May 11, 2025

બાળકો મૂલ્ય શિક્ષણ ક્યાંથી શિખશે - શાળા કે સમાજ?

બાળકો મૂલ્ય શિક્ષણ ક્યાંથી શિખશે - શાળા કે સમાજ?

સમાજની શિક્ષણ પ્રત્યેની અપેક્ષા શું? - એ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. બાળકનું ઘડતર એટલે કેળવણી - એવો મત પ્રવર્તમાન સમયમાં સૌએ સ્વીકાર્યો છે. બાળકની કેળવણી થાય તો ભવિષ્યનો સમાજ કેળવાય એવું સીધું ગણિત આપણા સૌનું છે અને તે ૧૦૦% સાચું પણ છે. એટલે સમાજ શાળાઓ પાસે કેળવણીની અપેક્ષા રાખે છે.

શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પ્રશ્ન એવો પણ આવે છે કે બાળકો ફક્ત શાળા કે સંસ્થા પાસેથી શીખે છે એવું નથી. તેઓ આસપાસના પર્યાવરણમાંથી - સામાજિક વ્યવહાર, વર્તનમાંથી શીખે છે અને હા, શૈક્ષણિક સંસ્થા કરતાં તેમાંથી વધુ શીખે છે, કારણ કે બાળક વધુ સમય તેઓની વચ્ચે હોય છે. જો બારીકાઈથી જોઈએ તો બાળકો સમાજમાંથી શીખી શાળામાં એપ્લાય કરે છે. શાળા બાળકના એ વર્તનમાં જરૂરી ફેરફાર સાથે તેને નવા અનુભવો આપે છે. બાળક પાછું સમાજમાં જઈને પોતાના અનુભવો એપ્લાય કરે છે. ફરી પાછું તેમાંથી સમાજના નવા અનુભવો સાથે શાળામાં આવે... આમ શાળા - સમાજ - સમાજ - શાળા - એક સર્કલ બની બાળકને અનુભવ કરાવવાનું, સમજાવવાનું, પરોક્ષ રીતે શીખવવાનું અને કેળવવાનું કાર્ય કરે છે. માટે તમે સમજ્યા હશો કે આવતી કાલનો સમાજ ફક્ત શાળા ઘડશે તેવો નાગરિકોવાળો નહીં હોય, તેમાં આજના સમાજની, સામાજિક વ્યવસ્થાઓની, માન્યતાઓની અસર વધારે હશે. એવામાં જો બંધારણ ઇચ્છે છે તેવો સમાજ ધરાવતી પેઢી બને તે માટે આપણે શું કરી શકીએ?

બાળકને કેળવવું તે જેમ શાળા તરીકે ફક્ત આપણા હાથની વાત નથી - આવું જાણ્યા પછી આપણને શાળા અને સમાજ બંને વચ્ચેના સમન્વયનું મહત્વ કેટલું છે તે સમજાયું હશે. જો આપણે શાળા તરીકે બાળકોમાં મૂલ્યલક્ષી શિક્ષણ જેમ કે - સમૂહજીવન, લોકશાહી અને સામૂહિક સમસ્યા ઉકેલ કૌશલ્યો કેળવવા ફક્ત વર્ગખંડો કે શાળા કેમ્પસમાં મથામણ કરતાં રહીએ છીએ, વર્ગખંડોમાં આપણે કહીએ છીએ તેના કરતાં સમાજમાં તેને વિપરીત અનુભવોનું એક્સપોઝર મળે છે. ઉદાહરણ તરીકે - બાળકોને સમજાવી કે લોકશાહી એટલે જ્યાં અસરકર્તા સૌ લોકોને પોતાનો મત આપવાનો હક આપેલો હોય! આવું સમજીને ગયેલ બાળકના ઘરે તેના અભિપ્રાયોને મહત્વ આપતું વાતાવરણ જો ન જુએ તો - તે બીજા દિવસે શાળામાં કાં તો પોતાના અનુભવો સાથે વર્તે અથવા તો શાળાના શિક્ષણ પર અવિશ્વાસુ બની શાળા સાથે જોડાયેલો રહે! હવે વિચારો કે આવી રીતે શાળા સાથે જોડાયેલ - પરંતુ પોતાના અનુભવો સાથેની માન્યતાઓ સાથે ઉછરેલ બાળક આવતી કાલનો નાગરિક બનશે તો તે બંધારણ અંતર્ગત ભારતીય નાગરિક કેવો હોવો જોઈએ - તે સંકલ્પનાઓમાં ફિટ બેસશે ખરો? ફરી - શું કરી શકાય?

    શાળા એટલે શૈક્ષણિક સંસ્થાઓએ પોતે બનાવેલી મર્યાદાઓ તોડવી પડશે. શાળાનું કામ ફક્ત આવતી કાલની પેઢીને ધ્યાનમાં રાખીને વર્તવાની જગ્યાએ - આપણે સૌ આજની પેઢીમાં પણ આવા મૂલ્યોની અસરકારકતા વધે તે માટે વર્ગખંડોની બહાર - શાળા કમ્પાઉન્ડ વોલની પેલે પાર પ્રયત્નો, પ્રવૃત્તિઓ વિસ્તારવાં પડશે. આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને માટે અને બંનેની સાથે કામ કરવું પડશે. ફક્ત એક મૂલ્ય “સમૂહજીવન” ને ધ્યાને રાખી વાત કરીએ તો - સાથે રહેવાથી - સાથે કામ કરવાથી - સાથે બેસી સંવાદ કરવાથી - કેટલી આર્થિક, સામાજિક, માનવીય પ્રગતિ થઈ શકે છે? તે શાળા તરીકે સમાજમાં સમજાવી તેને ઉજાગર કરી શકીએ તો પછી આપણાં બાળકો તેના સુખદ અનુભવો સાથે શાળામાં પ્રવેશતા દેખાશે અને હા, આપણે સમજાવેલ સમૂહજીવનનું મહત્વ - તેવા પાઠમાં તેનો ભરોસો કાયમી થશે. અમે એટલા માટે કહી શકીએ છીએ કે શાળાએ શાળા કેમ્પસમાંની “નાગરિક ઘડતર” પ્રવૃત્તિ અને “ગ્રામોત્સવ” આ બંનેને અનુભવ્યાં છે.

ગાંધી આશ્રમ પ્રેરિત “પ્રેરણા પ્રવાસ” માં આવેલ મિત્રોનું શાળા કેમ્પસમાં રાત્રિ રોકાણ એ શાળા માટે આનંદ અને ગૌરવની પળ હતી. “ગુજરાતનાં પ્રેરણા સ્થળોની યાદી સાથે નીકળેલ આ પ્રવાસમાં પ્રેરણા સ્થળ તરીકે નવાનદીસર હોવાનું અનેરું ગૌરવ હતું. રાત્રે સૌ સાથે જીવ્યા અને વાતો કરી - મુદ્દો હતો શાળાનાં રોજિંદા કાર્યક્રમોમાં મૂલ્ય શિક્ષણ માટેનો અવકાશ અને વાતાવરણ નિર્માણના તરીકાઓ - ચાલો તમે પણ શાળાએ કરેલા વાતાવરણ નિર્માણનો આ સંવાદ માણી શકો છો -  






May 02, 2025

યે નયાકુંભ હૈ !!

યે નયાકુંભ હૈ !!

પૃથ્વી પર માનવજાતિના ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસ પર નજર કરીએ તો, એક સ્પષ્ટ પેટર્ન ઉભરી આવે છે: સમૂહમાં જીવવાની અને એકબીજા સાથે જોડાણ સાધવાની અનિવાર્યતા. આ માત્ર સામાજિક કે સાંસ્કૃતિક ઘટના નથી, પરંતુ માનવ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક મૂળભૂત જૈવિક અને વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી તરીકે ઓળખાય છે. માનવીઓ નાના સમૂહોમાં શિકાર કરતા, ખોરાક એકત્રિત કરતા, અને સંરક્ષણ મેળવતા હતા. આ સામુહિક જીવનશૈલીએ જ જ્ઞાનના સ્થાનાંતરણ, શ્રમનું વિભાજન અને સમસ્યા ઉકેલ  (collective problem-solving) ને જન્મ આપ્યો. એકલા જીવતા પ્રાણીઓથી વિપરીત, માનવીઓ એકબીજાના સહયોગથી જ જટિલ સાધનો બનાવવામાં, ભાષા વિકસાવવામાં અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સક્ષમ બન્યા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, સામાજિક સંકલન એ માનવ પ્રજાતિને ટકી રહેવા અને વિકસવા માટે એક મોટો ઉત્ક્રાંતિગત લાભ પૂરો પાડ્યો છે.

પ્રયાગરાજનો ભવ્ય મહાકુંભ હોય કે અન્ય નાના-મોટા મેળાઓ અને ઉત્સવો, આ બધા જ પ્રસંગો માનવજાતિની સહજ સામુહિક વૃત્તિના જીવંત ઉદાહરણો છે. કુંભ જેવા વિશાળ મેળાઓમાં લાખો લોકો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત કરવા એકઠા થાય છે. આ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ તે માનવીય સમુહિક ઓળખ અને સભ્યતાના સંવર્ધનનું પ્રતીક છે. આ ઘટનાઓ દર્શાવે છે કે માનવીય ચેતના અને માનવતાવાદ સમૂહમાં જીવવાથી જ પોષાય છે અને વિકસે છે.

વર્તમાન સમયમાં, પૃથ્વી પર આપણે અનેક જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ – અતિશય ગરમી, ઠંડી કે વરસાદ, કોરોના જેવા રોગચાળા, આર્થિક અસમાનતા અને ખાસ તો સામાજિક તણાવ. આમાંની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ માનવજાતિનું "ભેગા રહેવાનું ભૂલી જવું" છે. જ્યારે સમુદાયો, દેશો, કે વૈશ્વિક સ્તરે માનવીઓ એકબીજાથી વિમુખ થાય છે, ત્યારે સંયુક્ત પ્રયાસો અને સર્વસંમતિથી ઉકેલ શોધવાની ક્ષમતા ઘટી જાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સામાજિક મૂડી (social capital) – એટલે કે, સમાજમાં લોકો વચ્ચેના સંબંધો, વિશ્વાસ અને સહયોગના નેટવર્ક – એ કોઈપણ સમાજની સ્થિરતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે. જ્યારે આ સામાજિક મૂડીનું ધોવાણ થાય છે, ત્યારે સમસ્યાઓ વધુ વકરતી જાય છે. વ્યક્તિગતવાદનું વધુ પડતું પ્રભુત્વ, અવિશ્વાસ, અને સંવાદનો અભાવ એ વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ લાવવામાં સૌથી મોટી અડચણો છે. આ સ્થિતિ હવે માત્ર દેશો કે સમાજો પૂરતી સીમિત નથી રહી, પરંતુ દરેક ઘર અને કુટુંબમાં પણ અનુભવાઈ રહી છે; જ્યાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ વડે પોતાના વિશ્વમાં જીવી રહી છે અને વાસ્તવિક રીતે તેમની સાથે કોણ છે તેની તરફ તેમનું ધ્યાન પણ નથી. એક કુટુંબ પણ જાણે ભેગા થવાનું અને રહેવાનું ભૂલતું જાય છે. આધુનિક યુગમાં, જ્યાં ટેકનોલોજી આપણને ભૌતિક રીતે એકબીજાથી દૂર કરી રહી છે, ત્યાં સામુહિકતાનું મહત્ત્વ વધુ વધી જાય છે.ભેગા થવું અને ભેગા રહેવું એ માત્ર સાંસ્કૃતિક પરંપરા નથી, પરંતુ માનવ અસ્તિત્વ, ઉત્ક્રાંતિ અને ભવિષ્યની પ્રગતિ માટે એક વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. આ મૂળભૂત સિદ્ધાંતને યાદ રાખીને જ અમે અમારા ગ્રામોત્સવને મૂલવ્યો છે.

  અમારા નવાનદીસર પર કુદરતના એવા આશીર્વાદ છે કે અમે સૌને હવે જીવતા આવડ્યું છે – એવું જીવન જેમાં મોજ હોય, મુશ્કેલીઓ હોય પણ એ તકલીફ ન આપે. જ્યાં વ્યક્તિગત અહંકારો ખરી પડે અને દરેકના હૃદયમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આનંદનું ફૂલ ખીલે. બાકીની દુનિયા જે પ્રકારે જુદા જુદા વાડાઓ બનાવીને જીવે છે તેના કરતાં અમે સાવ વિપરીત, રચાઈ ચૂકેલા વાડાઓને ખોલીને અમારા ભવિષ્ય માટે સુંદર મેદાન બનાવવામાં વ્યસ્ત છીએ. અમને એ ફરક નથી પડતો કે કોણ અમને શું કહી રહ્યું છે – અમને શુભ અને અશુભ બંનેથી ઉપરની એક વસ્તુ જડી ગઈ છે કે – જે થાય છે એ બધું આપણું છે - એ બધું જ પ્રસન્ન કરનારું છે.

એક વર્ષ છોડીને આ વર્ષે ઉત્સવની ઉજવણી શરૂઆતમાં મુશ્કેલ લાગી, કારણ કે બધા એટલા વ્યસ્ત હતા કે કોઈ સમય જ આપી શકતું ન હતું. (શાળા તરીકે અમારા માટે એ આનંદની વાત કહેવાય કે ગામના દરેક હાથ પાસે કામ છે.) પરંતુ આ તો નવાનદીસરનો જાદુ છે. ગ્રામોત્સવ હોય એટલે અમારા માટે અમારા બધા કમિટમેન્ટ એ ઉત્સવ સામે કંઈ જ નથી. દર વર્ષની જેમ ઘરે ઘરે, ખેતરે ખેતરે ફરીને – ગ્રામોત્સવની તિથિની જાણ કરવી, ફાળો લેવાથી લઈ જાણે પોતાના ઘરનું લગ્ન હોય એમ વિવિધ વસ્તુઓની પસંદગી કરવી. સાઉન્ડ સિસ્ટમ હોય કે ફૂલહાર – બધી જ બાબતોની ઝીણી ઝીણી કાળજી લેવાઈ. આ બધાથી ઉપર – ગામમાં કોઈ એવું નહોતું કે જેને લાગતું હોય કે મેં તો મારા ભાગનો ફાળો આપી દીધો હવે યુવાનો બધું કરી લેશે. તેઓ ખભેખભો મિલાવી સૌની સાથે રહ્યા. અને આખરે ઉજવણી થાય એ તો બધા જ જોઈ શકે, પરંતુ અમને લાગે છે કે આ બધા માટે વારંવાર ભેગા થવું એ સૌથી અગત્યનું સેલિબ્રેશન હતું. જ્યાં સૌ પોતપોતાના મંતવ્યો લઈને આવે અને પરત ફરે ત્યારે સૌના મંતવ્યો એક થઈને સામૂહિક મેઘધનુષી રંગ ધારણ કરી છૂટા પડે.

ગ્રામોત્સવનો એ દિવસ (અને એ આખા દસે દિવસો – હજુ ય જો કે વાતોમાં ઉત્સવ ચાલુ જ છે!) જે રીતે જીવાયો છે એ યાદ કરીએ તો લાગે કે એ સત્ય હતું કે સપનું. જે રીતે ગામને શ્રદ્ધા છે કે તેના ઉત્થાનનું સ્થાન એ સૌથી પવિત્ર હોવું જોઈએ, તે ભાવનાએ સૌને રંગી દીધા. બે-અઢી હજાર માણસો એક જ જગ્યાએ ઉનાળાની રાત્રીમાં – છ-સાત કલાક એક જગ્યાએ બેસે – એ પોતાના ભવિષ્યને ઓળખે, માણે, જાણે, બિરદાવે – એ સમગ્ર ખુશીની ચમક લઈને ગરબે ઘૂમે કે પછી ક્યારેય ન નાચ્યા હોય એવા સૌ પણ એકબીજાની આંખોમાં ડોકાતા આનંદને ઝીલી લેવા નાચે – ત્યારે લાગે કે અમારૂ કોઈ એકલું-અટૂલું અસ્તિત્વ છે જ નહીં.

અમે સૌ એક જ છીએ અને આ બધા જે જુદા જુદા દેખાય છે એ અમારા અસ્તિત્વના જુદા જુદા અંગો છે. જેમ એક શરીરને વિવિધ અંગ હોય પણ એ આખરે તો એક જ છે, એમ આ અમે બધા માનવીઓ એક જ સમૂહ છીએ જેને મોજ મળી ગઈ છે. અને મોજની ડૂબકી લગાવી અમે સૌ છૂટા પડ્યા છીએ – વાયદા સાથે કે ફરી મળીશું, આ જ સ્થળે ફરી આ જ કુંભ – નયા કુંભમાં આનંદની ડૂબકી લગાવવા!

તમને ય આવકાર છે અમારા નયાકુંભનો પવિત્ર રંગ ઝીલવા! ઝીલી લો ! - નવાનદીસર પરિવાર તરફથી

શાળા પરિવારનું સામૈયું

ગ્રામોત્સવના શ્રી ગણેશ 

મહાભારત 

આહા ટમાટર બડે મજેદાર 

શિક્ષક મનીષાબેન વિષે 

ખેડૂત જગતનો તાત 

હસતાં રમતાં 

મોબાઈલ ફોન 

શિક્ષક મધુર વિશે 

શાળા વિશે પત્રકારશ્રી હિમાંશુભાઈ 

શિક્ષક નેહા વિશે 

સંગીતાબેન અને વનરાજસિંહ વિશે 

ચંદા ચમકે ચમચમ 

મીરાંબાઈ 

વિજયનો લાઠીદાવ 

મમ્મી પપ્પા અમારા સુપર હીરો 

શાળા પરિવારની વાતો..

શિક્ષક ગિરીશભાઈ વિશે વાત કરીએ 

ધન છે ગુજરાતની ધરતી 

ગોતી લો 

કોરિયોગ્રાફર પિન્ટુસર વિશે 

ટેટુડો 

અય ગિરીનંદિની  

એજ્યુકેશન થીમ 

આદિવાસી જંગલના રખવાલા 

 શાળા પરિવાર વિશે 

ફની ડાન્સ 

યે પ્રયાગરાજ હૈં 

ભાથીજી 

ગ્રામોત્સવના અંતે વાતો