એક ફૂલ ઊઘડતું જોયું.. 🌸🍀🌻
કોવિડ દરમિયાન લેવાયેલા ઓનલાઇન ક્લાસિસ પછી એક નવી જ પ્રથા શરૂ થઈ છે – તે છે વર્ગની શરૂઆત કોઈક કાવ્યથી કે ગીતથી કરવી! ગણિતના વર્ગમાં માપવું ક્યાંથી અને કેવી રીતે તે વિશેની ચર્ચાની શરૂઆત ધ્રુવ ભટ્ટના કાવ્ય
'એક ફૂલ ઊઘડતું જોયું'થી કરી (ગીત સાંભળવું હોય તો આ રહ્યું : ધ્રુવ
ગીત )
ઇન્ટરેક્ટિવ ફ્લૅટ પૅનલ પર એ ગીત આખેઆખું જોવાઈ ગયું પછી 'તેમાં તમે કઈ કઈ વસ્તુઓ જોઈ?' એ પૂછ્યું તો બાળકોએ તો એક લાંબી યાદી આપી! 'તેમાંથી કઈ વસ્તુ નાની કે મોટી હતી?' તે પૂછ્યું તો તેમણે તેના જવાબ આપ્યા.
શિક્ષકે રિફ્લેક્શન માટે પૂછ્યું,
"વીડિયોમાં પર્વતની આગળ એક ફૂલ હોય ત્યારે તો ફૂલ મોટું દેખાતું હતું,
એમ છતાં પણ તમે પર્વત મોટો એવું કેમ કહ્યું?"
થોડી વાર પછી પ્રતિભાવ મળ્યો.
હા, તેનો અર્થ એમ થયો કે આપણે વસ્તુને નાની કે મોટી જોવા માટે તેને યોગ્ય સ્થાનથી જોઈશું તો જ નક્કી કરી શકીશું. બીજો વિચાર એ કરવામાં આવ્યો કે કોઈ પણ વસ્તુ ખરેખર નાની કે મોટી હોય છે કે આપણે તેને કોઈકના સંદર્ભમાં જોઈએ છીએ ત્યારે જ તે નાનીમોટી, ઊંચીનીચી,
જાડીપાતળી, મોંઘીસસ્તી – જેવું લાગી શકે? અને જાણે વર્ગમાં આ વિચાર કરવાના દીવા ઝળહળી ઊઠ્યા.
બીજી ટાસ્ક એવી આપવામાં આવી કે દરેક જણ પોતપોતાની પાસે રહેલી માપપટ્ટી વડે શિક્ષકની ઊંચાઈ પોતાની જગ્યાએ બેઠાં બેઠાં જ માપે. કોઈકે આંખની બહુ જ નજીકથી માપવાનો પ્રયત્ન કર્યો તો કોઈકે પોતાનો હાથ શક્ય તેટલો શિક્ષક તરફ લંબાવીને માપવાનો પ્રયત્ન કર્યો.
શિક્ષકની નજીકમાં જેટલાં હતાં તેમાંથી કેટલાંકે શિક્ષકને એક ફૂટ જેટલા માપીને બાકીના શિક્ષકોની ઊંચાઈને ધારવાનો પ્રયત્ન કર્યો.
બધાંએ ચાર મિનિટ જેટલી આવી મથામણ કરી. વારાફરતી તેમની નજરે શિક્ષકની ઊંચાઈ કેટલી આવી અને ખરેખર માપપટ્ટીના આધારે કેટલી છે તે પૂછ્યું,
તો તેમાં 5 સેમીથી લઈને પાંચ ફૂટ સુધીનું વેરીએશન જોવા મળ્યું.
જેમણે માપપટ્ટીને પોતાની આંખથી બહુ જ નજીકમાં રાખી હતી તેમના માટે શિક્ષક એ ફૂટપટ્ટીમાંથી માત્ર 5 સેમી જેટલા જ દેખાયા.
શિક્ષકે તેમને જૂથમાં ચર્ચા કરવા માટે કહ્યું,
"હવે, વિચાર કરો કે આવું કેમ થયું હશે અને આવું ન થવા દેવું હોય તો આપણે શું કરવું પડે?"
તેઓ પોતપોતાના તારણો લઈને આવ્યા કે આપણી આંખ ક્યાં છે તેના આધારે તે વસ્તુનું માપન થઈ શકે છે. શિક્ષકે પૂછ્યું, "તો દરેક વખતે આપણી આંખને એ મુજબ જ કરવી
– એ શક્ય છે?" તેમનો જવાબ હતો,
"ના." બોર્ડ ઉપર કેટલાક રેખાખંડો દોર્યા અને એ રેખાખંડો પૈકી કયો રેખાખંડ સૌથી મોટો છે અને કયો રેખાખંડ સૌથી નાનો છે તે પૂછ્યું,
તો ફરી એ જ દૃષ્ટિભ્રમ થવાને કારણે તેમણે આપેલા જવાબો જુદા જુદા જ હતા.
હવે ટાસ્ક આપવામાં આવી,
"માપપટ્ટીને મૂક્યા વગર આ રેખાખંડો પૈકી સૌથી મોટો રેખાખંડ શોધી કાઢવો હોય તો તમારે શું કરવું પડે? તમે તમારા કંપાસના બીજા ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો."
બધાંએ કોણમાપકથી લઈને પેન્સિલ કે પેન લઈને વિચાર્યું.
એક જૂથ બે બાજુના અણિયાનો વિકલ્પ લઈને આવ્યો અને એ રીતે માપન માટેના એક ટૂલ તરીકે દ્વિભાજક કેવી રીતે ઉપયોગી છે તે તરફ અમે આગળ વધ્યાં.
આ સમગ્ર પ્રક્રિયામાં શિક્ષકે માત્ર
'દ્વિભાજક કોને કહેવાય અને તેનો ઉપયોગ શો છે' કહેવું હોત તો તે કહી દેવું ખૂબ જ સરળ જ હતું,
પરંતુ એ ત્રણચાર મિનિટમાં સમેટી દીધેલી બાબતને
15 મિનિટ જેટલો સમય આપવાથી બાળકોને તેઓ પોતે કેવી રીતે વિચારે છે – તે વિચાર કરવાનો સમય મળ્યો અને એ સિવાય જગતને જોવા માટેના તેમના જે પણ ખ્યાલો તેમની ભીતરમાં ખીલ્યા હશે તે તો ક્યારેક ઊગી નીકળશે ત્યારે ખબર પડશે!
શું કહો છો – આવા બીજા કયા એકમોમાં તેમને પોતાની વિચાર કરવાની રીત વિશે અવગત કરાવી શકાય?
No comments:
Post a Comment