October 02, 2015

બાળકોમાં ફક્ત વ્યક્તિ નહિ, "વ્યક્તિત્વ" ને પણ નીખારીએ !!!


બાળકોમાં ફક્ત વ્યક્તિ જ નહિ, "વ્યક્તિત્વ" ને પણ નીરખાવીએ !!!

               શાળા એટલે ગામનું એક એવું સ્થળ કે જ્યાંથી નવતર પેઢીના ઘડતરની સમાજ અપેક્ષા સેવે છે, કારણ ફક્ત એટલું જ કે એમનો આપણા પરનો વિશ્વાસ ! સમાજમાંથી બાળક જોવે છે , જાણે છે પણ તેને સમજવાનું કામ તો બાળક શાળામાં આવ્યા પછી જ કરતો થાય છે, તેના જ્ઞાનનું વ્યવસ્થીકરણ કરવાનું કામ તો શાળા જ કરતી હોય છે !! તેના આધારે જ બાળક સમાજમાં જોયેલા અનુભવાયેલા જ્ઞાનને સારા નરસા મુજબ તારવી સારી બાબતોને સાથે રાખી અને ખરાબ બાબતોને સુધારી અથવા તો છોડી આગળ વધે છે. એ વાતમાં તો કોઈ શંકા નથી કે વ્યક્તિનું ચણતર [વૃદ્ધિ] ભલે સમાજમાં થતી હશે પરંતુ તેનું વ્યક્તિત્વનું ઘડતર તો શાળાઓમાં જ થતું હોય છે !!! એટલે જ આપણું મહત્વ ગામ-સમાજમાં વધી જાય છે ! પ્રાથમિક કક્ષાએ જયારે બાળક પોતાના બાળપણના દિવસોના ૧૨ માંથી 6 કલાક જયારે શાળા પર્યાવરણમાં ગાળતો હોય ત્યારે તેના વ્યક્તિત્વ નિર્માણમાં શાળા મોટું પાસું છે.
                               શાળામાં કેટલાક કાર્યક્રમોની ઉજવણી આવી જ શક્યતાઓને અને કહીએ તો અપેક્ષાઓને ધ્યાને રાખી આયોજિત કરવામાં આવતાં હોય છે, તે પછી કોઈ વીર પુરુષનો શહીદ દિન હોય કે પછી કોઈ મહાપુરુષની જન્મજયંતી ! બાળકો જે તે મહાપુરુષની જીવન ગાથાના અને મહાન ગુણો સભરના વ્યક્તિત્વને  પિછાણે !!  શાળા ધ્વારા પણ પ્રયત્ન એવો જ હોવો જોઈએ કે બાળક ફકતને ફક્ત તે વ્યક્તિની ચિત્ર ઓળખ ન કરતાં જે તે વ્યક્તિના મુલ્યોને પણ જાણે-સમજે અને શિક્ષક અથવા તો કહીએ કે માર્ગદર્શક ધ્વારા જે તે વ્યક્તિના વ્યક્તિત્વને એટલી આહલાદક રીતે બાળકો સમક્ષ રજુ કરવામાં આવે કે બાળકો પણ તેના વિચારો- ગુણોને અમલમાં મુકવા પ્રેરાય. મોટેભાગે બને છે એવું કે જન્મજયંતી કે પુણ્યતિથિઓની ઉજવણી સમયે પણ આપણે  વેશભૂષા પર જ વધુ ધ્યાન આપી આબેહુબતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.પરિણામે બાળક સફેદ ધોતી પહેરતાં જ બાકીના બાળકો “ગાંધીબાપુ” એમ બોલી પડે છે, પરંતુ તેનાથી એક સ્ટેપ આગળ વિચારીને જ્યારે એકપાત્રીય અભિનયમાં કોઈ બાળક સ્વચ્છતા કરતો કે હિંસા ન કરવી તેવું સમજાવતો હોય અને બાળકો બોલી ઉઠે કે આ તો આપણા ગાંધી બાપુનો અભિનય !!! કોઈ બાળક પોતાના વર્ગખંડમાં કે રમતના મેદાનમાં પોતાને થયેલ અન્યાયને નીડરતાથી રજુ કરતો હોય અને આપણી શાળાના બાળકો તેને “ભીમરાવ”ની ઉપમા આપે અથવા તો કોઈ બાળકનું નવાઈ પમાડે તેવું વક્તવ્ય સાંભળી બાળકો તેને વિવેકાનંદ કહીને બોલાવતાં થાય કે દ્રઢપણે ત્વરિત નિર્ણય લઇ લીડરશીપ કરતા વિદ્યાર્થીને બીજા બાળકો “સરદાર પટેલ” જેવો કહે તો જ સમજવું કે ખરેખર આપણે શાળામાં મહાન પુરુષોની જન્મ કે પુણ્ય તિથિએ ફક્ત વ્યક્તિ દર્શન જ નહિ પણ વ્યક્તિત્વ દર્શન પણ કરાવી શક્યા છીએ. અને જો બાળકો તેમાંથી કોઈ એક ગુણાત્મક પાસાને અનુસર્યા હોય તો તો સમજવું કે આપણે મહાન વ્યક્તિને સાચે જ પ્રમાણિકતા પૂર્વક મહાન રીતે બાળકો સમક્ષ રજુ કરી શક્યા છીએ.- 
       બાકી તો પછી ઉજવણી એ એક પ્રકારની ફકતને ફક્ત ગજવણી જ સાબિત થશે. જે કંટાળાજનક અને પરિણામ શૂન્ય હશે !

No comments: