October 01, 2015

પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમય બાળક !!!


પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમય બાળક !!!
વર્ગખંડનું વાતાવરણ પ્રફુલ્લિત રાખતું પરીબળ છે - શૈક્ષણિક પ્રવૃત્તિ !
બાળકોના અભ્યાસ કાર્યનું વ્યવસ્થીકરણ કરતું કોઈ માધ્યમ હોય તો તે છે શૈક્ષણિક પ્રવૃત્તિ !
 અપર પ્રાઈમરીની વાત છોડી જો પ્રાઈમરી કક્ષાના વર્ગખંડની વાત કરીએ તો બાળકોના શૈક્ષણિક કોલાહલને કોઈ આકર્ષક રાગમાં ઢાળવાનું કામ કરનાર પરિબળ એટલે જ ‘સહભ્યાસિક’ શૈક્ષણિક પ્રવૃત્તિ !!! બાળકોની શીખવાની ગતિની આપણે વારંવાર ચર્ચા કરતાં હોઈએ છીએ. ક્યારેક ક્યારેક તો ‘ઓફલાઈનમાં’ સ્ટાફ ચર્ચા વખતે કોઈ બાળકને સસલું તો કોઈક  બાળકને કાચબાની ઉપાધિથી નવાજી દેતાં હોઈએ છીએ. પણ ક્યારેય વિચાર કર્યો છે ખરો કે કોઈની ગતિ ક્યારેય એક સરખી હોતી નથી ! તે ચાલવાની વાત હોય, દોડવાની વાત હોય, વાહનવ્યવહારની કે પછી શીખવા/ શીખવવાની વાત હોય ! દરેકની ગતી આસપાસના પરિબળોને આધારિત હોય છે ! જો આપણે શિક્ષક તરીકે શીખવવાની  ગતિની વાત કરીએ તો કેટલીકવાર વર્ગખંડોમાં એવી યુક્તિપ્રયુક્તિઓનો ઉપયોગ કરવો પડતો હોય છે કે જેમાં આપણો હાથ ઓછો બેસતો હોય !! ત્યારે બાળકોને શીખવવાની આપણી ગતી ધીમી ધારે ચાલતી હોય છે, જ્યારે ગમતો વિષય અથવા તો વિષયવસ્તુ, આપણી શીખવવાની ગતિમાં વધારો કરે છે, અને જો તેમાંય આપણી ગમતી પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય તો... તો-તો આપણી શીખવવાની ગતી દોડે નહિ ઉડે એમ કહી શકાય.  ગતિનો આજ નિયમ શીખવાની ક્ષમતા પર પણ હુબહુ જ લાગુ પડે છે ! બાળકોને ગમતો વિષય જેમ ઝડપથી શીખતાં હોય છે તેમ પ્રવૃત્તિ વડેનું શિક્ષણ બાળકને રોકેટની ગતી આપે છે, કોઈ પણ વિષયવસ્તુની સાથે જ્યારે પ્રવૃત્તિ જોડવામાં આવે છે ત્યારે બાળકની શીખવાની ગતી ચરમ સીમાએ હોય છે. સો શિક્ષકો ભેગા મળી બાળકમાં જેટલો ઉત્સાહ નથી વધારી શકતાં તેનાથી પણ વધુ પ્રબળતા બાળકોમાં શૈક્ષણિક સહભ્યાસિક પ્રવુત્તિઓ પેદા કરી શકે છે ! આથી જ કહી શકાય કે બાળકમાં ગતી પડેલી જ છે, વર્ગખંડોમાં આપણે ઉભા કરેલ વાતાવરણ અને પ્રવૃત્તિમય પર્યાવરણની ઉર્જા થકી જ બાળકોની ગતીની કહેવાતી મર્યાદાઓને તોડી શકીશું બાકી તો તમને પણ ખબર છે કે વળતર મળતું હોવા છતાં ચીલાચાલુ રીતે ભણાવવામાં જો આપણે પણ કંટાળો અનુભવતાં હોઈએ તો પછી બાળકો તો !! અરે બાપ રે બાપ !!!      

No comments: