November 30, 2013

સંબંધોનું એક્સ્ટેન્શન.....!!!!

                                                         
સંબંધોનું એક્સ્ટેન્શન.....!!!!
              શાળાના ખૂણેખૂણો – પોતાની બેન્ચીસથી માંડી આચાર્યની ખુરશી; કમ્પ્યુટર વર્ગ થી કિચન ગાર્ડન – બિન્દાસ ઘૂમતા અમારા ટાબરિયા એક દિવસ “હોય....વોય...” કરતા શાળાના એક ખૂણામાંથી દોડી આવ્યા !
તેમની પાછળ અમારી શાળાએ પહેલા ક્યારેય ના સંભાળ્યો હોય તેવો ઘૂરકાટ !! –
ઘૂરકાટ- એક માં નો ! જેણે ૧-૨ ના પ્રજ્ઞા વર્ગોની પાછળ આઠ ગલુડિયાને જન્મ આપ્યો હતો !
આ હતી અમારા બાળકો અને ‘એ’ માતાની પહેલી મુલાકાત. એ આખો દિવસ તો લગભગ કોઈએ ત્યાં જવાની હિંમત ના કરી. સાંજ પડી બીજા મોળા સમાચાર આવ્યા – “એક બચ્ચું ગુમ છે.” એક્સપર્ટ ઓપીનીયનસ પણ સાથે જ ચર્ચાવા લાગ્યા. કોઈ એક મત પર બધા સંમત ના થયા. “ભૂખી કૂતરી જાતે જ ગલુડિયું ખાઈ ગઈ હશે !” “સાહેબ તમારે ગણવામાં ભૂલ થઇ હશે – બચ્ચા સાત જ હતા !”
જે થયું હોય તે – પણ સહસા અમારા પરિવારમાં એક નવું પરિવાર ઉમેરાઈ ગયું.
રચાયું અમારા સંબંધોનું એક્સ્ટેન્શન ! 
શિક્ષકો તરફથી બનાવી લવાતો શીરો હોય કે – રોજ રાત્રે ભરવાડ વાસમાંથી આવતા ચોપડેલા રોટલા !          

                        બધાનો ખ્યાલ પેલી માં ભૂખી ના રહેવી જોઈએ. અમારા બાળકોમાં ફફડાટ કે ભૂખી રહે ને જો બીજું બચ્ચું ખાઈ જાય તો ? રોજ મધ્યાહન ભોજનમાં ડીશો ચપાચપ સફાચટ થતી, તે હવે એક એક કોળીયો બચાવવા માંડી !   પાંચેક દિવસ આવો ક્રમ ચાલ્યો – પેલા તીણા તીણા અવાજોએ પોતાની આંખો ય નહોતી ખોલી ત્યાં દિવાળીનું વેકેશન આવી ગયું. એકલ દોકલ તો આવવાનું થશે પણ બધા તો વીસ દિવસ પછી મળીશું... “સાતમાંથી ચાર પાંચ જીવે તો સારું !” એવી મનસા બધાની. વેકેશન ખુલ્યાના પહેલા દિવસે રીતસર તેમની ખબર કાઢવા દોડી જવાયું ! પણ આ શું ? માનવ આકૃતિ જોતા જ – તેમનામાંથી એક તો સીધો મેદાનમાં કૂદી આવ્યો અને ઘૂરકવા માંડ્યું. “એય કોની પરવાનગીથી અહી ઘુસ્યા છો !?” જરા પ્રેમથી તેની પાસે જઈ સમજાવ્યું કે “બેટાજી, તમે આંખો નહોતી ખોલી ત્યારે આ બધા તમારી ચિંતા કરતા હતા ! તમારો તીણો તીણો અવાજ અને માતાને ધાવવાનો બુચબુચાટ સાંભળવા એ બધા પોતાનો કલબલાટ બંધ કરી દેતા હતા !”

        
                જે પહેલું ઘૂરકાટ કરતુ દોડી આવ્યું’તું એ જ હવે પહેલું દોસ્ત બનવા લાગ્યું ! ધીમે ધીમે બધાએ હળવા-મળવાનું શરૂ કર્યું. એમણે “એમનો’ ઇલાકો છોડીને અમારા બચ્ચાઓની જેમ જ મુક્તમને શાળામાં ખૂણેખૂણામાં ફરવા માંડ્યું. હવે, અમારા બચ્ચા અને એના બચ્ચા જેવો ભેદ મટી ગયો છે.
નામકરણ શરૂ થયું છે – એક ને અમારા રસોઈયા રાજુભાઈએ નામ આપ્યું ‘વિક્રમ ઠાકોર’ ! જે પહેલું દોસ્ત બન્યું એને નામ આપ્યું- “સારમેય” ! બધાને વાંધો પડ્યો ! “આવું નામ નહિ જોઈએ (ડીટ્ટો ધ્રુવભાઇ) – એ તો વોડાફોન જેવું દેખાય છે તેનું નામ વોડાફોન !”
ચાલુ છે આ સંબંધોનું એક્ટેન્ડ થવાનું....

આખરે અમને આનંદ છે – શાળા એક નવા સહજીવનની સાક્ષી બની.

3 comments:

Anil Upadhyay said...

SIKSHAK NU PRATHMIK VALAN AAJ CHE ...SAMVEDNA..PREM..

vkvora Atheist Rationalist said...

મિત્રો કુતરીના બચ્ચાને કચ્છી બોલીમાં ગોલો અથવા ગ્યોલો કહેવાય. આવા એક બચ્ચાને હું બે ત્રણ વખત ગ્યોલો ગ્યોલો કહેતાં એનું નામ લોગલો નાખી દીધું. લાગે છે ને અસલ અંગ્રેજી જેવું?

Gamit Surendra,nice bhajan said...

ખરેખર !તમારી શાળા માં માત્ર શિક્ષણ ની સાથે બાળકો ને એક જીવન જીવવાની કળા પણ શીખવવામાં આવે છે,એ જ શિક્ષણનો સાચો અર્થ છે.
અને એમાં વળી તમારા જેવા બાળકોને ગુરુજી મળ્યા ........