December 28, 2013

બંધ વર્ગખંડો, ખુલ્લા પાઠ્યપુસ્તકો....


બંધ વર્ગખંડો, ખુલ્લા પાઠ્યપુસ્તકો !

                        શીખવું એટલે ?-: વર્ગમાં પૂરાઈ અને પાઠ્યપુસ્તકો ઉઘાડવા અને મગજની બારીઓ બંધ કરવી ? હવે આવી ‘ઉઘાડી ચોપડી અને બંધ મગજથી’ થતી પ્રક્રિયાને આપણે શીખવું કહીએ તો ભલે – પણ તે થતું નથી.  શીખવા માટે દુનિયાને જોવાની આંખો અને તેને અનુભવવા પાંખો આપવાના આશયથી આ વર્ષની ‘નાતાલ’ ની થીમ હતી “વેસ્ટ માંથી બેસ્ટ” ! આયોજન કરતાં શીખવું એ તો પ્રથમ શરત હોય જ અમારા ‘સેલિબ્રેશન’ ની. ગત વર્ષોની ‘નાતાલ ઉજવણી’  આ લિંકસ  “ માણો,અમારી શાળાની ક્રિસમસને ! / મેનેજમેન્ટ શિક્ષણ  પર જોઈ લેશો તો પૂર્વભૂમિકા રૂપે ઉજવણીનો મિજાજ પારખી શકશો.
                 આ વર્ષે નાતાલમાં સુશોભન કરવામાં સ્ટાર સિવાયની કોઈ વસ્તુઓ ના લાવવી એવું નક્કી કરાયું. જુદી જુદી ટુકડીઓને સમય અપાયો કે તેઓ ચર્ચા કરીને કહે કે શું શું થઇ શકે ? ચર્ચા બાદ ટુકડી મુજબ સૌ લાગી ગયા – કોઈકે જુના ચાર્ટ્સ ખંખેર્યા તો વળી ઓફિસમાં ઉનમાંથી બનાવેલા ઘેટાને ચકલીઓએ પીંખી નાખ્યું તેને ઉખાડી લાવ્યા. કોઈકે વિજ્ઞાન મેળાની જૂની કૃતિના થર્મોકોલને સંભાળ્યું. એક જૂથ વર્ગમાંથી ઉતારી લીધેલું તોરણ સાથે હાજર !                    
     ઉજવણીનો દેખાતો અહેવાલ તો ફોટોગ્રાફ્સથી પણ મળશે. ખરી મજા એ સમયની ચર્ચાઓમાં – જેમ કે ઈશુ ને વધ સ્તંભ પર કેમ ચડાવાયા ? આપણને કોઈક નુકશાન પહોચાડવાની વાત પણ કરે તો આપણે તેની સાથે કેવી રીતે વર્તીએ ? ઈશુ એ શું કહ્યું હતું તેમને વધ કરનારાઓ માટે ? એની સાથે બાપુનો બીજો ગાલ ધરવા માટેનો વિચાર કુલદીપે કહ્યો પછી તો શરૂ થયેલી યાત્રા ઈશુ સાથે ગાંધીજી અને પછી તો ભાથીજી સુધી પહોચી ! સરદાર, ભગતસિંહ, રામ, કૃષ્ણ, વિવેકાનંદ બધા જોડાયા ! સમાજ માટે જીવનાર/મરનાર વિષે એમણે ખબર હતી તે બધા પહોચ્યા અમારી ચર્ચામાં અમને Merry Christmas” કહેવા ! જેમાં ગરીબ કુટુંબોમાં જન્મ્યા અને જગત આખા માટે જીવ્યા – થી – માંડીને સાચું જીવન ફક્ત ‘સ્વ’ માં રચ્યા પચ્યા રહેવાને બદલે સમાજ માટે જીવવામાં છે. તો વળી તેની સાથે મકરંદ દવેની “કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક...” અને હર્ષ બ્રહ્મભટ્ટની “ઘર,નગર આખું જગત રળિયાત કરીએએક નવી શરૂઆતની શરૂઆત કરીએ..” પણ સંદર્ભમાં આવી.
                        આમ, ઉજવણી, ધર્મો, સામાજિક કાર્યકરો, આઝાદીના લડવૈયા અને તેમને વાંચેલા કાવ્યો-વાર્તાઓના કોકટેલમાં બીજા દિવસની સાંજે રમતો પણ ભળી.  રમવામાં દરેક ધોરણ માટે તેમની વયને અનુરૂપ રમતો હાજર હતી. સવારથી જ ધોરણ સાત-આઠના વિદ્યાર્થીઓએ સાથે મળી – કઈ રમતમાં ક્યા નિયમો અને કઈ વસ્તુઓ જોઇશે તેની યાદી બનાવી લીધી હોઈ.. સંધ્યા ટાણે રમવાનું જ હતું. બે દિવસ ની આ પ્રક્રિયાને ફરી યાદ કરું તો સમજાય છે કે જે કૌશલ્યો ઉજવણી દરમિયાન અમે સૌ શીખ્યા તે અમે ફક્ત બંધ વર્ગખંડ અને ખુલ્લા પાઠ્યપુસ્તકથી કેવી રીતે શીખી શકત ! ચાલો, આ ફોટાઓ વડે માણીએ અને જાણીએ... 
જુના ચાર્ટ જેવી અન્ય વસ્તુઓના ઉપયોગથી ઉજવણીમાં સુશોભન માટેની જરૂરી સામગ્રી  તૈયાર  કરતાં બાળકો 
હંમેશા દરેકને આનંદ આપવો- "સંતાકલોજ" ની ઓળખ આપતાં સ્વપ્નિલભાઈ   
"ચોકલેટ" અને "બાળકોના ચહેરા પરની ખુશી" - આ બંનેને "સૂર્ય" અને "સવાર" જેવો જ સંબંધ છે !! 

ઉજવણીના આનંદમાં  ઉમેરો કરતી રમતો પૈકી "દેડકા દોડ" રમતની એક ક્લિક  
"ઉલટ દોડ" નું એક દ્રશ્ય ......
"સંગીત ખુરશી' ની રમત રમતાં બાળકો....... 
"તાકી તો જૂઓ" - દસ બોલમાંથી કેટલા ???? 

"સીટી બોંબ" રમત રમતાં બાળકો 

દોડતાં-દોડતાં દડો પડી ગયો તો ???? - out