November 30, 2024

અડધી વસ્તી માટે !

અડધી વસ્તી માટે !

👤 કયું નંદુ ! હોસ્પિટલ કે સામને ખડે હો કે ફૂ ફૂ કર રહા હૈ !” 

👤 બીવી બીમાર હૈ, અંદર હૈ !

👤 ક્યા હુઆ ભાભી કો ?”

👤 વહી..ઔરતોંવાલી બીમારી !

આ એડ દરેક મૂવી પહેલા આપણે જોઈએ જ છીએ.વહી..ઔરતોંવાલી બીમારી !બોલતી વખતે નંદુંના ચહેરા પર આવતો તુચ્છકાર અને નીચે ઢળી જતી આંખો એ અદાકારનો અભિનય કેટલો વાસ્તવિક છે તે દર્શાવે છે. આપણે એ અભિનયની પ્રસંશા કરી શકીએ - એ વાસ્તવિકતાની નહીં !

આ માનવસૃષ્ટિ જે સ્ત્રી વગર શક્ય નથી, જેમહાવારીપર નંદુ ફૂ ફૂ કરે એ જ પિરિયડ્સ તો આનંદની ઘટના છે ! સન્માનની ઘટના છે ! પરંતુ સમાજમાં કેટલાક ટેબૂ કારણ વગર છપાઈ જાય એમ આ વિષે પણ એમ જ થયું. કદાચ આપણા સૌની થોડી થોડી ભાગીદારી હશેય ખરી. 

ક્યારેક કોઈક બાળકે/કિશોર પૂછ્યું ય હશે કે આ કયા નેપકિન કે પેડની વાત કરે છે ? આ એડ સિગારેટ માટે છે તો આ અક્ષય કુમાર એને પેડ ખરીદવા કેમ કહે છે ? - અથવા આવા બીજા પ્રશ્નો બાળકોના મગજમાં આવ્યા ય હશે - ક્યાંક મનમાં રહ્યા હશે ક્યાંક પૂછાયા હશે !

મુખ્ય સવાલ એ છે કે એ પૈકી ક્યા પ્રશ્નોના જવાબ અપાયા હશે ?

શાળામાં દીકરીઓ સાથે તો તરુણાવસ્થા અને પિરિયડ્સ દરમિયાન રાખવાની કાળજી અને સ્વચ્છતા અંગે ચર્ચા થતી જ રહે છે ! આ વખતે થયું કે છોકરાઓનું પણ ઓરીએન્ટેશન થવું જોઈએ. વાત કેવી રીતે મૂકવી તેની થોડીક મૂંઝવણ પણ હતી જ ! જો માત્ર ધોરણ - 8 હોય તો તો તેમના વિજ્ઞાનના ટૉપિક પરથી વાત શરૂ કરી શકાય પંરતુ 6 થી 8 ના બધા છોકરાઓ સાથે સંવાદ કરવો હતો. ધીમે ધીમે સમજાયું કે આ અક્ષયકુમાર વાળી જાહેરાત જ સારી પ્રિટાસ્ક બની શકે. 

 બે ઉદ્દેશ્ય રાખ્યા : 

1.   છોકરાઓ મમ્મી, બહેન અને સહાધ્યાયી પ્રત્યે સંવેદનશીલ બને. 

2.    બી અ મેન - એટલે રુક્ષતા નહીં પરંતુ તમારી પાસે સૌ ડર કે સંકોચ વગર આવી શકે તે સમજાવવું. 

એના પરથી વાતચીત કરી - તેમનાં મમ્મી કે બહેન માટે તેઓ શું કરી શકે ? શા માટે એમ કરવું જોઈએ ? હોર્મોન્સ શું છે ? પેડ શા માટે વાપરવું પડે ? આ દિવસો દરમિયાન તેઓ કેવી માનસિક, શારીરિક, ભાવનાત્મક અસરોમાં હોય છે ? જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. 

એ બાબત વિષે પણ સમજાવ્યું કે મજાક કે મસ્તી આપણા (છોકરાઓ માટે) માત્ર એ મિનિટ કે એ સમય પછી ભૂલી જવા જેવુ કામ હોય છે પણ હજુય કેટલાંક ઘર એવાં છે કે જેમાં કોઈ છોકરી તમારી એવી મજાક કે મસ્તીની ફરિયાદ કરે તો એની કૉલેજ બંધ કરી દેવામાં આવે ! હવે એ વખતે આપણને યાદ પણ નથી હોતું કે આપણી મજાક આવીય અસર કરશે ! 

એક જ ઉપાય છે આપણાં વાણી અને વર્તન એવાં રાખીએ કે કોઈનેય આપણી નજીક આવવામાં ડર ન લાગે અને એ સુરક્ષિત અનુભવી શકે ! સતત એ વિષે જાગૃત રહીએ કેમારુ આ વર્તન બરાબર છે કે નહિ!આપણે જ આપણા એવા શિલ્પી બનીએ અને આપણને ગમે એવું આપણું શિલ્પ રચીએ !

આ બધી ચર્ચા દરમિયાન ક્યાંય એમના કોઈના ચહેરા પર નંદુના ચહેરા જેવો તુચ્છકાર ન દેખાયો એ વાતના સંતોષ સાથે આ વીડિયો - દરેક કિશોરને બતાવી શકાય એવો છે ! 

અને હા, અહીંયાં વપરાયેલું શીર્ષકઅડધી વસ્તી માટે !એ સ્ત્રીઓ માટે નહીં - પુરુષો માટે છે.

બાળકો સાથે થયેલ સંવાદમાં ભાગીદારી નોંધાવવા ઉપરોક્ત ફોટો પર ક્લિક કરો !

video -: 

November 24, 2024

અંગ્રેજીનો પેરાડોક્સ !

અંગ્રેજીનો પેરાડોક્સ ! 

વાંચવાનું શરૂ કરો તે પહેલાં ગૂગલ પર “paradox” સર્ચ કરી વાંચી પછી આગળ વાંચો !

ભાષાના સ્વભાવથી પરિચિત થવા તે ભાષા વધુ ને વધુ સાંભળવા મળે તે ઉત્તમ સ્થિતિ છે. જેટલી વધુ સાંભળવા મળે એટલી તે જીભે વહેલી ચડે ! તમારી આસપાસ હમણાં જ બોલતા શીખેલું બે ત્રણ વર્ષનું ટાબરિયું તમને આવીનેકૈસે હૈ ? ખાના ખાના હૈ ! કે અચ્છા હમ ચલતે હૈ !બોલી જાય ત્યારે હવે નવાઈ લાગતી નથી. હવે આપણને સમજાઈ ગયું છે કે પોતાની આસપાસ રહેતા માણસો કરતાંય હવે તે મોબાઇલમાં આવતા જુદા જુદા કાર્ટૂન સાથે સંવાદ વધુ કરે છે ! 

(હા, સંવાદ જ - એ ક્યારે તેના એક પાત્રને બોલતાં સાંભળે છે અને તેમાં રહેલું બીજું પાત્ર કંઈ પણ બોલે તે પહેલાં એના મગજમાં શું બોલાય તેનું ચિત્ર ઉપસતું જ જાય છે ! અને આવું જોયા પછી એ એકલું એકલું તેના જુદા જુદા સંવાદો બડબડાટ કર્યા જ કરે છે !) 

એટલે ગુજરાતમાં જન્મે એ બાળક માટે ગુજરાતી અને હિન્દી ભાષા બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી પડતી નથી -  એનાથી વિપરીત અંગ્રેજી - આપણા કાન જ્યાં જ્યાં અંગ્રેજી શરૂ થાય એટલે બંધ જ થવા માંડે ! યાદ કરો ક્રિકેટ જોતી વખતે તમે કઈ ભાષામાં કોમેન્ટરી પસંદ કરો છો ? અંગ્રેજી મૂવી અંગ્રેજીમાં જુઓ છો કો હિન્દીમાં ડબ થયેલા ! અને આ કારણે શરૂ થાય છે એક અજબ પેરાડોક્સ !

અંગ્રેજી આવડે તો સાંભળીએ- એવું આપણે માનીએ છીએ.

અંગ્રેજી સાંભળીએ તો આવડે. - એ અંગ્રેજી શીખવાની ચાવી છે.

હવે આ સ્થિતિમાં આપણને ક્યારેય અંગ્રેજી સાથે દોસ્તી થશે જ નહીં.

 

આવું, જ વાંચવાની બાબતમાં પણ થાય છે. જેવું આપણી નજરે અંગ્રેજી પડે એટલે આપણે એ લખાણ  બીજા તરફ ધરી દઈએ છીએ કે શું લખેલું છે ? આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણને કોઇકવાર ગુજરાતી લિપિ પણ ઉકેલતાં નહોતી જ આવડતી. અને એ લિપિ આપણે ભૂલો કરતાં કરતાં જ શીખી છે.  જેમાં શરૂઆતમાં એકાદ અક્ષરને આધારે એ કયો શબ્દ છે તે ધારીને બોલતા/વાંચતા  હતા - ઘણી વાર એક શબ્દ વાંચી જઈએ તેના આધારે તેની પાછળનો શબ્દ કયો હોઈ શકે એ વાંચતા હતા ! અને અત્યારે પણ - જ્યારે આપણને ભાષાના બધા અક્ષરો ઉકેલતાં આવડી ગયા છે ત્યારે પણ આપણે શબ્દશ: વાંચતા નથી આપણેઅર્થ બનાવતા જઈએ અને વાંચતા જઈએએમ કરી છીએ. 

આ જ બાબત અંગ્રેજી વાંચવામાં પણ લાગુ થાય પણ આપની આડોડાઈ ગણીએ કે પેરાડોક્સમાં ફસાઈ જવાની આપણી વૃત્તિ ! આપણે પ્રયત્ન કરતા નથી અને આપણાં બાળકો તો આપણને જોઈને જ શીખે છે !એટલે એ પણ અંગેજી વાંચવાનું ટાળે જ - અને એ ટાળે એટલે વાંચતાં આવડે નહીં !

આ પેરાડોક્સે આપણા ધોરણ - સાતને પરેશાન કર્યું. પરંતુ તે જ ધોરણના સાગરને મળેલા એક નાનકડા આત્મવિશ્વાસથી આ આખી મિથ ક્રેક કરી નાખી. જે વિદ્યાર્થી એકાદ વાક્ય વાંચવામાં મુશ્કેલી અનુભવતો હતો એ કડકડાટ અને અર્થપૂર્ણ રીતે વાર્તા વાંચતો થઈ ગયો ! 

આ ઘટના પર રિફલેક્શન કરતાં સમજાયું કે જો તેઓ થોડુંક વાંચતાં થાય અને તેઓને અનુભૂતિ થાય કેયેસ, આઈ કેન રીડ ઇંગ્લિશ !તો બાત બન શકતી હૈ. 

આ વિચારને વર્ગમાં લઈ જવા તેઓને જૂથમાં બેસી એવા શબ્દો શોધવા કહ્યું કે જે બધા યુનિટમાં આવતા જ હોય - એ વાંચતાં આવડે ના આવડે મહત્ત્વનું નથી પણ એવા શબ્દો તારવો કે જે અંગ્રેજી ભાષા જ્યાં જ્યાં છપાયેલી હોય ત્યાં ત્યાં હોય જ !

એમણે ભેગા થઈ 50 શબ્દો શોધ્યા ! (અમને 7043718875 પર અંગ્રેજી શબ્દો એમ લખીને વોટ્સેપ કરજો આપને પણ મોકલી આપીશું.) 

એ શબ્દો એવા શબ્દો હતા જે વારંવાર આવે જેમ કે - you, my, are, is, the, a, an વગેરે !

હવે કોઈ પાનું ખોલીએ અને આટલા શબ્દો વાંચતાં આવડે એવું લાગે તો આગળ વધુ પ્રયાસ કરવાનું મન થાય !

તેઓ મથી રહ્યા છે - પોતાના ગ્રુપના બધા સભ્યોને આવા શબ્દોમાં સહજ બનાવવા ! પરિણામ શું આવશે એ તો પછી જ કહી શકાય - પણ એક બાબત તો થઈ જ રહી છે કે તેઓ સૌ આત્મવિશ્વાસથી ભરેલા છે કેયેસ, વી કેન !” 

શું લાગે છે ? તોડી શકીશું આ અંગ્રેજીનો  પેરાડોક્સ?




November 20, 2024

વાલી – શાળા – બાળક !

વાલી – શાળા – બાળક !

પ્રાથમિક  શિક્ષણ એ ત્રિકોણીય પ્રક્રિયા છે. શિક્ષણ કાર્યમાં અસરકર્તા અથવા તો મહત્વનાં જોડાયેલ ત્રણ પાસાં છે. એક બાળક પોતે જે મુખ્ય કેન્દ્ર છે, બીજાં છે  તેના વાલી અને ત્રીજા આપણે સૌ એટલે કે શિક્ષક ! ત્રણેયનું સંગમસ્થાન એટલે શાળા કે જ્યાં બાળકના વિકાસ માટેની પ્રક્રિયાઓ થયા કરે છે. 

આપણે ત્યાં શિક્ષણવ્યવસ્થામાં વાલીને ફક્ત ઉપભોક્તા તરીકે જોવામાં આવ્યો છે. તે  માને છે કે મારું બાળક અહીંયાં શાળામાં ભણે છે. અથવા તો હું મારા બાળકને અહીંયાં - શાળામાં ભણવા મોકલું છું.  ખરેખર તો તે બાળકના શીખવાની પ્રક્રિયાનો એ પોતે જ મોટો હિસ્સો છે. અને ખૂબ અસરકર્તા પણ છે. પરંતુ આ બાબત વ્યવસ્થાઓમાં એટલી બધી પ્રકાશિત થઈ શકી નથી જેટલી થવી જોઈએ. શાળા વ્યવસ્થાપન સમિતિ આમ તો શાળાની દરેક પ્રક્રિયાની દેખરેખ રાખતી સંસ્થા ભલે હોય, પરંતુ બાળકના પોતાનાં વાલીઓ બાળકના શિક્ષણમાં ભાગીદારી [ અહીં જાણી જોઈનેજાગૃતિશબ્દ ઉલ્લેખાયો નથી. ] વધારે તે ખૂબ મહત્વનું છે. જન્મથી જ બાળક માતા-પિતાની આસપાસ  મોટું થાય છે, તેની આસપાસના સમાજના હાથમાં ઉછરે છે. અને ત્યારબાદ તે શાળા એટલે કે શિક્ષક સાથે જોડાય છે.  આવી બધી જ વ્યવસ્થાઓ કહીએ કે પછી પ્રક્રિયાઓ - બાળક માટે વધુ સમય શિક્ષક કરતાં પણ સમાજ આપે છે. એવામાં સમાજ જો શાળાની વર્ગખંડ - શૈક્ષણિક કાર્યપ્રણાલીથી  વાકેફ હોય તો પોતાનાં બાળકો સાથેના પસાર થતા સમયમાં તે શાળાને સપોર્ટિંગ રોલમાં ખૂબ સારું કરી શકે.   

આપણી શૈક્ષણિક વ્યવસ્થાઓને રિક્ષા સ્વરૂપે ચાલતી જોઈએ તો બાળક તેનું પ્રથમ પૈડું છે, જ્યારે પાછળનાં બે પૈડાં તે શિક્ષક અને વાલી ! જો ઉપરોક્ત બાબતો તમને સમજાઈ હોય તો પાછળનાં બે પૈડાંમાં પણ શિક્ષક કરતાં વધુ મહત્ત્વનું પૈડું તે તેનાં માતાપિતા અને વાલી છે. આવાં મહત્ત્વનાં આપણાં સાથીને વધુ મજબૂત કરવાનો ઉત્સવ એટલે જ વાલીસંમેલન ! 

આપણે જોયું હશે કે બાળકોના જવાબપેપર જોવા આવતા વાલીઓ ક્યારેક દુખી તો ક્યારેક બાળકોને લડવાના મૂડવાળા થઈ જય છે ! તેવામાં વાલી સાથે સંવાદ થવો અનિવાર્ય છે. શૈક્ષણિક સંસ્થાઓએ વાલીઓ સાથે બાળકની જવાબવહીને જોવાની દૃષ્ટિ અંગે ક્યારેય ચર્ચા કરી નથી ! માર્કને ટ્રેડમાર્ક બનાવી દઈને ચિંતિત થવાને બદલે  માર્કનું માર્કિંગ કરી બાળકને આગળ વધવામાં સહાય કરવા અંગે ક્યારેય સંવાદ કરાયો નથી. બાળક પોતાનો વધુ સમય જ્યાં ગાળે છે તે પર્યાવરણને, વધુ સમય જેની સાથે રહે છે તે વ્યક્તિઓ એટલે કે વાલીઓ સાથેનું શિક્ષકનું ટ્યુનિંગ આ કામ ખૂબ સારી રીતે કરી શકતું હોય છે. અને તે કામ વારંવાર સમાજની વચ્ચે જતો પ્રવૃત્તિશીલ શિક્ષક અથવા તો વારંવાર વાલીઓ સાથે સંવાદ કરતી શાળા જ કરી શકે છે. 

જો શીખવા - શિખવવાની યુક્તિ-પ્રયુક્તિમાં સામાન્ય ફેરફાર કરી કેટલીક શૈક્ષણિક પ્રક્રિયાઓમાં બાળકને જરૂર પડે તે રીતે બાળકના વાલીને પણ જોડવામાં આવે તો આ કામ ખૂબ સરળ બની શકે. વ્યવહારુ ગણિતની વાત હોય કે પછી પર્યાવરણ અંગેની  ચર્ચા હોય - આ કામ શિક્ષક કરતાં પણ વધુ સારું દુકાનદાર - ખેડૂત - પશુપાલક વગેરે કરી શકતા હોય છે. બાળકોને અપાતા ગૃહકાર્યમાં પણ જો બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે અથવા તો વાલીએ જોડાવું પડે તેવા પ્લાનિંગ સાથે હોય તો ધીમે ધીમે વાલી અનુભવતો જાય કે બાળક કેવી રીતે શીખે છે? કેવા સંવાદથી સમજે છે? આવી સમજણવાળો વાલી બાળકનો મોટો સાથીદાર બની શકે છે. 

અને હા, આ રીતે જો આપણા પ્રયત્નો વડે આપણે વાલીને વર્ગખંડ સાથે જોડીશું તો પોતાનાં બાળકોની જવાબવહી જોતા સમયે ચિંતા કરતા અને ચિંતા કરાવતા વાલીઓ ચિંતા છોડી આપણી સાથે બાળકના અભ્યાસ માટેનાચિંતનમાં જોડાશે. ચાલો, ત્યાં સુધી ગણિત અંતર્ગત સમાજમાં ચાલતી વ્યવહારિકતા અંતર્ગત કરાતી લેવડદેવડને જાણવા એટલે કે  વ્યવહારિક  દાખલા શીખવા ગામમાં જ ક્લાસ લગાવેલ બાળકોને મળીએ !  [ ફોટો પર ક્લિક કરો ]