February 28, 2025

શીખવાની ચાવી !!

શીખવાની ચાવી !! 

શીખવાની કોઈ એક રીત નથી, ‘ને કોણ ક્યારે શું કેવી રીતે શીખશે એ નિશ્ચિત રીતે કોઈ જાણી શકેય નહીં !

શાળામાં અવારનવાર મુલાકાતીઓ આવતા હોય છે. શરૂઆતનાં વર્ષોમાં વારાફરતી કોઈ શિક્ષક એમની સાથે ચર્ચા કરે, શાળાની કાર્યપદ્ધતિ વર્ણવે એમ થતું. છેલ્લાં કેટલાક વર્ષોથી એમાં બાળકોની લીડરશીપ આવી ગઈ છે.

શિક્ષક પક્ષે અમારે અમારી પર આવેલા કૉલને આધારે કોણ આવવાનું છે ? કેટલા વ્યક્તિ હશે ? ક્યાંથી આવે છે ? આવવાનો ઉદ્દેશ્ય શું છે ? એટલું શાળા પ્રમુખને જણાવીએ ! એના આધારે એ સાંજે ગ્રૂપમાં ચર્ચા કરી આ વખતે શાળા મુલાકાત કોણ કરાવશે તે નક્કી કરે. દરેક વખતે વિદ્યાર્થીઓ બદલાય અને જો મુલાકાતીઓની સંખ્યા વધારે હોય તો તેમના પ્રતિનિધિ વધે અને તેઓ મુલાકાતીઓને જૂથમાં વહેંચી ચર્ચા કરે. આ ક્રમ આટલાં વર્ષ ચાલ્યા પછી અમને જણાય છે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં અને શિક્ષણના ભાષાની અગત્યની ક્ષમતાઓમાં જે કહ્યું છે એ આ બાળકોનું વર્ગમાં પુસ્તક સાથે કામ કરવામાં નહીં પણ આ ચર્ચાઓમાં થાય છે !

જેમ કે સૌરાષ્ટ્રથી આવેલા મિત્રો સાથે અને અમદાવાદથી આવેલા મિત્રો સાથે કઈ રીતે (હાવભાવ - શબ્દો - અને ટોન) વાત કરવી તે એ સહજતાથી નક્કી કરે છે. એ વ્યક્તિએ પૂછેલા પ્રશ્નનો જ જવાબ નથી આપતા પણ એ પ્રશ્ન પૂછવા પાછળ એમનો ઉદ્દેશ્ય શું છે તે સમજી જાય છે અને એ રીતે જવાબ આપે છે.

   શૈક્ષણિક પ્રક્રિયાઓ સમજાવે છે ! ક્લાસ નેવિગેટર શું છે ? દૈનિક આયોજન ચકાસણી કેવી રીતે કરાય છે? એકમ કસોટી ચેક કરવાની પદ્ધતિ શું છે? ડિજિટલ મેનેજર શું કરે છે ? દરેક વર્ગમાં શિક્ષણ-સચિવ શું કરે છે ? શાળા સંચાલન કરવામાં આવતી મુશ્કેલીઓ નિવારવા માટે ચેક લીસ્ટનો ઉપયોગ શું છે ?  જેવા મુદ્દાઓ એટલી સહજતાથી સમજાવી શકે છે જાણે કે કોઈકને નવી રમત રમતાં ન શીખવતા હોય !

આ બધું સાંભળી, સમજી અમને સમજાય છે કે મુલાકાતીઓનો ઉપક્રમ અમારા માટે એટલે કે માત્ર શિક્ષકો માત્ર જ નહીં પણ વિદ્યાર્થીઓને વિકસાવવાના નવા રસ્તાઓ ખોલી રહ્યો છે ! ફોટો પર ક્લિક કરો અને વિડીયો માણો !!


February 23, 2025

શબ્દ એ છે - એ જ કેમ છે?

શબ્દ એ છે - એ જ કેમ છે?

અમે કથા તો અંગ્રેજીની માંડેલી પણ એ વાતે વાતે ફરતી ફરતી ભાષામાં ભટકવા માંડી.  ધોરણ - ૭માં શિક્ષકે ચાર વાક્ય લખ્યાં. (અલબત્ત ઘરેથી ગૂગલ ડૉકમાં ટાઇપેલા)

·       Mohan is going to school.

·       Mohan will go to school.

·       Mohan goes to school.

·       Mohan went to school.

આમાંથી હું સ્થિતિમાં કે સમય બોલીશ તમારે તે ક્યું વાક્ય બોલાયું હશે એ ઓળખી કાઢવાનું છે. (વર્ગમાં શિક્ષક સિવાયના  ચહેરા : “અબ્બે આમાં કોઈ જગ્યાએ સ્થિતિ કે સમય બતાવતા કોઈ શબ્દ નથી.)

વર્ગના શિક્ષણ-સચિવશ્રી નિર્જલા (દેવી🤣) : પણ આમાં કોઈ શબ્દ નથી.

  શિક્ષક : છે - છે - તમે જોઈ તો જુઓ.

  અન્ય મિત્રો : હા, પૂછો તમે.

  શિક્ષક : હું અને પ્રિન્સી વાત કરી રહ્યાં છીએ અને એ સમયે મોહન સ્કૂલ જઈ રહ્યો છે અને મેં પ્રિન્સીને ઉપરના ચારમાંથી એક વાક્ય કહ્યું - બોલો ક્યું?

  ચાર પાંચ એકસાથે : પહેલું. આ તો સાવ સહેલું. મોહન ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ.

  શિક્ષક : યસ, સહેલું. આ વાત ગઈકાલની છે બોલો કઈ?

  રિતેશ : went વાળું વાક્ય : છેલ્લું.

  નિર્જલાદેવીજી 🤪 : હંક- એમ શેનું ?

  શિક્ષક : બરાબર છે એ પ્રકારે કહેવામાં સમજાય કે એ પહેલાંની વાત છે ! યાદ હોય તો આપણે એક Now - Before વાળાં વાક્યો છૂટાં પાડવાની પ્રવૃત્તિ કરેલી.

  નિર્જલા: ઓ - એમ બહુ ડખા. એમ કરેલું ને કસોટીમાં પૂછાયેલું તોય મારે પાંચે પાંચ ખોટાં પડેલાં.

  શિક્ષક : યસ, આઈ નો ધેર વોઝ ઓનલી વન સ્ટુન્ડટ ઇન ધ ક્લાસ. થેટ્સ યુ 🤣 ધ ગ્રેટ !

  અડધો ક્લાસ : કાગડી 🤣

  નિર્જલા: એમ નહીં પણ વેંટ શાનું થઈ જાય ?

  શિક્ષક : ગો કહીએ છીએ એમ વેંટ કહેવાનું !

  નિર્જલા : શા માટે?

  શિક્ષક : એવું કોઈ લોજિક નથી. ને તારે લોજીક જ શોધવું હોય તો એમ કહે કે આ હું કરું છું (ચાલીને વર્ગ બહાર જતાં જતાં) એને ‘જવું’ જ કેમ કહેવાય છે ?

  થોડીવાર ચૂપકીદી પછી- કોણ ? એ જ નિર્જલા : જો હું કહું છું કે તમને જ નથી ખબર કે એમ કેમ કહેવાય?

  શિક્ષક : હા, એ વાત એકદમ સાચી છે કે ભાષામાં કયો શબ્દ કેમ વપરાય અથવા એમ કહું કે વપરાતો થયો એમાં કોઈ તર્ક નથી. એ શરૂ થયા ત્યારે એમ જ એ રીતે બોલાયા ને વપરાયા !

  નિર્જલા: હોવ ! એમ ના હોય કશુંક તો હોય ને ! પ્લે હોય તો પ્લેડ કરીએ એમ કઈક તો હોય ને !

  શિક્ષક : (શ્રી ધમેન્દ્રને યાદ કરી) સારું હું કહું એને. આપણે શું બોલાય એ કહેજે !

  નિર્જલા : હા બોલો.

  શિક્ષક : ટી ઓ

  નિર્જલા : ટુ

  શિક્ષક : ડી ઓ

  નિર્જલા : ડુ

  શિક્ષક : જી ઓ

  નિર્જલા : (ખચકાઈ આંખો ગોળ ફેરવી ) હારા, ગંધાતા!

  શિક્ષક : હવે કહે ને કે લોજીક જ લગાડવાનું હોય તો ટીઓ ટુ થાય, ડીઓ  ડુ થાય તો  જીઓ તું ના બોલી એ જ બોલાવું જોઈએ પણ તેનો ઉચ્ચાર તો આપણે-

(આખો વર્ગ આમાં અટવાયેલો હતો ત્યારે રીતિક કંઈક જુદા વિચારમાં જ હતો એ મોટેથી બોલી પડ્યો સાહેબ જીઓ- ગુ 🤣🤣) ને સૌ એટલું હસ્યા કે વાત ના પૂછો.

પછી તો હારમાળા ચાલી એવા શબ્દોની કે જેના ઉચ્ચાર જે થવા જોઈએ એ ન થતાં જુદા થાય છે. તેમને એમ કે આપણે એમાં રહેલી ખામીઓ શોધીએ છીએ !

શિક્ષક તો એય મજા લેતો રહ્યો કે બેટાઓ આ જ રીતે તમને ક્યારે કયો સ્પેલિંગ લખવો અને કોનો શું ઉચ્ચાર થાય તે આવડશે !

February 21, 2025

ભાષા ખૂટે ત્યારે.. !

ભાષા ખૂટે ત્યારે.. !

વિશ્વ ભાષાદિવસના આગળના જ દિવસે ભાષાનો અનુભવ કરાવતી ઘટના ઘટી.

બન્યું એવું કે ધોરણ પાંચમાં  કોમન એન્ટરેન્સ ટેસ્ટની તૈયારીઓ ચાલતી હતી. તે અંતર્ગત તાર્કિક પ્રશ્નોનો મહાવરો કરાવતાં શિક્ષકે એક પ્રશ્ન ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ પર બતાવી કહ્યું કે તર્ક લગાવો કે આનો જવાબ તેની નીચેના વિકલ્પો પૈકી કયો હશે ? ટાઈમ સ્ટાર્ટ..

ટાઈમ અપ થતાં શિક્ષકે બધાંને પોતપોતાના જવાબ પૂછ્યા. જવાબ પૂછવાની રીત કઈક આવી હતી - A વાળા કેટલાં ? B વાળા.. C વાળા  D .. !     તાર્કિક રીતે વિકલ્પ પસંદ કરેલ બાળકો પૈકી એક દીકરી [ નામ જાણીજોઈને નથી લખ્યું ] ને કહ્યું “કહે તો વિકલ્પ કેમ પસંદ કર્યો ?” બે ત્રણ વાર પૂછવા છતાં કોઈ જવાબ નહીં, એવું પણ નહોતું કે કોઈને પૂછીને તેણે કહ્યું હશે ! - કારણ કે શિક્ષક સૌ બાળકોને ખૂબ સારી રીતે જાણે/સમજે છે. તે મુજબ આ દીકરીનો જવાબ પોતાના તર્કો આધારિત હશે જ તેની ખાતરી હતી. એટલે જ બીજી વાર પ્રશ્ન થોડો બદલીને  પૂછ્યો - “ વિકલ્પ કેવી રીતે આવે? - તે કહેને !  બીજી વારમાં પણ જવાબ ન મળતાં શિક્ષકનો ટોન ઊંચો થયો અને કહેવાતી સરળ ભાષા મુજબનો જવાબ કઢાવી શકાય તેવા પ્રયત્નમાં પૂછ્યું - તેં જવાબ શોધવા કેવી રીતે વિચાર્યું હતું તે કહે  ! છતાં પણ જવાબના બદલામાં ફક્ત શિક્ષકના ચહેરા સામે ટગર ટગર નજર અને તે પણ પ્રત્યુત્તર વિનાની - વધુ એક ઊંચા ટોન સાથેના જવાબ કઢાવવાના પ્રયત્નમાં   ટપ .. ટપ.. ટપ.. વાળો  જવાબ મળ્યો.. 

ઘણીવાર કેટલાય વર્ગખંડોમાં બનતી ઘટનાઓ પૈકીની આ ઘટના છે ! પરંતુ તેના પરના ચિંતનને આધારે આપણે સમજી શકીએ છીએ કે આપણામાં ભાષા હોવી એટલે શું ? અને તે કેટલી મહત્ત્વની છે ! અહીંયાં શિક્ષકના પક્ષે થયેલા વર્તનને જો દીકરીના પક્ષ તરફથી જોઈએ તો સમજાશે કે દીકરી પાસેથી જવાબ મેળવવા માટેના પ્રયત્ન કરવા માટેની જરૂરી ભાષાના શબ્દો ખૂટતા જતા હતા તેમ તેમ શિક્ષકનો ટોન ઊંચે જતો હતો ! દીકરીના રડવાનું  કારણ પણ  એમાનું એક હોઈ શકે છે. પોતે જ કરેલ તર્કને તે વર્ણવવાની પ્રક્રિયા માટે શબ્દો ન મળવાનું રીએકશન તરીકે તેનાં રડવાની એકશન સરખાવી શકાય.

ભાષાની અસમૃદ્ધિ હોય ત્યારે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. એટલે જ તો બાળકના જન્મથી ભાષા ઈનપુટ ન થઈ જાય ત્યાં  સુધીના સમયમાં ભૂખ લાગે કે ભીનું થાય -  મમ્મીને જાણ કરવા માટે રડવાનું જ થતું. હા, ધીમેધીમે ભાષા મળતી ગઈ તેમ તેમ એક્શન બદલાતી ગઈ. આજે પણ જ્યારે જ્યારે લાગણીઓ વ્યક્ત કરવા ભાષા ખૂટે છે ત્યારે ત્યારે રીએક્શન રૂપે એ જ એક્શન  દેખાય છે. એટલે જ તો સમજાવવા માટેની શિક્ષકની ભાષા ખૂટતાં ટોન ઊંચો થવા લાગ્યો અને પોતાના તર્કોને વર્ણવી સમજાવી ન શકનાર દીકરી રડવા લાગી.

વિચારો કે દુનિયામાંથી વ્યક્ત થવાની એકશન એવી માતૃભાષા જ ન હોય તો શું થાય !  કોણ કોને સમજે અને કોણ કોને સમજાવે !  આવી માતા સમાન માતૃભાષાનું મહત્ત્વ ગાઈને - બોલીને - સાંભળીને - સંભળાવી ને ન ઊજવીએ તો જ નવાઈ ! ચાલો, ફોટો પર ક્લિક કરો અને કેટલાક વીડિયો વડે માણો બાળકોના માતૃભાષાના સન્માનરૂપી વ્યક્ત કરેલ એ આનંદને !