October 28, 2022

સ્વતંત્રતા, પ્રેમ અને પરિવર્તન !!


સ્વતંત્રતા, પ્રેમ અને પરિવર્તન !!

જીદ્દુ કૃષ્ણમૂર્તિ વારંવાર કહેતા કે શિક્ષણનો હેતુ સ્વતંત્રતા, પ્રેમ અને સમાજનું સંપૂર્ણ પરિવર્તન લાવવાનો છે. તેમનાં લખાણો અને પ્રવચનોનો વિષય સ્વતંત્રતાનો હતો અને કૃષ્ણમૂર્તિ માટે સ્વતંત્રતા રાજકીય કરતાં ચારિત્ર્યની વધુ હતી. તેમના મતે વ્યક્તિની માનસિક  અને ભાવનાની ઊંડી સ્વતંત્રતા, આંતરિક મુક્તિ તે શિક્ષણના માધ્યમ અને અંત બંને છે. કૃષ્ણમૂર્તિને લાગતું કે માત્ર વ્યક્તિના સ્વભાવ અને ઊંડા પાસાઓને ઉજાગર કરવા માટેના આ પ્રયત્નો  નથી, પરંતુ દરેક વ્યક્તિ પાસે એક અનન્ય વ્યવસાય પણ છે, જેને શોધવાની જરૂર છેતેઓ ખરેખર જે કરવાનું પસંદ કરે છે તે શોધવું અને  તે મુજબ કરવાનો મોકો મળવો જોઈએ. એ સિવાય બીજું કંઈપણ કરવું એ સૌથી ખરાબ પ્રકારની વંચિતતા છે. ખાસ કરીને જો આવી વંચિતતા નાણાકીય અથવા વ્યાવસાયિક સફળતા અથવા આવી અન્ય સામાજિક-સાંસ્કૃતિક આકાંક્ષાઓને અનુસરવા માટે હોય.

                કૃષ્ણમૂર્તિ વિશે વાંચવાનું તો પછી થયું, પરંતુ શાળામાં જેમ સમસ્યાઓ આવતી ગઈ તેમ તેના ઉકેલ રૂપે જે પણ કરતા ગયા તે આ અથવા આવું કંઈક છે એવું 'હવે' અમને લાગે છે. જેમકે 2007માં શરૂ કરેલી અને  શાળાની કડીરૂપ પ્રવૃત્તિ એટલે નાગરિક ઘડતરજેને હવે રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદ તરીકે અમલમાં મૂકવાની છે. નાગરિક ઘડતર વિશે તેની બાહ્ય બાબતો સાવ સામાન્ય છે. જેમ કે  :

👉 ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ પોતાનાં જૂથ બનાવે.

👉 દરેક જૂથને પંદર દિવસ માટે શાળાની જુદી જુદી  જવાબદારીઓ ઉપાડવાની થાય.

👉 15 દિવસ પછી સંસદમાં દરેક જૂથ પોતાની કામગીરી વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકો સમક્ષ રજૂઆત કરે. તેમાં જે તે જૂથ ક્ષતિઓની સાથે સાથે એ પંદર દિવસમાં શાળામાં થયેલી સારી-નરસી બાબતોની ચર્ચા થાય

👉 દરેક જૂથ મતદાન કરીને ગત 15 દિવસ માટેનું શ્રેષ્ઠ કામગીરી કરનાર જૂથ પસંદ કરે.

  બાહ્ય બાબતો આટલી જ છે. જેના વિશે આ વિડિયો તેમજ આ જૂની બ્લોગની પોસ્ટ વડે પણ સમજી શકાશે.  આ સમગ્ર પ્રવૃત્તિથી અમને પણ ન સમજાય એ રીતે - જેમ કળીમાંથી ફૂલ બને એવી રીતે શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ કરતા થઈ ગયા છે. તેઓ જાતે પોતાના વિશે, પોતાના જૂથ વિશે અને શાળા વિશે નિર્ણયો લેતા થઈ ગયા છે. હવે માત્ર મને ગમે છે અથવા તો અત્યારે મને અનુકૂળ લાગે છે એટલે આ કામ કરવું, એના કરતાં - .

😍 શાળાના હિતમાં શું છે?

😍 મારા સાથીદારના હિતમાં શું છે?

😍 અમારા જૂથને મારી શું જરૂર છે?

😍 આ કામ કરવા માટે શું આયોજન કરવું પડશે?

😍 મારે કોની કોની મદદ લેવી પડશે?

 😍 કઈ કઈ વસ્તુની જરૂર પડશે?

આવી ઘણી બાબતો વિશે વિચાર કરી કરી નિર્ણયોનું વલોણું વલોવી વલોવી ઘડાઈ રહ્યા છેઅલબત્ત એ પણ સ્વીકારવું જોઈએ કે શિક્ષકો તરીકે અમારું પણ ઘડતર થઈ રહ્યું છે. તેમને જુદાં જુદાં કામ કરતા જોઈ અમે અમારામાં રહેલા ક્રિએટિવ પાર્ટને સજીવન રાખી શક્યા છીએ. તેઓ આવાં કાર્યો એવી સહજતાથી કરે છે કે લાગે અમારે તેમની પાસેથી વધુ શીખવાનું છે. જેવાં કે

👍 શાળામાં આવતા પરિપત્રો વાંચી તેનો અમલ કરવા માટેનું આયોજન લખવું

👍 દરેક જૂથમાં લીડર અને ઉપલીડર સાથે તેની ચર્ચા કરવી.

👍 સમૂહ સભામાં તેની જાહેરાત કરવી. શિક્ષકને શક્તિઓને અનુરૂપ જુદા જુદા પ્રકારની કામગીરી સોંપવી.

👍 શિક્ષક વડે લખાયેલી દૈનિક નોંધપોથીમાં આજે તેઓ શું શીખવવાના છેકેવી રીતે શીખવાના છેકઈ અધ્યયન નિષ્પત્તિઓ છેકેટલું ગૃહકાર્ય આપવાના છેકેટલી મિનિટનું ગૃહકાર્ય આપવાના છે?

- એવી વિગતો ચકાસવી. શાળામાં સમયસર પ્રાર્થના સંમેલન કરાવો મધ્યાહ્ન ભોજન કરાવવું. શાળાના દરેકે દરેક વિદ્યાર્થીને ઉભરવાનો મોકો મળે તે માટે સતત બદલાવ કરતા રહેવું. સત્રના અંતે વ્યક્તિત્વ વિકાસના જુદાં જુદાં વિધાનોનું (પ્રાર્થનામાં નિયમિત આવે છે, સાથી મિત્રોને મદદ કરે છે.. )  પોતાના જૂથમાં બેસી મૂલ્યાંકન કરવુંતે વખતે સતત ચર્ચા કરીને સૌને એ અનુભવ કરાવવો કે તેને મળેલા ગુણ એ યોગ્ય જ છે.

આ બધું જ તેઓ જાતે કરતા થયા છે. સૌથી વધુ આનંદ તો ત્યારે આવે કે જ્યારે શાળાએ આવેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી , બીજી શાળાના  શિક્ષકોની ટીમ કે પછી અન્ય શાળામાંથી મુલાકાતે આવેલાં બાળકો હોય, તેઓ શાળા વિશે અમારા કરતાં પણ વધુ સારી રીતે તેમની સમક્ષ શાળા સંચાલનની વાત મૂકી શકે છે.  બાળકો પોતે શીખવા વિશે પણ હવે સજાગ બન્યાં છેતેમની વચ્ચે ..

💁 શું શીખવાનું છે?

💁 કોની પાસેથી શીખવાનું છે?

💁 કેવી રીતે શીખવાનું છે?

એવી બાબતોની ચર્ચા પણ થતી રહે છે. પંખામાં આવી ગયેલી ચકલી માટે ખાડો ખોદી તેને  દફન કર્યા પછી તેની ઉપર ફૂલ ચઢાવીએ કે નહીં તેના વિશે પણ તેઓ ચર્ચા કરે છે. કારણ કે જો ફૂલ તોડીએ તો નિયમનો ભંગ થાય છે અને ગ્રૂપના પોઈન્ટ માઇનસ થાય છે, તો સામે પક્ષે આપણા જ પંખામાં આવીને ચકલીનો જીવ જાય તેને માટે આપણે શાળા બાગમાંથી ફૂલ પણ અર્પણ નથી કરી શકતા? આવી તેમની વચ્ચે થતી ચર્ચા અમારા સૌની આંખોમાં જીવન ભરી દેતી હોય છે.

નાગરિક ઘડતરમાં સૌથી વધુ જો ધ્યાન રખાયું હોય તો જે કૃષ્ણમૂર્તિ કહ્યું છે તેમ બાળકોની સ્વતંત્રતાનું છે! એમને એમનું પોતાનું મૂલ્યાંકન કરવા માટેનું પ્લેટફોર્મ પણ આ પ્રવૃત્તિ દ્વારા  મળતું થયું છે. આખું સત્ર શાળામાં  – બાળકબાળક સાથે જીવે છે, મિત્રના રોલમાં મિત્ર સાથે રમે છે. સાથીના રોલમાં સાથી સાથે મળી જૂથમાં સોંપાયેલ કામ કરે છે. વિદ્યાર્થીના  રોલમાં પોતે શીખે છે અને ગ્રૂપમાં સૌને શીખવામાં મદદ કરે છે. ત્યારે આપણા કરતાં પણ વધુ તેઓ એકબીજાને ઓળખતાં હોય તે સ્વાભાવિક છે. આવામાં એક- બીજાનું મૂલ્યાંકન પણ તેઓ વધુ સારી રીતે કરતાં અને મૂલ્યાંકનનું મહત્ત્વ સમજતાં થયાં છે.

આ બધું વાંચ્યા પછી, અરે ! આ શાળાએ બાળકોને કેટલી બધી સ્વતંત્રતા આપી છે ! એવો અમારા પ્રત્યેનો અહોભાવ જો પેદા થયો હોય તો તે હમણાં જ કાઢી નાખજો. કારણ કે અમારું માનવું છે કેસ્વતંત્ર દેશમાં આપણા સૌની જેમ બાળકો પણ સ્વતંત્ર જ છે.

આવોશાળામાં આવે તે સૌને પુસ્તક વચ્ચેનાં  કેટલાંક પાનાંઓના જ્ઞાનની સાથે સાથે ઉદ્દાત જીવનના પ્રયોગો કરવાની અને તેમાંથી શીખવાની તક મળતી રહે તેવી શાળાઓ બનાવીએ

વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં પોતાના ગ્રૂપના બાળકોનું મૂલ્યાંકન કરતાં લીડર 












ગ્રૂપના લીડરનું મૂલ્યાંકન કરતાં શાળા પ્રમુખ અને ઉપપ્રમુખ 

  

October 01, 2022

સંયુક્ત કુટુંબજીવન - સમૂહ જીવન - શાળા જીવન ! [ નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ ]

સંયુક્ત કુટુંબજીવન- સમૂહ જીવન- શાળા જીવન !

નવરાત્રી મહોત્સવ - ૨૦૨૨  🙏


રોજિંદા સમાજ જીવનમાં તહેવાર એ માનવજીવનમાં નવો જોશજુસ્સો ઉમેરવાનું કામ કરે છે. સામાજિક તહેવાર  વર્ષ દરમ્યાન આવતા એવા માઈલસ્ટોન સાબિત થતા હોય છે કે જે બગડેલા સામાજિક સંબંધોને પાટા પર લાવવાનું કામ કરતા હોય છે. તો ધાર્મિક તહેવારો ધર્મ પ્રત્યેની આસ્થાને પાકી કરવાની અને અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ દ્વારા એજબીજાને જાણવાની પળ હોય છે. એવી જ રીતે રાષ્ટ્ર પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા રાષ્ટ્રીય તહેવારો હોય છે. સંસ્કૃતિને યાદ કરી આવનાર ભવિષ્યના આયોજનની શીખ મેળવવા માટે સાંસ્કૃતિક તહેવારો ઉજવાય છે. તો કેટલીક જગ્યાએ તે માટે મેળા ભરાતા હોય છેગામમાં રહેતા અલગ અલગ જ્ઞાતિ-જાતિ અને પ્રદેશના ગ્રામજનો સૌ સાથે મળી ઉજવી શકે તે માટે નવાનદીસર ગામથી ગ્રામોત્સવની ઉજવણી શરૂ થઈ. આમ તહેવારો હંમેશાં લોકોને એકબીજા સાથે જોડવાનું અને આનંદ આપવાનું કામ કરે છે.

બાળકો સમાજ અને શાળા બહારના પર્યાવરણમાંથી શિક્ષણ મેળવતાં રહે છે તો, શાળાનું કામ શું છે? એવા પ્રશ્નના જવાબમાં અમે પણ એ જ કહીએ છીએ કે શાળાનું કામ તહેવાર જેવું હોય છે. જેમ તહેવાર  - સમાજના સૌ લોકોને જોડે છે, જોડવાની સાથે સાથે સમૂહમાં જીવતાં શીખવે છે. તે માટેના પાયાનું કામ શાળા કરતી હોય છે. શાળામાં અને  તહેવારો જેવું પણ સમયાંતરે આવા જે કામ તહેવાર સમાજ માટે કરે છે તે જ કામ શાળા બાળકો માટે કરતી હોય છે. એટલે કે શાળા અપાતા શિક્ષણનો મતલબ  ફક્ત પાઠ્યપુસ્તક પૂરતો સિમિત નથી. શાળાકીય જીવનમાં બાળકોમાં વિકસતા વ્યક્તિત્વ વિકાસના ગુણોમાં સામૂહિક જીવનના પાઠ એ બાય પ્રોડક્ટ હોય છે. સમૂહમાં વર્તવું કેવી રીતે? સામૂહિક નિર્ણયોમાં આપણી ભાગીદારી અને ફરજોઆ બધી બાબતો બાળક શાળાકીય જીવન દરમ્યાન સમૂહમાં રહીને નાગરિક ઘડતર જેવી પ્રવૃત્તિઓ વડે શિખતો હોય છે. સમૂહ જીવનનું વર્તન અથવા તો સમૂહકાર્ય સમયે બાળકનો સ્વભાવ તેના શાળાકીય જીવન આધારિત ઘડાતો હોય છે. એટલે જ તો સંયુક્ત કુટુંબમાં ઉછરેલા બાળકો લાગણીશીલ  - સહનશીલ અને આત્મવિશ્વાસું અને સાહસિક હોય છે. શાળા બાળકો માટે આવા સંયુક્ત કુટુંબની પણ ગરજ સારતી હોય છે.

શાળામાં ઉજવાતા તહેવારો વડે બાળકોને સમૂહમાં સાથે લાવવાનું કામ બખૂબી થતું. તે પછી રાષ્ટ્રીય તહેવાર હોય કે સામાજિક કે ધાર્મિક ! આવું જ વાતાવરણ જ્યારે શાળામાં ત્યારે નિર્માણ પામ્યું જ્યારે શાળામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું. મારો મિત્ર મારા ગામનો નથી, અથવા તો આ તો પેલા ફળિયાની છે અથવા તો આપણા મનમાં ઉદ્ભવતી ભેદરેખાઓ પૈકી એકપણ તેઓનામાં ન દેખાઈ ! સાહેબ, મારી બહેનપણીઓ સાથેનો ફોટો પાડયો તે મારી મમ્મીના મોબાઇલમાં મોકલજો. તેમાં બધાનાં ગામ અને ફળિયાં અલગ અલગ છતાં સૌ બહેનપાણીઓ સાથે અને સમૂહમાં આનંદ લઈ રહ્યાં છે ! એકબીજાની પાક્કી બહેનપણી બનવાનું નિમિત્ત પણ શાળા છે તેનું અમને ગૌરવ છે. આપણા મગજમાં ભેદ રેખાઓ ડોકાઈ આવે તે સ્વાભાવિક છે કારણ કે આપણે પરિપક્વ બની એવા સામાજિક જીવનમાં જોડાઈ ગયાં છીએ જ્યાં આપણને આવા ભેદ જોવા મળી રહ્યા છે. પરંતુ બાળકોનું તો અત્યારે શાળાકીય જીવન છે. એટલે તેઓના માનસ પટમાં આવા ભેદની કોઈ લકીર નથી. શાળાકીય જીવન દરમ્યાન જો આવી ઉજવણીઓ અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાથોસાથ રહેવાની જરૂરિયાત વારંવાર ઊભી કરીએ તો ભેદભાવ વિના સમૂહમાં રહેવું , સમૂહમાં જીવવું એ સ્વભાવ બનતાં વાર નહીં લાગે. સ્વભાવ વડે જ જીવનશૈલી બનતી હોય છે. માટે ભવિષ્યના ભેદભાવ વિનાના સમાજ નિર્માણની અપેક્ષા માટે પણ આજથી અને આવી ઉજવણીઓ સાથેના પ્રયત્નો વડે લાગી પડવું પડશે. ચાલો નવરાત્રિના આ ફોટા અમારા આ માટેના પ્રયત્નોના દસ્તાવેજ છે તો દિવાળી પર શાળાને દીપોત્સવ વડે શણગારતી ટીમના ફોટોગ્રાફ એ ભેદરહિત સમાજ નિર્માણમાં સર કરેલ પ્રથમ પગથિયા સમાન છે.

તેઓ ફક્ત પ્રકાશિત દીવડાઓ નથી, ગામ/શાળાની દીવાદાંડી પણ છે. તો આવો અમારા આંગણે આ ફોટોગ્રાફ્સ દ્વારા, અમારી લાગણીઓને ચાખવા.















વિડીયો -:  નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ 


દિવાળીમાં શાળાને  શણગારતી ટીમ નવાનદીસર