December 28, 2022

"સંબંધ" નામની નદીના કિનારે !!!

"સંબંધ" નામની નદીના કિનારે !!!

જન્મથી મળતા સંબંધો એ સાહજિક રીતે મળતા લેબલ જેવા છે.  તે માટે વ્યક્તિએ ક્યાંય જવાનું / મળવાનું /ભળવાનું થતું નથી.  એ સંબંધ ઘણીવાર બંધ થઈ તૂટી જાય.  બીજા સંબંધ ક્યારેક તેના નામ સાથે/ ક્યારેક નામ વગર / ક્યારેક એક કરતાં વધુ નામ સાથે ખીલી ઉઠે છે. 

        રોજેરોજ શાળાના પ્રાંગણમાં શું થઈ રહ્યું છે? તેની શું અસરો  પડી રહી છે? -  એ જોવાની રીત આવા પગપાળા પર્યટનમાં સાંપડે. આ જગ્યાએ (શાળામાં)  પગ મુકતા પહેલા એકમેકને ઓળખતા ય નહોતા. જુદા ધર્મ/ જુદી જાતિએ/ જુદા ગામે / જુદા આર્થિક પરિવેશે/  જુદી સામાજિક સ્થિતિ / જુદી રહેણીકરણી/ જુદી ભાષા - આ બધું જ જે જુદું, જુદું, જુદું અને જુદું છે. એ જાણે મૈત્રીના એક દોરાથી પરોવાઇ અમારી માળા રચે છે.

        ચાલી ન શકે તેને ઊંચકી લેવાના, કાંટો વાગે તો કાઢી આપવોજોખમી પગલું માંડવા જાય તો અટકાવી દેવાના, ઉદાસ દેખાય હસાવી દેવાના, આવા તો કેટલાય જાદુ - આ જાદુગરોએ વિખર્યા !   

સાથે જમીએ, સાથે રમીએ, સાથે કરીએ સઘળા કામ” -  જાણે આખો દિવસ બેકગ્રાઉન્ડમાં વાગતું જ રહ્યું. એકબીજાના ખેતર જોવા, કેટલાયે તો બોરડી પહેલીવાર જોઈ -  તો બીજા એક એક્સપર્ટ બાગાયતી વૈજ્ઞાનિકની જેમ માહિતી આપે. રસ્તામાં આવતા માંચડા  ઉપર ચઢ-ઉતર કરી જોવાની, મોટા મધથી બચાવવા જંગલ કેડી એ જાણે કે ટ્રાફિક પોલીસ ઊગી  નીકળે.  પહેલામાંય ભણતાં ન હોય તેવાં  ટાબરીયાં  પગમાં અટવાય એના કરતાં તેડાગર ની સુવિધા પૂરી પાડી.

માતાના પ્રાંગણમાં ઊંડા શ્વાસ સાથેની પ્રાર્થના, વાર્તા- ગીતો - નૃત્યો -  ક્રિકેટ -  કબડી, ધૂળમાં ડુંગર ડુંગર -  મંદિર, આ રહ્યો વડ અને આ એના ટેટા સાંભળી પહેલા ધોરણના શિક્ષિકાને આખી વાર્તા કે જેમાં વાંદરાએ ફેરિયાને મારેલા એ એવું યાદ અપાવ્યાનો આનંદ, બારીમાંથી મહીસાગરની માપણી, છાનીમાની થતી જાહેર વાતોટોળે વળી સાથે નાસ્તો - ભોજન. મહીસાગરના પાણીમાં ખરેલું કંકુ ખેંચવું, પાણીમાં પડેલા તારાઓ વડે રચાતા નવા નક્ષત્રો અને અમારું નવું આકાશ ! 

વળતા સામૂહિક સંઘ કૂચ સમયમાં તમાકુ, રાયડો, પાંદડી, ઘઉંના પાક વિશે શિક્ષકોને શિક્ષિત કરવા, ગલૂડિયા રમાડવા, ઝાડની ડાળીએ વાંદરાની જેમ લટકવું અને ડમરો જોયા પછી એ છોડ તો શાળામાં જોઈએ - ની વાત લઈ શાળાએ પહોંચવું.  

એક સમયે આટલા આનંદને અમે ક્યાં ભરીએ ?

લ્યો ઉડાડ્યો આ  ગુલાલ - અમારા આ સંબંધોનો !  ચપટીક તમને ય લાગી જાય તો કહેજો.. 
















































































































































No comments: