December 01, 2013

સોટી વાગે સમ...સમ........‘ને વિદ્યા આવે......


સોટી વાગે સમ...સમ........‘ને વિદ્યા આવે......
                              વર્ષોથી  પ્રાથમિક જગતમાં તમે-હું-આપણે સૌ એક કહેવત સાંભળતા આવ્યા છીએ..કે  “સોટી વાગે સમ...સમ અને વિદ્યા આવે ધમ...ધમ...” એનો શાબ્દિક અર્થ એવો કરવામાં આવતો કે “ શિક્ષાના સહારે જ બાળકો ઝડપથી શીખે છે.” તમને નવાઈ લાગશે કે કેટલેક અંશે આ અનુભવ કરનાર લોકો આનું સમર્થન પણ કરે છે, શિક્ષક તરીકે જયારે આપણે વર્ગખંડોમાં શિક્ષણકાર્ય કરવાનું થાય છે ત્યારે કેટલાક પૂર્વાનુભવી વાલીઓ શાળામાં આવીને અનૈતિક ઓથોરીટી આપતાં કહેતાં જોવા મળે છે કે “સાહેબ,અમારા બચુડાને ન આવડે તો તમ તમારે મારજો, અમે ભણતા’તા તાન’તો માસ્તર મારી મારીને ...........” મિત્રો, આપ જોશો કે આવી ઓથોરીટી પાછા મોટેભાગે એવા વાલીઓ આપતાં હોય છે કે જેઓએ “મારની બીકે અથવા તો બીજા કોઈ કારણસર વચ્ચેથી જ અભ્યાસને તિલાંજલી આપી દીધી હશે.”
                  શું “સોટી વાગે સમ..સમ.. “ વાળી કહેવત સાચી હોઈ શકે છે? શિક્ષણવિદોના મત મુજબ જો આપણે વિચારીએ તો “બાળકને કોઈ પણ વિષય વસ્તુને ચિરસ્થાયી રહે તે મુજબનું શીખવવા માટે જો તેની સાથે કોઈ પ્રવૃત્તિ અથવા તો કોઈ એવી ઘટના જોડી દેવામાં આવે કે જે બાળકના માનસ પર [નેગેટીવ કે પોજેટીવ] અસર કરી જાય તો આ ઘટના કે સહભ્યાસિક પ્રવૃત્તિ બાળકને  લાંબા સુધી યાદ રહી જાય છે.તેના સહારે-સહારે બાળકને તે વિષય-વસ્તુ પણ યાદ રહી જાય છે.” જયારે સોટી-યુગની વાત આવે છે ત્યારે માર્ગદર્શન કે કોઈ અન્ય કારણના અભાવે તે સમયના વર્ગખંડોમાં સહભ્યાસિક પ્રવૃત્તિ ન બરાબર  હતી, અને સૌથી સરળ અને હાથવગી પ્રવૃત્તિ હતી મહાવરો [એટલે કે દશવાર લખો-વીસ વાર લખો વગેરે] અને સોટી. જેમ કે કોઈ બાળકને ‘ક” બોલતાં કે લખતાં ન આવડતો હોય તો તેને વારંવાર લખવાનું અને છતાં પણ ન આવડે તો પછી સોટી. હવે જયારે બાળકને ‘ક” વિશે પુછવામાં આવતું ત્યારે તેને પહેલાં તેના માનસ પર પડેલી સોટી યાદ આવે અને પછી સોટીની સાથે જોડાયેલો “ક” યાદ આવતો !  
                        મિત્રો, આપણને અનૈતિક ઓથોરીટી આપી જતાં એ વાલીઓને ખ્યાલ નથી કે આજે તો વર્ગખંડો કેટકેટલીય સહભ્યાસિક પ્રવૃત્તિઓ અને નવીન પ્રયુક્તિઓથી સજ્જ છે, કે જેના ઉપયોગ વડે  બાળકનું માનસ પણ પ્રફુલ્લિત રહે  વિષયવસ્તુ સરળતાથી શીખવી પણ શકાય છે. આવી ઓથોરીટી આપતાં વાલીઓને મારી એટલી જ વિનંતી કે અમને અને તમારા બાળકને આવી ખોટી ઓથોરીટીની નહિ પણ , હૂંફ સભરના સહકારની જરૂર છે.  
" શિક્ષણ જરૂરી છે, પરંતુ બાળકોના "અમૂલ્ય હાસ્ય"ના ભોગે તો નહિ જ !!! "