October 18, 2015

“વ્હેર લાઈફ ઈઝ સેલિબ્રેશન !”


“વ્હેર લાઈફ ઈઝ સેલિબ્રેશન !”

          જીવન “મુશ્કેલીઓ” તરફ મો વકાસી જોઈ રહેવાથી સહેલ નથી થવાનું. અને તેની હર એક ક્ષણને જીંદાદિલીથી જીવી જવાથી એ અઘરું નથી થવાનું.જાણીએ છીએ કે જ્યાં અમે મસ્તી કી પાઠશાલા રચી રહ્યા છીએ – તે સ્થળ પર બધા બાળકોનું જીવન “સાવ સરળ” નથી. એમની વિષમ સામાજિક,આર્થીક સ્થિતિઓ હવે કોઠે પડી જાય એટલી લાંબી ચાલી છે.
          જે ઉમરે બાળકોને નવું નવું શીખવું, દોસ્તો સાથે ગામ ગપાટા મારવા, ધીંગા મસ્તી કરવી, મોટેથી કવિતાઓ -ગીતો લલકારવા, અબ્દુલ કલામ થી માંડી ધ્રુવ ભટ્ટ સુધી કોણે શું કર્યું  – તે જાણવું, ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો ૩૬૦ અને આ પરીમીતી શોધતા શીખ્યો એ ઘેર કેવી રીતે કામે લગાડવા ? કાગળમાંથી પતંગ અને સ્ટાર બનાવવા, અવનવા તરંગો લગાવી જુદું જુદું ચિતરવું, વાર્તાઓ સાંભળવી, મળાવી મળાવી ને વાર્તાઓ કહેવી,  દોસ્તોને મામાના ઘેર શું શું ધમાલ કરી હતી એ કહેવું, મમ્મી કે પપ્પા અથવા મમ્મી-પપ્પા લડે તો કેવું લાગે એ બહેનપણીને કહેવું, મિત્રો બનાવવા, કિટ્ટા-બુચ્ચા કરવા  વિગેરે માટે સમય અપાવો જોઈએ ! અને એ સમય અપાય તો જ એમને આ દુનિયા ગમશે. આ એમનો જ સમય છે પરંતુ  કેટલાક બાળકોનો સમય એમના નિરક્ષર વાલીઓ/વાલીઓની આળસમાંથી જન્મેલી આર્થિક તંગી ચાઉં કરી જાય છે. ક્યાંક વળી માતા – પિતાની લડાઈ એમના આ સમયની બલી માગી લે છે. કારણ કોઈ પણ હોય સમય તો બાળકનો જ છીનવાય છે !
        ઘરે પહોચ્યા પછી ના જાણે એ રોજ કયા કયા પ્રકારના સંવાદો - વિખાવાદોના સાક્ષી બનતા હશે. તેઓ જયારે શાળામાં પહોચે ત્યારે તેમને એવા કોઈ અનુભવોનો અણસાર ના રહે તે જોવાની આપણી જવાબદારી છે. એટલે જ તો ગામમાં ઉજવાતા તહેવારો ભલે ધાર્મિક/સામાજિક દ્રષ્ટિકોણથી ઉજવાતા હોય – શાળાનો પ્રયત્ન રહે છે કે તે જ ઉજવણી શાળામાં “બાળકોના આનંદ” ને ધ્યાનમાં રાખી કરીએ. દરેક ગુજરાતીને ઘેલું લગાડે તેવા ગરબા શાળામાં રમવા – ભલે અડધો કલાક પણ અહી જેને રમતા ના આવડે એમને રમતા શીખવાનું, અને ના રમવા હોય તો બેઠા બેઠા જોવાની મજા ! ઢોલના તાલે ભલે ગામમાં રમાય એમને અહી એમને ગમતા એવા ડી.જે. સાઉન્ડ વાળા આધુનિક છાંટવાળા સંગીતનો ય લ્હાવો મળે. રંગ તો લાગવાનો જ હતો અને એટલે જ એક દિવસ પૂરા દોઢ કલાક ગરબા રમવાનું આયોજન થયું – અને ત્યારે એમનો ઉત્સાહ જોવા જેવો હતો. મળે એવી ચણીયા ચોળી અને નવી નવી હેર સ્ટાઈલ સાથેની દીકરીઓ અને નવા કપડા પહેરીને આવી ગયેલા ખેલૈયા ! આખું મેદાન જાણે “ચાચરનો ચોક” ! શાળા દરવાજા પાસેથી પાણી ભરવા જતી પાનીહારીઓ જોવા રોકાઈ પણ ત્યાં જ ખોડાઈ રહેવાનું લાંબુ ના ચાલ્યું અને તે પણ ગરબામાં જોડાઈ ગઈ ! અને આ બધાની વચ્ચે ગરબા પછી બાળકોના ચહેરા પરનો “હાશકારો”
એક જ વાક્ય આ દ્રશ્યને બરાબર ફીટ બેસતું હતું, “યસ, વ્હેર લાઈફ ઈઝ સેલિબ્રેશન !”
ચાલો, માણીએ વિડીયો ધ્વારા......
 

3 comments:

Kamlesh Taviyad said...

કદાચ, આ આનંદ બાળકોનો... તેમને આનંદ આપનારી ભૌતીક જરૂરિયિતો કરતા એક વેંત ઊચો હશે.....

DHAVAL PADARIYA 'KALPTARU' said...

ખૂબ સરસ રાકેશભાઈ.......

mahesh macwana said...

આટલું સુંદર કામ લાખો રૂ ફી લેતી ખાનગી શાળાઓ પણ ના કરી
બાળકોના આનંદ અને ઘડતરથી તમને ઈશ્વરની કૃપા મળે