April 30, 2025

કલર્સ ઓફ લાઈફ !

કલર્સ ઓફ લાઈફ



આ એ પ્રથમ બેચ છે જે પોતાના ઇમોશન્સના એક્સપ્રેશન વિશે સૌથી વધુ લાઉડ હતી. (હતી - એટલે કારણકે હવે આ આઠ પાસ કરી બીજી શાળામાં જશે. ) આ ટીમ હોય એ વર્ગખંડ શાંત હોય ત્યારે બે જ સ્થિતિ હોય - કાંતો કોઈકે “આશીર્વચન” કાનમાં રેડ્યા હોય કે કાંતો મોટી ચેલેન્જ મળી હોય.

સતત શાળા સમૂહમાં - સંસદમાં ધોરણ - ૮ ની આબરૂ ન જાય તે માટે મથતી ઉપપ્રમુખ પ્રિયાંશી - એણે જે રીતે સ્કૂલની લીડરશિપ કરી છે તે જોઈને કોઈને પણ નવાઈ લાગે! મધ્યાહન ભોજન ખીચડીમાં શાક નાખવાનો ઠરાવ હોય કે પછી શાળાના નવા બિલ્ડિંગમાં કામ કરવા આવેલા કારીગરોને શાળામાં કાગળ નાખવા બદલ આપેલી નોટિસ હોય - તે શાળા માટેના કાર્યોમાં સ્પષ્ટ જ રહી છે. શાળાનું વાર્ષિક નિરીક્ષણ, ગુણોત્સવ કે શાળા મૂલ્યાંકન વખતે આવેલા મહેમાન! તેની કુનેહની સરાહના થતી જ રહી છે.

એવો જ એક અચાનક ખીલેલો તુષાર - શાળાના મુખ્ય સચિવ તરીકે ચૂપચાપ તેની ટીમ મીતેશ, નૈતિક, નીતિન અને વિપુલ સાથે મળી કાર્ય કરતો રહ્યો. શાળાની સ્થાયી બાબતો વિશે શિક્ષકો કરતાં ય વધુ સચોટ માહિતી અને કાર્ય આયોજન આ ટીમ પાસે જ રહ્યું છે. દરરોજ તમે ખરીદેલા એ ઓજારો તમને મિસ કરવાના છે!

ગોધરાના સૌથી પ્રખ્યાત અને વ્યસ્ત ડૉક્ટર વલી સાહેબને પણ રાત્રે નવ વાગ્યે ફોન કરી વિજ્ઞાન વિષે વાત કરવાનું - ચર્ચા કરવાનું મન થાય એવો જયદેવના વિજ્ઞાનનો જાદૂ જોવા જેવો છે. જયદેવ એ અર્થમાં વધુ સફળ થયો કહેવાય કે એણે શાળામાં વિજ્ઞાનની સંસ્કૃતિ ઊભી કરી છે. સુહાસ, ભાવેશ, મનોજ, વિનાયક, સતીશ કે પોપટિયો ઉર્ફે કિરણ તો બરાબર પણ યુવરાજ અને માનવ જેવા પણ તારી સાથે રહી શાળામાં રચનાત્મક કાર્યમાં જોડાતા થઈ ગયા છે. આ વખતે વિજ્ઞાન સચિવ તરીકે: વિવિધ પ્રોજેક્ટ્સ વડે મેળવેલી સિદ્ધિઓ અને તેમાંય તમે જાતે જ યોજેલો વિજ્ઞાન દિવસ અમને પણ નવાઈ પમાડે તેવો હતો. એ વિજ્ઞાન કોર્નરને મળવા આવતા રહેજો.

જે પઢાકુ હોય એ લડાકુ ન હોય? કૌન બોલા? એકવાર નિશ્વ, ચિંતન, અર્ચનાને મળવા આવી જજો. અભ્યાસમાં તો પોતાનો ઝંડો ઊંચો રાખે જ પણ જો વાત મેદાનની કબડ્ડીની હોય કે પછી દલીલોની કુસ્તી હોય આ ત્રણેય આગળ ભલભલાને ધોબીપછાડ મળેલી છે. આ જ કબડ્ડીમાં આ જ વર્ષે જોડાયેલો પહેલવાન રોદ્ર રૂપે જ રહેતો રુદ્ર! બહારથી શાંત દેખાય (એટલે દેખાય જ હો) છતાં, અંદર ભભૂકતી આગ ધરાવતા દેવરાજ અને હિતેશ અને પોતાના જીવનમાં આવેલી સમસ્યાઓને પોતાના અભ્યાસકાર્યમાં સહેજે ઢૂંકવા જ નથી દીધી એવા યુવરાજ, ભાવના, માહી, કિંજલ, બાહુબલી ઉર્ફે મહેન્દ્ર: યે આગ બૂઝની નહીં ચાહીએ!

આ બધાથી જુદા બીજા થોડાક એવા પણ હતા જેમણે વર્ગના દરવાજા ખોલી પધારો એમ કહેવું ય પડતું. જો ધવલને આંબાની કલમ અથવા તો કોકોપીટ કલમ કરવા કહીએ તો આખો દિવસ વર્ગમાં આવે નહીં, એને ભાવતી જગ્યા એટલે કિચન ગાર્ડન અને ફળવાટિકા! (જો કે એ જ એનો સાચો વર્ગ છે: ખંડ ભલે ન હોય!) જેની સાથે એની જીભાજોડી ચાલુ જ હોય એવો શ્રાવણ - હાઈટ ખરી પણ કોઈ જોડે ફાઇટ નહીં - બધા સાથે ગાઢ દોસ્તી! કોઈક કશુંક કહે એટલે સીધી ઘરે રેડ મારી દેતો  ભરતનો સિયો (મયુર) અને શાળામાં જ લડી પડતો કિરપાલ - એનાથી વિપરીત મોટેરા જેવી પીઢતાથી વર્તતો સાગર અને પોતાની સ્થિતિ સાથે મહત્તમ લડતો કિશન. હાઈસ્પીડ ડેટા અને હાઈસ્પીડ સાઈકલિસ્ટ અમિત અને દીક્ષિત તમારી આ ગતિ અટકાવા દેતા નહીં.

જેણે પૂર્ણ ખિલતા વાર લાગેલી પણ હવે સૌને વિશ્વાસ છે કે એ એનું શ્રેષ્ઠતમ જીવન જીવશે જ એવી નીલમ અને તેની સંગતમાં વિકસેલી ભારતી! પ્રમાણમાં જેમને ઘર તરફથી ઓછી તક મળી છે પણ જેટલી પણ તક મળી તેમાં પ્રસન્નતાપૂર્વક શાળાને જીવ્યાં છે - નકામી ફરિયાદો કરતાં ઉકેલો તરફ જોયું છે એવાં મિત્તલ, રોશની, હિરલ અને વિપુલ ! મક્કમતાથી પોતાના માતપિતાથી દૂર રહીને પણ ભણવાનું નક્કી કરી - ભણી છે એવી હેમાંગી! સૌ યાદ રાખજો અમે તમારી સાથે જ છીએ.

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દિલ્હીના સોશિયલ મીડિયા હેન્ડલ પર જેનો વિડીયો (https://www.facebook.com/share/v/1CSkfU3FSr/ ) અપલોડ થયો છે અને આંખ બંધ કરીને ય જેને અવાજથી હજાર લોકોની વચ્ચે ય પારખી લઈએ તેવી રિયા - જેની લીડરશિપમાં શાળાએ સૌ પ્રથમ વખત મોક પાર્લામેન્ટમાં ભાગ લીધો અને વિજેતા બનાવીને લાવી. પ્રેમાળ (એટલી જ આડી પણ ખરી, મળવાનું થાય એટલે પહલો જમણા હાથની કોણી એટલે જમણા જ હાથની કોણી ! 😂) હની અને ભૂમિ બંનેએ પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. સાથે જ હેલી પણ જોડાયેલી રહી. તમારા સૌની મૈત્રી જ તમારું બળ છે. (હા, એકે  શાળાએ ન જવાનું હોય તો બીજાએ ન જવું અને ફોન કરી રિંગ કરવાની મૈત્રી નહીં હો).

ગયા શૈક્ષણિક વર્ષમાં જેના નામની પોકાર સૌથી વધુ પડી છે એવો અખિલ. શાળાની ડિજિટલ કામગીરીનો જનરલ મેનેજર! એણે વિદ્યાર્થી કેન્દ્રી શાળામાં રહેલી એક મર્યાદા કે કોમ્પ્યુટર સાથે ખરેખર પ્રોડક્ટિવ કામ કરવાનું જે બેરિયર હતું એ તોડી નાખ્યું. અંગ્રેજીમાં વિવિધ સ્પેલિંગ માટે ppt બનાવવા, ચેટજીપીટીનો ઉપયોગ કરવો, ગૂગલ ડોક્સ બનાવવા અને શેર કરવા - આવા નાના કામ (હૂહ આટલું જ લખાય તો તો અખિલ અને એની ટીમ - તેના વાઇસ કેપ્ટન નિર્મલને ખોટું લાગે) પરીક્ષા ફાઇલ બનાવવી, માર્કસ ઓનલાઈન કરવા,  NMMS , જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, ચિત્ર, ક્વિઝ, ખેલ મહાકુંભ જેવા ડિજિટલ ફોર્મ ભરવા, ફી ભરવી, હૉલ ટિકિટ કાઢવી, પ્રિન્ટ લેવી - જેવા કાર્ય સાથે જ યુ-ડાયસ પ્લસ જેવી કામગીરી પણ હસ્તગત કરી લીધી છે. NMMS પરીક્ષામાં ડિજિટલ ટીચર તરીકેનું પ્લાનિંગ ઊભું કર્યું. આ અર્થમાં અખિલ અને તેની ટીમ વડે જે આભા ઊભી થઈ એ કોમ્પ્યુટરનો તાસ એટલે માત્ર ટાઈપિંગ કરવું - શા માટે? - ખબર હોય ય ન હોય બસ ટાઈપિંગ કરો એના બદલે તમારે આ ફોર્મ ભરવાનું છે એટલે ટાઈપ કરવાનું છે- ટાઈપ કરતાં શીખવાનું છે.! આ ટીમનું શીખવાનું સાંજે પાંચ પછી ય અટકે નહીં! આ ટીમ રજા ના દિવસે આવે અને એક જ દિવસમાં ચારસો બાળકોના ડેટાનું કામ પતાવી એ પંદર-વીસની ટોળી ઘરે પહોંચી જાય (કોઈવાર ઘરે ન ય જાય - તો ગામમાંથી બધાંને શોધવા ય નીકળવું પડે - એક  ઘટના મજેદાર છે પણ ફરી ક્યારેક). એજ્યુટર એપના મિત્રોને પણ લાગ્યું કે આમનું આ લર્નિંગ એમને વ્યાવસાયિક સફળતા પણ અપાવે એમ છે. જાળવી રાખજો બેટાઓ!

આ ટીમ એવું જીવી છે,એવું જીવી છે કે જાણે છૂટા છૂટા મણકા નહીં એક માળા હોય! કોણ ક્યાંથી છે / અભ્યાસમાં કેવો /કેવી  છે ? / કયા ફળિયા-ગામનો/ની  છે? જેવા કોઈ વાડા નહીં. આ બધાને ભેગા મળી વિવિધ નામો વડે બોલાવતા સાંભળીએ (લુખ્ખો, ટોલો , ડોહો, શિબિર, ટટવાયલો, વયલી, ખાટિયો, નિશ્વટી, પપ્પુ, સાબુ, સુશીલા, મોનિકા, કલ્લુ) ત્યારે જ તેમની વચ્ચેની નિકટતાનો ખ્યાલ આવે. અને આમાં કોઈ કોઈકને ખોટું ન લાગે - એ ય એમની મસ્તીમાં મસ્ત હોય.

આમાંની શૈક્ષણિક પ્રગતિ કઈ ઓછી નથી. આ પૈકી ૧૫ એ જ્ઞાનસેતુ ક્લિયર કરેલ છે, ૧૧  વિદ્યાર્થીઓ NMMS ના સંભવિત મેરિટમાં છે, અને આન્સર કી પરથી લાગે છે કે ૧૫ જેટલા તો જ્ઞાનસાધના મેરિટમાં ય આવી જ જશે.

જો કે શાળા માટે આ શૈક્ષણિક પ્રગતિ તો માત્ર એક થર્મોમીટર છે ! એ જ મુખ્ય નથી. મુખ્ય તો એ છે કે તેઓ અહીંયા જે જીવ્યા છે, જે રંગો એમણે ફેલાવ્યા છે ! એમના અને અહીંયાના સૌના જીવનમાં, જે રીતભાત અને સંસ્કૃતિ જીવતી કરી છે.

આપણે સૌ એકમેકના છીએ અને રહીશું. બસ છેલ્લે એટલું જ : વધુ એકવાર કહી દઈએ: વી લવ યુ! - એવર એન્ડ ફોરેવર !


April 28, 2025

મૂલવીએ આપણા મૂલ્યાંકનને !!

મૂલવીએ આપણા મૂલ્યાંકનને !!

બાળકોના મૂલ્યાંકન અંગે શિક્ષણના જાણકાર એવા સર્વે વ્યક્તિઓના હંમેશાં મતમતાંતર રહ્યા છે! બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે? એવું પૂછતાં જ મોટાભાગનાં વ્યક્તિઓનો મત વિવિધતાસભરનો સાંભળવા મળતો હોય છે. જે મત તર્કસંગતનો હોય  એટલે તેને નકારી ન શકાય. અને એટલે જ આજદિન સુધી મૂલ્યાંકન અંગેની કોઈ એક પદ્ધતિ (લેખિત સિવાયની) અમલમાં આવી નથી. પાછલાં કેટલાંય વર્ષોના લેખાંજોખાં જોશો તો સમજાશે કે જેમ જેમ જ્યાં જ્યાં જરૂર જણાઈ તેમાં ફેરફારો થતા રહ્યા છે.

મૂલ્યાંકન કરવાનું થાય એટલે હંમેશાં આપણે બાળકો ધ્યાને લેતા હોઈએ છીએ! અને તેમાંય સ્પર્ધાત્મક વાતાવરણ : પોતાને બીજાથી વધુ સારું કરવાનું છે - તેવું પર્યાવરણ બનાવતું હોય છે - પરિણામે - પોતે વધુ સારું કરવું છે - તેના કરતાં પેલાં કરતાં વધુ સારું કરવું છે - તે બાળકોમાં એ તમામ દૂષણો પેદા કરનાર બને છે જેને આપણે સૌ ઈર્ષા, અદેખાઈ, હતાશા વગેરે કહીએ છીએ.

મૂલ્યાંકન! - શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? “મૂલ્યાંકન” ને જોવાની દૃષ્ટિ અથવા તો કહીએ કે એક જગ્યાએ ઊભા રહીને જોવાની જગ્યાએ તેને 360 ડિગ્રીએ ફરીને જોઈએ - તો આનો જવાબ સમજવામાં સરળતા રહેશે..! એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો - પરીક્ષા એટલે જ મૂલ્યાંકન - મૂલ્યાંકન એટલે જ પરીક્ષા! - એવી બનેલી માન્યતાને ધ્યાનમાં લઈએ તો એપ્રિલ એટલે મૂલ્યાંકનનો મહિનો! - હકીકતમાં લેખિત કસોટી એટલે જ સંપૂર્ણ મૂલ્યાંકન - ની જગ્યાએ સમજવું જરૂરી છે કે મૂલ્યાંકનનો એક ભાગ એટલે લેખિત પરીક્ષા! એટલે હવે આપણે સૌએ આ પરીક્ષાને જોવાની જગ્યા અને સમજવાની સમજણ 360 ડિગ્રી કરવી પડશે!

આપણે હંમેશાં બાળકોને એક આખા પરિણામમાં બાંધતા હોઈએ છીએ! પરંતુ બાળકોના પેપર ચકાસણીનો અનુભવ ધરાવતાં મૂલ્યાંકનકારના અનુભવ જાણીશું તો સમજાશે કે મોટાભાગનાં બાળકોનું પર્ફોર્મન્સ ચઢ-ઉતર વાળા આલેખ જેવું હોય છે. એટલે કે એક પ્રશ્નમાં ખૂબ સારું તો કદાચ પછીના પ્રશ્નમાં એકદમ ઓછું - તો પછીના પ્રશ્નમાં મધ્યમ - આવા પર્ફોર્મન્સને આપણે સૌ એક દોરામાં પરોવી પ્રશ્નની જગ્યાએ પ્રશ્નપત્રનો ગ્રેડ બનાવી દેતા હોઈએ છીએ! પરિણામે આપણે સૌ ફરીથી ગોથું ખાઈ જઈએ છીએ કે આપણે સમગ્ર વિષયને ધ્યાને લઈ લઈએ છીએ. પરંતુ આપણું કામ પ્રશ્નપત્રનું મૂલ્યાંકન કરવાનું નહોતું, આપણો મુખ્ય ધ્યેય પ્રશ્ન મુજબનું મૂલ્યાંકન કરવાનું હતું. હવે તમને ફરી પ્રશ્ન થશે કે અરે! બંનેમાં ફરક શું છે? પ્રશ્નો ભેગા થઈને બને તો પ્રશ્નપત્ર જ ને? બને તો પ્રશ્નપત્ર જ પણ મૂલ્યાંકન તો કરવાનું પ્રશ્ન મુજબ જ છે - તો જ્યારે પ્રશ્નને અલગ અલગ જોવાની જગ્યાએ સમગ્ર પ્રશ્નપત્ર તરીકે જોવાની શરૂઆત કરી છીએ, ત્યારે આપણે સૌ બાળકમાં રહેલા વિવિધ કૌશલ્યોને બારીકાઈથી જોઈ તેને મૂલવવાની તક ચૂકી જઈએ છીએ. પરિણામે જે આપણે મૂલ્યાંકનના મુખ્ય હાર્દને ચૂકી જઈએ છીએ!

આપણા ત્યાં જ્યારે જ્યારે મૂલ્યાંકન અંગેની વાત આવે ત્યારે બધાં જ બાળકોને એક જ ચેકલિસ્ટમાં ન મૂલવવા જોઈએ - આવો સંદેશો આપતું એક ચિત્ર ખૂબ શેર કરાય છે - જેમાં મૂલ્યાંકનકારની સામે બધાં પ્રાણીઓ ઊભાં છે, અને મૂલ્યાંકનકાર તેમને એક એક સ્કિલ અંગે ટાસ્ક આપી કસોટી લે છે! અને હાથીને માછલી સાથે તરવાની સ્પર્ધામાં ન ઉતારવો જોઈએ! એવો મેસેજ આપવાની વાત કરાતી હોય છે. જોકે  આ વાતને આપણે ક્લાસરૂમ કે આપણી શિક્ષણ મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સરખાવી ન શકાય - કારણ કે આપણા સૌનું એટલે કે શૈક્ષણિક સંસ્થાનોનું કાર્ય જ છે કે જે બાળકો હાથી જેટલું તરી શકે છે તેઓનામાં માછલીઓ વાળું કૌશલ્ય વિકસાવવું - કાચબા જેટલું દોડી શકે છે તેનામાં હરણ વાળું કૌશલ્ય વિકસાવવું. બાળકની મર્યાદા તેની ઓળખ ન બને તે માટે પણ તેનામાં કૌશલ્યો વિકસાવવા જરૂરી છે - અને તે તમે એક શૈક્ષણિક સંસ્થા તરીકે કેટલી ઝડપે કરી શકો છો? - તેનો આધાર તમારી મૂલ્યાંકન પદ્ધતિ પર અને તેને મૂલવવા માટેની તમારી નજર પર રહેલો છે! બાકી આ એક એવી પ્રક્રિયા છે જેમાં સતત બદલાવ આવતા રહેશે.

જોવાનું એ છે કે આપણે આપણા મૂલ્યાંકનને કેવી રીતે મૂલવીએ છીએ!