December 29, 2017

ઈન્ટરનેટથી કાપીએ “અંતર”


ઈન્ટરનેટથી કાપીએ “અંતર”

શાળાના કેટલાક બાળકો પ્રવાસ જાય પછી બાકી બચેલા બાળકો માટે જાણે એ દિવસ અન-ઓફિસિયલ રજા જાહેર થઇ જતી હોય છે. શાળા પરિવાર ને હમેશા ખુંચે કે જેઓ પ્રવાસમાં ના જઈ શક્યા એ માટે તેઓ જવાબદાર નથી. કેટલાકને પોતાની શારીરિક સમસ્યાઓ છે, તો કોઈકને નજીવી કિમતનો આ પ્રવાસ પણ પરવડી શકે એમ નથી. એટલે આ વખત એક નવો રસ્તો મળ્યો – જ્ઞાનકુંજ !
        શાળામાં મળેલી આ સુવિધાએ જાણે કે બધાનો શીખવાનો અને શીખવવાનો અભિગમ જ બદલી નાખ્યો છે ! એટલે એ દિવસે જયારે કેટલાક બાળકોએ નર્મદાની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે અમે અહીં શાળામાં વિચારતા હતા કે આપણે શું કરીએ – અને ઉપાય મળ્યો કે ઈન્ટરનેટથી એમની સાથે જ કનેક્ટ થઈએ... મોબાઈલ કવરેજના પ્રશ્નથી લાઈવ તો જોડાઈ શકયા નહિ પણ, હવે બધા ગોઠવાઈ ગયા સ્માર્ટ બોર્ડ સામે અને પછી એ જ – માર્યો સેલ યુટ્યુબનો ! એક ક્લિકમાં સરદાર સરોવર ડેમના ઘૂઘવતા પાણી અમારા વર્ગમાં ! બીજી ક્લિકમાં સીધા પોઈચા સહજાનંદ યુનિવર્સ !
અહીં બેઠા જ તેઓ જોઈ રહ્યા હતા એ સ્થળો કે જ્યાં એમના દોસ્તારો ફરવા ગયા હતા. અમારી નજર એમના પર હતી -  અવલોકને અમને સમજાયું કે માણસને પ્રવાસ, માત્ર સ્થળની રમણીયતા ને લીધે જ બધાને ગમે છે એવું નથી ! તે સ્થળ પર બદલાયેલા માનવ ચિત્તને લીધે ગમે છે ! જેમ કે અમારા બાળકો બોર્ડ પર જોઈ રહ્યા હોય ત્યારે દરેક બાબતને ઝીણી નજરે જોતા પણ તે વિડિયોમાં રહેલા માણસોની ગતિવિધિ અને એમાંય જ્યારે જ્યારે કોઈ બાળકો દેખાય ત્યારે એમના મોં પર જે મલકાટ આવતો એ – અદભુત હતો !
 સાંજના સમયે નાના ટાબરિયાઓને પણ આ જ રીતે પ્રવાસ કરાવી આવ્યા !
સમજીએ છીએ કે આ વર્ચ્યુઅલ પ્રવાસ એ જીવંત પ્રવાસની બરોબરીનો આનંદ, જ્ઞાન કે અનુભવ ના જ આપી જ શકે પણ “અમે પ્રવાસ નહોતા ગયા” અને “અમે પ્રવાસ ગયા હતા” એમ બે પ્રકારના બાળકો વચ્ચેનું અંતર તો કાપવું જ જોઈએ ને ?
અમે એમ કરવામાં સફળ રહ્યા અને  એટલે જ તો બીજા દિવસે પ્રવાસ ગયેલા બાળકોનું સ્વાગત અમે “એમણે શું શું જોયું ?” એ કહીને કર્યું ! – કોલર ચઢાવી – રોફ જમાવી કહ્યું “તમે બસમાં ગયેલા અમે હેલીકોપ્ટરમાં ! અને તમે જ્યાંથી નહિ જોયું હોય ત્યાંથી અમે સહજાનંદ યુનિવર્સ જોયું, તમે નહિ જોયો હોય એવો સરદાર ડેમનો ઘુઘવાટ અમે સાંભળ્યો !








December 23, 2017

👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀


👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀
“આ પ્રશ્નનો જવાબ નથી આવડતો !” એ એમ સીધું જ કહેવા ટેવાયેલો છે. શિક્ષક પણ સહજ રીતે “ફરી નર્મદા મૈયા વાંચી જો.. એમાંથી મળી જશે.” “હુહ...” એમ હુંકારો કરી એ બાજુની ઢળતી પાટલી પર આડો પડી...સવારે રોકસ્ટારમાં ગવાયેલું ભજન ગાય છે..... “મારી ઝૂંપડીએ આવો મારા રામ..” બાજુમાં બેઠેલી એક છોકરી એને ટોકે છે, “તું ચુપ થા..” ગાતો ગાતો શિક્ષક સામું જોઈ વળતી ફરિયાદના સૂરમાં...”સાહેબ....” જાણે પૂછતો હોય કે આમાં ચુપ થાઉં ? શિક્ષકની નજર પેલી ફરિયાદી છોકરી પર પડે છે...એની આંખોથી કહી રહી છે કે જો એનો પક્ષ લીધો તો ખેર નથી. શિક્ષક બંને બાજુ જોઈ માત્ર સ્માઈલ આપી ડોકું ધુણાવીને પાસે બેઠેલી એક છોકરીને આગળનું વાક્ય વાંચવા કહી એની તરફ ધ્યાન આપે છે. ત્યાં બીજી છોકરી બાજુમાં તિજોરી ખોલવા મથામણ કરી થાકી ..”આ તમારો તીજોરો ખોલો….” શિક્ષક મજાક કરે છે “શીખ બકા, નહિંતર તારી સાસુ સાસરીમાંથી કાઢી મુકશે કે વહુને તિજોરી ખોલતા નથી આવડતું !” એ હસવામાં પેલાનું ગાવાનું અટકી જાય છે. અને શિક્ષક કહે છે “જો તું ઝડપ કર જવાબ શોધવામાં...હઅઅઅ...પછી હું પેક અપ કહું.” બીજી છોકરી શિક્ષકને પેલી તિજોરી વાળી પર ધ્યાન આપતા જોઈ...ઝટ જઈ તિજોરી ખોલી આપી..”લ્યો હવે આ તપાસી આપો” કહી એની સ્વાધ્યાયપોથી પકડાવી દે છે. એ તપાસાય ત્યાં પેલાને જવાબ મળી જાય છે અને ગાવાનું ફરી શરૂ કરી દે છે.....”મારી ઝૂંપડીએ...” ફરક એટલો છે કે આ વખતે ગાતા ગાતા જવાબ પણ લખાઈ રહ્યો છે. ત્યાં એક આવે છે કે “આ શીર્ષક નવું આપો એટલે શું લખવાનું ?” એને સમજાવી દીધા પછી પહેલો છોકરો “બાપૂ... આવડી જાય... આપણી તો .. ધેન ટેનેન... મારી ઝૂપડીએ....” ત્યાં વર્ગ બહારથી અવાજ આવે છે, “સાહેબ આ વિપલો...તૈયાર નથી કરતો..” અંદરથી જ જવાબ વળાય છે, “તો તારે શું ?” ત્યાં એક પાંચમા ધોરણમાં જાણે શાળામાં આવ્યાના પાંચ દિવસ થયા હોય એવા મોટા મોટા અક્ષરોથી ગરબડિયું લખાણ લઈને આવે છે..હાથમાં ફાટેલા દડાનું રબ્બડીયું છે એનાથી એ પટ્ટ પટ્ટ કરે જ જાય છે. “બોલો બેટા પટ્ટ પટ્ટ લખી નાખ્યું ?” “હા..હે...” એમ કહી રબ્બર ફરી પટ્ટ પટ્ટ કરે છે. એના મોટા અક્ષરો પર અડધે લીટી કરી શિક્ષક કહે છે “આ અડધા કરી લાવ.....”
આ અને આવું ઘણું આપણા વર્ગોમાં થતું હોય છે. ઘણીવાર થાય કે આ ક્યારે માત્ર ભણવામાં ધ્યાન આપશે ? પછી થાય કે એ “માત્ર ભણવું” એ આપણી મોટાઓની વ્યાખ્યા છે. બાકી એમને મન તો એ ભણી જ રહ્યા છે. બાળકોની નજરે એમની દુનિયા જોવાનો પ્રયત્ન કર્યા કરીએ તો એમની સાથે ખુશ રહી જીવી શકીએ.. જો એમની સ્વાભાવિક અને સાહજિકવૃતિને દબાવ્યા કરીએ એમાં ક્યાંક એનું વ્યક્તિત્વ જ દબાઈ જાય એમ પણ બને. બધો વખત આટલું જ શાંત રહી ના શકાયું હોય એવું ય બને છે. ગુસ્સે થઇ જવાયું હોય એમ પણ બને. છતાં એક હદ રાખી છે કે આપણે જેમ ગુસ્સે થઇ શકીએ, એમ એ પણ આપણી પર થઇ જ શકશે...અને આમ અમારી જોય રાઈડ ચાલતી રહે છે.

December 15, 2017

Vasudev Kutumbkam !!


“વસુદેવ કુટુંબકમ” કેવી રીતે રચવું?
વિશ્વ અખંડ હોય, એક હોય – સૌ એક સૂર અને હાર્મનીથી જીવે, દરેકને પોતાનો જ નહિ સૌનો ખ્યાલ હોય -  ત્યારે જીવન ખરા અર્થમાં દરેક જીવને અનુકૂળ બની જશે. પણ જ્યાં એક રાજ્યને બીજા રાજ્યના લોકો સાથે, એક ધર્મના બીજા ધર્મના લોકો સાથે વાંધો છે ! બસમાં બાજુમાં બેસનારને “કેવા છો ?” નો જવાબ તમારે તમારી જાતિ કહીને આપવો પડે ! આ માહોલમાં “વસુદેવ કુટુંબકમ” કેવી રીતે રચવું?
આ બાબતને જરા શાંતિથી વિચારશો તો સમજાશે કે વસુદેવ કુંટુંબકમ એ સાવ અશક્ય નથી. દરેક જો પોત પોતાની જાતને ચકાસશે તો સમજાશે કે આપણે કેટલીય વ્યક્તિઓનો વ્યક્તિગત અનુભવ ન હોવા છતાં એમના પ્રત્યે જાત જાતના નકારાત્મક પૂર્વગ્રહો રાખીએ છીએ. કાશ્મીર જાઓ તો મારી જ નાખે, દિલ્હીના બજારોમાં સાચવવું, ત્યાં તો છેતરી જ જાય. આપણે કોઈકના કોઈ એક અનુભવને સર્વવ્યાપક બનાવી જીવતા હોઈએ છીએ અને એટલે જ મનમેળ થવો જોઈએ તોય નથી થઇ શકતો.
ઉપાય શું ? મળવું, ચર્ચવું, એક બીજાને સમજતા શીખવું, તું જુદો છું, હું જુદો છું છતાં આપણે આ જગતમાં એક સરખો શ્વાસ લઈએ છીએ એ અનુભવવું ! આપણી શાળાને આવા આદાન પ્રદાનનો મોકો મળ્યો – અને તેય અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના નિર્વાણ દિને !
વહેલી સવારમાં ફોન પર વાત થઇ કે અમે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની એક આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે નીકળ્યા છીએ અને તમારી શાળામાં આવવાની ઈચ્છા છે. શાળામાં ચુંટણીનો બીજો દિવસ અને સવારનો સમય, શિક્ષકો ઓછા એટલે સમૂહ પ્રવૃતિઓનું આયોજન થયું હતું તો તેડાવી લીધા. બંને શાળાના વિદ્યાર્થીઓ એક બીજાને મળ્યા, વાતો કરી... થોડા શબ્દ ફેરે થોડી દક્ષિણ ગુજરાતની છાંટ વાળી ગુજરાતી અને અમારી અદ્દલ દેશી – ત્યાંના શિક્ષકોએ પણ બાળકો સાથે વાતો કરી. એ શાળાના બાળકોને સ્માર્ટ ક્લાસમાં એક તાસનો ડેમો બતાવ્યો !
એકબીજાની રહેવાની/શાળાની/શીખવાની ભિન્ન સ્થિતિઓ જાણે એકાકાર થઇ ગઈ ! અમને પણ એમની શાળામાં આવવાનું આમંત્રણ મળ્યું. હજુ સવાલ તો છે જ આ એક નાનકડી મુલાકાત જો આટલી ઊર્જા ઉત્પન્ન કરે તો આયોજન બદ્ધ રીતે શૈક્ષણિક પ્રવાસોમાં જુદા વિસ્તારની શાળાની મુલાકાત અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે તેવા વધુ મોકા આપીએ તો ?
 








  

November 30, 2017

જરૂરિયાતમંદ વાલી કે બાળક ?


[૧] જરૂરિયાતમંદ વાલીના બાળકો અને [૨] જરૂરિયાતમંદ બાળકો !
            ગ્રામીણ કક્ષાએ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવી એ કર્તવ્યનો મોટો લાહવો છે. તેમાંય અંતરિયાળ વિસ્તારમાં શાળામાં આવતાં બાળકો મોટાભાગે ખુબ જ કાળજી માંગી લે તેવાં હોય છે. આપણી સામાજિક વ્યવસ્થામાં બાળકને ભગવાન માનવામાં આવે છે અને આપણી ધાર્મિક માન્યતાઓમાં જરૂરિયાતમંદને મદદ એ પુણ્યનું કામ તરીકે મુલવામાં આવ્યું છે. [વાંચો -: દાનમાં પણ શ્રેષ્ઠ દાન... ] આવી આપણી વ્યવસ્થાનો સમન્વય આપણને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં જોવા મળી રહે છે. જેમાં જરૂરિયાતમંદ બાળકો માં પણ બે પ્રકારના બાળકો આપણી સામે હોય છે [૧] જરૂરિયાતમંદ વાલીના બાળકો અને [૨] જરૂરિયાતમંદ બાળકો !
                  પહેલા પ્રકારનો બાળક એટલે -   જેમાં આપણા વર્ગખંડમાં એવા બાળકો આવતાં દેખાય છે જેઓની ઘરની મુલાકાત જ સમયે તેમની સ્થિતિ જોઈ આપણને પણ એમ થઇ આવે કે ખરેખર આ સ્થિતિમાં તો શાળા એ જવું એ ગૌણ છે, કદાચ અભ્યાસ સમયે આપણી આવી સ્થિતિ હોત તો આપણે નિશાળના પગથીયે ય ન ગયા હોત ! જ્યાં સવાર-સાંજનું ખાવાનું અને પહેરવાનું કેવી રીતે પૂરું કરીશ  તેની દ્વિધા માં જીવતા કેટલાંક પરિવારના આગેવાનને ભૂલથીય યાદ ન આવે કે બાળકો શાળાએ ગયા કે નહિ તે પૂછું ! હા, પણ આવા પણ પરિવારો જયારે બાળકોને શાળાએ પહોંચતા કરે છે ત્યારે તે વાલીઓ સન્માનને પાત્ર હોય છે અને આવા બાળકો પ્રત્યેની આપણી જવાબદારી ફકતને ફક્તે પાઠ્યપુસ્તકોનું ઈનપુટ કરવા પુરતી સીમિત ન રહેતાં તેના માટે થોડી વધારે કાળજીપૂર્વકનું શાળા પર્યાવરણ બનાવવાની રહે છે ! કારણ કે આવા બાળકોને આપણે જરૂરિયાતમંદ બાળકોની કેટેગરીમાં સામેલ કરીએ છીએ. જયારે અહીં જરૂરિયાતમંદ વાલીનો બાળકનો અર્થ ફક્ત આર્થિક રીતે  જ નથી ! અહીં જરૂરિયાતમંદ વાલીનો બાળક છે – કે જેને જરૂરિયાતની વ્યવસ્થા કરવા માટેની વ્યસ્તતામાં પ્રેમ, હુંફ અને તેને સમજવા માટેની પરાનુભુતી નથી મળી રહી તે બધું પણ – કરવું જરૂરી છે  ! અને ખરેખર આવા બાળકો માટે મોટાભાગના આપણા મિત્રો મહેનત પણ કરે છે –
                   બીજા પ્રકારનો બાળક એટલે – જયારે કોઈ બાળક પાસે વિષયની નોટબુક ભરાઈ ગઈ હોય અને ફરીથી ન લાવ્યો હોય, પેન પેન્સિલ કે રબર ન હોય, અથવા તો શૈક્ષણિક કાર્ય માટે લાવવા પડતાં સંસાધનોની વારંવાર સુચના કરવા છતાં ન લાવતો હોય – અને જયારે પૂછીએ ત્યારે જવાબ હોય કે “મેં ઘરે મારા પપ્પા પાસે માંગેલું પણ... !” વાલી પણ લાવી શકવા સક્ષમ હોય – છતાં પણ પરિવારમાં મોજશોખને અગ્રીમતા હોય ત્યાં બાળકોની અભ્યાસ માટેના સાધનોને ગૌણ કરી નાખવામાં આવતાં હોય છે ! ત્યારે આપણી તેના પરિવાર પ્રત્યેની ફરિયાદ હોય છે કે મોબાઈલ , સ્પીકર, ટીવી લાવવાના પૈસા મળે મળે છે – વ્યસન કરવાના પૈસા મળે છે – પણ નોટ લાવવાના પૈસા નથી તારા બાપા પાસે ? – અને આ બળાપો ઘણે અંશે વ્યાજબી પણ છે – કારણ કે આ બળાપો જ સાબિતી છે આપણી તે બાળકના શિક્ષણ પ્રત્યેની કાળજીનો ! પરંતુ વિચારો કે આમાં આ બાળક નો શું વાંક છે ? ત્યારે ખરેખર જરૂરિયાતમંદ બાળક એવો શબ્દ વાપરીએ છીએ તે બાળકો ખરેખર આ છે – પેલા તો “ જરૂરિયાતમંદ વાલી” છે – ચાલો આવા બાળકો અને વાલીઓ માટે કર્મ નહિ તો ધર્મ સમજી ને પણ જેટલી પણ મદદ કરતાં આવ્યા છીએ તે કરતાં રહીએ અને ના કરતાં હોઈએ  તો આજથી શરુ કરીએ !
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL

November 17, 2017

કૌન બનેગા જુઠપતિ ! – એક ફન ગેમ


કૌન બનેગા જુઠપતિ ! – એક ફન ગેમ

જરૂરી સુચના !
આ આર્ટીકલ વાંચતી વખત તમારે “સફરજન” વિષે વિચારવાનું નથી. તમે બીજા કોઈ ફળ વિષે વિચારશો તો ચાલશે..પણ ..નહિ...સફરજન વિષે નહિ !  સારું ચાલો હવે પાછા હાથી વિષે ના વિચારતા...હાથીની ઉંચાઈ, તેની પૂછડી, તેના પગ – જુઓ એ થાંભલા જેવા – આ બધું નથી વિચારવાનું..માત્ર આ વાંચો !
               શું થાય ? આપણને જયારે કોઈક બાબત “ના વિચારવાની” કહે ત્યારે યાદ આવે અને જો કોઈક ઢોલ વગાડી યાદ રાખવાની કહે તો ભૂલી જવાય ! માણસના મગજનું વાયરીંગ જ ક્યાંક એવા પ્રકારનું છે. તમે તમારી કોઈક વસ્તુ ક્યાંક મૂકી હોય અને પછી તે ક્યાં મૂકી હતી એ યાદ કરવા મગજ પર જેટલું જોર મુકો એટલે એ યાદ જ ના આવે. પણ એને બદલે બીજી કૈક વાતમાં મગજ વાપરવાનું શરૂ કરો અને અચાનક એ યાદ આવી જાય ! આવો અનુભવ બધાને થયો જ હોય છે.
          એટલે બાળકોને શીખવા માટે તેમની અંદર જે પ્રક્રિયા થાય એ જરૂરી છે. એક પ્રયોગ કરી જોયો – કે હું જે સવાલ પૂછું તેનો તમારે ખોટો જવાબ આપવાનો ! હવે આમ કરવામાં ખરી માથાકૂટ થાય.
           જો હું પૂછું કે તમારું નામ શું ? તો તમારે કઈ જ વિચારવાનું નથી. ફટ્ટ દઈને તમને તમારું નામ આવડી જ જવાનું. પણ જો તમારે ખોટો જવાબ આપવાનો હોય તો – જાણે હમણાં જ જન્મ્યા હોય એમ તમે જ તમારી ફોઈ બની ને નવું નામ શોધવામાં પડી જશો. અને પછી બોલશો – અહી, પોઈન્ટ એ છે કે તમારે ખોટો જવાબ આપવા માટે સતત સાચો જવાબ તમારા મગજમાં રાખવો પડે છે.
           ભારતની રાજધાની કઈ છે ? નો જવાબ સાચો આપવામાં જેટલી વાર દિલ્હી મગજમાં ના રહે એનાથી વધુ સમય એનો ખોટો જવાબ શું આપીશ એ વિચારવામાં દિલ્હી મગજમાં રાખવું પડે. અને આવો જ એક આઈડિયા બદલી નાખે – વર્ગની સ્થિતિ – શાળા છૂટવાના સમયે એક દિવસ અમે બેઠા – અમારી ડેસ્કને જ ખુરશી બનાવી ને રમવા – કૌન બનેગા જુઠપતિ ! એ રાઉન્ડ માત્ર હસવા પૂરતો રાખ્યો ! પણ બીજા કેટલાક આઈડિયા એના પરથી જ જનરેટ થયા કે – સ્પેલીન્ગ્સ યાદ રાખવા એક નો એક સ્પેલિંગ પાંચ વાર આપી અને એમણે એ બાબત પ્રત્યે સૂગ ઉત્પન્ન કરવા કરતાં બોર્ડ પર સાચો શબ્દ લખી એને જુદી જુદી રીતે ખોટો લખી બતાવો એમ કહી ચેલેન્જ આપવી વધુ રસપ્રદ છે. અને એમાંય તેમણે સતત મગજમાં તો સાચો શબ્દ જ રાખવો પડશે !
 જુઠું નથી કહેતા પણ આ જુઠપતિ ગેમ એકવાર તમારા વર્ગમાં કે તમારા બાળકો સાથે રમી જોજો – અરે, મોટેરાઓને પણ મજા પડે એવી રમત છે. અને બહાર ખોટો, ભીતર સાચો ! એ અનુભવ કરી અમને જણાવજો

જોઈએ અમારા આ “અમસ્તા પ્રયોગો” ની શું અસર થાય છે ! 
ચાલો,માણીએ અમારી FUN GAME >> કૌન બનેગા જુઠપતિ 

November 13, 2017

National Achievement Survey - NAS


NAS - અમે શું એચીવ કર્યું ?
નેશનલ એચીવમેન્ટ સર્વેમાંથી અમે શું એચીવ કર્યું ?
દિવાળી વૅકેશન પૂરું થયું ને સમાચાર મળ્યા કે ધોરણ-૮ માં એન.એ.એસ. ની કસોટી લેવાની થાય છે. આમેય શાળામાં ગોખવા કરતા સમજવા ભાર મુકાતો હોય ત્યારે આવી કસોટીની ચિંતા વધી જતી નથી. પરંતુ કેટલીક વખત શિક્ષક તરીકે આપણે કોર્સ પૂરો કરવાની લ્હાયમાં મારેલા શોર્ટ કટ અને તેના કારણે આપણો કોર્સ પૂરો થઇ જાય અને બાળકોમાં તેની અધુરપ ! – આવા સમયે ડંખે. એ સંદર્ભે બોલાવાયેલી એક મીટીંગમાં ખબર પડી કે ધોરણ -૮ ની સાથે ધોરણ – ૫ માં પણ એ કસોટી લેવાશે. એટલે વળી બીજી દ્વિધા કે પાંચમા ધોરણના બાળકોને ચાર વિકલ્પ વાંચવા અને વિચારવાની ધીરજ માટે જરૂરી પ્રેકટીસ નથી. આ બારકસો જેવો પ્રશ્ન વાંચે કે જવાબ આવે તે પહેલો બોલી જવા કે લખી દેવા ટેવાયેલા છે.
દા.ત. : નીચે પૈકી કયું પ્રાણી જમીન અને પાણી બંનેમાં રહી શકે ?
(અ) દેડકો (બ) કાચબો (ક)મગર (ડ) ઉપરોક્ત ત્રણેય
એટલે અમારા વિશાલ અને યશપાલ તો કુદી જ પડે કે (અ) દેડકો !
               કસોટીના પ્રશ્નપત્રો લેવા માટે ગયા ત્યારે ત્યાં નવા નદીસર પ્રાથમિક શાળા માટે ત્રીજા ધોરણની કસોટીનું પેકેટ પણ ઉપલબ્ધ હતું.  એટલે ત્રીજા ધોરણના ટાબરિયાઓ માટે પણ આ પ્રકારના મહાવરાની જરૂર ઉભી થઇ. આ સમયે સહાય કરી જ્ઞાનકુંજના સ્માર્ટ બોર્ડે – તેના બોર્ડ પર એક પ્રશ્ન પત્રની પી.ડી.એફ હોય અને તેનો પ્રશ્ન વાંચવાનો ચાર વિકલ્પ વાંચવાના – જવાબ મનમાં નક્કી કરવાનો પછી પૂછાય – તેની સાથે જ તે પ્રશ્ન જેવા બીજા કયા પૂરક પ્રશ્નો પૂછી શકાય તેની ચર્ચા -  જ્યાં જરૂર લાગે ત્યાં તેમાં જ ધોરણનું ઈ-કન્ટેન્ટ શરૂ કરી રીવીઝન પણ થઇ જાય. તેની પર જ તેઓ જાતે વર્તુળ કરી શકે. જવાબ માટેની ગણતરી કરી શકે. ફાયદો – એક બાળક ભલે ગણતરી કરતું હોય પણ તે કેવી રીતે વિચારે છે તેની સમજ બધા બાળકો સાંભળી શકે – તેને રોકી ટોકી શકે અથવા તો તેની સમજમાંથી પોતાની સમજ બનાવી શકે ! એ મહાવરો તો બે દિવસ ચાલ્યો પણ અમને એ બાબત સમજાવી ગયો કે બાળકોને જવાબ આપી દેવા કરતા ય શ્રેષ્ઠ બાબત તેમને સવાલ આપવાની છે. જેટલા વધુ સવાલ તેટલા તેમના શીખવાના ચાન્સ વધારે !
આમ, એચીવમેન્ટ સર્વેમાંથી અમારું એચીવમેન્ટ એ
 “શક્ય હોય તે ટોપીકમાં સવાલ આપો, શીખવું એ એમની જરૂરિયાત બનવું જોઈએ, આપણી નહિ !
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL

November 01, 2017

કોચિંગ અને ટીચિંગ !!


કોચિંગ અને ટીચિંગ !!

       મિત્રો, ક્યારેય બારીકાઇથી વિચાર કર્યો છે ખરો , કે ટીચિંગ અને કોચિંગ વચ્ચે શું ફરક છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વર્ગખંડોમાં થતું કાર્ય એટલે શિક્ષણ અને કોઇપણ એક કૌશલ્ય અંતર્ગત અપાતું માર્ગદર્શન એટલે કોચિંગ !
                       સમાજમાં શિક્ષક કરતાંય કોચ એવો શબ્દ વપરાય ત્યારે વ્યક્તિની નિપૂર્ણતાનો કાલ્પનિક ગ્રાફ વધી જતો દેખાતો હોય છે ! તેની વાતો ને ધ્યાનથી સાંભળવામાં અને સ્વીકારવામાં પણ આવતી હોય છે ! વર્ગખંડોમાં કેટલીકવાર એવું બને છે કે “ શિક્ષક તરીકે હું જ સાચો છું, બધી મને જ ખબર પડે, હું જે રીતે શીખવું તે જ સાચું છે !!” – આવી અંધ/આત્મવિશ્વાસ સાથે બાળકો સમક્ષ રજુ થઈએ છીએ. પરિણામે બિનજરૂરી શૈક્ષણિક પદ્ધતિઓ વડે પણ વર્ગકાર્ય ધમધમતું દેખાતું હોય છે. એ વર્ગકાર્યની મહેનતમાં પણ પરસેવો પડતો હોય છે અને લોહીનું પાણી થતું હોય છે – પણ જયારે પરિણામ આવે ત્યારે એટલું અનપેક્ષિત હોય છે કે પરસેવો પાડેલા શરીરે ફરીથી પરસેવો લાવી દે છે ! કદાચ ત્યારે ખબર પડે છે કે બાળકોને સમજ્યા વિના જ જે શિક્ષણ પદ્ધતિમાં આપણે બાળકોને સમજાવવામાં પરસેવો પાડી રહ્યા હતા – તે  જ સમયે બાળક પણ તે વિષય વસ્તુને સમજવામાં એટલો જ પરસેવો પાડતો હતો ! દરેકને એક પદ્ધતિ વડે શીખવવા માટે જે સમયે આપણે લોહીનું પાણી કરી રહ્યા હતા ત્યારે – તે પદ્ધતિથી સમજી ન શકનાર બાળકોનું પણ સમજવાની મથામણમાં લોહીલુહાણ જ થઇ રહ્યા હતા ! અને આવા સમયે આપણે બાળકોની સમજણ પર સવાલો પેદા કરી દેતા હોઈએ છીએ.
                      જયારે બીજી તરફ નજર કરીએ તો કોચ શું છે ? –“મારા માટે મારા કોચે તૈયાર કરેલું આયોજન પરફેક્ટ જ હશે” – અને કોચ પોતે પણ તેના તાલીમાર્થી માટે સતત વિચારીને આયોજન કરે છે. આપણે પણ કોચની જેમ વિચારવું પડશે જ ! આયોજન એ પ્રથમ પગથીયું છે શૈક્ષણિક કાર્ય માટેનું ! બીજું પગથીયું –દરેક બાળકનું વ્યક્તિગત સચોટ નિદાન કરી શકો તેવી કોચની જેમ નિદર્શન ક્ષમતા હોવી જોઇએ – ત્રીજું પગથીયું – વર્ગખંડમાં જેટલાં પ્રકારના બાળકો હોય – તેટલા પ્રકારની  એક વિષયવસ્તુ શીખવવાની શિક્ષણ પદ્ધતિઓના માસ્ટર હોવા જોઈએ – ત્યારે જ બાળક પણ આત્મવિશ્વાસ સાથે શીખશે અને આપણે પણ આત્મવિશ્વાસ સાથે શીખવી શકીશું – અને તે પણ પરસેવો પાડ્યા વિના અથવા તો લોહીનું પાણી કર્યા વિના – આપણું અને બાળકોનું પણ !!
તો ચાલો પ્રથમ સત્રાંત પરિણામને નજરે રાખી વિચારીએ કે ગયા સત્રમાં કયું બાળક આપણી  શિક્ષણ પદ્ધતિઓને  નથી સમજી શક્યું – તેવાં બાળકોને સમજવાની મથામણ કરી નવા સત્રનું આયોજન કરી લઈએ !!
કોઇપણ વિષય વસ્તુ શીખવવાની એક કરતાં વધુ શિક્ષણ પદ્ધતિ જાણે તે જ શિક્ષક !!

October 13, 2017

મારું મુલ્યાંકન – મારા વડે !


મારું મુલ્યાંકન – મારા વડે !

“એ દરરોજ મોડો આવે છે, એને નિયમિત આવવાના માર્કસ આપ પણ પ્રાર્થનામાં ભાગ લેવાના નહિ !”
“એને હું કહું કે આ ડીશ ગોઠવવા લાગ તો ફટ્ટ દઈને કહેશે – એ મને નહિ ફાવે !” “હું કહેતી કે ના ફાવે તો શીખ પણ એને એવું શીખવું જ ના હોય !” એને નવી બાબતો શીખવા માટેના માર્ક્સ ઓછા મુક !”
-     અને આવી તો કઈ કેટલીય દલીલો થઇ અને અને તેમના વ્યક્તિત્વ વિકાસનું ગુણાંકન થયું !
શિક્ષક પાસે તેમની નોંધપોથીમાં કેટલી નોંધ કરે ? વિદ્યાર્થીના દરેક પાસાને આંકવામાં ઘણીવાર આળસ નડે તો કેટલીકવાર સમય ! અને કેટલાક પાસાઓનું મુલ્યાંકન તો અન્ય વિધાનના આધારે થઇ જાય. જેમ કે જેની હાજરી સારી તેના ગુણ પ્રાર્થનામાં નિયમિત હાજરી આપે છે એમાં પણ સારા જ અપાઈ જાય. વિદ્યાર્થીના વ્યક્તિત્વના કેટલાક પાસાઓની નોંધ શિક્ષક કરતા તેના સાથીદાર પાસે પુરાવા સાથે જ હોય !
           તેથી જ આ વખત જેઓ શાળાનું સમગ્ર સંચાલન કરે છે એમને જ એમનું મૂલ્યાંકન કરવા માટે આપવાનું નક્કી કર્યું. બે મહિના પૂર્વે વ્યક્તિત્વ વિકાસના ૪૦ વિધાનોની પ્રિન્ટ તેઓ જોઈ શકે તે રીતે ડિસ્પ્લે કરી દીધી ! અને લેખિત પરીક્ષા પછી એમણે પોત પોતાના જુથમાં બેસી ને સિલેક્ટેડ ૧૩ વિધાનોના ગુણ તેઓ જ આપે એમ આયોજન કર્યું.
          શરૂઆતમાં ૧૩ વિધાનોમાં પૂરેપૂરા ૧૦ ગુણ ક્યારે  અને ૦ ગુણ ક્યારે ? તેની સમજ બનાવવાની કવાયત થઇ. ગ્રુપ લીડર તેમના ગુણ લખશે પણ બધાનું મંતવ્ય લઈને. જેના ગુણ મુકતા હોય તેનું પણ મંતવ્ય લેવામાં આવે કે “શું વ્યક્તિગત સ્વચ્છતા માટે તને આટલા ગુણ આપીએ છીએ એ તને બરાબર લાગે છે ? “ અને એમાં દલીલ થાય – વધ -ઘટ થાય અને લખાય ! કેટલાકમાં તો પૂછવા આવ્યા કે “આ કાર્ય માટે તત્પર એટલે શું ?” તેમને ઉદાહરણ આપ્યા ને આ મૂલ્યાંકન મેરેથોન લગભગ ત્રણ કલાક ચાલેલી ! એ મુલ્યાંકન સભાના અંતે અમને કેટલાક નવા પાસા જોવા મળ્યા !
           એક તો તેમનું ઇન્વોલ્વમેન્ટ અને બીજો તેમનો કન્સર્ન કે અન્યાય તો કોઈને ય ના થવો જોઈએ !
તેમના ગુણ મુકાઈ ગયા પછી સૌએ મળી ગ્રુપ લીડરના માર્ક્સ પણ મુક્યા અને તેનો સતત રીવ્યુ લેવાનું કામ સેજલ ( ચાઈલ્ડ પ્રેસિડેન્ટ ઓફ સ્કૂલ) અને રાહુલ (વાઈસ પ્રેસિડેન્ટ ઓફ સ્કૂલ) એ કર્યું.
           અંતે કન્વીનર શિક્ષક દરેક ગ્રુપ જઈ પૂછ્યું કે તને આ રીતે જે મુલ્યાંકન થયું તેમાં કોઈ વાંધો ? કોઈને વધુ કે કોઈને ઓછા ગુણ મળ્યા હોય એવું કઈ લાગે છે ? કોઈને અન્યાય થયો હોય એવું લાગે છે ? સંતોષ એ વાતનો કે ત્રણેક અપવાદ સિવાય બધા પોતાના અને પોતાના મિત્રોના માર્કસથી સંતૃષ્ટ હતા ! જેમને વાંધો ઉઠાવ્યો એમના વિષે ફરી ચર્ચા કરી તેમના માર્કસમાં ફેરફાર પણ કર્યા, તેમાંય આખું ગ્રુપ સહમત થયું ત્યારે જ !
       એક પહેલ છે – કે તેઓ જ તેમના કામને આંકે અને પોતાના કામને બીજાના કામ સાથે સરખાવે – અને તેમાં સુધારો કરવા માટે પ્રયત્ન કરે !
જોઈએ આ નવી દિશા કેવો રંગ લાવે છે – બીજા સત્રની શરૂઆતમાં ! આ સંદર્ભે વધુ શું કરી શકાય તે માટેના આપના સૂચનો આપશો તો ગમશે !






October 02, 2017

મોહનદાસ – ધ મેજીશિયન !


મોહનદાસ – ધ મેજીશિયન !

              શાળાનું ધ્યેય વાક્ય છે : શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ! જો કે કેટલીકવાર ની અધીરાઈ છોડી દઈએ તો સામાન્ય રીતે અમને અમારા પ્રયત્નોની અસર ચકાસવાની તાલાવેલી નથી રહેતી ! પ્રયત્નોની માત્રા જ્યાં અમે અમારા તરફથી ૧૦૦% રાખી હોય ત્યાં અમને પરિણામ માંડ ૧૦% મળ્યું હોય એવા ય ઘણા ઉદાહરણ છે !
               શાળાએ ગાંધી જયંતી નિમિત્તે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રયત્નો કર્યા ! ગાંધીના એક મહત્વના ગુણ સફાઈને સૌ પ્રથમ ટાર્ગેટ કર્યો (આમેય, એ પહેલું લક્ષ્ય હોવું જોઈએ) ! શાળામાં સફાઈ હવે સહજ થઇ ગઈ છે. “ઓહો, હું તો રવિવારે નાહી જ લઉં” એમ અઠવાડિયે જ નહાવાના વલણ જ્યાં સ્વાભાવિક ગણાય ત્યાં દરરોજ નહાવું અને શરીર ને સ્વચ્છ રાખવાનું વલણ મોટાભાગના વિદ્યાર્થીઓમાં આવી ચુક્યું છે. ( હજુ ય કેટલાકના ઘરની રીત મુજબ રોજ નહાવું એ જરૂરી નથી લાગતું !) પણ શાળાએ તો નાહીને જ અવાય એ નક્કી થઇ ગયું છે. ટૂંકમાં, શાળાની અસર હજુ ગામમાં વર્તાતી નહોતી – હા, ગયા વખતમાં અમે કાઢેલી રેલી અને એમાં વિદ્યાર્થીઓએ દરેક દુકાન પર જઈને કરેલી વિનંતીથી તેલના ખાલી ડબ્બાની કચરાપેટી મુકાઈ એ પણ અમારે માટે સુખદ ઘટના હતી !
            આ વર્ષે બીજી ઓકટોબર પહેલા જ શાળામાં સ્વચ્છતા માટેની ડીબેટ અને ક્વિઝ વગેરે થયા હતા એટલે શાળાએ કોઈ કાર્યક્રમ ના ઘડ્યો. ૧ લી ઓક્ટોબર રાત્રે શાળા અને ગામના સેતુ બનેલા વોટ્સેપ ગ્રુપમાં આવતીકાલે ગાંધી જયંતી નિમિત્તે ગામના યુવાનો દ્વારા ગામની સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે ! એવા સમાચાર મળ્યા ! અમે પૂછ્યું કે અમે ભાગ લઇ શકીએ – એમણે ચોખ્ખી ના પાડી – કે આ વખત અમે જ આયોજન કરીશું !
        અને મોહનદાસનો મેજિક જુઓ કે યુવાનો અને અમારા બાળકો સૌ ભેગા મળ્યા, પહેલા ગામના મંદિરે આયોજન કર્યું, ત્યાં ચોગાનની સફાઈ કરી, ગામમાં રેલી કાઢી અને – જરૂર પડી ત્યાં સફાઈ પણ કરી ! અંતે બધાએ સાથે મળી નાસ્તો કર્યો – શાળામાં અમે કરીએ એમ આજે આખા દિવસમાં આપણે શું કર્યું એનો અહેવાલ રજુ થયો અને સૌ છુટા પડ્યા ! અમને વોટ્સેપ થી મળેલા ફોટોગ્રાફ જાણે કે માત્ર કોઈ ડીજીટલ આંખથી જોવાયેલી છબી માત્ર નહોતી – જે નક્કી કરીને નીકળ્યા છીએ “અંધારું લીપીને અજવાળું કરવા” તેના ફોટોગ્રાફ્સ હતા !
  



બીજી ઓક્ટોબરે જન્મેલો એ “મોહન” અમર છે તેની પુણ્યતિથી હોય જ ના શકે ! દિલથી બોલી જવાયું – હેપ્પી બર્થ ડે બાપુ !