January 26, 2014

“નાટક” - એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધત્તિ


“નાટક” - એક બિન-વૈકલ્પિક શૈક્ષણિક પદ્ધત્તિ..
              પહેલાંના સમયની સામાજની શૈક્ષણિક સ્થિતિની વાત કરીએ તો ગણ્યાગાંઠ્યા લોકો જ અક્ષર જ્ઞાનથી પરિચિત હતા. લોકો ન તો લખવાનું જાણતા કે ન તો તેને ઉકેલવાનું [વાંચવાનું]. તે સમયમાં સમાજમાં સમાજમાં કોઈ વિષય/વસ્તુની જાગૃતતા માટે અથવા તો કહીએ લોકોને જે તે વિષયમાં માર્ગદર્શન આપવા માટે તે સમયના શિક્ષણવિદો રાજાઓને ભવાઈ/નાટક/કઠપૂતળી વગેરના માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપતા અને રાજાઓ આ બધાનો ઉપયોગ પણ કરતાં. વિચારો કે નિરક્ષર લોકોમાં પણ વિષયવસ્તુનું શિક્ષણ આપી શકતી આ અમુલ્ય પદ્ધત્તિ શાળાઓમાંથી [શિક્ષણ પદ્ધત્તિ કે તાલીમી મોડ્યુલમાંથી નહિ હો !!] અદ્રશ્ય થવા પાછળનું કારણ શું હોઈ શકે છે???  તેના માટેના ઘણા કારણોમાંના થોડા કારણો નીચે મુજબના પણ હોઈ શકે છે...  
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  તૈયારીઓ વધુ સમય માંગી લે છે, જ્યારે અભ્યાસક્રમ સમયગાળામાં પૂરો કરવાનો હોય છે.
                     -:   નાટક ધ્વારા આપણે જે શીખવાનું તે પણ આપણા અભ્યાસક્રમનો જ એક ભાગ છે, ઘણીવાર આપણી ફરિયાદ હોય કે આજે ચલાવેલા અભ્યાસના મહાવરા માટે તેઓ ઘરે ચોપડી લઇ બેસતાં જ નથી, વિચારો કે “બાળકો ગ્રામ-પંચાયતના કાર્યો યાદ રાખી શકતા જ નથી.” – પરંતુ તે જ બાળક ગ્રામપંચાયત વિશેના કોઈ નાટકમાં પોતાના ભાગરૂપે આવતા ડાયલોગમાં  ગ્રામપંચાયત શું કામ કરે છે ? તે સમજી-યાદ રાખી અન્યને પોતાની ભાષામાં જણાવતો જોવા મળે છે અને તેનું ફકતને-ફક્ત એક જ કારણ છે... નાટ્યકરણ પદ્ધત્તિની અસરકારકતા  
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  જરૂરી વસ્તુઓ [વેશભૂષા સહીત] જલ્દીથી ઉપલબ્ધ હોતી નથી.
                 -:  નાટકને ખુબજ-વધુ અસરકારક બનાવવા માટે ચોક્કસપણે તે માટેના સચોટ વેશભૂષાની જરૂર પડે છે, પરંતુ જો વેશભૂષાની અછત સાથેનું નાટક પણ કાંઈ ઓછું અસરકાર નથી હોતું. સાથે-સાથે જ્યારે શાળાકક્ષાએ નાટ્યકરણ પદ્ધત્તિનો આપણો ધ્યેય બાળકોના શિક્ષણનો છે ત્યારે અમે માનીએ છીએ કે વેશભૂષાનો વધુ આગ્રહ યોગ્ય નથી. કારણ કે ક્યારેક વેશભૂષા વિનાની પ્રેકટીસ અને રજૂઆત વેશભૂષા સાથેની- આમાં બાળકની ડાયલોગ ડીલવરી પર પણ થોડી અસર પડે છે અને સારું ન કરી શક્યાનો દોષનો ટોપલો બાળક પર ફેંકીએ છીએ. અરે! યાર વર્ગખંડ કે શાળા કક્ષાના નાટકમાં એક બાળકને દુપટ્ટાની ધોતી પહેરાવી ગાળામાં ધ્રુવનું કાર્ડ લટકાવશો તો તે ધ્રુવ અને એકલવ્યનું લગાવશો તો તે એકલવ્ય ઉપસી આવશે. [અનુભવના આધારે]
·         નાટ્યકરણ પદ્ધત્તિમાં  જરૂરી સ્ક્રિપ્ટ જે દરેક શિક્ષકની સ્કીલ ન  હોઈ શકે...
                 -: હા, શિક્ષકની આ એક મર્યાદા હોઈ શકે છે પણ જ્યારે આપણે શાળામાં ટીમવર્ક કરતાં હોઈએ ત્યારે શાળામાં જે સારી સ્ક્રીપ્ટ કરી શકતાં શિક્ષક તો મળી જ રહે, આમાં બાળકો પોતે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો શાળાકક્ષાએ જ્યારે આપણે રજૂઆત કરવાની છે ત્યારે અમે/માનીએ છીએ કે બાળકોના અનુરૂપ સ્ક્રિપ્ટીન્ગ માટે શિક્ષકથી સારો કોઈ લેખક નથી .
·         બાળકોના અભિનય કે ડાયલોગબાજીમાં પરફેકશન હોતું નથી.
                         -: આવી જો અપેક્ષા આપણે બાળકો પાસેથી રાખતાં હોઈએ તો આપણાથી મોટો કોઈ મૂર્ખ નથી. અરે! વિચારો કે આટલા મોડ્યુલો વાંચી, કેટલાંય નાટકો નિહાળી [ અને ભણતાં હતા ત્યારે ભજવી ] કેટલાંય ચલચિત્રો જોયા પછી પણ આજે આપણે કોઈ રોલ ભજવાનો થાય તો ??? મિત્રો સ્ક્રિપ્ટની બાબતમાં બાળક જો શિક્ષક પાસેથી પરફેકશનની અપેક્ષા નથી રાખતાં તો પછી આપણે શા માટે બાળકો પાસે આવો દૂરાગ્રહ રાખી શકીએ???
                     આપણે શાળાકક્ષાએ જ્યારે નાટકનું આયોજન કરીએ છીએ ત્યારે આપણો મુખ્ય ઉદેશ્ય શાળાના પટાંગણને કે પછી હોલને તાળીઓના ગળગળાટથી ભરી દેવાનો નહિ પરંતુ બાળકોમાં જે તે વિષય-વસ્તુની સમજ કેળવવાનો અને તેને જીવન ઉપયોગી બનાવવાનો જ છે. તે ધ્યાને રાખી આપણે જો આયોજન કરશું તો અમે માનીએ છીકે અભણોને પણ સમજાવતી આ અસરકારક પદ્ધત્તિ આપણું ઘણુંખરું કઠીન કામ સરળ કરી આપશે. ચાલો, જાણીએ માણીએ અને સમજીએ પણ ખરા..!!!


  










ક્લિક કરો અને જૂઓ ફોટોગ્રાફ  à- “ આપણા હકો- આપણી ફરજો

January 25, 2014

આવતીકાલના નાગરિકોની ક્વિજ !!!!


આવતીકાલના નાગરિકોની ક્વિજ !!!!


             “આજનો બાળક આવતીકાલનો નાગરિક છે.” –આ વિધાન આપણે પ્રસંગોપાત આપણે બોલીએ છીએ. પરંતુ રોજબરોજની દિનચર્યાની જો વાત કરીએ તો શું કાયમી ઉપરોક્ત વિધાનના માઈન્ડ સેટ સાથેનું આપણું વર્ગખંડ-કાર્ય હોય છે ખરૂ??? શું આપણે બાળક સાથેના વર્તન સમયે આપણે આ વિધાન ધ્યાને રાખી છીએ ખરા??? આપણે ઘણીવાર એ વાતથી અજાણ હોઈએ છીએ કે આવતી કાલના સમાજની પ્રવૃત્તિઓ કદાચ આજના વર્ગખંડના RE-TAKE પણ હોઈ શકે છે. કારણ કે તમે વાલી તરીકે પણ જો તમારા બાળકની ઉલટ તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે બાળક પર તેમના શિક્ષકનો અને વર્ગખંડના પર્યાવરણનો કેટલો પ્રભાવ જોવા મળે  છે. બાળ-કક્ષાએ જ જ્યારે બાળકોને રાજનીતિશાસ્ત્ર શીખવવાની/સમજાવવાની અને  તેને જીવનલક્ષી બનાવી અનુસરાવવાની જવાબદારી આપણા સમાજે  એક શિક્ષકને નાતે જયારે આપણા ઉપર પૂર્ણ વિશ્વાસસહ મૂકી છે ત્યારે  સમાજની અપેક્ષાઓને પર ખરા ઉતરી "ઉત્તમ નાગરીકો ધ્વારા ઉત્તમ રાષ્ટ્રના નિર્માણનો જશ ચોક્કસપણે આપણે મેળવીશું તેવી અમોને ૧૦૦% ખાતરી છે. મિત્રો, આવી જ જાગૃતિ અમારી શાળાના બાળકોમાં આવે તેના પ્રયત્નરૂપે આપણા દેશમાં ૨૫મી જાન્યુઆરીએ ઉજવાતો “રાષ્ટ્રીય મતદાર દિવસ” ની પૂર્વ સંધ્યાએ શાળામાં સંવિધાન-મતદાર-મતદાન-ચુંટણી પ્રક્રિયા- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ  વગેરેને ધ્યાને રાખી એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કલેકટરશ્રી [પંચમહાલ] કચેરી તરફથી મળેલ પ્રશ્નાવલીની સાથે-સાથે ધોરણ-૫ થી ૮ માં સમાવિષ્ઠ રાજનીતિશાસ્ત્રની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આપ પણ ફોટોગ્રાફ વડે સ્પર્ધાને જાણી શકો છો અને વિડીઓ ધ્વારા કોલાહલ-યુક્ત સ્પર્ધાને માણી પણ શકો છો.  














January 16, 2014

“કૌશલ્ય-યુક્ત પતંગોત્સવ”


કૌશલ્ય-યુક્ત પતંગોત્સવ”
                               “એક કાંકરે બે પક્ષી મારવાં” - આપણા સમાજમાં આ કહેવત ખૂબ જ પ્રચલિત છે. પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પદ્ધત્તિ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અને શૈક્ષણિક યુક્તિ-પ્રયુક્તીઓનું આપણે આયોજન કરતાં હોઈએ ત્યારે ખરેખર તો આપણે સૌએ આ કહેવતને આપણી ગળથુથીમાં જ સમાવેશ કરી લેવો જોઈએ. તમને થશે કે અરે !! આવું કેમ??? મિત્રો જ્યારે પણ આપણે ઉપરોક્ત શૈક્ષણિક વસ્તુઓનું આયોજન રૂપી કાંકરાને તાકતાં હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણું  નિશાન હોય છે બાળકને જે તે વિષય-વસ્તુનું માર્ગદર્શન મળી રહેપરંતુ કેટલીકવાર એવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે કે જો તેનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો તમે તે એક જ પ્રવૃત્તિમાંથી ઘણા બધા ઉદેશ્યોને પાર પાડી શકો છો.
     અમારી શાળાએ પણ આ વખતે શાળા પતંગોત્સવના આયોજનમાં આજ પ્રકારનું ધ્યાન રાખ્યું. જેમાં એક તીરથી બે ત્રણ નિશાન તાકવાનો પ્રયત્ન થયો. અમે નક્કી કર્યું કે પતંગોત્સવ એટલે ફકતને ફક્ત એવું નહિ કે બાળકો આખો દિવસ શાળામાં પતંગ જ ઉડાડ્યા કરે. હા પતંગ ચગાવવો એ ઉજવણીના આયોજનનો મહત્વનો એક ભાગ જરૂર હતો, જે મુજબ બાળકોના આનંદનો અને ઉત્તરાયણ પછીની તરત હાજરી પર પડતી અસરને ઓછી કરવાનો અમારો ઉદેશ્ય [પહેલું નિશાન] હતો. પરંતુ અમારા માટે આયોજનનો મુખ્ય  ઉદેશ્ય હતો  આયોજનમાંનો બીજો ભાગ. જે અંતર્ગત બાળકો સાથે ચર્ચાસભા” – જેમાં   પતંગના હવામાં ઉડવાના કારણોની ચર્ચા, પતંગના કાટખૂણાઓની સમજ , પતંગના સમતોલન માટે જરૂરી ધ્યાન રાખવાની બાબતો, પૂછડી લગાવી કે ત્રિકોણીયુ ચોટાડવાનું કારણ  ,કિન્નાટ વગેરેની બાળકો સાથે ચર્ચા કરવી. અને ત્યારબાદ ફાટેલા પતંગોની ચિપ્સમાંથી બાળકો પોતે જ પતંગો બનાવે.  હવે અમારે કહેવાની જરૂર તો નથી જ ને કે પોતે બનાવેલ પતંગને ચગાવવાનો ઉત્સાહ કેવો અને કેટલો હશે??? આપ પણ અમારી શાળામાં ઉજવાયેલ આવા કૌશલ્યયુક્ત પતંગોત્સવને ફોટોગ્રાફ ધ્વારા જોઈ શકો છો, તેમજ વિડીયોની લીંક પર ક્લિક કરી અમારા કોલાહલ યુક્ત પર્યાવરણને માણી પણ શકો છો!!!!
  





  














પતંગોત્સવ ની ચર્ચાસભા ...

January 07, 2014

અમારાં દીકરાં !!!!!


અમારું ગૌરવ વધારનાર અમારાં દીકરાં !!!!!
              તાલુકા કક્ષાના ‘રમતોત્સવ”માં શાળાને યોગાસનમાં દ્વિતીય સ્થાન અને લાંબીકૂદમાં તૃતીય સ્થાન અપાવી શાળાના ગૌરવમાં અને  સાથે-સાથે શાળામાં વધુ મહેનત કરવા માટેના અમારા ઉમળકામાં પણ વધારો કરનાર અમારાં આ દીકરાંને ખૂબ ખૂબ અભિનંદન...
 





 



તાલુકાના રમતોત્સવની ગોળાફેંક રમતમાં ભાગ લેતી અમારી દીકરી કૈલાશ  

ખો-ખોમાં ત્રણ ટીમોને હરાવી ક્વાટર ફાઈનલમાં ટક્કર આપતી અમારી દીકરીઓ  

ગોળાફેંકમાં અમારી શાળાના શિક્ષક્શ્રી 

January 01, 2014

“બાળ-સ્વતંત્રતા” ની બાદબાકી તો નથી કરીને ???


 શાળાએ બાળ-સ્વતંત્રતા ની બાદબાકી તો નથી કરીને ???

                                  મિત્રો, “શાળા એ ગામનું સ્વર્ગ’ અથવા તો “વર્ગ એ જ સ્વર્ગ” આવું લખાણ આપણે ઘણી જગ્યાએ શાળાની કે વર્ગખંડોની ભીંતે ચીપકાવેલું જોતાં હોઈએ છીએ, પરંતુ બાળકોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવા સુવિચારોનો અમલ ભીંતે જ રહી જઈ,જમીન પર હકીકત કઈંક જુદી જ જોવા મળતી હોય છે. “સ્વર્ગ”નો સમાનર્થી શબ્દ કયો? તો – “સ્વતંત્રતા” ! એ ન્યાયે જોઈએ તો “સ્વર્ગરૂપી વર્ગ” નો અર્થ થશે “બાળકની સ્વતંત્રતા’. અમૃત જેવી સ્વાદિષ્ટ રસોઈ પણ જો તમને ચાવવાના નિયમો સાથે જમાડવામાં આવે તો ?? તમે અંદાજ લગાવો !! તમે તે ભોજનનો કેટલો આનંદ માણી શકશો?? સાચું છે, કે વધારે ચાવવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તે સમયનો આપણો મુખ્ય ઉદેશ્ય સ્વાદનો લુપ્ત ઉઠાવવાનો છે. તેની સાથે શક્ય તેટલું વધારે ચાવવાનો પ્રયત્ન હોઈ શકે. પરંતુ જો ફક્ત ચાવવા પર જ ધ્યાન આપવાની શરત હોય તો ! સ્વાદિષ્ટ વાનગી પણ ઝેર જેવી લાગે છે ! મિત્રો, બાળકોનું પણ આવું જ છે. આપણા આનંદદાયી શિક્ષણની મજા અને સાથે-સાથે ગુલામીનો અનુભવ થાય તેટલા કડક શિસ્તના નિયમો !!! હવે તમે વિચારો કે બાળકનો આનંદ ક્યાં અને કેટલો હશે ?? આવા શિસ્ત-નિયમો સાથેનો વર્ગ એ સાચા અર્થમાં સ્વર્ગ નથી. અરે! અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ તો સાચા અર્થમાં “વર્ગ” પણ નથી. સ્વર્ગરૂપી વર્ગ તો એ છે...... જ્યાં શું શીખવાનું છે તે શિક્ષક કહે.. પણ કેવી રીતે શીખીશું તે બાળકો નક્કી કરે... શું વાંચવાનું છે તે શિક્ષક કહે અને ક્યાં બેસી વાંચીશું તે બાળકો નક્કી કરે.... ટૂંકમાં કહીએ તો બાળકો વર્ગખંડોની પ્રક્રિયાના એવા ભાગીદાર હોય કે જેઓને નિર્ણયો કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય !!! આવો, બાળકોને આવી સ્વતંત્રતાસહનું વર્ગખંડ કાર્યનો અહેસાસ કરાવી તેઓને ખાતરી કરાવીએ એ કે “આ શાળા તમારી જ્જ્જ્જજ્જ  છે!!!”