September 27, 2023

પ્રકૃતિને માણવાની-જાણવાની નજર !

પ્રકૃતિને માણવાની-જાણવાની નજર !

પ્રાથમિક કક્ષાએથી આમ તો બાળકોને આસપાસના પર્યાવરણ તરફ અવલોકનવૃત્તિ વિકસે તે માટેના પ્રયત્નો શાળા કક્ષાએ થતા રહ્યા છે. શાળાએ એવાં કોઈ પ્રસંગોને છોડ્યા નથી જેમાં બાળકોને વધુમાં વધુ અવલોકન તેની ચર્ચા અને તેના દ્વારા વધુ વિગતો પ્રાપ્ત થાય. અને એટલા માટે ભૂતકાળના મોટાભાગના પર્યટન/પ્રવાસ - હંમેશાં બાળકો વધુમાં વધુ વસ્તુઓ જુએ અને તેઓ તેના વિશે જાણે - તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત થતાં. બાળકો જન્મથી સ્વભાવગત નવું જોવા જાણવા આતુર હોય છે - અને અત્યાર સુધી અમે પણ તેના આવા ગુણને ક્રમશ જાળવવા શાળા કક્ષાએ સતત પ્રયત્નશીલ રહ્યા છીએ.

સમયાંતરે ખ્યાલ આવતો ગયો કે બાળકોમાં પ્રવાસ પર્યટન વડે વસ્તુ - વ્યક્તિ - પર્યાવરણ - પ્રકૃતિ વગેરેને રૂબરૂ કરાવવાની સાથે સાથે બાળકોમાં તે બધાંને જોવા - માણવા માટેની નજર પણ વિકસાવવી મહત્ત્વની છે. બાળક  તો બાળક છે. તેને નવું નવું જોવું ગમતું હોય છે. તેને નવું નવું જોઈને અચરજ પણ થતું હોય છે ! પરંતુ પછી શું ? તો કહી શકાય કે ત્યારબાદ આપણા સૌની એટલે કે  શાળાની જવાબદારી વધે છેઉદાહરણ તરીકે કહીએ તો બાળકોને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવા જવાની જાણ કરવામાં આવે ત્યારે આસપાસનું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠશે - તે તમામ શાળામાં બનતી આનંદની ઘટના છે. પરંતુ આપણે સૌ સંગ્રહાલયની મુલાકાત પછી બાળકોને પૂછીએ તો તેમણે ફક્ત પ્રાણીઓને જોવાની મજા માણી હોય છે - પ્રાણીઓ - તેમની ટેવો - વગેરે વિશે પૂછીએ તો જવાબમાં કંઈ ના મળે ! એમાં બાળકોનો કે આપણો વાંક નથી. એનું કારણ છે કે આપણે સૌ પણ બાળક - કે વિદ્યાર્થી હતાં ત્યારે આપણામાં આવી કોઈ સ્કિલ વિકસાવવા - એટલે કે આપણી આસપાસની પ્રકૃતિને એક અલગ નજરથી નિહાળવા માટેની નજર ઇન્સ્ટોલ કરવામાં આવી નહીં ! અથવા તો એવો કોઈ પ્રયત્ન થયો નહીં, પરિણામે આપણે પણ બાળકો સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગયાં ત્યારે આપણે પણ પ્રાણીઓને બાળકોની નજરે માણી પાછાં ફરીએ છીએ.

તે માટે શાળાકક્ષાએ થોડાં વર્ષોથી બાળકો પર્યાવરણથી પરિચય કેળવે તેવા ઉદ્દેશ્ય સાથે કેટલાક પ્રયત્નો શરૂ થયા. જેમાં અક્ષયપાત્ર, શાળા કેમ્પસમાં ચબૂતરો - શાળા કેમ્પસમાં નવાં ફૂલછોડ અને તેનાં વડે પતંગિયાં સહિત નવાં નવાં જીવજંતુઓ જોવા મળે તે માટે બાગ બગીચાઓ વિકસાવવા માટેના કાર્યક્રમો અમલમાં આવ્યા.

બાળકની પ્રકૃતિ તરફ જોવાની નજર વિકસે તે માટે આપણા સૌ દ્વારા ઓછા પ્રયત્નો થયા છે.. થોડા સમય પહેલાં અમે દિશામાં બાલવાટિકા સહિતનાં ધોરણ પહેલા - બીજાનાં બાળકો માટે એક પ્રયત્ન કર્યો. જેમાં બાળકોને ગામ બહાર તળાવની પાળે પર્યટન સ્વરૂપે લઈ ગયાં. ત્યાં જઈને શું કરવાનું ? [ તમે ક્લિક કરી જોઈ શકશો > પર્યટન  ] જોકે, સાચું કહીએ તો આવું કરાવવાનો અમારો ઉદ્દેશ્ય બાળકોને પ્રકૃતિ પ્રત્યે જોવાની નજર આપવા કરતાંય બાળકો ધ્યાનમાં એકાગ્રતા કેળવે તે હતો ! જો કે પ્રકૃતિને ધ્યાનથી જોવાની નજર કેળવાનું પહેલું પગથિયું કહીએ તો પણ કઈ ખોટું નથી ! પરંતુ કહેવાનો મતલબ કે શાળા બાળકોમાં આવાં કૌશલ્યો વિકસાવવા માટે સતત ચિંતિત રહી છે !

અને એવામાં દોડનારને ઢાળ મળે તેમ શિક્ષકદિનની અમને ભેટ મળી - ડૉ. રાહુલ ભાગવત અને નિશા ભાગવત ! [ નરેન્દ્રભાઇ મિસ્ત્રી - ફરીથી આભાર ] તેઓની સાથે વાતચીત કર્યા પછી વાતનું અચરજ હતું કે તે દંપતી પક્ષીઓને જેટલું નજીકથી જાણે છે, એટલાં આપણે સૌ આપણાં બાળકોને પણ નથી જાણતાં !

વાલીઓ સાથે રાત્રિના સેશનમાં સાપ વિશેની ગેરમાન્યતાઓ વિશે ચર્ચા કરી. બિનજરૂરી સાપને મારી નાખવા અંગે ચર્ચા કરી. બાળકોને પ્રકૃતિ વિશેની નવી નવી વાતો - નવાં નવાં પક્ષીઓ વિશે તો બાળકોને જાણવાની મજા આવી - પરંતુ તેમણે બાળકોમાં પ્રકૃતિને જોવાની એક અલગ નજર વિકાસવાનાં બીજ પણ રોપ્યાં ! તેઓના એક સેશન પછી - બાળકો પોતાની આસપાસના પક્ષીઓને ધ્યાનપૂર્વક જોતાં થયાં - આવું અમે બીજા દિવસની બાળકોની પોતાના મિત્રો સાથેની ચર્ચા પરથી કહી શકીએ છીએ - લીમડા પરથી ઊતરીને બે પગે ઊભી રહેતી ખિસકોલીને અમે ફક્ત માણતાં , તેને બદલે તે આવું શા માટે કરે છે તેની કેમ્પસમાં ચર્ચા થાય છે ! બૂલબુલ દર વર્ષે શાળા ભવનમાં મળો બનાવી બચ્ચાંને ઉછેરતી. પરંતુ બાળકોએ વર્ષે માને બચ્ચાંને ઉછેરતી માણી અને બચ્ચાંની ટેવને જાણી !

બસ, હવે શાળા તરીકે અમારા સૌનું કામ છે - “પ્રકૃતિને અલગ નજરથી માણવાની નજર”- નાં બાળકોમાં રોપાયેલાં બીજને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી વટવૃક્ષ બનવા દેવાં !