇ ફાઈનલ થઇ - " જલેબી " ! જે આપ ફોટોગ્રાફમાં
જોઈ શકો છો, ફક્ત જલેબીને જ નહિ બાળકના ચહેરા પરના અનહદ આનંદને અને શાળા પરિવારના
લાગણી સભરના પર્યાવરણને પણ !!!