December 15, 2013

'સરદાર’ - બાળકોના ક્યારે બને ?


“સરદાર’ - બાળકોના ક્યારે બને ?
                                 
                                                            સરદાર વલ્લભભાઈ પટેલ એવું સાંભળીએ એટલે –“ભારતના લોખંડી પુરુષ” – “ભારતને એક બનાવનારજેવા જ વિશેષણો મગજમાં આવે. બાળકોને પૂછીએ કે સરદાર પટેલ વિષે શું જાણો છો તો બગલમાંનું ગુમડું ફોડવુંઅને ઘેનની દવા વગર વાળાની શસ્ત્રક્રિયાયાદ કરે.
સરદાર કેમ સરદાર ? વિષે આપણે ઓછું ચર્ચીએ છીએ !
સરદારને અસરદાર બનાવવામાં તેમની નિર્ણય શક્તિ’ ‘વહીવટી કુશળતા’ ‘દ્રઢ મનોબળ’ (હા ! “એકબાર મૈને કમીટમેન્ટ કર દી તો ફિર મૈ અપને આપ કી ભી નહિ સુનતાજેવું જ ) ની સાથે તેમનો અસરકારક ભાષા પ્રયોગ પણ કારણભૂત હતો. દેશભરમાં આજે (૩૧મી ઓક્ટોબર) સરદાર જયંતી ઉજવાઈ રહી છે ત્યારે તેમના કેટલાક સીધાસહેજે લાગણીમાં ભેળસેળ વગરના શબ્દો જોઈએ.
·   શરૂઆત તેમની જન્મતારીખથી – “મનમાં આવ્યું તે સન ૧૮૭૫ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ ઠોકી દીધી.” માં ઠોકી દેવું શબ્દ -- અને પછી જયારે જયારે સોગંદ સાથે જન્મતારીખ બોલવાની થાય ત્યારે આશરે શબ્દ ઉમેરી ને બોલ્યા તે સરળતા !
·         બીજગણિતના શિક્ષકને, “સાહેબ તમને દાખલો આવડતો નથી.” “તું ગણી આપ, મારા બદલે માસ્તર થઇ જા !” પછી દાખલો ગણ્યો પણ ખરો અને થોડીવાર ખુરશીમાં બેઠા પણ ખરા ! (ચાઈલ્ડ રાઈટનું પ્રથમ ઉદાહરણ ! )
·         બહારવટિયા વિરોધી દળ બનાવવામાં ખર્ચ થયો એમ કહી સરકારે વેરો વધાર્યો ત્યારે આ માત્ર બે-ત્રણ રૂપિયાનો સવાલ નથી. આપણે બે-ત્રણ રૂપિયા ના આપી શકીએ તેવા ભિખારી નથી, પણ સરકાર આપણને બહારવટિયાના મળતિયા કહે અને વેરો વસુલે છે. સરકારનું પોતાનું તંત્ર પડી ભાગ્યું છે અને તિજોરી પણ ખાલી થઇ ગઈ છે, તેવું સરકાર કબુલે તો વહીવટ સંભાળી લેવાની આપણી તૈયારી છે.”
·            એલીસબ્રીજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતો સાથે વાત કરતી વખતે, ખરેખર જમીન માલિક હોય તેમને વાજબી વેચાણ કીમત મળશે તેવી ખાતરી આપ્યા બાદ. “ગરીબ ખેડૂતોની જમીન હડપ કરી જનારા નામ માત્રના ખેડૂત કહેવાય તેવા ગીધડાઓ જોડે હું સોદાબાજી નહિ કરું.”
·            જયારે તેમની પર  ખેડૂતોમાં ભાગલા પડાવવાનો આક્ષેપ થયો ત્યારે કરામત મારી આગળ વાપરતા નહિ. કારણકે હું તેમાં હાર ખાવાનો નથી, તેની ખાતરી રાખજો. હું કેટલીક કડવી વાતો કરવાનો છું તમને તે ગમવાની નથી. પણ મીઠું મીઠું બોલવાનું મને ફાવતું નથી.”
·            ઉપમા-અને રૂપકો પણ વાપરતાશહેરનો કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતા તદ્દન જુદું છે. પહેલા કામમાં રાત્રે નિરાતે ઊંઘ આવી જાય છે. બીજામાં તો રાત્રે પણ ફિકર ચિંતા થાય છે.”
·         સમાજમાં કોઈકે તેમના વિષે કહ્યું,” વલ્લભભાઈ તો બાવો થઇ ગયો છે.” ત્યારેહું બાવો થઈશ તે પહેલા તેની સાત પેઢીને બાવા બનાવીશ.” એમ કડકાઈવાળી ભાષા પોતાના સમાજમાં વાપરે પણ સાથે મણિબહેનને કહે કે, જાહેર સેવામાં પડનારે ચામડી જાડી રાખવી જોઈએ અને માન અને અપમાન બને ગળી જવા જોઈએ.”
·         ભાષણોનો ખરો રંગ તો બારડોલી સત્યાગ્રહમાં જામ્યો હતો તેમાં અંગ્રેજો પર અને સાથે કાયર થઇ રહેલા ખેડૂતો પર પણ કટાક્ષો ! તે ખેડૂતો પર તીખા વાકપ્રહાર કરી તેમને જગાડવાના પ્રયાસો કરે– “તમે તો ઠીકરી છો..ફૂટવાનો ડર માટલાને હોય ઠીકરીને નહિ !” તો વળી દિવસના કેટ કેટલાય ભાષણો થાય તેમાં લોકોને પોતાની સાથે જોડી રાખવા હસાવે પણ ખરા આ પોલીસથાણામાં ભેંસોના બરાડા સાંભળો છો ? ખબરપત્રીઓ ખબર લખી લો અને છાપામાં છાપજો કે વાલોડના પોલીસથાણામાં ભેંસો ભાષણ આપી રહી છે.”
·         રવિશંકર મહારાજની ધરપકડ વખતે, “રવિશંકર મહાજની ધરપકડ કરી લેવાથી મારી પાંખ કપાઈ ગઈ તેવું સરકાર માનતી હશે...સરકાર પાંખ કાપી શકે..પણ હું ખાતરી આપું છું કે જેમ ચોમાસમાં ઘાસ ઉગી નીકળે તેમ મને નવી નવી પાંખો ફૂટતી રહેશે.”
·         ગાંધીજીની ધરપકડ પર અંગ્રેજોએ પાર્લામેન્ટમાં કહ્યું કેતેમની ધરપકડથી એક કુતરું ભસ્યું નહિ..” વલ્લભભાઈ ગામેગામ ફરી લોકને ખખડાવ્યા કે જેલો ઉભરાવી દેજો કે જેથી દુનિયા જાતે  જોઈ શકે કે  કુતરાને ભસતા આવડે છે કે નહિ !”
·         જેલમાં ખાવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂતનો દીકરો ખાવાનું માંગે ખરો? તમારે આપવું હોય એટલું આપવું
આવા સરદારને આપણા બાળકોથી દૂર લઇ જવાને બદલે તેમના સામાન્ય પ્રસંગો બાળકોને આપીએ. તેમની સરળ-સીધી અને સ્થિતિ અનુસારના ભાષા પ્રયોગો તરફ બાળકોનું ધ્યાન દોરીએ, તેમની અડગતાના ઉદાહરણો આપીએ અને આ બધામાં પેલા વર્ષોથી ગવાતા આવતા બગલનું ગુમડું અને વાળાઓના પ્રસંગો તો છે જ !

સરદારની વાણી અને કહાની આપણને રાષ્ટ્ર માટે ઉત્તમ પ્રયાસો કરવા પ્રેરે તેવી શુભેચ્છા સહ ચાલો લિંક પર ક્લિક કરી નિહાળીએ બાળ-કૌશલ્યો યુક્ત- 

No comments: