વિષયોના
આટાપાટા !
શાળા એટલે શું? શાળા એટલે વર્ગખંડો. તો વર્ગખંડો એટલે શું? વર્ગખંડ એટલે જ્યાં બાળકો વિષયવાર તાસ મુજબ અથવા
તો અલગ અલગ વિષયો સૌ સાથે બેસીને ભણતા હોય તેવો એક ખંડ એટલે કે રૂમ? શાળાકીય માળખું વર્ષોથી આ જ રીતે ઊભું થયું છે. અને સમાજ
પણ શાળા એટલે વર્ગખંડોનો સમૂહ અને વર્ગખંડ એટલે વિષય ભણવા માટેની જગ્યા એવી જ માન્યતા
સાથે આગળ વધી રહ્યો છે. આ માન્યતા ખોટી પણ નથી આ વ્યવસ્થાના એક
ભાગરૂપે છે.
સમાજ અને વાલીઓ માટે
ભણવું એટલે અલગ અલગ વિષયોનો અભ્યાસ કરવો. બાળકો પણ જ્યારે સવારે શાળાએ
આવવા નીકળે ત્યારે તેઓ પણ સમયપત્રકમાં આજે કયો વિષય ભણવાનો છે? ક્યારે ભણવાનો છે? તે મુજબનું દફ્તર તૈયાર કરીને શાળામાં
આવતા હોય છે. આ બધું વ્યવસ્થાના એક ભાગરૂપે હોય છે. શિક્ષક તરીકે આપણે પણ વ્યવસ્થાના મુખ્ય ભાગરૂપે છીએ. મુખ્ય ભાગ એટલે આ વ્યવસ્થાઓનું સંચાલન કરનાર અથવા તો એમ કહીએ કે આ વ્યવસ્થાઓનું
આયોજન કરનાર. બાળકો પણ આપણને આ દૃષ્ટિએ જ જોતા હોય છે.
જેમ આપણે આપણા બાળકને બાળક તરીકે જોવાને બદલે વિદ્યાર્થી તરીકે જોઈએ
છીએ. આ ધોરણ છનો વિદ્યાર્થી...પાંચનો વિદ્યાર્થી...
ધોરણ આઠનો વિદ્યાર્થી...
આ રીતે બાળકો પણ આપણને માણસ તરીકે જોવાને બદલે ગુજરાતીના સાહેબ,
પર્યાવરણના સાહેબ , અમારા ગણિતના સાહેબ આવી દૃષ્ટિએ જોવા ટેવાઇ ગયાં છે. એમાં બાળકો કે વાલીઓ અથવા તો સમાજનો પણ વાંક નથી. કારણ
કે વિષયોની વાડાબંધી વડે જ સમગ્ર વ્યવસ્થા તંત્ર આપણે ચલાવી રહ્યા છીએ. તે વ્યવસ્થાનો જ ભાગ છે એટલે તે ખોટું પણ નથી, પરંતુ
શિક્ષક તરીકે આપણે જ્યારે વિષયના વાડામાં પુરાઈ જઈએ છીએ ત્યારે આપણે શિક્ષક એટલે કે
મા-સ્તર નહીં, પરંતુ એક વિષયના નિષ્ણાત
તરીકે બાળકો સામે જતા હોઈએ છીએ અને બાળક પણ આપણને તે વિષયના શિક્ષક તરીકે જોતો હોય
છે.
અહીંયાં માસ્તર અને વિષય શિક્ષકનો ઉલ્લેખ એટલા માટે કે બાળપણમાં
બાળકની મૂંઝવણ હોય કે જાણવાની આતુરતા. માતા હંમેશાં બાળકની મદદમાં શિક્ષક
તરીકે સાથે હોય છે. બાળકોના પ્રશ્નોના જવાબમાં કયારેય માતા
“આ વિષય મારો નથી” તેવી ભાવના કયારેય વ્યક્ત કરતી
નથી. માતાના સ્તર સુધી પહોંચનાર શિક્ષક કયારેય વર્ગખંડમાં વિષયોના
વાડા અનુભવતો નથી. અવશેષ શબ્દ આવતાં જ બાળકોના મનમાં સામાજિક
વિજ્ઞાન ભણાવતા શિક્ષક યાદ અપાવે ત્યારે સમજવું કે આપણે વિષયોની વાડાબંધી બાંધી છે.
ગણિતમાં ભાગાકારમાં વધતા ‘શેષ’ સમયે જો વધેલ શેષ એ આ ભાજ્યનો ‘અવશેષ’ એટલે કે ભાજ્યના અવયવનો શેષ છે એવી ચર્ચા કરવાનું આપણને યાદ નથી આવતું તો સમજવું
કે આપણે એ વાડામાં પુરાઈ ગયાં છીએ.
બાળકો સાથે કામ કરતાં કરતાં સમજાયું કે જ્યારે પણ એમની જાણવાની ઉત્સુકતા હોય ત્યારે બાળકોએ તે સમયે સાંભળેલું, જોયેલું ચિરસ્મૃતિમાં અંકિત થઈ જાય છે. ધોરણ ત્રણમાં અંગ્રેજીના તાસમાં એક ગેમ રમાડવાના આયોજન સાથે પહોંચેલા શિક્ષકે ગેમ અંગેના નિયમો જણાવતાં કહ્યું જૂથ મુજબની ટીમ હશે. ગ્રીન બોર્ડ પર કેટલાક સ્પેલિંગ લખેલ હશે. તમામ ટીમના એક એક ખેલાડી સામે બોર્ડમાં લખેલા સ્પેલિંગમાં કયો સ્પેલિંગ ભૂંસાઈ ગયો છે ? તે કહેશે. જે ગ્રુપનો બાળક પહેલો જવાબ આપે તેને 10 પોઇન્ટ અને જવાબ ખોટો પડ્યો તો માઇનસ 5 કરવામાં આવશે. તરત જ બાળકોએ કહ્યું માઇનસ પાંચ ? એટલે કેટલા ? પછી તો તાસ પ્લસ અને માઇનસ વિશેની ચર્ચા એટલે કે અંગ્રેજીમાંથી ગણિત તરફ વળ્યો. માઇનસ થશે એટલે તમારી પાસે પાંચ પોઇન્ટનું દેવું થશે ! દેવું થશે ? - દેવું એટલે ? પાછો ક્લાસ મેથ્સમાંથી ભાષા ગુજરાતી તરફ ગયો. દેવું એટલે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના લીધા હોય અને આપણે તેને આપવાના રહે તે એટલે કે ઉધાર ! આમ કરતાં કરતાં ચર્ચાઓમાં જાણે કે કેટલાય વિષયો અંદર ગૂંથાતા ગયા. પછી તો અંગ્રેજીની ગેમ બાજુએ રહી અને (આપણી માન્યતાઓ મુજબ) ચર્ચા આડા પાટે ચાલી. પરંતુ સમયાંતરે જ સમજાય છે કે આજે જે આડો પાટો લાગે છે એ જ પાટો બાળકોને જ્ઞાનની મંજિલ સુધી પહોંચાડનાર સીધો પાટો છે. બધું જ તો કેમેરામાં કેદ થઈ શક્યું નથી, પણ ચાલો જોઈએ એ ધોરણ ત્રીજાનો વિડિયો જ્યારે અમે આ આટાપાટા રમતાં હતાં... Video link