હું સંદીપ
નવાનદીસર પ્રાથમિક શાળા પ્રમુખ..
જયારે હું પ્રમુખ બન્યો ત્યારે અમારી શાળાના કુલ 8 (આઠ) ભાગ પાડેલા હતા. મતલબ અમારું કેમ્પસ આઠ જૂથમાં વહેચાયેલું હતું.
શાળા આઠ ભાગમાં વહેચાયેલી હતી એટલે અમે આઠ શિક્ષકોના નામ વાળી આઠ ચિઠ્ઠીઓ બનાવી અને દરેક ધોરણનું બાળક આવે ચિઠ્ઠી ઉપાડે અને જે-તે ગ્રુપમાં બેસી જાય. આ સિસ્ટમ જૂની અને સરસ હતી પણ આમાં અમુક વખતે ભૂલ થઈ જતી. જેમ કે, અભ્યાસમાં આગળ બધા વિદ્યાર્થી એક જ ગ્રૂપમાં જતાં રહે તો અભ્યાસમાં ધીમા બીજા એક ગ્રૂપમાં ભેગા થઇ જતાં. કોઈક ચિત્ર દોરવાવાળા બધાં એક ગ્રૂપમાં જતાં રહે તો સાવ ધીમા એક ગ્રૂપમાં જતાં રહે ! આવી મુશ્કેલીઓ આવતી રહેતી. જેમાં એક ગ્રુપ ખૂબ આગળ રહેતું હતું, કોઈક ગ્રુપ સાવ પાછળ રહેતું !
પ્રમુખ બન્યા પછી મને એવો વિચાર આવ્યો કે હવે આઠના બદલે ચાર ગ્રુપો કરીએ. અમે મિત્રોએ મળીને વિચાર કર્યો કે આવું કરવું જોઈએ કે જેથી દરેક ગ્રુપ સમાન રહે. દરેક ગ્રુપના વ્યક્તિ બધા અલગ-અલગ હોય જેથી દરેક ગ્રુપ સ્પર્ધાઓ તથા અન્ય કાર્યક્રમોમાં આગળ રહે.
અમે ચાર ગ્રુપ બનાવવાનું વિચાર્યું પછી અમે નવાં પગલાં ભર્યાં. જેમ કે અભ્યાસ, ચિત્ર ,અક્ષર , કલા નેતૃત્વ અને સંગીત એમ ગુણ નક્કી કર્યા.અને એક અનિયમિત વિદ્યાર્થીઓનો વિભાગ પણ. હવે ધોરણ મુજબ વિદ્યાર્થીઓ વહેંચવાના શરૂ કર્યા જેમકે ધોરણ આઠમાં અભ્યાસમાં પ્રથમ નંબર હોય એ પહેલા જૂથમાં, દ્વિતીય નંબર હોય એ બીજા જૂથમાં, તૃતીય નંબર હોય તે ત્રીજા જૂથમાં અને ચોથા નંબરનું ચોથું જુથ. આમાં પણ જોયું કે છોકરા અને છોકરીનું પ્રમાણ પણ જળવાય ! જો અભ્યાસમાં પહેલા છોકરાઓનું નામ પહેલા જૂથમાં લખ્યું હોય તો ચોથા જૂથમાંથી અભ્યાસમાં પ્રથમ નંબર છોકરીનું નામ શરૂ કરવાનું પછી તેનાથી થોડી લો છોકરી ત્રીજા ગ્રુપમાં, તેનાથી લો બીજા ગ્રુપમાં અને તેનાથી લો પહેલા જૂથમાં. આમ અમે છોકરા છોકરીઓનો વર્ગ જુદો કર્યો જેથી સંતુલન જળવાઈ રહે.
આ રીતે અમે ધોરણ ત્રણથી આઠમાં આવાં ચાર ચાર ગ્રુપ કર્યાં. શાળાના જૂથ બનાવવામાં બેલેન્સ જાળવવા અમે ધોરણ આઠનું પહેલું ગ્રુપ હોય તેની સાથે ધોરણ સાતનું બીજું ગ્રુપ જોડ્યું. તેના પછી ધોરણ છનું ત્રીજું જૂથ…. એમ…..ગ્રુપની પણ સરખી વહેંચણી કરી જેથી દરેક ગ્રુપમાં સારા અભ્યાસવાળાં, સારા ચિત્રવાળાં, સારા અક્ષરવાળાં, નેતૃત્વ કરે એવાં સરખા ભાગે રહે. દરેક ગ્રુપમાં કોઈ ને કોઈ ખાસિયત હોય તેવાં બાળકો ચાર ગ્રુપમાં વહેંચાઈ જતાં હવે બધાં જૂથ સંતુલિત જણાતાં હતાં.
નામો વિશેની ચર્ચા મેં મિત્રો સાથે કરી. પહેલા ગ્રુપના નામ મહાકાલ, ભોલેનાથ, સુલતાન, ગ્રીનસીટી , કેજીએફ, સરદાર જેવા નામો અમે પસંદ કરતા હતા. વિકલ્પોમાં શોધતા એમને લાગ્યું કે આપણું શરીર અને બધું પંચમહાભૂતનું બનેલું છે એટલે આપણે આપણા ગ્રુપનું પણ પંચમહાભૂત પરથી નામ રાખીએ; જેમ કે અગ્નિ, જળ, વાયુ પૃથ્વી અને આકાશ આવાં નામો પસંદ કર્યા અને ચાર ગ્રુપના નામ હમણાં બાજુમાં મૂકી આકાશ ગ્રુપ પાંચમું વધ્યું તે ને અમે પ્રમુખ-ઉપપ્રમુખ, શિક્ષકો અને ધોરણ-૧ અને ધોરણ-૨ ના બાળકો એ આકાશ ગ્રુપમાં રહ્યા.
હવે સમય હતો કે લીડર અને ઉપલીડરની ચૂંટણી કરાવવી. જેમાં અમે પ્રમુખ-ઉપપ્રમુખે એવું કર્યું કે જેને લીડરમાં ઊભા રહેવું હોય તેને ફોર્મ ભરવું પડશે અને તે ફોર્મમાં ત્રણથી આઠનાં વધુમાં વધુ પોતાના ગ્રુપના છ ટેકેદાર અને ઓછામાં ઓછા ચાર ટેકેદાર પોતાના ગ્રુપમાંથી અલગ અલગ ધોરણના જોઈશે, ત્યારે તમારું ફોર્મ લેવામાં આવશે. આવું કર્યું જેથી લીડર બનતાં પહેલાં સૌનો સહકાર લેવો પડે. તેવું ફોર્મેટ બનાવીને આપ્યું અને દરેક લીડર ઉપલીડરના ઉમેદવારે ફોર્મ ભર્યું અને રસાકસીથી ચૂંટણી થઈ અને કોઈ એક-બે વોટ માટે હાર્યા.
આ વખતે અમે ચૂંટણીમાં પણ એ નિયમ તો રાખ્યો જ હતો કે જો લીડર છોકરી હોય તો વાઇસ લીડર છોકરો અને છોકરો લીડર હોય તો વાઇસ લીડર છોકરી ! આ મુજબ બનેલા ગ્રુપ હવે શાળા સંચાલન અને વર્ગમાં શૈક્ષણિક કાર્યોમાં જૂથ તરીકે ભાગ લેશે. આમાં તમને બીજા કોઈ ઉપાય મળતા હોય તો જણાવજો.
~ સંદીપ નવા નદીસર,
પ્રમુખ નવા નદીસર પ્રાથમિક શાળા
No comments:
Post a Comment