August 24, 2013

શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત....



મુલ્યોની શક્તિ હજુ પણ જીવંત છે...

રોજ વસ્તી વધારતું અને ઘટાડતું એક ગામડું...ગામને છેવાડે સરકારી પ્રાથમિક શાળા !
શનિવારે વહેલા શિક્ષક આવી શાળાનો ગેટ ખોલે છે...વિદ્યાર્થીઓ ઓફીસ રૂમમાંથી પોતાના જૂથ મુજબ વર્ગખંડોની ચાવીઓ સાથે જાય છે..અને એક વિદ્યાર્થીની બુમ આવે છે- અરે ! આ છઠ્ઠાનો રૂમ તો ખુલ્લો છે ! સાહેબ કોઈકે તાળું તોડ્યું ! ટાબરિયા સી.આઈ.ડી. અને સૌ એકત્ર થાય જુએ તો બીજું બધું અકબંધ એક સીલીંગ ફેનગાયબ !  નિરિક્ષણકર્તાઓએ શોધી કાઢ્યું કે સાહેબ, અઈ જુઓ...કોવાડો મારીન તારું તોડ્યું.. અહી ટચાકો લાગ્યો સ !
            શાળાના પડોશીઓ, વી.ઈ.સી. ના અધ્યક્ષ, કેટલાક વાલીઓ..બધા ભેગા થઇ ગયા ! મોટાભાગે સામુહિક કાર્યોમાં મતમતાંતરવાળા લોકો આ ઘટનાના પ્રતિઘાત રૂપે એકજૂટ થયા !   એક જ રૂમ તોડ્યું...અને બીજે અડ્યો ય નહિ..બહારના ના હોય..સાહેબ કોક ગોમનો જ હોય ! આટલા વરહથી આ સાહેબો અઈસ..કોઈ દાડો આવું નહિ થ્યું !
શિક્ષકોના મન પણ ઉભરાયા ! જે શાળાને નિર્જીવ સ્થાન નહિ પણ જીવંત  માં”’ ગણી - શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને તેના વડે શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ ! ને ધ્યેય મંત્ર બનાવ્યો ! અહી સરકારી નોકરી કરવાની છે એમ નહિ પણ જીવનમાં ફક્ત આ એક જ કાર્ય બચ્યું હોય તેમ બાર-તેર વર્ષ પસાર કર્યા ! વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ કરે તેવા રંગકામ અને બાંધકામ વેકેશન દરમિયાન બળબળતા બપોર અહી પસાર કરીને કરાવ્યા ! ઘરે સહેજે શારીરિક શ્રમ ના કરનારા શિક્ષકો-વિધાર્થીઓ સાથે મહેનત કરી શાળાને બાગમાં ફેરવી ! વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ રાખી. ગામડામાં જન્મવું એ તેમને માટે અસામાન ના રહે તે માટે “ પ્રોફેશનલી ક્રિએટીવ રાઈટીંગ-ડ્રામા-નૃત્ય-કરાટે-વિગેરે...
શાળાનું સંચાલન તમારા બાળકો જ કરે છે અને ત્યારે આવી ઘટના ! ભાઈ..અહી હવે નોકરી કરવામાં અમને સંકોચ થશે કે હજુ અમારા પ્રયત્નોમાં શું ખામી રહી ગઈ ?
      -:.... અરે...એમ જીવ ના કચવશો..અમે શોધી કાઢશું...એ કયો હતો !”  દોના જોવાડાયશું !  તમાર ફરિયાદ શેની નોધાવવાની અમે નોધયાશું..તમ તમાર મનમાં ઓછું ઓન્યા વગર જેમ ભણાવો શો એમ ભણાવો !  કાલે જી ન પોલીસવારા લાઈશું ન આખા ગોમમાં ફેરવી ન હોધાયશું.. જેટલા મુખ તેટલા આશ્વાસન !
               “અરે ! કશું ના કરશો, અમારે તો ચોર નથી જોઈતો, ખાલી કાલે સવારે જો શાળાના દરવાજે એ પંખો મૂકી જાય તો અમને લાગશે કે આ ગામે અમારી કદર કરી ! અમને જેટલો પ્રેમ આ શાળા પ્રત્યે છે, એટલો જ આ ગામને પણ અમારા પ્રત્યે છે ! 
રાત્રે ગામ આપમેળે શિક્ષકોની ગેરહાજરીમાં ભેગું થાય છે-……?????……… બીજે દિવસે-રવિવારે સવારે છ વાગ્યે આચાર્યનો ફોન રણકે છે.
 હલ્લો..સાહેબ, શાળાના દરવાજે પંખો પડ્યોશ ! હન્ધુય મૂકી ગ્યાશ. પંખો, પાંખીયા અને જોડે ઝભલામાં ફીટ કરવાના સ્ક્રૂ ય વેટીન મેલેલાશ !
ગાંધી-સરદાર અને રવિશંકર મહારાજ તો મહાન હતા કે તેમને કહ્યે ચોર-ડાકુ સુધરતાં !  શાળા પર આવી પડેલી સમસ્યામાં તેમને સૂચવેલ હથિયારો હજુય કેટલા પ્રસ્તુત છે ! તે વિચારી સૌની આંખમાં ચમક આવી જાય છે !
શાળા માટે તો અભાનાતામાં કરેલી ભૂલ કરતા, સભાનાતામાં કરેલું પ્રાયશ્ચિત વધુ મહત્વનું હતું.
(શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત)

August 19, 2013

“હું મારી શાળાને ઓળખું છું”


“હું મારી શાળાને ઓળખું છું” –શાળા સ્થાપના દિનની ઉજવણી

શાળા વિશેના પ્રશ્નોની ક્વિજનું એક દ્રશ્ય......
                                       ૧૮મી ઓગષ્ટ એટલે “શાળા સ્થાપનાદિન" –એટલે કે અમારી શાળાનો જન્મ દિવસ. જેમ કોઈ બાળક માટે આનંદ આપતું અને બાળલીલા કરવા માટે પ્રોત્સાહિત કરતું કોઈ સ્થાન પોતાની માતાના ખોળાથી વધારે આ દુનિયા ક્યાંયે નથી. તે જ રીતે અમારૂં આ શાળા-ભવન પણ અમારા માટે આ જ ખોટ પૂરી પાડનારૂ છે, તેમ કહીએ તો પણ ખોટું નથી જ. આ જ ભવન છે, જે  જાણે કે તે અમારા જીવનમાં રોજેરોજ ઉત્સાહને રીચાર્જ કરતું રહે છે, જાણે કે આ જ ભવનમાં રહેલી કોઈ અદ્રશ્ય શક્તિ અમને રોજેરોજ અથાગ મહેનત કરવાની પ્રેરણા આપે છે, જાણે કહી રહી છે કે - “અરે ૩૮ વર્ષથી હું ટાઢ – તાપ – વરસાદમાં અડીખમ ઉભી છું તમારે માટે... બાળકોના અટકચાળા રૂપી પથ્થર ખાવા, પેન-પેન્સિલના કણા દિવાલો પર સહન કરવા - કેટકેટલી મુશ્કેલી સહન કર્યા પછી પણ જો હું મારી ફરજ ન ચૂકતી હોઉં તો તમે તો શિક્ષક છો !!!  સદાય પ્રેરણાદાયી આ સ્થળ ખરેખર અમારા માટે શાળા નહિ પણ  “માં નો ખોળો” વધારે લાગે છે.
  શાળા સ્થાપનાદિનની ઉજવણીનો અમારો સૌથી મોટો ધ્યેય પણ આજ હતો કે બાળકો પણ શાળા પર્યાવરણ સાથે  મીઠી લાગણીઓથી જોડાય. તેમનો શાળા પ્રત્યેનો લગાવ મજબુત બને. આ વખતે “શાળા સ્થાપનાદિન’ આયોજનમાં થોડું વધારે ધ્યાન એ રાખ્યું કે ઉપચારાત્મક અને દ્રઢીકરણ કાર્યનો પણ સમાવેશ થઇ જાય. ક્વિજનું પણ આયોજન- જેમાં શાળા વિશેની  જ જાણકારી આપતાં પ્રશ્નોનો સમાવેશ.   બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો એ તો કહેવાની જરૂર જ ન હોયને  ચાલો જોઈએ તેમનાં ઉત્સાહને અને અમારી “માં’ ના જન્મદિનની આ ઉજવણીને !!!











August 15, 2013

જય હો...!!!



બાળકોની પ્રબળ ઇચ્છાશક્તિના દર્શન-- જય હો...!!!

               શાળામાં આજે સ્વાતંત્ર્ય દિનની તૈયારી ચાલતી હતી, ૬૭મા સ્વાતંત્ર્યદિને પણ વાતાવરણ એવું સર્જાયું હતું કે જાણે ૨૦૧૩ નહિ પણ ૧૯૪૭ છે, જેમ આઝાદી સમયે પોતાને બુદ્ધિજીવી ગણતાં સામાન્ય માણસોના મનમાં આઝાદીના વિશાળ આનંદની પાછળ ક્યાંક જરાક જેટલો પણ સંતાપ હતો “ અરે ! આગળ ? હવે શું કરીશું, કેવી રીતે કરીશું ?? ત્યારે આઝાદીના એ લડવૈયાઓનાં મનમાં આનંદ....અને મુખે એક જ વાક્ય હતું “અમે કરીશું – હવે જ કરીશું ! દરવર્ષની જેમ બાળકો આજે પણ પોતે તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રૂપરેખાંકન સાથે આઝાદીના આનંદને પૂર્ણ રીતે માણવા ઠનીને તૈયાર હતાં. પરંતુ ચોમાસાએ બનાવી રાખેલા પોતાના પ્રભાવને કારણે મારા જેવા પોતાને જ બુદ્ધિશાળી ગણતાં લોકો - “શું લાગે છે ?? સાંસ્કૃતિક કાર્યક્રમ થશે?? મજા નહિ આવે... વરસાદ અડધેથી જ હેરાનગતિ કરશે જેવા ડાયલોગો સંભળાવવા લાગ્યા. ત્યારે બાળ-કલાકારોનું નેતૃત્વ અને કાર્યક્રમનું સંચાલન કરતો કુલદીપ બોલ્યો ....
સાહેબ, કાર્યક્રમમાં વચ્ચેથી વરસાદ આવશે તો કદાચ બહુ મજા નહિ આવે,પણ જો કાર્યક્રમ બંધ રાખશો તો થોડીક પણ મજા અમને નહિ મળે. બધાં છોકરાંનું કહેવું એવું જ છે કે “કાર્યક્રમ તો આજે જ કરવો રહ્યો!!” બાળકોના નિર્ણયને કદી ન પડકારવો” તેવા સૂત્રનો દર વખતની જેમ અમે આજે પણ અમલ કર્યો. હા, ચોમાસું સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના સ્ટેજની વ્યવસ્થામાં ફેરફાર કરાવવામાં સફળ રહ્યું, પરંતુ કાર્યક્રમોની રૂપરેખા - બાળકોનો ઉત્સાહ અને અડગતા સામે એવું ભાસ્યું કે જાણે ચોમાસાએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર ન કર્યો હોય.... ત્યારે અમને પણ એવું લાગ્યું કે સ્વાતંત્ર્યતાના ઉત્સાહને કોરાણે મૂકી શું થશે ? શું થશે ? વાળા સામાન્ય બુદ્ધિજીવી જેવાં અમે અને “- હવે જ થશે ? બધું જ થશે ? વાળા સ્વાતંત્ર્ય-સેનાનીઓ જેવાં આ બાળકો વચ્ચે ૬૭ વર્ષે પણ  સમાનતા છે. ચાલો, જોઈએ તેમનાં સરાહનીય ઉત્સાહને કેમેરાની આંખ વડે....